18-November-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
લોકવાર્તાની માયાવી દુનિયાના જુઠાણાના જુઠાણાને સત્ય માની લેતો આખો દેશ!

અભિમન્યુ મોદીઈ.સ. 1963ની સાલમાં જર્મનીમાં એક પુસ્તક પ્રકાશિત થયું જેનું શીર્ષક હતું: ધ ટ્રુથ અબાઉટ હેન્સલ એન્ડ ગ્રેટલ’. ઠઠ્ઠાચિત્રો દોરનાર જર્મન કેરિકેચરિસ્ટ હેન્સ ટ્રેક્સલરે આ પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકને તેણે નોન-ફિક્શનની કેટેગરીમાં મુક્યું હતું તેનો મતલબ એમ કે તેમાં ઈતિહાસની અથવા વર્તમાન દુનિયાની સત્ય વાતો હશે, પણ વાર્તા નહિ હોય. એ પુસ્તકમાં એવી વાત કરવામાં આવી હતી કે જેઓર્ગ ઓસેગ્ગ નામના એક શિક્ષકે અત્યંત લોકપ્રિય એવી જર્મન વાર્તા હેન્સલ એન્ડ ગ્રેટલ’નો અભ્યાસ કર્યો, તે વાર્તા જે સમયની કહેવાતી હતી તે સમય વિષે સંશોધન કર્યું અને તે વાર્તાના સ્થળનું ઉત્ખન્ન કર્યું.

અમુક આર્કિયોલોજીકલ સાબિતીઓ હાથમાં આવી તેના પરથી એવું કહી શકાય છે કે ‘હેન્સલ અને ગ્રેટલ નામના બે ભાઈ-બહેનો કોઈ ખોટી દંતકથાના પાત્રો માત્ર ન હતા પણ સતરમી સદીમાં ખરેખર એ નામે વ્યક્તિઓ જીવતી હતી. હેન્સલ અને ગ્રેટલ જે ડાકણ ડોશીના ઘરે કેદ હતા એ ‘સાઈટ’ ઉપર તેને અમુક કંકાલ મળી આવ્યા અને વાર્તામાં આવતા સફેદ પથ્થર પણ મળી આવ્યા. આવી તસ્વીરો પણ તે પુસ્તકમાં પ્રગટ કરવામાં આવી હતી.

આખું જર્મની જ નહિ પણ ઓલ્મોસ્ટ અડધું યુરોપ અને બીજા દેશોના મીડિયામાં ખળભળાટ મચી ગયો. આ વાર્તાના ચાહકોના તો રૂંવાડા ઊભા થઇ ગયા અને વધુ તપાસ કરવાનું કહેવામાં આવ્યું. છેવટે એ સત્ય બહાર આવ્યું કે તે પુસ્તકનો દાવો સદંતર બેબુનિયાદ છે અને જેઓર્ગ ઓસેગ્ગ ફક્ત એક કાલ્પનિક પાત્ર છે. લેખક હેન્સ ટ્રેક્સલરે જ પોતાનો દેખાવ બદલીને ફેક ફોટોગ્રાફ્સ રજૂ કર્યા હતા! વેનેસા જુસેન નામની એક પ્રોફેસરે આ પુસ્તકને ‘ફીક્ટીવ નોન-ફિક્શનલ ટેક્સ્ટ’નું લેબલ આપ્યું.

લોકવાર્તા કે દંતકથા મોટાભાગે કાલ્પનિક હોય છે. બાળકોને કહેવામાં આવતી વાર્તાઓ તો ફક્ત કલ્પનાની દુનિયામાં રચાયેલી હોય છે.

કાચબા અને સસલાની વાર્તા પહેલા કોઈએ પણ તે બંનેની રેસનું આયોજન કર્યું ન હતું. હેન્સલ અને ગ્રેટલની વાર્તા એવી છે કે તેનાથી સરેરાશ યુરોપિયન બાળક અને અમેરિકન બાળક લાગણીથી જોડાયેલું હોય છે. તે બંને ભાઈબહેનો કિશોરાવસ્થા સુધી ઘણા દેશોના બાળકોના દિલમાં વસેલા રહે છે. માટે જયારે એવી વાત બહાર આવે કે હેન્સલ કે ગ્રેટલ કોઈ કાલ્પનિક પાત્ર ન હતા પણ તેવા માણસો ખરેખર ઇતિહાસમાં થઇ ગયા છે તો તેના ચાહકોમાં રોમાંચની કેવી લાગણી પ્રસરી જાય તેનો આપણે માત્ર અંદાજ લગાવી શકીએ. પછી જયારે એવી ખબર પડે કે એ દાવો પણ ખુદ એક વાર્તા છે અને કોઈ માથાફરેલ લેખકે પોતાના આનંદ માટે બનાવટી સ્ટોરી ઘડી કાઢી છે ત્યારે આખા દેશને કેવું દુ:ખ થાય તેનું તો આપણે અનુમાન પણ ન કરી શકીએ.

જર્મની દેશ જ નહીં પણ યુરોપમાં હડકંપ સર્જનારી એ વાર્તાની વાર્તાના મૂળમાં કઇ કહાની હતી? હેન્સલ અને ગ્રેટલ સાથે વાર્તામાં શું થાય છે? હેન્સલ અને ગ્રેટલ એક કાઠિયારાનાં બાળકો હતા. તે બંને ભાઈબહેન સાવકી મા અને સગા પિતાની સાથે એક ઝૂંપડીમાં રહેતા હતા. દુષ્કાળ પડ્યો અને આખા કુટુંબને ભૂખમરો વેઠવાનો આવ્યો. ભૂખમરાથી બચવા માટે સાવકી માએ એના પતિને ખુરાફાતી વિચાર આપ્યો કે આપણે બાળકોને જંગલમાં છોડી આવીએ જેથી આવા દુકાળમાં તે બંને માણસ બચી શકે. બાળકોને જંગલમાં રામભરોસે છોડી દેવા માટે બાપનો જીવ ન ચાલ્યો પણ તે બાપ કોઈનો કહ્યાગરો પતિ બની ગયો હતો માટે નવી પત્નીના આદેશ સામે તેનું કંઈ ન ચાલ્યું.

આ આખી વાત હેન્સલ સાંભળી ગયો. તેણે તેની બહેન ગ્રેટલને સફેદ લીસ્સા પથ્થર ખિસ્સામાં ભરી રાખવા માટે કહ્યું. બીજે દિવસે સાવકી માએ બંને બાળકોને જંગલમાં છોડી દેવા માટે ખેંચતી લઈ ગઈ. રસ્તામાં ગ્રેટલ એક પછી એક પથ્થર પાડતી ગઈ. તે પથ્થર જ્યાં જ્યાં પડ્યા હતા તે રસ્તા ઉપર હેન્સલ અને ગ્રેટલ પાછા ઘરે આવી શક્યા. બાળકોને ઘરે પાછા આવેલા જોઈને ઓરમાન માનો ગુસ્સો આસમાને પહોંચ્યો. તેણે બીજે દિવસે ફરીથી એ બંનેને દબોચીને જંગલમાં ફેંકી દેવા માટે પ્રયત્ન કર્યો. આ વખતે ગ્રેટલે રસ્તામાં જીંજર-બ્રેડના ટુકડા વેર્યા. બંને ભોળા ભાઈબહેનને એમ કે બ્રેડના વેરાયેલા ટુકડાઓના સહારે ઘરનો રસ્તો મળી જશે. પણ થયું એવું કે બ્રેડ તો જંગલી પ્રાણીઓ ખાઈ ગયેલા. હવે બંને ભાઈબહેન જંગલમાં ખરેખર ફસાઈ ગયા.

જંગલમાંથી પસાર થતી નદી પાર કરી તો એક આકર્ષક ઘર દેખાયું જેનું છાપરું જ બ્રેડનું બનેલું હતું અને દરવાજો ચોકલેટનો. બંને ભાઇબહેન એ ઘરમાં ગયા તો ડાકણ ડોશીએ બંનેને પુરી દીધા. હેન્સલને પિંજરામાં પૂર્યો અને ગ્રેટલને ગુલામ બનાવી. ડાકણે બંને ભાઈબહેનોને ખવડાવી પીવડાવીને તગડા કરવાનું શરૂ કર્યું જેથી થોડા દિવસો પછી એ બંને તંદુરસ્ત બાળકોનું માંસ ખાઈ શકાય.

જે દિવસે ડાકણે બંને ભાઈબહેનને ભઠ્ઠીમાં નાખવાનું વિચાર્યું હતું તે દિવસે ગ્રેટલની ટ્રીકથી ડાકણ પોતે જ ભઠ્ઠીમાં પુરાઈ ગઈ. હેન્સલ અને ગ્રેટલે ડાકણની બધી સંપત્તિ લઈ લીધી અને પોતાના પિતાજીને મળવા તેના ઘરે પરત ફર્યા. છેલ્લે એ કુટુંબ રાજીખુશીથી જિંદગી જીવવા લાગ્યું.

હવે પેલા હેન્સ ટ્રેકસલરે બનાવટી ટીચર જેઓર્ગ પાસે બ્રેડની એ સમયની રેસિપી પણ શોધવડાવી અને હેન્સલ અને ગ્રેટલ તો કોઈ પુખ્તવયના ભાઈબહેન હતા અને તેણે એક વૃદ્ધ સ્ત્રીનું ખરેખર ખૂન કરેલું એવી થિયરી પણ ખોટી સાબિતીના સહારે વહેતી મૂકી. છેલ્લે જુઠાણું પકડાઈ ગયું. આ વાર્તાના ઘણા વર્ઝન પ્રચલિત છે. અમુક વાર્તાઓમાં સાવકી માને બદલે સગી મા પણ હોય છે. યુરોપમાં એક સમયે સાચે દુકાળ આવેલો અને એ ભયાવહ દુકાળ સામે ઝઝૂમવા માટે ઘણા મા-બાપ પોતાના બાળકોને જંગલમાં મૂકી આવતા એવું ઈતિહાસકારો કહે છે. એ ઈતિહાસના આધારે હેન્સલ અને ગ્રેટલની વાર્તા ગ્રીમ ભાઈઓએ બનાવી હતી. વેસ્ટર્ન વર્લ્ડમાં બાળસાહિત્ય અને એમાં પણ ખાસ કરીને લોકસાહિત્યમાં ગ્રીમ ભાઈઓનું નામ બહુ જ અદબથી લેવાય છે. એવું કહી શકાય કે ગ્રીમ ભાઈઓ યુરોપના ઝવેરચંદ મેઘાણી હતા. ગ્રીમ ભાઈઓએ સંકલિત કરેલી વાર્તાઓ યુરોપની સંસ્કૃતિમાં વણાઈ ગઈ છે. માટે તેની સાથેની છેડખાની મોટો અપરાધ કહેવાય.

આ આખી વાર્તા (કે વાર્તાની વાર્તામાં) સમજવા જેવું એ છે કે 1960 નો જમાનો લાઈવ કોન્સર્ટ, મ્યુઝિક, ઓલિમ્પિક, ચંદ્રયાત્રા વગેરેના સમાચારોથી ઘેરાયેલો રહેતો. ટેલિવિઝન કોમન થયા ન હતા. લોકો પુસ્તકો ખૂબ વાંચતા અને વાર્તાનું અદકેરું મહત્ત્વ પણ રહેતું. માટે એ જમાનામાં એવું શક્ય બનતું કે કોઈ એક જ વાર્તા કરોડો લોકોના દિલમાં વસેલી હોય અને એ વાર્તાને મેનિપ્યુલેટ કરવામાં આવે તો એકસાથે કરોડો લોકોને ફેર તો પડતો હતો. ટૂંકમાં એ સમયે પણ ફેક ન્યૂઝનું અસ્તિત્વ હતું પણ એ ફેક ન્યૂઝ આજના ન્યૂઝના પ્રમાણમાં પણ સારા હતા.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

p6sh63
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com