20-November-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વાસણ માંજીને દેશનું નામ ઉજાળ્યું

પ્રાસંગિક-અનંત મામતોરાયસ, સાઉથ કોરિયામાં રમાયેલ સ્પેશિયલ ઓલિમ્પિકની આઇસ સ્કેટિંગ સ્પર્ધામાં એકલે હાથે સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર અને જોડીમાં રમતા રજતચંદ્રક પ્રાપ્ત કરનાર દિલ્હીનો રાજકુમાર તિવારી માત્ર નામથી જ રાજકુમાર છે બાકી તો અમેરિકાની કેલિફોર્નિયામાં આવેલી ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં તમને તેનો વાસણ ધોતો ફોટો જોવા અવશ્ય મળશે.

વાત જ કંઇક એવી હતી. અમેરિકામાં એ ફિગર સ્કેટિંગ નામનો જે સર્ટિફિકેટ કોર્સ કરી રહ્યો હતો એ કોર્સ આ રમતમાં ઉપલા સ્તરે પહોંચવા અત્યંત જરૂરી હતો. તેમાં જે નાણાં ખર્ચાયા (ભારતીય ચલણ પ્રમાણે ૧૨ લાખ રૂપિયા) તે આ વાસણ સાફ કરવાથી મળેલા મહેનતાણામાંથી જ ભરપાઇ થયા હતાં.

માનસિક અક્ષમ એવા દોડવીરો માટે યોજાતી આ સ્પેશિયલ ઓલિમ્પિકનું આયોજન પણ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી દ્વારા જ થાય છે એટલે તેનું મહત્ત્વ કંઇ ઓછુ ન આંકી શકાય, પણ ૨૦૧૪થી દિલ્હીના એક વર્તમાનપત્ર વિક્રેતાના આ દીકરાએ દિમાગને લગતી અનેક સારવાર બાદ હવે નોર્મલ ઓલિમ્પિક સ્પર્ધાઓમાં ઝંપલાવવા માટે કમર, એમ કહોને કે મગજ કસ્યું છે.

ભૂતકાળમાં દિલ્હીની ગલીઓમાં વર્તમાનપત્રો અને ઇમિટેશન જ્વેલરી વેચી ચૂકેલા રાજકુમાર માટે દિલ્હી હજુ ખાસ્સુ દૂર છે. પૂરતા ફંડના અભાવે આ સ્કેટિંગ વીર ઓસ્ટ્રિયા અને ટર્કીમાં રમાતી બે મહત્ત્વની આંતરરાષ્ટ્રીય મેચો ગુમાવી ચૂક્યો છે. આગામી પાંચ ચેમ્પિયનશિપ મેચો જે ચીન, કેનેડા, ક્રોયેશિયા, જર્મની અને અમેરિકામાં રમાવાની છે તે પણ ચૂકી જાય એવી પૂરેપૂરી શક્યતાઓ છે, કારણ કે આ બધી હરીફાઇઓમાં ભાગ લેવામાં સહેજે ૧૬થી ૧૮ લાખનો ખર્ચો થઇ જાય એમ છે.

આ બધી હરીફાઇઓ આગામી વર્લ્ડ ચેમ્પિયનશિપ જે મોન્ટ્રિયલ, કેનેડામાં યોજાવાની છે તેમાં ક્વોલિફાય થવા માટે અતિ મહત્ત્વની છે. કેનેડાની આ મેચમાં રમ્યા પછી જ ચીનના બીજિંગમાં ૨૦૨૨માં રમાનારી વર્લ્ડ વિન્ટર ગેમમાં તેના માટે દરવાજા ખુલી શકે એમ છે.

જોકે, હવે હાલના સ્પોર્ટ્સ મિનિસ્ટર કિરણ રીજિજૂ ખરેખર રાજકુમાર માટે એક આશાનું કિરણ બનીને આવ્યા છે. તેમને જેવી આ ૨૮ વર્ષના રાજકુમારના ઓલિમ્પિક પ્રવેશ અંગેના સંઘર્ષની ખબર પડી છે, તેમણે રાજકુમારને તમામ પ્રકારની સહાય માટે વચન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે,‘હું આ યુવાનને ચોક્કસ મળીશ અને તેને જે પણ નાણાંકીય સમસ્યા છે એ હલ કરીશ. તેને જે જરૂરિયાત હશે એ સ્પોર્ટ્સ મંત્રાલય તરફથી પૂરી પાડવામાં આવશે.’

અમેરિકામાં વાસણ સાફ કરીને સ્કેટિંગનું સર્ટિફિકેટ પ્રાપ્ ત કરનાર રાજકુમાર આજકાલ રોજ એનસીઆર(નેશનલ કેપિટલ રિજન)માં આવેલા એક માત્ર આઇસ સ્કેટિંગ યુનિટમાં સઘન તાલીમ લેવા રોજ દિલ્હીથી ગુરુગ્રામની અવરજવર કરી રહ્યો છે. જોકે, અહીં તાલીમ લેવા માટે આપવી પડતી ફી પણ હવે તેને ભારે પડી રહી છે.

રાજકુમાર કહે છે કે ‘મારે અઠવાડિયાના ઘણા દિવસો ગાપચી મારવી પડે છે, કારણ કે મૉલમાં આવેલા આ યુનિટમાં પ્રેક્ટિસ કરવા રોજના પાંચસો અને શનિવાર- રવિવારે સાતસો રૂપિયા ચૂકવવા પડે છે. જે દરરોજ આપી શકું એટલું હું કમાતો નથી. વળી, પૂરતા પોઇન્ટ્સ એકઠાં કરવા અને વિશ્ર્વ ચેમ્પિયનશિપ સ્પર્ધામાં રમવા માટે ક્વોલિફાય થવા મારે આગામી કેટલીક ચેમ્પિયનશિપ સ્પર્ધાઓમાં રમવું ઘણું જરૂરી છે. આ બાબતે સરકારની તાત્કાલિક નાણાંકીય મદદની ઘણી જ જરૂર છે.’

રાજકુમારને તેના ભાઇ મંજેશ માટે પણ ઘણી ચિંતા થાય છે. તે પણ જુનિયર શ્રેણીમાં ઘણો જ હોશિયાર ‘ફિગર સ્કેટર’ છે. લેખની શરૂઆતમાં જણાવેલ પાંચે પાંચ દેશોમાં રમાનાર મેચોમાં રાજકુમારની જેમ મંજેશને પણ આમંત્રણ મળ્યું છે. મંજેશે પણ ગયા મહિને મેલબોર્નમાં રમાયેલી એક મેચમાં કાંસ્યચંદ્રક્ મળ્યો છે. આ બન્ને ભાઇઓને આગામી સ્પર્ધાઓમાં રમવા જવા માટે ફંડની ખૂબ જરૂર છે. તેમની ઘરની બચત પણ બધી તાલીમ માટે જ વપરાઇ રહી છે. હાલમાં જે ફંડીંગ બહારથી મળી રહ્યું છે તે પણ પૂરતું નથી એવા સંજોગોમાં સરકારી નાણાં સહાયના ઊજળા સંજોગો તેમને શક્ય એટલા જલદી પ્રાપ્ત થાય એવી શુભેચ્છા.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

4600C87h
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com