20-November-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
માનવ તો પીડા જ આપે, પણ જો કોઈ પીડા હરે તો એ માધવ જ હોય

મા ફલેષુ કદાચન-અંકિત દેસાઈ(ગયા અંકથી ચાલુ)

બાણશૈયા પર સૂતેલા દેવવ્રત ક્યાંય સુધી આંખો બંધ કરીને પડ્યા રહ્યા. સેંકડો બાણ શરીરની આરપાર થઈ ગયા હતા, ઊંડા ઉઝરડા પરનું લોહી જામીને ઘટ્ટ થઈ ગયું હતું અને કેટલાક ઘામાંથી હજુ લોહી નીંગળતું હતું, પરંતુ પિતામહના શરીરને લેશમાત્ર યાતના નહોતી થતી. બાણની આ શૈયા અને હસ્તીનાપુરના મહેલની મુલાયમ શૈયાનો અનુભવ તેમને એકસરખો લાગતો હતો. દેવવ્રત સમજી ગયા કે આ ચમત્કાર બીજા કોઈનો નહીં, ખુદ માધવનો છે. પૃથ્વી પરની આ સુદીર્ધ યાત્રા પછી દેવવ્રત એ સુપેરે સમજી ગયા હતા કે માનવ તો પીડા જ આપે, પણ જો કોઈ પીડા હરે તો એ માધવ જ હોય.

આ વિચાર આવતા જ તેમના ચહેરા પર સ્મિત રમી ગયું. તેઓ સ્વગત બોલ્યા, ‘માધવ... મારી જ નહીં, આ હસ્તીનાપુરની, આ યુગ આખાની પીડા હરો માધવ’.

બાણશૈયા પર સૂઈને હજુ ઝાઝો સમય નહોતો થયો, પરંતુ સમયના એક નાનકડા ટુકડામાં દીર્ધ ભૂતકાળ ઝંઝાવાતની જેમ દેવવ્રતની આંખોમાંથી પસાર થઈ ગયો હતો. પિતા શાંતનુ પાસેથી મા ગંગાનું ચાલી નીકળવું, શરૂઆતમાં પિતા વિના તેમનો ઉછેર થવો, પછી હસ્તીનાપુર પાછા ફરવું, પિતાનું માછીમારની દીકરી સત્યવતી સાથે પ્રેમમાં પડવું, સત્યવતીના પિતા દ્વારા આકરી શરતો મુકાવી અને પછી પોતે આજીવન બ્રહ્મચર્ય પાળવાની પોતાની પ્રતિજ્ઞા લેવી કેટકેટલું સ્મૃતિપટ પરથી પસાર થઈ રહ્યું હતું.

એ પ્રતિજ્ઞા પછી જ તો દેવવ્રતને ભીષ્મ નામ પણ મળ્યું હતું, પરંતુ દેવવ્રતને આજે એ અહેસાસ થાય છે કે ભીષ્મ એ માત્ર નામ કે વિશેષણ નહીં, પરંતુ હસ્તીનાપુર અને કુરુવંશના જતન માટે ઊભું કરાયેલું એક પદ પણ હતું, જે પદની આસપાસ માત્ર ગરિમાઓ હતી, સામેનાની અપેક્ષાઓ હતી, અઢળક જવાબદારીઓ હતી અને અનેક બંધનો હતાં.

વિચારોના ઝંઝાવાત વચ્ચે દેવવ્રતની આંખોની આગળ શિખંડીનો ચહેરો ઝબકી ગયો. આજે સમરભૂમિમાં જ્યારે શિખંડી તેમના પર બાણ ચલાવતો હતો ત્યારે તેની આંખોમાં ક્યારેક આક્રોશ તો ક્યારેક સંતોષ નજરે ચઢતા હતા. દેવવ્રતે શિખંડીના આક્રોશ અને સંતોષ બંનેનો ખેલદિલીથી સ્વીકાર કર્યો હતો.

આગલા જન્મે શિખંડી સાથે જે બન્યું હતું એનો દેવવ્રતને પણ ભારોભાર વસવસો હતો. તેમને જ્યારે અંબાના અગ્નિસ્નાનના સમાચાર મળેલા ત્યારે તેઓ પણ અત્યંત શોક પામ્યા હતા. પણ અંબાને દેવવ્રતના શોક વિશે નહોતી ખબર. તેને તો એમ જ હતું કે દેવવ્રતે તેનો દ્રોહ કર્યો છે અને હવે કોઈ પણ ભોગે તેણે દેવવ્રતનો પ્રતિશોધ લેવો હતો.

દેવવ્રતને થયું દૂત પાસે સંદેશો મોકલીને આજે તેઓ શિખંડીને તેમની પાસે બોલાવીને એકવાર મળી લે. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આજે શિખંડીનો પ્રતિશોધ પૂરો થઈ ગયો છે ત્યારે તેની સાથે થોડી વાતો કરી લેવાની તેમને ઈચ્છા થઈ. સાથે જ તેમને એમ પણ કહી દેવાનું મન થયું કે મહાભારતના આ યુદ્ધના મંડાણનું એક મહત્ત્વનું કારણ તું પણ હતો. આખરે પ્રતિશોધની તારી પ્રતિજ્ઞા જ કારણભૂત છે આ બધા પાછળ. દેવવ્રતને એ દિવસ યાદ આવી ગયો જ્યારે પોતાના સાવકા ભાઈ વિચિત્રવિર્યના લગ્ન માટે તેમણે કાશી સાથે યુદ્ધ છેડેલું. દેવવ્રત તો કાશી નરેશની ત્રણ ક્ધયાઓના સ્વયંવરમાં ગયેલા. પણ સ્વયંવરમાં થયેલા તેમના ઉપહાસને કારણે તેમણે કાશી અને કાશીના સ્વયંવરમાં આવેલા રજાઓ સાથે યુદ્ધ છેડી દીધેલું.

ત્યારેય ધરતી પર એવો કોઈ વીર નહોતો, જે દેવવ્રત સામે ટકી શકે. દેવવ્રતનો જે ઉપહાસ કરે એના માટે મૃત્યુ એકમાત્ર વિકલ્પ હતો એ ભારતવર્ષમાં સૌ કોઈ જાણતું હતું. પણ વિનાશકાળે કોની બુદ્ધિ વિપરિત નથી થઈ? એટલે જ તો દેવવ્રત જ્યારે તેમના ભાઈ માટે ક્ધયાનો હાથ માગવા ગયેલા ત્યારે સ્વયંવરમાં હાજર રહેલા રાજાઓએ તેમના પર ખિખિયાટા કાઢેલા.

‘આ ઉંમરે ગંગાપુત્રને શું સૂઝ્યું? હવે સ્વયંવરમાં આવવાની શું જરૂર પડી?’

‘લાગે છે દેવવ્રત બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા વિસરી ગયા છે.’

‘ધરતી પર જન્મેલો કયો પુરૂષ વાસનાઓથી અને ઈન્દ્રિયોના ભોગથી અલિપ્ત રહી શક્યો છે કે દેવવ્રત એમાંથી બાકાત રહે?’

કાશીનરેશના મહેલમાં એ દિવસે દેવવ્રત વિશે જાતજાતનું બોલાયેલું. કેટલાક તો એટલા માટે બોલતા હતા કે દેવવ્રત જેવો યોદ્ધો સામે ચાલીને પાંજરામાં પુરાયો છે તો ચાલો એને ખરીખોટી સંભળાવીએ, પરંતુ તેમને ક્યાં ખબર હતી કે દેવવ્રત બ્રહ્મચર્ય બાબતે અફર હતા.

પોતાની સાથે થયેલા આવા વર્તનથી દેવવ્રત ધૂંધવાઈ ઊઠેલા. તેમને સૌથી વધુ આક્રોશ ત્યારે આવેલો જ્યારે કાશીનરેશે સ્વયંવરના યજમાન હોવા છતાં દેવવ્રતનું આ અપમાન થવા દીધું. આખરે એ જવાબદારી યજમાનની હતી કે હસ્તીનાપુરથી તેમના ભાઈ માટે ક્ધયા શોધવા આવેલા આ પ્રતાપી પુરૂષનું માન અને ગરિમા જળવાય.

પણ એવું કશું ન થયું. એટલે દેવવ્રતે ક્રોધિત થયા અને તેમણે કાશીનરેશની ત્રણ ક્ધયાઓ અંબા, અંબિકા અને અંબાલિકાનું હરણ કર્યું. આમ તો એ યુગમાં ક્ષત્રિઓ દ્વારા થતા સ્ત્રીઓનાં હરણ કંઈક અંશે સ્વીકાર્ય હતા, પરંતુ દેવવ્રત એના પ્રખર વિરોધી હતા. પુરૂષની લડાઈ જો પુરૂષ સાથે હોય તો વેર સ્ત્રીઓના માધ્યમથી શું કામ વાળવું એવું તેઓ સ્પષ્ટપણે માનતા. એટલે જ તો તેમણે સ્ત્રીઓની સામે હથિયાર ન ઉપાડવાનું પણ પ્રણ લીધેલું, પરંતુ કાશીનાં રાજભવનમાં યોજાયેલા એ સ્વયંવરમાં દેવવ્રતે તેમના સ્વભાવથી વિરુદ્ધ વર્તવું પડ્યું. કુરુકુળની વહુ બનાવવા માટે જે દીકરીનો હાથ માગવા આવ્યા હતા એમનું જ હરણ કરવું પડ્યું.

‘બોલો છે કોઈ મરદનો બચ્ચો? જે આ ત્રણ ક્ધયાઓનો છુટકારો કરાવી શકે? તાકાત હોય તો હવે મારી સાથે યુદ્ધ કરો’

દેવવ્રત અષાઢના મેઘની જેમ ગર્જ્યા હતા અને પછી જે સામે આવ્યું તેનો કચ્ચરઘાણ કાઢીને હસ્તીનાપુર તરફ રથ હાંકી મૂક્યો હતો.

સાવકા ભાઈ વિચિત્રવિર્ય માટે અંબા, અંબિકા અને અંબાલિકાનું હરણ કર્યું ત્યારે દેવવ્રતના મનમાં ખચકાટ રહી ગયો હતો કે કુળવધુઓને તો વાજતેગાજતે મહેલમાં આવકારવાની હોય. આ રીતે હરણ કરીને ગુલામોની જેમ નહીં. પરંતુ નિયતિએ તેમને બીજો કોઈ વિકલ્પ નહોતો આપ્યો.

ત્રણેય ક્ધયાઓને લઈને દેવવ્રત હસ્તીનાપુર જઈ રહ્યા હતા ત્યારે અડધે રસ્તે અંબાએ તેમને આજીજી કરી હતી. ‘ગંગાપુત્ર, મારું હરણ કર્યું છે એટલે આપ મારા માલિક કહેવાઓ. પણ આજ્ઞા હોય તો મારે એક વાત કહેવી છે.’

પુત્રી, ભૂલીશ નહીં કે હું ગંગાનો પુત્ર છું. પૃથ્વી પરની દરેક સ્ત્રી મારે માટે અત્યંત આદરણીય છે. તમારું હરણ થયું એમાં તમારાથી વધુ હું વ્યથિત છું. તારા મનમાં જે કંઈ હોય નિશંક કહે’.

‘આભાર ગંગાપુત્ર. પણ હું સૌબલ દેશના રાજા શાલ્વને મનથી વરી ચૂકી છું. શું હજી પણ તમે મને વિચિત્રવિર્ય સાથે પરણાવશો?’

અંબાની વાત સાંભળીને દેવવ્રતે માત્ર સ્મિત કરેલું અને હસ્તીનાપુર તરફ જઈ રહેલા પોતાના રથને સૌબલ તરફ વાળી દીધેલો. સૌબલના યુવરાજ શાલ્વ સાથે દેવવ્રતે યુદ્ધ કર્યું હતું એટલે દેવવ્રત તેના નગરમાં તો નહોતા ગયા, પણ નગરની બહાર પોતાનો રથ ઊભો રાખી અંબાને બંને હાથે પ્રણામ કરીને તેને માનભેર વિદા કરેલી.

હસ્તીનાપુર પહોંચીને તેમણે ધામધૂમથી વિચિત્રવિર્ય સાથે અંબિકા અને અંબાલિકાના લગ્ન કરાવેલા, પરંતુ એક સાંજે અંબા રડતી-કકળતી હસ્તીનાપુર પરત આવેલી અને દેવવ્રત સામે હાથ જોડીને ઊભી રહેલી.

‘શાલ્વે મને નકારી દીધી છે. તેણે મને કહ્યું કે દેવવ્રત તને સ્પર્શ્યા છે એટલે હું તને નહીં પરણું. હવે તમે જ કોઈ રસ્તો કાઢો.’

અંબાની આ દુર્દશાથી દેવવ્રતને અત્યંત દુ:ખ થયેલું. ઈચ્છા તો થયેલી કે હમણાં જ સૌબલ જાય અને ત્યાં બધું ખેદાનમેદાન કરી આવે. દુષ્ટ શાલ્વે આવી હિંમત જ કેમ કરી? પણ યુદ્ધ કર્યા પછીય અંબાની સમસ્યાનો ક્યાં ઉકેલ આવવાનો હતો? એટલે તેઓ સમસમીને બેસી રહ્યા.

આ માટે તેમણે વિચિત્રવિર્યને પૂછી જોયું. જો વિચિત્રવિર્ય અંબા સાથે પરણે તો સમસ્યાનો પળવારમાં હલ આવી જવાનો હતો. પણ પુરૂષનાં લક્ષણ સાર્વત્રિક એક જ હોય. ભલેને પછી એ કુરુવંશનું ફરજંદ કેમ ન હોય? વિચિત્રવિર્યએ માત્ર એક જ કારણ સામું ધર્યું કે શાલ્વને મનથી વરી ચૂકેલી અને સૌબલમાં આટલા દિવસ રહી આવેલી સ્ત્રીને હું કઈ રીતે પરણું? વિચિત્રવિર્યે તો વળી હસ્તીનાપુરની શાખનો પણ સવાલ ઉઠાવેલો.

બધેથી નકારી કઢાયેલી અંબાએ છેલ્લે દેવવ્રતને પરણવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અંબાને હતું કે તેના માનને ખાતર પણ દેવવ્રત બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા તોડશે.

પણ દેવવ્રતનો પિંડ કંઈ મૃત્યુલોકની માટીથી નહોતો બંધાયો. પૂર્વજન્મમાં જે વસુ હોય અને આ જન્મમાં ગંગાની કૂખે જન્મ્યા હોય એ દેવવ્રત એમ કંઈ અંબાને કારણે પ્રતિજ્ઞા ન તોડે. તેમણે અંબાને દૃઢતાપૂર્વક ના કહી દીધેલી અને તેના વિષયમાં હવે પોતે સમય બરબાદ નહીં કરે એવું પણ કહેલું.

અંબાને તેમણે એમ પણ ઠપકો આપેલો કે પોતે જ્યારે ત્રણેય ક્ધયાઓનું હરણ કરીને હસ્તિનાપુર આવી રહ્યા હતા ત્યારે જો અંબા તેમને અનુસરી હોત તો આજે તે વિચિત્રવિર્યની મહારાણી હોત, પરંતુ શાલ્વ સાથે જવાની તેણે પોતે ઈચ્છા વ્યક્ત કરી હતી, તો હવે એ વિષય દેવવ્રતનો રહેતો નથી.

દેવવ્રત સાથે છેલ્લો સંવાદ થયેલો ત્યારે અંબા અત્યંત ઘવાઈ હતી. જતાં જતાં તેણે દેવવ્રતને સંભળાવેલું કે જો દેવવ્રતે તેનું હરણ ન કર્યું હોત તો તે શાલ્વ સાથે સુખેથી રહી શકી હોત. તેની આ દુર્દશા માટે અંબાએ માત્ર દેવવ્રતને જવાબદાર ઠેરવેલા અને ભગવાન શિવ પાસે આશીર્વાદ મેળવીને અંબાએ અગ્નિ સ્નાન કરેલું.

ભગવાન શિવે અંબાને વરદાન આપ્યું હતું કે આ જન્મે તો નહીં, પરંતુ આવતા જન્મે તું દેવવ્રતના મૃત્યુનું કારણ બનીશ! કુરુક્ષેત્રના યુદ્ધનું મંડાણ કદાચ ત્યારથી જ થઈ ગયું હતું અને અઢાર દિવસ ચાલેલા યુદ્ધના દસમા દિવસની નિયતિ ભગવાન શિવના અંબાને મળેલા વરદાનથી લખાઈ ચૂકી હતી.

અંબા બીજા જન્મમાં મહારાજ દ્રુપદના ઘરે શિખંડી બનીને જન્મી હતી. તેને તેના પૂર્વ જન્મનું બીજું કશું યાદ નહોતું, પણ શાલ્વ, વિચિત્રવિર્ય અને દેવવ્રત દ્વારા થયેલી તેની દુર્દશા તેને સુપેરે યાદ હતી. સાથે એ પણ યાદ હતું તેની દુર્દશાનું કારણ માત્ર એક જ હતું અને એ કારણ હતું ગંગાપુત્ર દેવવ્રત, જેનો પ્રતિશોધ ન લે ત્યાં સુધી શિખંડીના જીવને શાતા નહોતી વળવાની.

* * *

બાણશૈયા પર સૂતેલા દેવવ્રતને વિચાર આવ્યો કે ધારતે તો તેઓ વિચિત્રવિર્યને સમજાવી શક્યા હોત. વિચિત્રવિર્યની મજાલ પણ શું હતી કે દેવવ્રતના કહ્યા પછી તે અંબાને તરછોડી શકે, પરંતુ યોગ્ય સમયે યોગ્ય ન્યાય ન કરવાની કે મૂંગા રહીને ખેલ જોતા રહેવાની દેવવ્રતને આદત હતી. પણ તેમને ક્યાં ખબર હતી કે અણીના સમયે મૂક રહેવાની કે પોતાના સામર્થ્યનો ઉપયોગ ન કરવાની તેમની આદતથી ભવિષ્યમાં કુરુવંશ નાશ તરફ જવાનો છે. તેમને ક્યાં ખબર હતી કે ત્યારે જે અંબા સાથે થયેલું એ દાયકાઓ પછી દ્રૌપદી સાથે થવાનું હતું. માત્ર સમય બદલાવાનો હતો, સ્ત્રીઓ બદલાવાની હતી અને પ્રસંગો બદલાવાના હતા, પરંતુ મૂક રહીને કુરુવંશીઓના ખેલ જોવાની તેમની આદત અફર રહેવાની હતી. સ્વભાવમાં નહોતું તોય આવા વિચારોથી દેવવ્રત નિસાસો નાખી ગયા. તેમને થયું કે યોગ્ય સમયે તેઓ કંઈક બોલ્યા હોત કે તેમણે કોઈક પગલાં ભર્યાં હોત તો મતિભ્રષ્ટોના પ્રપંચ અટકાવી શકાયા હોત, વિચિત્રવિર્યથી લઈ દુર્યોધન સુધીનાઓ પાસે ધાર્યું કરાવી શકાયું હોત અને આ યુદ્ધ પણ ટાળી શકાયું હોત...

પણ એવું કશુંય ન થયું. દેવવ્રતને એનો મલાલ રહી ગયો. શાંતનુ અને સત્યવતીને તેમણે વચન આપ્યું હતું કે તેઓ કુરુવંશનું ધ્યાન રાખશે. પણ વડીલ તરીકે તેઓ ધરાર નિષ્ફળ ગયા હોય એવી તેમને લાગણી થતી હતી. દેવવ્રતને એનો ભારોભાર વસવસો હતો. બાણશૈયાની પીડામાંથી તો માધવે મુક્તિ આપી દીધી હતી. બસ હવે સૂર્ય ઉત્તરાયણ તરફ ગતિ કરે એટલે દેવવ્રતે જન્મ મરણના ફેરામાંથી પણ મુક્તિ મેળવવી હતી. તેમની માત્ર એટલી કામના હતી કે હજુય દુર્યોધન સમજે તો યુદ્ધ અધવચ્ચે અટકાવી દેવું છે.

જોકે તેમનેય એ વાતની ખબર હતી કે ખરા સમયે ખરું કર્મ ન કરી શકાયું હોય પછી નિયતિ પાસે મંગળની અપેક્ષા રાખવી વ્યર્થ હતી. (ક્રમશ:)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

54m7U06
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com