18-November-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ગુજરાતમાં ગરજ્યો,
મુંબઇમાં વરસ્યો

હેમંત વૈદ્યગુજરાત અને મહારાષ્ટ્ર સહોદર રાજ્યો છે. સહોદર એટલે એક જ માતાની કૂખે અવતરેલા સંતાનો. આપણી સંસ્કૃતિ પ્રમાણે જો એક સંતાન તકલીફમાં કે મુસીબતમાં સપડાઇ ગયું હોય તો લોહીનો સંબંધ ધરાવતું બીજું સંતાન તરત જ એની વહારે દોડી જતું હોય છે. પોતાનાથી બનતી મદદ કરીને એની તકલીફ ઓછી કરવાનો બનતો પ્રયાસ કરે. તાજેતરમાં આ ભાવના ગુજરાત અને મહારાષ્ટ્રની બાબતમાં જોવા મળી. આ અઠવાડિયાના પ્રારંભે મુંબઇમાં વર્ષારાણી દ્વારા જે મેઘમહેર થઇ એમાં દક્ષિણ ગુજરાના આકાશમાં સર્જાયેલી પરિસ્થિતિ જવાબદાર હતી. મતલબ કે ગરજ્યો ગુજરાતમાં અને વરસ્યો મુંબઇમાં જેવો ઘાટ થયો. મુંબઇમાં ચોમાસુ લંબાઇ રહ્યું હતું એવી અવસ્થામાં સહોદર રાજ્યની મળેલી મદદને કારણે શહેરી લોકોને કાળઝાળ ગરમીના ત્રાસથી તો રાહત મળી જ, સાથે સાથે તળિયે પહોંચી ગયેલી સરોવરના પાણીની સપાટી પણ ઊંચી આવી ગઇ.

અચાનક થયેલી મેઘરાજાની મહેરબાની માટેનાં કારણો જાણવા જેવા છે. વિજ્ઞાન ક્યારે અને કેટલું વહારે ધાય એની કલ્પના પણ ન કરી શકાય એવું વિસ્મયકારી હોય છે. આપણે ત્યાં વરસાદનું આગમન ક્યારે થશે તેમ જ ચોમાસુ કેવું રહેશે એના અંદાજની ગણતરી માટે ઇન્ડિયન મીટિયોરોલૉજિકલ ડિપાર્ટમેન્ટ (આઇએમડી) તરીકે ઓળખાતી વેધશાળા કાર્યરત રહે છે. આ વેધશાળાના એક અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે મુંબઇના વિસ્તારના આકાશમાં વાદળોનું એક ઝૂમખું રચાયું હતું. એને પરિણામે જ સોમવારે રાતના સાડા અગિયારથી સવારના સાડા પાંચ સુધીમાં સાંતાક્રુઝમાં 200 મિલિ મીટર (આઠ ઇંચ) વરસાદની નોંધણી થઇ હતી. સવારના સાડા પાંચ પછી વરસાદનું જોર ઘટી ગયું હતું, પણ થોડી વાર પછી મેઘરાજા ફરી ફૉર્મમાં આવી ગયા હતા. આટલી પ્રાથમિક જાણકારી આપ્યા પછી વેધશાળાના અધિકારીએ બીજા મુદ્દા પર ધ્યાન દોર્યું જે સમજવા જેવું અને જાણવા જેવું છે. વધુ રસપ્રદ માહિતી આપતા તેમણે કહ્યું કે આ સિવાય બીજું પણ એક કારણ છે મુંબઇમાં પડેેલા ભારે વરસાદનું. દક્ષિણ ગુજરાત અને નિકટના સમુદ્રમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનની અવસ્થાને કારણે આ મેઘવર્ષા થઇ હતી. મતલબ કે ભેજવાળા વાદળો બંધાયા બંગાળના ઉપસાગરમાં અને વરસાદ પડ્યો મુંબઇમાં. સાઇક્લોનિક સર્ક્યુલેશન અને હવાનું નીચું દબાણ રહે ત્યારે પશ્ર્ચિમ કિનારાના વિસ્તારના આકાશમાં વરસાદી માહોલ જોવા મળ છેે. આ પરિસ્થિતિ મોટે ભાગે મુંબઇનો સમાવેશ કરતા ઉત્તર કોંકણ વિસ્તારમાં જોવા મળતી હોય છે.

મુંબઇમાં થયેલા આ ભારે વરસાદે વેધશાળાના વૈજ્ઞાનિકોને ગયા વર્ષે કેરળમાં પડેલા વરસાદની યાદ તાજી કરાવી દીધી હતી. વેધશાળાના અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે ગયા વર્ષે લગભગ આ જ પ્રકારની પરિસ્થિતિને પગલે કેરળમાં ભારે માત્રામાં વરસાદ જોવા મળ્યો હતો. એ વખતે સુધ્ધાં બંગાળના ઉપસાગરમાં હવાના દબાણનો હળવો પટ્ટો સર્જાયો હતો અને ત્યાર બાદ સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું હતું જે આખો દિવસ ટકી રહ્યું હતું. જોકે, આ પરિસ્થિતિમાં કયા સ્થળે વધુ વરસાદ પડશે એ ચોક્કસપણે કહેવું મુશ્કેલ હોય છે. આ અઠવાડિયાની વાત કરીએ તો હવાના જોરને લીધે જો આ સર્ક્યુલેશન નીચેની તરફ ગયું હોત તો રત્નાગિરિમાં વધુ વરસાદ પડ્યો હોત અને ત્યાં જળબંબાકાર થવાની સંભાવના જાગી હોત. બીજી તરફ જો આ સર્ક્યુલેશન ઉપરની તરફ ગયું હોત તો વાપીમાં અનારાધાર વરસાદ પડ્યો હોત. આ પ્રકારની સ્પષ્ટતાથી વરસાદની આગાહી કરવી એ કેટલું કપરું કામ છે એનો અંદાજ આવી જાય છે. વરસાદી વરતારો ખોટો પડે ત્યારે એના પર તૂટી પડીને એની તીવ્ર ટીકા કરવાને બદલે આ દૃષ્ટિકોણથી પણ વિચાર કરી જોજો. તમારા વિશ્ર્લેષણમાં બદલાવ આવી જશે.

વેધશાળામાં કામ કરતા વાયુશાસ્ત્રીઓ મુંબઇમાં પડેલા અનરાધાર વરસાદને હવામાનની પ્રક્રિયા સાથે સાંકળવાનો પ્રયાસ કરી રહ્યા છે. મિડ-ટ્રોપોસ્ફિયરિક સાઇક્લોનિક સર્ક્યુલેશન તરીકે ઓળખાતી પદ્ધતિ વિશે ગયા મંગળવારે ખાસ્સા પ્રમાણમાં ચર્ચા થઇ હતી. આ થિયરી અનુસાર હવામાંના ભેજના પ્રમાણને વરસાદ સાથે સાંકળવામાં આવ્યો છે. ચોક્કસ વિસ્તારમાં ભેજનું પ્રમાણ જેટલું વધારે એટલી વરસાદ પડવાની સંભાવના વધારે એવું ગણિત હવામાનશાસ્ત્રીઓ દ્વારા બેસાડવામાં આવ્યું છે.

વેધશાળાના પુણે વિભાગના હવામાનખાતાના વડાએ આપેલી માહિતી અનુસાર આ અઠવાડિયે અને ખાસ કરીને સોમવાર અને મંગળવારે મુંબઇના આકાશમાં મોટા પ્રમાણમાં વાદળો છવાયેલા રહ્યા હતા. વાદળો કયા પ્રકારના છે એ પણ મહત્ત્વનું ગણાય છે. આ વખતના વરસાદ વખતે જોવા મળેલા વાદળો કદમાં મોટા, કાળા ડિબાંગ અને ગોળાકાર હતા. આ સિવાય આકાશમાં વીજળીના ગડગડાટ માટે જવાબદાર ગણાતા થંડર ક્લાઉડ્સની હાજરી સુધ્ધાં હતી. આ બેઉ પ્રકારના વાદળોની હાજરીએ મુંબઇમાં પડેલા ભારે વરસાદમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સાઇક્લોનિક સર્ક્યુલેશન વધી જવાને પગલે વરસાદની માત્રા વધી ગઇ હતી. મુંબઇમાં ધોધમાર વરસાદ પડ્યો એના ત્રણ-ચાર દિવસ પહેલા આ વાદળોની હાજરી જવાબદાર હતી અને હજી એ પરિસ્થિતિ જળવાઇ રહી છે. મતલબ કે ગયા સોમવાર જેવો વરસાદ ફરી એકવાર થાય એની સંભાવના છે ખરી. આનંદ આપનારા સમાચાર એ છે કે પશ્ર્ચિમના પવનો હવામાં રહેલા ભેજને ખેંચી લાવે છે અને આ પરિસ્થિતિ પણ ધોધમાર વરસાદના એંધાણ આપે છે. બીજી એક રસપ્રદ માહિતી એ છે કે કોકણના દરિયા કિનારા નજીક હવાના દબાણનો પટ્ટો સર્જાવાને પગલે મુંબઇ તરફ વધુ ભેજ ખેંચાઇ આવે છે. જો કોકણના ઉત્તરી વિસ્તારમાં ભેજનું પ્રમાણ આ પ્રકારે જળવાશે તો હજી અનરાધાર વરસાદની સંભાવના નકારી શકાય નહીં.

સાથે સહ્યાદ્રિ પર્વતમાળાનો ઉપકાર પણ માનવો જ રહ્યો. ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત છ રાજ્યોને આવરી લેતી આ પર્વતમાળા એક લાખ ચાળીસ હજાર ચોરસ કિલોમીટરના વિસ્તારને આવરી લે છે. આ પર્વતમાળા એક પુણ્યનું કામ કરે છે. એ વરસાદ પાડવામાં નિમિત્ત બનતા પવનને અટકાવે છે જેને કારણે મુંબઇ જેવા દરિયાઇ કાંઠે વસેલા શહેરમાં તેમ જ અન્ય પશ્ર્ચિમી વિસ્તારમાં રિમઝિમ ગિરે સાવનનો માહોલ સર્જાય છે. સોમવાર અને મંગળવારે પડેલા ધોધમાર વરસાદને પગલે સેન્ટ્રલ વૉટર કમિશન દ્વારા સડકો પર પાણી ફરી વળવાની તેમ જ ગટરો છલકાઇ જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વેધશાળા દ્વારા ચોથી જુલાઇથી વરસાદનું પ્રમાણ ઘટવાની આગાહી કરવામાં આવી હતી અને સાથે સાથે આવતી કાલ (સાત જુલાઇ) સુધીમાં અમુક સમયે ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. જો આ પ્રમાણે વર્ષા થઇ અને એના પાણી અરબી સમુદ્રમાં વહ્યા તો પૂરની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ચેતવણીને પગલે હાઇવે નજીક રહેલા જૂના બ્રિજો વિશે તકેદારી રાખવાની તાકીદ પણ કરવામાં આવી છે. અલબત્ત વરસાદના આ બધા અનુમાનો છે અને હવાના દબાણમાં અચાનક પલટો આવી જવાથી સમગ્ર પરિસ્થિતિ બદલાઇને બધા અનુમાનોની ઐસી-કી-તૈસી થઇ શકે છે એ વાત ક્યાં અજાણી છે?

દરમિયાનમાં બે દિવસના વરસાદે અમુક અંશે મુંબઇગરાનું જનજીવન ખોરવી નાખ્યું એ વાત સાચી, પણ આ રીતે પડી ગયેલા વરસાદથી મુંબઇના લોકો રાજી થયા છે એ વાત પણ એટલી જ સાચી છે. અકળાવનારી ગરમીથી ખૂબ જ રાહત મળી ગઇ છે. વાતાવરણમાંથી બફારાની બાદબાકી થઇ જવાને કારણે શારીરિક અને માનસિક સ્વસ્થતા વધી ગઇ છે. જોકે, કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડે છે એ પણ મહત્ત્વની બાબત છે. રોજિંદા જીવનમાં પાણીનો ઉપયોગ એ સામાન્ય માનવી માટે મહત્ત્વની બાબત ગણાય છે. મુંબઇ શહેરની આસપાસના વિસ્તારોમાં આવેલા જળાશયોમાં પાણીનો કેટલો સંગ્રહ થાય છે એ મહત્ત્વનું છે. જળાશયોનો વિસ્તાર કેચમેન્ટ એરિયા તરીકે ઓળખાય છે અને એ વિસ્તારમાં સરખો વરસાદ પડે અને જળાશયોની સપાટી છલકાઇ જાય તો શહેરીજનો માટે વર્ષ દરમિયાન પાણીનો પ્રોબ્લેમ રહે નહીં. એટલે ‘બરસો રે મેઘા મેઘા બરસો’ ગીત અત્યારે ગવાઇ રહ્યું છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

1QpKq3o
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com