20-November-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વર્લ્ડ કપના બદલે હવેથી વર્લ્ડ વાટકી કે વર્લ્ડ તપેલી રમાશે

હસ્યા તો મારા સમ-સુભાષ ઠાકરસાવધાન. ક્લાઈમેક્સ આગળ વધી રહ્યો છે. ઢેન્ટેણેન્ન. દિલ થામ કે બૈઠે હો તો બૈઠે રહો. અત્યારે પણ આપની નજર અને વિચારો માત્ર ને માત્ર વર્લ્ડ કપમાં ડૂબેલાં હશે. કારની બે હેડલાઈટની જેમ જ તમારાં નયનો ટીવીના સ્ક્રીન પર વર્લ્ડ કપ જોવા મંડાયેલાં હશે. અર્જુનને જેમ વૃક્ષ પર માત્ર પંખીની આંખ જ દેખાતી હતી એમ તમારી આંખ માત્ર મેચના બોલ પર જ હશે. ઊગતી ઉષાએ ને આથમતી સંધ્યાએ દિવસે કલ્પનામાં તો રાત્રે સ્વપ્નમાં તમારું હૈયું દબંગ બની મેચ જોતાં ગાતું હશે, "તાકતે રહેતે તુજકો સાંજ સવેરે...ને પેલા ક્રિકેટરનું હૈયું છાનેછપને "છાપતે રહેતે હમ તો સાંજ-સવેરે ગાતાં ગાતાં રૂપિયાની થપ્પીઓ જમા કરતું જશે. આખા વર્લ્ડને આ વર્લ્ડ કપનો તાવ ચડ્યો છે. યુ વોન્ટ ટુ સી ધ નમૂના? તો આવો મારી સાથે...

ચંપકલાલને વિચિત્ર રોગ લાગુ પડેલો ને ડૉકટર પાસે જઈ બોલ્યા, "ભૈ ડૉકટર મને દિવસમાં આવતા ખતરનાક વિચાર ને રાત્રે આવતા ભયંકર સપનામાંથી મુક્તિ અપાવો.

"ખતરનાક વિચાર ને ભયંકર સપના? ડૉકટરનો ચેહેરો તરડાયો.

"હા, કાલે જ મને વિચાર આવ્યો કે નેધરલેન્ડમાં ગુનેગાર ન મળવાને કારણે જેલો બંધ થવાની તૈયારી પર છે ને સાલું આપણે જેલમાં જગ્યાના અભાવે ગુનેગારોને સંસદમાં બેસાડવા પડે છે. કેવી કરુણતા! હે પ્રભુ બે દેશ વચ્ચે આવડી મોટી અસમાલતા. બીજું રાત્રે સપનામાં બે માસથી વર્લ્ડ કપની ચેનલ મને ચેનથી સૂવા નથી દેતી.... કરો કોઈ ઉપાય કરો...

"અરે બાપરે, ડોન્ટ વરી. આ દવા લઈ જાઓ. આજથી રાત્રે સૂતાં પહેલાં લઈ જેલો. સપનાં આવતાં બંધ થઈ જશે.

"થેન્ક્યુ અને સૉરી. આજે તો આ દવા નઈ લઈ શકું, પણ કાલથી...

"કાલથી? કેમ એમાં મૂરત જોવાનું છે?

"કારણ કે આજે ફાઈનલ છે. દવા લઈ ચંપકલાલ નીકળી ગયા. ને સાચું કહું તો મારું મન પણ વર્લ્ડ કપમાં ફસાયું છે. જો કે આમ તો મને હાંધાનીયે હમજણ નથી પડતી પણ યુ નો કે મન અજ્ઞાનના અંધકારમાં ફસાયેલું હોવા છતાં આપણો જીવ. "હું જ્ઞાની છું. મને જ્ઞાન છે. એવું સાબિત કરવા જીવનભર ધમપછાડા કરે છે. પણ "હું જાણતો નથી એવું બોલી શકતો નથી. તેથી સમાજમાં ઈજ્જત જાળવવા ને અજ્ઞાન છતું ન થાય એ માટે થોડીઘણી માહિતી રાખું છું. બોલો જય અંબે...

હવે જેની સાથે દૂર દૂર સુધી સ્નાનસૂતકનો સંબંધ ન હોય એવા કેટલાય અજાણ્યા અપરિચિત ટોપાઓ સગા સાઢુભાઈ પૂછે એમ ચંબુએ પૂછયું, "અંકલ કેટલા થયા?

"પાંસઠે હજી બે જ છે. મારો નમ્રતાપૂર્વકનો સિમ્પલ જવાબ.

"ન હોય અંકલ હમણાં તો બાંસઠે ત્રણ હતી. જવાબ સાંભળતાં જ સળગતી બીડી પર પગ પડી ગયો હોય એમ ચંબુ ચમક્યો. મને ખબર ન પડી. મારાથી ક્યાં અને શું બફાયું. "ભઈલા, તું શેની વાત કરે છે? મને પાંસેઠ થયા ને મારે બે કેલેન્ડર છે. એક આફ્રિકા, એક દુબઈ. એટલે પાંસઠે બે, હવે ટપ્પી પડી?

ચંબુને ખબર પડી કે રોંગ નંબર લગાવ્યો. મારા જવાબથી લગ્નમંડપમાં બીજવર શરમાય એમ શરમાઈ ગયો. "સોરી અંકલ, મને ખબર ન પડી કે તમને ખબર નથી પડતી.

અરે યારો. ઘરના સભ્યોને મને એક કપ ચાનો મળશે કે નઈ એની ફિકર નથી પણ ઈન્ડિયાને વર્લ્ડ કપ મળશે કે નઈ એની ફિકર વધુ છે.

દરેક સ્ત્રીને રોજ સવારે પહેલાં ચા બનાવું કે વૉટસએપ ખોલું એની અવઢવ છે પણ સરોજે એ દિવસે વૉટસએપ જોતાં જોતાં જ ચા બનાવી. મા કસમ ચાનો એક ઘૂંટડો મુખથી ઉદર સુધી પહોંચતાં અઢાર સેક્ધડ લાગી. અનોખા સ્વાદની અનોખી ચા હતી. તપાસ કરતાં ખબર પડી કે મારી ચંપા વ્હોટ્એપમાં ધ્યાનમગ્ન હોવાથી ચામાં દૂધના બદલે ઈડલીઢોસાનું ખીરું નાખેલું. આવી ઈડલીઢોસાના ખીરાની ચાનો અંતિમ ઘૂંટડો ઉતારતી વખતે મારો ચહેરો કબજિયાતના દર્દી જેવો થઈ ગયો. ને હાથમાંથી કપ છટક્યો ને તૂર્ત જ સામે છેડે સરોજની કમાન છટકી. એની ખોપરી હટી ગઈ. ચા કરતાં એના મગજે વધુ ગરમી પકડી. "ફોડી નાખ્યોને? ઘરમાં એક સારો કપ બચ્યો હતો ને એ ફોડી નાખ્યો. હવે? સરોજની આંખોના ડોળા આંખોમાં તાંડવ કરવા લાગ્યા. "શાંત થા ભાર્યા શાંત થા. આટલી નાની બાબતમાં મોટો ગુસ્સો કરીએ તો બ્લડપ્રેશર કાયમી ધોરણે રહેવા આવી જાય. ચા પીધા પછી કપ ફૂટ્યો તો ચાની બચત થઈ. એ વિચાર કે કપનું જ નુકસાન થયું છે. ને ચાનો કપ ફૂટ્યો છે. કંઈ વર્લ્ડકપ નથી ફ્ૂટ્યો સમજી? ને તારું જનરલ નોલેજ તળિયે ગયું છે. સાચું એ છે કે બહુ ઊંડાણથી તારા વિચારોને ખોતર તો ખ્યાલ આવશે કે ચાનો કોઈ કપ જ ન હોય. કપ કાચનો હોય કે સ્ટીલનો. ચા એમાં રેડાય. ને વર્લ્ડ કપનું પણ એવું જ છે.

"અરે વાહ મેરે ઠાકર ક્યા સોચ હૈ. મારું જ્ઞાન ભલે તળિયે ગયું હોય પણ તમારા આ શિખરે પહોંચેલા જ્ઞાનને કોટી કોટી વંદન. એની હટી ગયેલી ખોપરી પાછી મૂળ સ્થાને ગોઠવાઈ ગઈ. આગનો ગોળો બરફનો ગાંગડો બની ગયો. "અચ્છા તમને શું લાગે છે. વર્લ્ડ કપ ઈન્ડિયા જીતશે?

"જો બકુ ધ્યાનથી સાંભળ. જે કપમાં ફ્રેશ થવા માટે ચા-કૉફી ન પી શકાતાં હોય, જે કપમાં જીવવા માટે દવા કે મરવા માટે ઝેર પણ ન પી શકાતું હોય, ગમને ભૂલવા શરાબનો એક પેગ ન પી શકાતો હોય અરે જેને ધોયા પછી જેમાં પાણી પણ પી ન શકાતું હોય તો એવા કપને શું ધોઈ પીવો છે? અરે સાલુ પાંચ પાંડવ વચ્ચે એક જ દ્રૌપદી હોય એમ પૂરી ટીમ વચ્ચે એક જ કપ અને એ રકાબી વગરનો. ધિક્કાર છે એવા કપને. ને આ તો મને કોઈ પૂછતું નથી. બાકી બધાને રકાબી સાથે એક કપ આપું. વર્લ્ડ કપ કંઈ આપણો દેશ નથી કે રાજ્યની જેમ નાના નાના ટુકડા કરી સરખા ભાગે વહેંચી દેવાય. આ તો મારી કોઈ રાય લેેતું નથી બાકી વર્લ્ડ થાળી, વર્લ્ડ ચમચી, વર્લ્ડ તપેલી, વાટકી, સાણસી કે કથરોટ કેમ નઈ? બાકી આ વર્લ્ડ કપ તો કોઈ એકના ઘરે ઘરના ખૂણામાં ઘરડાં મા-બાપ પડ્યાં હોય એમ પડ્યો રહે. આપણો દેશ ખોડંગાતો ચાલે છે તો એક વર્લ્ડ લંગડી કપ રાખો. સંસદથી ઘર સુધી એકબીજાના ટાંટિયા ખેંચવામાં માસ્ટરી હોય તો કબડ્ડી વર્લ્ડ કપ રાખો.

હે મારી લીલુડી ધરતી, આ વર્લ્ડ કપ એટલે શું? જાણે છએ? બધાને પાડી-પછાડી આગળ આવવાની સ્પર્ધા. હું શ્રેષ્ઠ છું. મને જુઓ ને મને સાંભળો. આગળ નીકળી જવું એ મહત્ત્વનું નથી, પણ આગળ નીકળતી વખતે કેટલાને ઉપયોગી થયા. ને સ્પર્ધા એ તો ઈર્ષાનું રૂપાળું નામ છે. સ્પર્ધા કરવી હોય તો ખુદની સાથે આજ કરતાં કાલે ને કાલ કરતાં પરમ દિવસે વધુ સારો થઈશ. ન કિસી સે ઈર્ષા ન કિસી સે હોડ. મેરી અપની મંઝિલ ઓર મેરી અપની દૌડ...

હવે મારું મન હરીફાઈથી મુક્ત બનાવવું છે, કારણ કે હરીફાઈ હોય ત્યાં હરિ આવતો નથી. આપણે તો તુમ્હારી ભી જય જય, હમારી ભી જય જય, ન તુમ હારે ન હમ હારે....મને તો તમારા ઘરે એક ચાનો કપ પીવડાવો એ મારો વર્લ્ડ કપ. ખાલી એટલું ધ્યાન રાખજો કે દૂધના બદલે ખીરું... શું કહો છો?ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

tB24766
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com