13-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પાણીને સમજવું મુશ્કેલ જ નહીં અસંભવ છે

સમજણ-મુકેશ પંડ્યાહવે ચોમાસુ વિધિવત બેસી ગયું છે! ચારે કોર પાણીનું સામ્રાજ્ય ફેલાશે. આ પાણી પણ ગજબની ચીજ છે. જે રંગમાં નાખો એ રંગમાં રંગાઈ જાય છે. જે આકારના પાત્રમાં રેડો એ આકાર ધારણ કરી લે છે. એટલું તો ઠીક છે, પણ પાણી હવે તાકાતને માપવાનું એકમ પણ બની ગયું છે. ‘પેલામાં તો પાણી જ નથી’, ‘ફલાણાભાઈનું આજે પાણી મપાઈ ગયું’. ‘ઢીંકણો તો નપાણિયો છે.’ વિગેરે વિગેરે. જેમ પાણી વિશ્ર્વમાં ૭૦% વસતિ ધરાવે છે. પાણી શરીરમાં પણ ૭૦% હિસ્સો ધરાવે છે. પછી એ લોહી હોય, પ્લાઝમા હોય, પરસેવો, મૂત્ર કે વીર્ય હોય.

શિયાળામાં કે ઉનાળામાં શહેર કે ગામડાના પાકા કે કાચા રસ્તા પર ચાલતા હોય ત્યારે ખબર ન પડે કે રસ્તાની ક્વોલિટી કેવી છે, કયા ભાગોમાં ઊબડખાબડ છે. જેવા માર્ગ પર વરસાદના પાણી ફરી વળે, પેલાં ભરાયેલા ખાબોચિયાથી ખબર પડે કે અહીં ઊબડખાબડ છે. પાણી ભરાય ત્યારે ખબર પડે કે રસ્તાની ગુણવત્તા કેવી છે. ચોમાસામાં જગ્યા જોવા જઈએ ત્યારે ગળતી છતથી ખબર પડે કે જગ્યા લેવાય કે નહીં. આ જ રીતે પ્લેટફોર્મના છાપરા હોય કે ટ્રેન અને બસના, પહેલા વરસાદથી ખબર પડી જાય કે કયાં ક્યાં લિકેજ છે. પાણીથી તાકાત પણ મપાય અને પાણીથી છત કે છાપરાની ગુણવત્તા પણ મપાય છે.

સુખ હોય કે દુ:ખ હોય, પાણીની હાજરી બધે જ હોય. હર્ષમાંય આંખમાંથી આંસુ ટપકે અને દુ:ખમાંય વરસે અનરાધાર. પાણી ઉનાળામાં પરસેવા રૂપે ચમકે, શિયાળામાં ફૂલના પાંદડે ઝાકળ બનીને બાઝે. ચોમાસામાં તો અત્ર તત્ર સર્વત્ર - બસ પાણી જ પાણી.

પાણી સાથે ઘણી સકારાત્મક વાતો પણ જોડાય છે. પાણીથી ઘઉંનો કરકરો લોટ હોય કે માનવીની ત્વચા બેઉ મુલાયમ બને છે. પાણી ભીંજવી નાખે છે. આ ‘ભીના’ શબ્દનો પ્રયોગ પ્રેમ અને લાગણી દર્શાવવા થાય છે જેમ કે લાગણીભીના, પ્રેમભીના, રોષ કે અહંકાર જેવા નકારાત્મક ભાવો સાથે ‘ભીનો’ શબ્દ વપરાયેલો તમે કલ્પનામાં પણ ન વિચારી શકો.

પાણી બહુરૂપી છે એ કોઈને કોઈ રૂપમાં એની હાજરીની આપણને અનુભૂતિ કરાવતું રહે છે. ઉનાળામાં વરાળ રૂપે આકાશનો કબજો કરે તો શિયાળામાં બરફ બનીને પૃથ્વીને કેદ કરે. ચોમાસામાં એ પોતાનું અસલી ‘પાણી’ દેખાડે છે. પાણી ગજબની ચીજ છે. કોઈ મૂલ્યવાન વસ્તુ હોય તો આપણે કહીએ છીએ કે વાહ, પાણીદાર વસ્તુ છે. દા.ત. આ ઘોડો તો પાણીદાર છે અને કોઈ વસ્તુને સસ્તામાં વેચી નાખીએ તો આપણે કહીએ છીએ કે મેં તો પેલી વસ્તુ ‘પાણી’ના ભાવમાં વેચી નાખી. શું સમજવું? પાણી મૂલ્યવાન છે કે સસ્તું?

સાચે જ પાણીને આપણે સમજવા અશક્તિમાન છીએ. હાલનું વિજ્ઞાન કહે છે કે માણસો બદલાય છે. જીવમાત્ર બદલાય છે. ઋતુઓ બદલાય છે, પણ પાણી બદલાતું નથી. વરસોથી એનું એ જ પાણી વરસાદરૂપે નીચે આવે છે. નદી-નાળા-દરિયે થઈ પાછું વરાળરૂપે ઉપર જાય છે. વળી પાછું વાદળને સરનામે ગોઠવાઈને નીચે આવે છે. કમાલ છે વર્ષોથી પાણી એનું એ જ છે.

પાણી જોડવાનું કામ કરે છે કે તોડવાનું? એ જો લોટમાં પડે તો સરસ લોટ બંધાય અને રોટલી બને, પણ એ જો મીઠામાં પડે તો મીઠાના અણુએ અણુને તોડી નાખે. એક ગીતકારે સરસ કલ્પના કરી છે - કે પાનીમેં આગ લગી પણ સાચે જ પાણીની અંદર ખરેખર ભારેલો અગ્નિ છે. પાણીમાં હાઈડ્રોજન છે એ તરત સળગી ઊઠે એવો પદાર્થ છે અને ઓક્સિજન એ હાઈડ્રોજનને બળવામાં મદદ કરતું તત્ત્વ છે. કેવું ને? પાણી તો આગ બુઝાવે, પણ તેના બે પુત્રો - હાઈડ્રોજન અને ઓક્સિજન છૂટા પડે તો આગ લાગતા અને પ્રસરતા વાર ન લાગે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા હવે - કાર ઉત્પાદકોની નજર પાણી પર પડી છે. પાણીથી ચાલતી કાર ભવિષ્યમાં રસ્તા પર દોડતી થાય તો નવાઈ નહીં.

પાણીને સમજવું ઘણું અઘરું છે. પાણી જો સૂકી માટીમાં ભળે તો મહેકે, પણ પછી એમાં જીવાણુઓ ઘર ભાળી જાય ત્યારે કાદવ બની વાસ મારે. પાણી શરીરમાં જાય તો જીવનદાન મળે, પણ જો શરીર પાણીમાં જાય તો મોતનું કારણ પણ બને. પાણી જીવતા માણસો ડૂબાડે પણ મૃતદેહને તરતો કરી દે, કિનારે પણ લાવીને મૂકી દે. પાણીથી વીજળી પેદા કરી શકાય, પણ આ જ વીજળી જો પાણીમાં દાખલ થાય તો માણસ તેના ‘કરંટ’નો ભોગ પણ બની જાય.

આમ પાછું પાણી મળતાવડું - મીઠા જોડે ભળી જાય તો ખારું થઈ જાય. સાકર જોડે ભળે તો ગળ્યું થઈ જાય. કડવા લીમડામાં ભળે તો કડવું પણ થઈ જાય.

પાણીમાં મીઠું ભળેલું હોય તો તેનું જલદી બાષ્પીભવન થતું નથી. મીઠા વગરનું પાણી જલદીથી વરાળ બનીને ઊડી જાય છે. એટલે જ તો ઉનાળામાં નદી કે તળાવ ભલે સુકાઈ જાય, દરિયો ક્યારેય સુકાતો નથી. એ તો બસ ઉનાળામાં સૂર્યની હાજરીમાં ઊની વરાળોને ઉપર મોકલી ખારા પાણીને મીઠું બનાવી દઈ વરસાદ વરસાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એનો અર્થ એ થયો કે વરસાદનું પાણી એ દરિયાની મહેનતનો પરસેવો છે. અરે આ પણ કેવું કૌતુક છે? માણસ મીઠું પાણી પીએ ને ખારો પરસેવો બહાર કાઢે જ્યારે ખારો દરિયો માણસ માટે પરસેવો વહાવી ને મીઠું અમૃત જેવું પાણી મોકલે.

બસ હવે! પાણી પર લખવા બેસીએ તો આખું જળપુરાણ લખી શકાય, પણ એક વાત તો પાકી. પાણી વિશે લખી શકાય, પણ એને સમજી ન શકાય. જેમને માપી ન શકાય પણ માત્ર પામી શકાય તેને જ તો આપણે દેવ કહીએ છીએ ને? બસ, પાણીને વરૂણ દેવ સમજીને તેમના આગમનને વધાવી લઈએ. તેમની આગતા સ્વાગતા કરીએ. તેઓ સદાય પોતાની લીલા દર્શાવી - પૃથ્વીને પણ લીલીછમ બનાવી રાખે - કદીય કોપાયમાન ન થાય તેવી આ ચોમાસે તેમને અભ્યર્થના.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

08H028pt
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com