24-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સી. વી. રામન : એશિયાના પ્રથમ નોબેલ પ્રાઇઝ વિજેતા વૈજ્ઞાનિક

લાઈમ લાઈટ-મનોજ કાપડિયાવિશ્ર્વસ્તરે ભારતનું નામ ઉજાળનારા વૈજ્ઞાનિકોની વાત કરીએ ત્યારે સી.વી. રામનનું નામ તરત સ્મરણમાં આવી જાય. તામિલનાડુના તિરૂચિરાપલ્લીમાં ૭ નવેમ્બર ૧૮૮૮માં જન્મેલા સી.વી. રામન ઉર્ફે ચંદ્રશેખર વેંકટ રામન, માત્ર ભારતના જ નહીં, પણ પૂરા એશિયાના પહેલા એવા વૈજ્ઞાનિક હતા જેમને વિશ્ર્વનું સૌથી પ્રસિદ્ધ નોબેલ પ્રાઇઝ મળ્યું હોય.

આ વૈજ્ઞાનિક એટલા માટે યાદ આવ્યા કે હાલમાં ચોમાસુ બરાબર જામી ગયું છે ત્યારે સૂર્યપ્રકાશ વાદળિયા વાતાવરણમાંથી પસાર થઇને ઘણી વાર સાત કલરના મેઘધનુષનું એવું અનુપમ ચિત્ર અવકાશમાં રચી દેતો હોય છે જે જોઇને મન પ્રફુલ્લિત થાય છે. સામાન્ય માણસ આને કુદરતની બલિહારી માનીને બે ઘડી આ સપ્તરંગી માહોલ જોઇને પછી ભૂલી જાય. પણ સી.વી. રામન જેવા કોઇક જ વીરલા એવા હોય જે સૂર્યપ્રકાશમાંથી નીકળતા આવાં રંગબેરંગી કિરણોની પાછળ આદું ખાઇને પડી જાય અને કુદરતના આવા કરિશમાનો માનવજાતના ભલા માટે ઉપયોગ કરે.

ભારતના આ મહાન ભૌતિક શાસ્ત્રીને નોબેલ પ્રાઇઝ, પ્રકાશનાં કિરણોના માર્ગમાં આવતા અણુઓ પર થતી અસર પરના સંશોધનને કારણે મળ્યો હતો. રામન ઇફેક્ટ તરીકે ઓળખાતી આ શોધને કારણે શરીરમાં કૅન્સરના કોષનું નિદાન કરવાનું પણ સહેલું બન્યું છે. આ શોધ માટે સી.વી. રામનને ૧૯૩૦માં નોબેલ પ્રાઇઝ મળ્યું હતું. તેમણે અને તેમના શિષ્યોની ટીમે વર્ષ ૧૯૨૭માં પ્રયોગો દ્વારા એ નોંધ્યું હતું કે સૂર્યપ્રકાશના સાતરંગોમાંથી જો બ્લુ કલરને ગ્લિસરીનમાંથી પસાર કરવામાં આવે તો એ તેના અણુઓ સાથે અથડાઇને જ્યારે બહાર નીક્ળે છે ત્યારે તેનો રંગ લીલો થઇ જાય છે. સૂર્યપ્રકાશના આવા રંગો કેટલાય ઘન, પ્રવાહી અને વાયુના કણોમાંથી પસાર થતાં તેઓ આ કણો સાથે અથડાઇને પોતાનો રંગ બદલી નાખતા. આ ઇફેક્ટને કારણે ઘણી બધી શોધો કરીને માનવજાતિને ઉપલબ્ધ કરાવવાનું શક્ય બન્યું હતું. કૅન્સરના કોષોની ઓળખ તેમાંની એક શોધ છે, જે રામન ઇફેક્ટની શોધને કારણે સરળ બની.

જોકે, ઘણા ઓછા લોકોને ખબર હશે કે ભૌતિકશાસ્ત્રના આ સ્નાતક તે વખતની અંગ્રેજ સરકાર(૧૯૦૭)માં કોલકતાના વહીવટી ખાતામાં કામ કરતા હતા. ત્યાં તેમનો પરિચય ત્યાંના એક જાણીતા વૈજ્ઞાનિક ડૉ. અમૃતલાલ સરકાર જોડે થયો, જેઓ ઇન્ડિયન એસોસિયેશન ફોર ધ કલ્ટિવેશન ઓફ સાયન્સના સેક્રેટરી હતા. તેમની મુલાકાતથી સી,વી.રામનની જિંદગી બદલાઇ ગઇ. ફૂલ ટાઇમ એડમિનિસ્ટ્રેશનમાં કામ કરવાવાળા રામન, ભૌતિકશાસ્ત્ર પ્રત્યેના પ્રેમને લીધે આ એસોસિયેશનની પ્રયોગશાળામાં પાર્ટટાઇમ જવા લાગ્યા અને ભારતને એક ઉત્તમ વૈજ્ઞાનિક સાંપડ્યો. ૧૯૩૦માં નોબેલ પ્રાઇઝ મેળવનાર આ વૈજ્ઞાનિકની ૧૯૩૩માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગ્લોરના ડિરેક્ટરપદે નિમણૂક કરવામાં આવી હતી. ૧૯૪૩માં તેમણે બેંગ્લોરમાં જ રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી હતી. દેશવિદેશમાં ફરીને વિવિધ જર્નલ્સમાં અનેક પેપર્સ છપાવીને તેમણે દુનિયામાં ભૌતિકશાસ્ત્રના વિકાસ, ખાસ કરીને લાઇટ સ્પેક્ટ્રમની વિવિધ શોધના વિકાસમાં અપ્રતિમ ફાળો આપ્યો છે. આજે વિજ્ઞાનની એવી કોઇ શાખા બચી નથી જેમાં તેમની શોધખોળોનો ઉપયોગ ન થયો હોય. આ ઉત્તમ વૈજ્ઞાનિકને આઝાદી પછી ભારત સરકારે પણ સમયોચિત માન આપ્યું હતું. વર્ષ ૧૯૫૪નો ભારત રત્નનો એવૉર્ડ આ મહાન વૈજ્ઞાનિકના નામે અંકિત થયો હતો.

નવેમ્બરમાં જન્મેલા આ વૈજ્ઞાનિકનું મૃત્યુ પણ નવેમ્બરમાં જ થયું હતું. ૨૧મી નવેમ્બર,૧૯૭૦ના દિને તેમની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રાંગણમાં જ તેમણે અંતિમ શ્ર્વાસ લીધા હતા.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

H42oUn3
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com