3-June-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
યે ક્યા હો રહા હૈ!

પ્રાસંગિક - નિધિ ભટ્ટશહેર છે ત્યાં સમાજ છે અને સમાજ છે ત્યાં માનવવસતિ છે. સમાજમાં રહેલી માનવવસતિમાં પુણ્યનાં કામ થાય છે એમ પાપ પણ આચરવામાં આવતું હોય છે. દાનવીરોની દુનિયા છે ત્યાં ગુનેગારોની ગટર પણ વહે છે. ગુનો આચર્યા પછી જો ગુનેગાર છટકી ગયો હોય એવી અવસ્થામાં કાયદાની મદદ લેવી જરૂરી બની જાય છે. કાયદાનું નામ પડે એટલે વિવિધ વ્યવસ્થા અસ્તિત્વમાં આવે. ગુનેગારોના સગડ મેળવવા માટે જેની જેની મદદ લેવાની જરૂર પડે છે એમાં એક છે ફોરેન્સિક લૅબ. લૅબ એ લૅબોરેટરીનું સંક્ષિપ્ત સ્વરૂપ છે. ફોરેન્સિક લૅબ એક એવી વ્યવસ્થા છે જેની મદદથી ગુનાના સ્થળ પરથી મળી આવેલા પુરાવાનું પૃથક્કરણ કરીને અનુમાનો વ્યક્ત કરવામાં આવે છે જે કેસની તપાસ કરી રહેલા અધિકારીને ગુનેગાર સુધી પહોંચવામાં મદદરૂપ થઇ શકે છે. આટલા વિવરણ પરથી આ લૅબનું મહત્ત્વ કેવું અને કેટલું છે એનો ખ્યાલ આવી ગયો હશે. એનું સ્થળ અને એની રચના કેટલા ઉચ્ચ કક્ષાના હશે એનો અંદાજ પણ તમે બાંધી લીધો હશે. આ ભૂમિકા પછી જો તમને મહારાષ્ટ્રના સોલાપુર શહેરમાં બંધાયેલી નવી ફોરેન્સિક લૅબોરેટરીની અવસ્થાની જાણકારી થાય તો તમે જરૂર બોલી ઊઠશો કે યે ક્યા હો રહા હૈ!

આચરવામાં આવેલા ગુનાના સગડ મેળવવામાં મદદરૂપ થઇ શકે એવી આઠ ફોેરેન્સિક લૅબોરેટરી મહારાષ્ટ્રમાં છે. આ લૅબ મુંબઇ ઉપરાંત નાગપુર, પુણે, નાશિક, અમરાવતી, નાંદેડ અને કોલ્હાપુરમાં છે. મહારાષ્ટ્રના જે વિસ્તારોમાં આવી લૅબ નથી ત્યાંના પોલીસ ડિપાર્ટમેન્ટ પોતાના વિસ્તારના ફોરેન્સિક સૅમ્પલ્સ આ સેન્ટરો પર મોકલી આપે છે. સ્વાભાવિક છે કે આ કેન્દ્રો પર કામનું ભારે દબાણ રહેતું હોય. આ પ્રેશર ઘટાડવાના હેતુથી રાજ્યના ગૃહ ખાતાએ પાંચ નવી મિની લૅબને માન્યતા આપી છે જે થાણે, રત્નાગિરિ, ચંદ્રપુર, સોલાપુર અને ધુળેમાં ઊભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મિનિ લૅબમાં ટૉક્સિકોલૉજી અને બાયોલૉજી ડિપાર્ટમેન્ટ રાખવામાં આવ્યા છે. આ બે ડિપાર્ટમેન્ટ અત્યંત મહત્ત્વના છે, કારણ કે એકઠા કરવામાં આવેલા પુરાવાની જો યોગ્ય પ્રકારે જાળવણી ન થાય તો બૅક્ટેરિયા અથવા ઊંચા તાપમાનથી નુકસાન પહોંચી શકે છે. પરિણામે કેસને ઉકેલવામાં મુશ્કેલી પડી શકે છે. આ ઉપરાંત પુરાવાઓ લૅબ સુધી પહોંચાડવામાં સમય બને એટલો ઓછો લાગે એ પણ જરૂરી હોય છે. આ સંદર્ભમાં નવા સ્થળો પર મિનિ લૅબની સગવડ કેટલી ઉપયોગી સાબિત થઇ શકે છે એનો ખ્યાલ આવી જાય છે. જોેકે, સોલાપુરની મિનિ લૅબના હાલહવાલ જોઇને કપાળ કૂટવાનું મન થાય એવું છે. તાજેતરમાં મુંબઇના અને મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોના કેટલાક લોકોને સોલાપુરની ફોરેન્સિક મિનિ લૅબમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું. નવી જવાબદારી સ્વીકારવા આ ટીમ ઉત્સાહથી સોલાપુર પહોંચી તો ગઇ, પણ સ્થળ પર પહોંચ્યા પછી એના હાલહવાલ જોઇને તેમને શૉક લાગ્યો. મિનિ લૅબમાં જવાબદારી સંભાળવા પહોંચેલા કર્મચારીઓએ જઇને જોયું તો એક જર્જરિત અવસ્થા ધરાવતી જગ્યા નજરે પડી. તપાસ કરતા જાણવા મળ્યું કે ત્યાં અગાઉ એક પોલીસ સ્કૂલ હતી જે હવે બંધ થઇ ગઇ છે. એ જગ્યાને સરખી બનાવીને કાર્યરત કરતા ઓછામાં ઓછો છ મહિનાનો સમય લાગી શકે એમ છે. કર્મચારીઓ ત્યાં પહોંચ્યા ત્યારે ત્યાં કોઇ સાધનો નહોતા અને તેઓ બેસી શકે એવી કોઇ વ્યવસ્થા પણ નહોતી. આવામાં પરીક્ષણ કરવાની સગવડનો તો વિચાર જ કઇ રીતે થઇ શકે?

મુંબઇમાં સાંતાક્રુઝ નજીક આવેલા કાલિના વિસ્તારમાં આધુનિક સગવડો ધરાવતી એક ફોરેન્સિક સાયન્સ લૅબોરેટરી છે. અહીંના એક અધિકારીએ આપેલી માહિતી મુજબ સોલાપુરની લૅબ નિયમિત સ્વરૂપે કામ કરતી થઇ જાય એ માટે સરકારે પાંચ કરોડ રૂપિયાના સાધનો લઇ લીધા છે. જોકે, લૅબની જગ્યાની અવસ્થા સારી ન હોવાથી આ સાધનો-ઉપકરણો કામ વિના ધૂળ ખાતા પડ્યા છે. આ લૅબ પૂર્ણપણે કામ કરતી થાય એ માટે કમ સે કમ છ મહિનાનો સમય તો લાગશે જ. એ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી કર્મચારીઓ પાસે કોઇ કામ નહીં હોય.’

સરકાર પાસેથી આ બાબતે પ્રતિક્રિયા માગવામાં આવતા નામ નહીં આપવાની શરતે એક અધિકારીએ જણાવ્યું કે ‘સોલાપુરની ફોરેન્સિક લૅબ જર્જરિત અવસ્થામાં છે એ વાત સાચી છે. સંપૂર્ણ લૅબ કામ કરતી થાય એ માટે વર્ષનો સમય પણ લાગી શકે છે. અલબત્ત એ જવાબદારી અધિકારીઓએ જ ઉપાડવી પડશે.’ દર વર્ષે કેસોની સંખ્યા વધી રહી હોવાથી અત્યારે સોલપુર ઉપરાંત અન્ય પાંચ મિનિ લૅબ ઑક્ટોબર સુધીમાં કામ કરતી થઇ જાય એ માટે પ્રયત્નો થઇ રહ્યા છે. એક સારી વાત એ છે કે સોલાપુરની જર્જરિત ઇમારતમાં ફોરેન્સિક લૅબોરેટરી ઊભી કરી શકાય એ માટે જાહેર બાંધકામ ખાતા તરફથી 29 લાખ રૂપિયા મળી ગયા છે.’

આ પ્રકારની મિનિ લૅબની સગવડો ગુનો ઉકેલનારી વ્યવસ્થા માટે આશીર્વાદરૂપ સાબિત થઇ શકે છે. આ એક અત્યંત મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. અન્ય રાજ્યોની સરખામણીમાં મહારાષ્ટ્ર વધુ ફોરેન્સિક અને મિનિ લૅબ ઊભી કરવામાં અગ્રેસર છે. એને પરિણામે ગુનેગારીના કેસ ઉકેલવામાં પુરાવાઓ મદદરૂપ થશે જેને પગલે નિવેડો પણ જલદી આવી શકશે.આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

78q02t
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com