13-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જાગીને જોઉં તો.. વિમાન ખાલીખમ અને પોતે એકલીઅટૂલી!
ઍર કૅનેડાનો સ્ટાફ ઊંઘી ગયેલી મહિલાને વિમાનમાં જ ભૂલી ગયો!

ટૉરન્ટો: ઍર કૅનેડા ઍરલાઇન્સની ટિફૅની ઍડમ્સ નામની મહિલા મુસાફરે કહ્યું છે કે તાજેતરમાં તેણે આ ઍરલાઇન્સના વિમાનમાં ક્યૂબેકથી ટૉરન્ટો સુધીનો જે પ્રવાસ કર્યો હતો એ પ્રવાસ પૂરો થતાં પહેલાં જ તેને વિમાનમાં ઊંઘ આવી ગઈ હતી, પરંતુ જાગીને તેણે જોયું તો તે વિમાનમાં એકલી હતી, બધે અંધકાર હતો, પોતે ઠંડીને લીધે થથરી રહી હતી અને વિમાનને ક્યાંક પાર્ક કરવામાં આવ્યું હતું.

ટિફૅનીએ એવું પણ જણાવ્યું કે એ ડોમેસ્ટિક ફ્લાઇટનો સ્ટાફ તેમ જ ગ્રાઉન્ડ-સ્ટાફ તેને વિમાનમાં જ ભૂલી ગયો હતો.

9 જૂને બનેલી આ ઘટનામાં વિમાનીસફર 90 મિનિટની હતી, પરંતુ બે બાળકોની માતા ટિફૅની માટે યાતના ઘણા કલાકોની હતી. ટિફૅનીના આ ગોઝારા અનુભવને તેની મિત્ર ડીઍના નોએલ-ડેલે ઍર કૅનેડાના ફેસબુકના પેજ પર પોસ્ટ કર્યો હતો. આ પોસ્ટ પર 600 જેટલી પ્રતિક્રિયાઓ આવી છે.

ઍર કૅનેડાએ આ ઘટના બની હોવાની વાતને સમર્થન આપ્યું છે અને આવું કેમ બન્યું એની તપાસ કરવામાં આવી રહી છે. ટિફૅનીએ પોતાને થયેલા આ બિહામણા બનાવ વિશે ફેસબુક પર વધુ વાત કરતા કહ્યું હતું કે પીઅર્સસન ઍરપોર્ટ ખાતે વિમાનના ઉતરાણના થોડા કલાક બાદ તે જાગી ત્યારે મધરાત થઈ હતી, કડકડતી ઠંડીને લીધે પોતે ધ્રુજી રહી હતી, પરંતુ તેની મદદે આસપાસ કોઈ જ નહોતું એટલે પોતે સીટમાં જ ટૂંટિયું વાળીને બેઠી રહી હતી, અંધકારને લીધે પોતે અંદર હોવાની કોઈને જાણ પણ નહોતી થતી.

ટિફૅની તેની ફ્રેન્ડ નોએલ-ડેલને ફોન કરવામાં સફળ થઈ હતી. તેણે નોએલ-ડેલને પોતે ક્યાં ફસાઈ છે એની ટૂંકમાં જાણ કરી હતી અને ત્યાં તો પોતાના (ટિફૅનીના) ફોનની બૅટરી ખતમ થઈ ગઈ હતી. ટિફૅની ફોનને રિચાર્જ નહોતી કરી શકી, કારણકે આખા પ્લેનને બંધ (શટ ડાઉન) કરી દેવામાં આવ્યું હતું.

નોએલ-ડેલે ટૉરન્ટો ઍરપોર્ટના સત્તાવાળાઓને ફોન કરીને તેની ફ્રેન્ડ ટિફૅની જે રીતે વિમાનમાં ફસાઈ ગઈ છે એની જાણ કરી હતી.

આ બાજુ, ટિફૅનીએ હિંમત ભેગી કરી કૉકપિટમાં જઈને ટોર્ચ શોધી કાઢી હતી અને બારી પર એનો પ્રકાશ ફેંકીને બહારથી કોઈને પોતાની તરફ આકર્ષિત કરવાનો પ્રયાસ કર્યો હતો. ટોર્ચની લાઇટ જોઈને એક લગૅજ કાર્ટ ઑપરેટર ચોંકી ઉઠ્યો હતો અને તેણે ટિફૅનીને વિમાનની બહાર લાવવા માટેના પ્રયત્નો શરૂ કરી દીધા હતા. એ પહેલાં, ટિફૅનીએ વિમાનની અંદરથી સૂચનાઓને આધારે વિમાનના મુખ્ય દરવાજાને અનલૉક કરી નાખ્યો હતો.

ટિફૅનીને આ અનુભવ દુ:સ્વપ્ન જેવો લાગી રહ્યો છે. તેણે ફેસબુક પર વધુમાં જણાવ્યું છે કે ‘હું ક્યારની વિમાનનો દરવાજો ખોલીને પગ લટકાવતી બેઠી રહી હતી. એ ઑપરેટરે હું વિમાનમાં છું એની જાણ થતાં તરત જ દોડી આવીને સીડીને વિમાન સાથે જોડી હતી અને વિમાનનો દરવાજો ખુલતાં જ હું ઠેકડો મારીને સીડી પર જઈ ચડી હતી અને ઉતરી ગઈ હતી. ખુદ એ ઑપરેટર આઘાતમાં ડૂબેલો હતો અને બોલ્યો કે મૅડમ, વિમાનનો સ્ટાફ તમને લીધા વગર ઉતરી જ કેમ ગયો?’

ટિફૅનીએ વધુમાં લખ્યું છે કે ‘વિમાનમાં હું એકલી બંધ થઈ ગઈ એ ઘટનાવાળી કાળી રાત પછી મને બહુ ઊંઘ જ નથી આવી. ઍર કૅનેડાના સ્ટાફે મને રિલેક્સ થવા હોટેલમાં લઈ જવાની ઑફર કરી હતી, પણ મેં તેમને કહી દીધું કે મારે બને એટલું જલદી મારા ઘરે પાછા જવું છે. ઍર કૅનેડાના પ્રતિનિધિઓએ મને એ ઘટનાના દિવસ પછી બે વાર તપાસાર્થે બોલાવી છે અને મારી માફી માગી છે.’ (પીટીઆઇ)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

21v10O
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com