21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     

વાહ ક્યા બાત હૈ!!મેરા દરદ ન જાને કોઇયોગ-વિયોગ એ શાશ્ર્વત ભાવના છે. મિલનની મસ્તી હોય છે જ્યારે વિયોગનું દુ:ખ ઘેરી વળતું હોય છે. માણસજાત ઘણી વખત આ લાગણીઓથી કે ભાવનાઓથી ઘેરાયેલી જોવા મળે છે. અલબત્ત આવી લાગણી માત્ર મનુષ્ય પૂરતી સીમિત નથી હોતી એ વાતની વધુ એક સાબિતી વિજ્ઞાને આપી છે. ફ્રાંસમાં સંશોધન કરી રહેલી ટીમના ધ્યાનમાં આવ્યું છે કે ઉષ્ણકટિબંધમાં જોવા મળતી એક માછલી તેના પ્રેમીથી વિખૂટી પડે ત્યારે એના દિલમાં દરદ ઉપડે છે. એમાંય વધુ પીડા તો માદા માછલીને થતી હોય છે. એની પસંદગીના પાર્ટનર સાથે જો એને ન રાખવામાં આવે તો એના ચહેરા પર ઉદાસી-માયુસી છવાઇ જતા હોય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ઉત્ક્રાંતિ દરમિયાન ચોક્કસ પ્રકારની માછલીઓમાં પ્રેમી કે પ્રેમિકા પ્રત્યે વફાદારી જોવા મળી રહી છે. આની વધુ ચકાસણી કરવા માટે ખોરાક ધરાવતું પૉઝિટિવ અને ખાલી નેગેટિવ એમ બે બૉક્સ રાખવામાં આવ્યા હતા. ઉદાસ માછલી નેગેટિવ બૉક્સ તરફ જતી જોવા મળી હતી.

------------------------

!પુત્રનો પત્ર વાંચવાનું પડ્યું ભારે

ઈમેજિન કરો કે તમારા દીકરા કે દીકરીના નામનો કોઈ પત્ર આવ્યો છે અને એ તમે ભૂલથી ખોલીને વાંચી લો તો તમને એ માટે સજા કરી શકે એવી કોઈ જ જોગવાઈ ભારતીય ન્યાય વ્યવસ્થાના કાયદામાં નથી. પણ દુનિયાના અન્ય દેશોમાં એવું નથી. વાત કરીએ સ્પેનમાં બનેલાં કિસ્સાની. સ્પેનમાં ૧૦ વર્ષના દીકરાનો પત્ર ખોલીને વાંચવાના ગુના હેઠળ પિતાને બે વર્ષની સજા અને રૂ. ૨.૩૩ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના બની હતી.

બચાવ પક્ષ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે દીકરાનો પત્ર ખોલીને વાંચીને દીકરાની પ્રાઈવસીના હકનું ઉલ્લંઘન કર્યું છે. આ પત્ર ૧૦ વર્ષના બાળકની માસીએ લખ્યો હતો અને તેણે એમાં ‘૨૦૧૨માં તેના પિતાએ તેની માતા સાથે કરેલાં દુર્વ્યવહારની વાત કરી હતી અને પોતે કઈ રીતે તેના પિતાના ગુનાને સાબિત કરી શકે છે.’ સામે પક્ષે બાળકના પિતાએ તેની સાળી પર એવો આક્ષેપ મૂક્યો હતો કે તે તેના દીકરાને તેની જ વિરુદ્ધમાં જુબાની આપવા માટે દબાણ કરી રહી છે.

૨૦૧૨માં ૧૦ વર્ષના બાળકની માતાએ પોતાના પતિ સામે કાનૂની કાર્યવાહી માટે અરજી કરી હતી. એટલું જ નહીં આ મહિલાએ તેના પતિ પર ખાનગી માહિતી જાહેર કરવાનો આક્ષેપ મૂક્યો હતો. બાળકની માસીએ પોતાના જીજાજી પર આક્ષેપ કર્યો હતો કે તેમણે દીકરાની પ્રાઈવસીના અધિકારનો ભંગ કર્યો છે અને એ માટે તેને બે વર્ષની સજા અને રૂ. ૨.૩૩ લાખનો દંડ ફટકારવાની માગણી કરી હતી. આ ઉપરાંત બચાવપક્ષના વકીલે વધુ રૂ. ૧.૬૮ હજારનો દંડ ફટકારવાની માગણી કરી હતી, પણ દંડ કઈ વાતનો છે એની હજી જ સ્પષ્ટતા કરવામાં નથી આવી.

પોતાના બચાવમાં આરોપીએ એટલું જ કહ્યું હતું કે તેણે આ પત્ર ભૂલથી ખોલ્યો હતો અને આ ભૂલની કબૂલાત તેણે સૌથી પહેલાં પોતાના પુત્ર સમક્ષ કરી લીધી હતી. આ ઉપરાંત તેમના વકીલે એવો પણ દાવો કર્યો હતો કે દીકરાના પિતા હોવાના નાતે તેઓ દીકરાના પત્ર વાંચી શકે છે અને તેમાં કઈ ખોટું નથી.

----------------------

!જળસંકટમાં જળદોસ્ત

આપણા દેશમાં કુદરતી આફત કે આપત્તિ અચાનક આવી પડે ત્યારે કેવા બેહાલ થતા હોય છે એ ઘણાં લોકોએ જોયું-અનુભવ્યું હશે. ડિઝાઝસ્ટર મૅનેજમેન્ટ જેવી વ્યાપક વ્યવસ્થા હોવા છતાં અંધાધૂંધી સર્જાતી હોય છે. કેટલાક લોકો જીવ ગુમાવી બેસે છે તો કંઇ કેટલાય જણ પારાવાર પરેશાનીનો ભોગ બનતા હોય છે. પૂરની પરિસ્થિતિ વખતે લોકોને સહાયરૂપ બનવાના હેતુથી નૅશનલ ઍરોનૉટિક્સ લૅબોરેટરી દ્વારા એક બોટ તૈયાર કરવામાં આવી છે. જળદોસ્ત જેવું સુંદર મજાનું નામ ધરાવતી આ બોટ પૂર વખતના જળસંકટ વખતે સહાયરૂપ નિવડવાની સાથે પાણીમાં રહેલી નકામી વનસ્પતિ દૂર કરવાનું કામ પણ કરશે. આ જળદોસ્તની ખાસિયત એ છે કે ટેક્નોલૉજીની મદદથી એ છીછરા પાણીમાં સુધ્ધાં કાર્યરત રહેશે. નૅશનલ ઍરોનૉટિક્સ લૅબોરેટરીના હીરક મહોત્સવ વખતે આ બોટ લૉન્ચ કરવામાં આવી હતી. સંસ્થાના ડિરેક્ટરે આપેલી માહિતી મુજબ આ બોટ સ્ટેનલેસ સ્ટીલ કટરની મદદથી માત્ર ૧૦ મિનિટમાં જ ૧૫ ચોરસમીટર એરિયાના વિસ્તારના પાણીમાં રહેલી નકામી વનસ્પતિ દૂર કરી શકશે. પૂરને કારણે વહી આવેલી વનસ્પતિ દૂર થવાને કારણે સલામતી માટેની વ્યવસ્થા ઝડપભેર કાર્યરત રહી શકશે. આ ઉપરાંત જીવ બચાવવાના મહત્ત્વના કાર્યમાં પણ એ ઉપયોગી સાબિત થશે.

-------------------

!મેરી સાઇકીલ સબ સે નિરાલી

એક નૂર આદમી હજાર નૂર કપડા એ જૂની અને જાણીતી કહેવત છે. આજે એનું નવું સ્વરૂપ રજૂ કરીને એક નૂર આદમી હજાર નૂર શોખ એમ કહી શકાય. તાઇવાનની ૪૦ વર્ષની સન્નારી જૅકી ચેન (એને ફિલ્મસ્ટાર જૅકી ચેન સાથે કોઇ સંબંધ નથી)ને અચાનક સોલો ચડ્યો. લગડી જેવી ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરની નોકરીમાંથી રાજીનામું આપીને તે એક અનોખું સાહસ કરવા તૈયાર થઇ ગઇ. બે પૈડાંવાળી સાઇકલ પર બેસીને જગત આખાનું ભ્રમણ કરવાનો નિર્ધાર તેણે કરી લીધો. તાઇવાનની આ નારીએ અત્યાર સુધીમાં અમેરિકા, યુરોપ તેમ જ મધ્ય પૂર્વ દેશોની સફર ખેડી લીધી છે. આ સફર દરમિયાન સ્માર્ટફોનના ઍપની મદદ લઇને ટેન્ટ તેમ જ અન્ય સગવડો શોધીને એ અલગ અલગ જગ્યાએ રાત ગુજારીને આગળ વધતી રહી છે. ૬૪ દેશ ખેડીને ૫૪૦૦૦ કિલોમીટરનું અંતર કાપનારી જૅકી બીજા ત્રણ વર્ષમાં ૧૦૦ દેશ અને એક લાખ કિલોમીટરનું લક્ષ્યાંક પૂરું કરવા ધારે છે. ઑલ ધ બેસ્ટ.

------------------------

!વૃક્ષ વાવો, લાઇસન્સ મેળવો

મધ્ય પ્રદેશના ચંબલ વિસ્તારમાં તમારે બંદૂક રાખવા માટે પરવાનગી પત્ર જોઇતો હોય તો પહેલાં વૃક્ષનું વાવેતર કરવું પડશે. તમે વાવેલા રોપા સાથેની સેલ્ફી બતાવો અને લાયસન્સ મેળવો આવી સૂચના ગ્વાલિયરના કલેક્ટરે બહાર પાડી છે. કલેક્ટર અનુરાગ ચૌધરી કહે છે કે આની પાછળનો હેતુ એટલો જ છે કે લોકો પર્યાવરણ પ્રેમી બને અને વૃક્ષારોપણ અને તેના ઉછેરની વાતો ગંભીરતાથી લે.

શસ્ત્રો રાખવા માટે લાઇસન્સ આપવા એ તો એક રોજિંદી ઔપચારિક બાબત છે જેમાં બહુ સમય નથી લાગતો. જોકે, હાલમાં પાંચ મહિનાની અંદર જ વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ થઇ હતી. જેને પરિણામે લાઇસન્સ અંગેની અરજીઓનો ખૂબ ભરાવો થઇ ગયો હતો. આ અરજીઓની ચકાસણી થઇ રહી હતી ત્યારે જ કલેક્ટર સાહેબને વિચાર આવ્યો કે જો વૃક્ષોના વાવેતરને આ પ્રક્રિયા સાથે જોડી દેવામાં આવે તો પર્યાવરણના સંરક્ષણ અંગે લોકોમાં જાગૃતિ આણી શકાય. લાઇસન્સ સંબંધિત ખાતાના તમામ કર્મચારીઓને જણાવી દેવામાં આવ્યું છે કે જે અરજદારો વૃક્ષ વાવણીનો સેલ્ફી બતાવે તેમને જ પરવાનો આપવો. બંદૂકમાંથી ગોળી છૂટે એ પહેલા ધરતીમાં એક બીજ વવાઇ જશે. વાહ વાત તો છે ઘણી મજેદાર.

--------------------------

!નામ છોટે, દર્શન બડે

આઠ વર્ષની ઉંમરમાં તમે કે હું શું કરતાં હતા, કદાચ શેરીઓમાં આસ પડોશના બાળકો સાથે રમતા, ધમાલ-મસ્તી કરવા સિવાય બીજું શું કરતાં આપણે? પણ તમને કોઈ કહે કે આઠ વર્ષનો એક બાળક ૧૦૬ ભાષા લખી અને વાંચી શકે છે અને ૧૦ ભાષા બોલવામાં નિપૂણ છે તો, તમારો આ વાત પર વિશ્ર્વાસ બેસશે ખરો? પણ બૉસ આ સાચું છે. તમિળનાડુમાં રહેતો આઠ વર્ષનો ટાબરિયો નિયાલ થોગુલુવા ૧૦૬ ભાષા લખી અને વાંચી શકે છે, અને એટલું જ નહીં પણ ૧૦ ભાષા બોલી પણ લે છે. તેના આ ટેલેન્ટને કારણે જ નિયાલ માત્ર તમિળનાડુ જ નહીં પણ, આખા દેશમાં ફેમસ થઈ ગયો છે.

હવે તમને થશે રમવા-કૂદવાની ઉંમરમાં આ બાળક આટલી બધી ભાષા પર પ્રભુત્વ ધરાવે છે? આ માટે તેણે ઈન્ટરનેશનલ ફોનેટિક આલ્ફાબેટ (આઈપીએ)નો અભ્યાસ કર્યો છે. આઈપીએ કોઈ પણ ભાષાના શબ્દને કે વાક્યને ઉચ્ચાર સાથેનું જ્ઞાન આપે છે. જોકે આ છોટે નવાબને પોતાને જ ખબર નથી કે તેને ભાષામાં ક્યારથી રસ પડ્યો અને એ વિશે વાત કરતાં નિયાલ કહે છે કે ‘હા એ સાચું છે કે મને ચોક્કસ ભાષામાં ક્યારથી રસ પડ્યો તેની મને જ ખબર નથી. પણ એની સાથે સાથે એ પણ સત્ય છે કે આજે હું ૧૦૬ ભાષા લખી અને વાંચી શકું છું, જ્યારે ૧૦ ભાષા બોલી શકું છું. હજી વધુ પાંચ નવી ભાષાઓ પર હું કામ કરી રહ્યો છું.’

એવું નથી કે નિયાલ માત્ર અલગ અલગ ભાષાઓ શીખે જ છે. પણ તે દરેક નવી ભાષા વિશે તે તેના માતા-પિતાને પણ એની જાણકારી

આપે છે.

નિયાલના પિતા શંકર નારાયણન્ દીકરાની આ ખૂબી વિશે વાત કરતાં કરે છે કે છેલ્લાં એક-દોઢ વર્ષથી જ દરેક ભાષામાં નિયાલને રસ પડવા લાગ્યો અને ઈન્ટરનેટ અને યુટ્યૂબની મદદથી તે ખૂબ જ ઝડપથી નવી નવી ભાષાઓ શીખી રહ્યો છે. એક ભાષા લખવા-વાંચવાનું શીખ્યા બાદ જ તે કોઈ પણ નવી ભાષા શીખવાનું શરૂ કરે છે.’ જ્યાં આપણા બાળકોના પોતાની માતૃભાષા બોલવાના ફાંફા છે ત્યાં નિયાલ ૧૦૬ ભાષા વાંચી અને લખી શકે છે એ જ કેટલી ગૌરવની વાત છે. નિયાલ જેવા બાળકોને જોઈને રાહત થવાની સાથે સાથે એક વિશ્ર્વાસ પણ થાય કે આવતી કાલનું ભારતનું ભાવિ ઉજ્જ્વળ છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

208a673K
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com