20-January-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
યોગાસન કરો, ચોમાસામાં ચુસ્ત રહો!

મેડિકલી યોર્સ -ઊર્મિલ પંડ્યાઆજે આ લેખ લખાઇ રહ્યો છે ત્યારે વિશ્ર્વભરમાં યોગ દિવસ મનાવાઇ રહ્યો છે. યોગમાં તન અને મન જ નહીં, આત્માની ઉન્નતિનો મારગ સમાયો છે એ તો આપણને ખબર જ છે, પણ આજકાલની લાઇફસ્ટાઇલ જોતાં તેનું અનુસરણ કરવું મુશ્કેલ થતું જાય છે. ઘરેથી ઑફિસ અને ઑફિસેથી ઘરે આવવામાં જ દિવસના ત્રણથી ચાર કલાક વેડફાઇ જતા હોય, ચોમાસાના દિવસો ચાલી રહ્યા હોય, નોકરી ધંધાના કામ અને ટેન્શન હોય તેવામાં યોગમાર્ગમાં શોર્ટ કટ શોધી તેનું નિષ્ઠાપૂર્વક પાલન કરવામાં આવે તો ય ભયો ભયો. અહીં ચોમાસામાં લાગુ પડતી બીમારી સામે કયાં યોગાસનો અને પ્રાણાયમ દ્વારા લડી શકાય. આ ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ કેવી રીતે વધારી શકાય તેનો અભ્યાસ કરીએ. ચોમાસામાં શરદી, ઉધરસ, ફલુ,ટાઇફોઇડ થવો કે પાચનશક્તિ નબળી થવી સામાન્ય વાત છે. આ ઉપરાત કોલેરા- કમળા જેવા પાણીજન્ય રોગો કે મલેરિયા- ડેન્ગ્યૂ જેવા મચ્છરજન્ય રોગો પણ આપણને હેરાન પરેશાન કરી શકે છે. આવી બીમારીઓ લાગુ પડે અને પછી સારવાર કરીએ એના કરતાં તે લાગુ જ ન પડે તેની તકેદારી રાખીએ તો ઘણી વિટંબણાઓથી બચી શકાય છે. ખાવા પીવામાં સાવચેતી રાખવા ઉપરાંત નિમ્ન લિખિત ૬ જાતના પ્રાણાયમ અને યોગાસનોની કસરતો માટે થોડી મિનિટો ફાળવી શકો તો જેમ કીચડમાં ય કમળ સુખરૂપ વિકસી શકે છે તેમ તમે પણ આ બીમારીની ઋતુમાં હેમખેમ રહી શકશો અને ચોમાસાને વધુ સારી રીતે માણી શકશો.

આ છ પ્રકારની કસરતો તમને ચોમાસાની સાઇડ ઇફેક્ટ્સથી બચાવી શકે છે.

૧) કપાલ ભાતિ પ્રાણાયમ

૨) નાડી શોધન પ્રાણાયમ

૩) અધોમુખ શ્ર્વાનાસન

૪) સેતુ બંધાસન

૫) ભુજંગાસન

૬) નૌકાસન

કપાલભાતિ પ્રાણાયમ

આ પ્રાણાયમ કરવા સૌ પ્રથમ તો યોગ્ય સ્થાન ગ્રહણ કરો. પલાંઠી વાળીને બેસો. પદ્માસન કે વજ્રાસનમાં પણ બેસી શકો છો. ત્યાર બાદ બે કે ત્રણ ઊંડા શ્ર્વાસ લો અને છોડો. હવે એક વાર ઊંડો શ્ર્વાસ લઇ પછી જોરજોરથી શ્ર્વાસ બહાર કાઢતા રહો. તમારે આ આખી ક્રિયા દરમ્યાન શ્ર્વાસ બહાર કાઢવાનું કાર્ય જ વિશેષરૂપે કરતા રહેવાનું છે, શ્ર્વાસ લેવાનું કામ તો આપમેળે સહજતાથી થવા દો. તમે જ્યારે શ્ર્વાસ જોરથી બહાર કાઢી રહ્યા હશો ત્યારે તમારું પેટ અંદર જશે અને કુદરતી રીતે શ્ર્વાસ અંદર જશે ત્યારે પેટ બહાર આવશે. આ પ્રક્રિયા વીસથી ત્રીસ વાર કરવી.

કપાલભાતિના ફાયદા

ચોમાસામાં હવામાં પણ ભેજ(પાણી)નું સામ્રાજ્ય હોવાથી શરીરના શ્ર્વસન તંત્રમાં જો ભેજનું પ્રમાણ વધી જાય તો, શરદી, ઉધરસ, દમ અને અસ્થમા જેવી બીમારી સતાવી શકે છે. કપાલભાતિથી નાક -નસકોરા- શ્ર્વાસનળીથી લઇ ફેફસાં સુધીનું સમગ્ર શ્ર્વસનતંત્ર એ રીતે સાફ થઇ જાય છે, જે રીતે ઝાડુ મારવાથી રૂમનો કચરો સાફ થાય છે. આ ક્રિયાથી શરીરના વિષદ્રવ્યોનો નિકાલ કરવામાં પણ મદદ મળે છે.

ચોમાસામાં તનમનમાં સુસ્તી ભરાઇ જતી હોય છે. આ ક્રિયાથી તનમનમાં સ્ફૂર્તિનો અનુભવ થાય છે. પેટ અંદર બહાર થતું હોવાથી લિવર અને કિડનીને પણ પૂરતી કસરત મળે છે. ચોમાસામાં લિવર ચુસ્ત રહેવાથી પાચન શક્તિ વધે છે. કમળા જેવા રોગો સામે રક્ષણ મળે છે. આ ક્રિયાથી ફેફસાની કાર્યક્ષમતા પણ સુધરે છે. લોહીનું પરિભ્રમણ પણ સુધરે છે. ચયાપચયની ક્રિયા પણ ઝડપી બને છે જેની ચોમાસાની ઋતુમાં ખૂબ જ જરૂર હોય છે. માત્ર ચોમાસામાં જ નહીં, બારે માસ કામ લાગે એવી આ ક્રિયા છે. કપાલભાતિથી પેટની ચરબી કે વજન ઓછું કરવામાં પણ મદદ મળે છે. મગજ તેજ થાય છે. યાદશક્તિ પણ વધે છે. કબજિયાત, ગેસ અને એસિડિટીમાં પણ રાહત મળે છે. આ પ્રાણાયમ દરેક ઉંમરની વ્યક્તિ કરી શકે છે, પણ જેને પહેલેથી જ શ્ર્વાસ સંબંધી તકલીફ હોય તેમણે ડૉક્ટરની સલાહ લીધા પછી જ આ આસન કરવાં.

નાડી શોધન પ્રાણાયમ

આ ક્રિયા કરવા પણ પલાંઠી વાળીને કે પગ એક બીજા પર ચઢાવી પદ્માસનમાં પણ બેસી શકાય. ત્યાર બાદ જમણા હાથના અંગૂઠા વડે નાકની જમણી બાજુ બંધ કરવી. ડાબી બાજુ વડે જેટલો ઊંડો શ્ર્વાસ લઇ શકાય એટલો લેવો. હવે ડાબી બાજુને આંગળીઓથી બંધ કરી, જમણી બાજુથી શ્ર્વાસ બહાર કાઢવો. આ જ બાજુએથી શ્ર્વાસ અંદર લઇ તે બાજુ અંગૂઠાથી બંધ કરી હવે ડાબી બાજુએથી શ્ર્વાસ બહાર કાઢવો. આ ક્રિયા દસથી પંદર વાર કરવી.

નાડીશોધન પ્રાણાયમના ફાયદા

આ પ્રાણાયમનો સૌથી મોટો ફાયદો એ છે કે એ મગજ પરનો બોજ, સ્ટ્રેસ અને ચિંતાને હળવી બનાવી દે છે. ચોમાસાની ઋતુમાં શારીરિક વિટંબણાઓ તો વધી જતી હોય છે, તેને લીધે માનસિક થાક કે કંટાળો થવો સ્વાભાવિક છે. માનસિક શાંતિ મેળવવા આ પ્રાણાયમ ઘણું ઉપયોગી થઇ પડે છે. આ ઉપરાંત તે કપાલભાતિની જેમ ફેફસાં અને શ્ર્વસનતંત્રને તો સારી રીતે સજ્જ રાખે છે. આ પ્રાણાયમથી હૃદય સંબંધી બીમારીમાં પણ ઘણી રાહત મળે છે. હૃદયના ધબકારા નિયંત્રિત થાય છે. બ્લડ પ્રેશર કાબૂમાં રહે છે. મગજની તંદુરસ્તી પણ વધે છે. નાડી શોધન પ્રાણાયમ તેના નામ પ્રમાણે શરીરની ભિન્ન નાડીઓને સ્વચ્છ અને શુદ્ધ કરે છે. શરીરના દરેક કોષોને જરૂરી એવો પ્રાણવાયુ પૂરતા પ્રમાણમાં મળે છે. અસ્થમા અને બ્રોન્કાઇટિસ જેવા રોગોમાં ઘણી રાહત મળે છે.

અધોમુખ શ્ર્વાનાસન

આ આસનથી જે મુદ્રા બને છે એ કોઇ શ્ર્વાન મોં નીચું રાખી શરીરને ઉપર તરફ ખેંચતો હોય એવી મુદ્રા બને છે. આ આસન કરવા પહેલા જમીન પર ઊભા રહી, નીચે તરફ ઝૂકી બે હાથ જમીન સાથે ચિત્રમાં બતાવ્યો મુજબ જોડી દેવા. યાદ રહે કે ઘૂંટણ સીધા રહે, વળી ન જાય. બેઉ હાથને સમાંતરે આગળ ફેલાવો. શ્ર્વાસ છોડો અને પીઠ તેમ જ હિપ્સ (કુલા)ને ધનુષાકારમાં જેટલા ઉપર ઊઠાવી શકાય એટલા ઉઠાવો. માથું જમીનની તરફ ઝૂકેલું હોવું જોઇએ અને પીઠની લાઇનમાં જ હોવું જોઇએ.

અધોમુખ શ્ર્વાનાસનના ફાયદા

જેઓ સૂર્ય નમસ્કાર કરતા હશે અથવા તેના વિશે જાણતા હશે તેમને ખ્યાલ હશે જ કે આ જાતનું આસન તેમાં આવી જાય છે. આ આસન એવું આસન છે જેની સૌથી વધુ અસર પેટ પર થાય છે. પેટના સ્નાયુઓ મજબૂત થાય છે અને પેટ સંબંધિત દરેક સમસ્યાઓ અને જે ખાસ કરીને ચોમાસામાં સતાવે છે જેમ કે, અપચો, કબજિયાત, લિવરની બીમારી- કમળો વગેરેથી રાહત અપાવે છે. પાચન શક્તિ સુધરે છે આ ઉપરાંત આ આસન અસ્થમા, સાઇટિકા, કમર દર્દમાં પણ રાહત આપે છે.થાક અને અનિદ્રાના રોગમાં પણ ઉપયોગી છે. આ પ્રકારના આસનનો અન્ય એક ફાયદો એ પણ છે કે એ હાથ, પગ, ખભા, છાતી, હિપ્સ અને ઘૂંટણને સમતોલ અને મજબૂત બનાવે છે. જોકે, જેમને કાંડામાં તકલીફ હોય, તેમણે સાવધાની રાખવી જોઇએ. અગર તમને લાગે કે આ આસન કરતી વખતે હાથ પર વધુ દબાણ આવી રહ્યું છે તો તરત જ એ દબાણને હિપ્સ (કુલા) તરફ લઇ જવું જોઇએ. શરીરના કોઇ ભાગમાં ચોટ પહોંચી હોય, આંખ કે કાનમાં દુખાવો થતો હોય એવા સમયમાં આ આસનને ટાળવું જોઇએ. ગર્ભાવસ્થા વધતી જાય તેમ તેમ આ આ આસન કરવા પહેલાં ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી. હાઇ બ્લડપ્રેશરવાળાઓએ પણ ડૉક્ટરની સલાહ લઇને આ આસનો કરવાં.

(ક્રમશ:)ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

k1x01R3V
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com