26-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સુપ્રીમે મગજના તાવને લીધે થયેલા મૃત્યુ અંગે કેન્દ્ર પાસે જવાબ માગ્યો

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સોમવારે બિહારના મુઝફ્ફરપુરમાં મગજના તાવને લીધે થયેલા 100થી વધુ બાળકોના મરણ અંગે કેન્દ્ર સરકાર અને બિહારની રાજ્ય સરકાર પાસે એક અઠવાડિયામાં જવાબ માગ્યો છે.

ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને ન્યાયમૂર્તિ બી. આર. ગવઇની ખંડપીઠે ઉત્તર પ્રદેશ સરકારને પણ મગજના તાવને લીધે મૃત્યુ પામેલા બાળકો અંગે અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે.

સુપ્રીમ કોર્ટની બેન્ચે બિહાર સરકારને રાજ્યમાં તબીબી સુવિધાની પર્યાપ્તતા, પોષણક્ષમ આહાર, સ્વચ્છતા વગેરે અંગે સોગંદનામું નોંધાવવા જણાવ્યું છે.

સુનાવણી દરમિયાન વકીલે કોર્ટને જણાવ્યું હતું કે અગાઉ ઉત્તર પ્રદેશમાં પણ આ રોગને કારણે મૃત્યુ નોંધાયા છે, જેની કોર્ટે નોંધ લીધી હતી અને રાજ્યને આ અંગે જવાબ આપવા જણાવ્યું હતું.

એડ્વોકેટ મનોહર પ્રતાપ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે બિહારમાં 10 વર્ષથી ઓછી ઉંમરના 126થી વધુ બાળકોના થયેલા મૃત્યુને કારણે તેમને ઘણું દુ:ખ થયું છે, અને આ આંકડો દિવસે દિવસે વધતો જાય છે. દર વર્ષે મગજના તાવને લીધે આવા મૃત્યુ નોંધાય છે, પરંતુ બિહાર રાજ્ય સરકાર, ઉત્તર પ્રદેશની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ રોગચાળાની પરિસ્થિતિને ડામવામાં સરિયામ નિષ્ફળ રહી છે અને આ રોગનો ફેલાવો રોકવા માટે કશું જ નથી કર્યું.

આ વર્ષે આ મગજના તાવના રોગનું કેન્દ્રબિંદુ બિહારનું મુઝફ્ફરપુર છે. મીડિયા અહેવાલમાં દર્શાવવામાં આવ્યું હતું કે અહીં દવા, ડૉક્ટર, આઇસીયુ, તબીબી સાધનો વગેરેની અછત છે. આ રોગનો ફેલાવો રોકવા નિવારક પગલાં લેવા આદેશ આપવામાં આવે અને 500 મોબાઇલ ઇન્ટેસિવ કેર યુનિટની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે એમ પણ અરજીમાં જણાવવામાં આવ્યું હતું.

2008થી 2014ની વચ્ચે દેશમાં મગજના તાવના 44,000 કેસ અને 6,000 મૃત્યુ નોંધાયા હતા.

ભારે તાવ, આંચકી આવવી અને શરીરમાં બ્લડ સુગરનું પ્રમાણ ઘણું ઓછું થઇ જવું એ મગજના તાવના લક્ષણ છે. (પીટીઆઇ)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

3O534U0
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com