13-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સરદાર જોરાવરસિંહ કહલુરિયા-૨

પ્રફુલ શાહએક અદના સૈનિકમાંથી શીખ સામ્રાજ્યના સૌથી શક્તિશાળી સેનાપતિ બનેલી જનરલ જોરાવરસિંહ કહલુરિયા નખશિખ યોદ્ધા હતા. એક પછી એક જંગ અને વિસ્તારો જીતવામાં જશ હતો, જોશ હતો અને કદાચ લડતા રહેવાનો નશોય હતો.

કાશ્મીરના સૂબા મેહાનસિંહની ચઢવણીથી હારેલા લદાખના રાજા ગ્યાલપો ફરી શસ્ત્રો સજાવવા માંડ્યા. જનરલ જોરાવરસિંહે આસાનીથી સેના સાથે પહાડો કુદાવતા સુરુ નદીને ઓળંગીને પોતાને ભૂ પાયું હતું એ ભૂલી ગયા. પણ જોરાવરસિંહ ફરી ઘોડા દોડાવ્યા. એમના લશ્કરે દશ દિવસમાં લદાખ પહોંચીને બધાને ચોંકાવી દીધા એટલું જ નહિ, ફરી તેમને બરફ (ધૂળ ક્યાંથી દેખાય?) ચાટતા કરી દીધા. આ વખતે વિજયપતાકા લહેરાવીને પાછા જવાને બદલે કહલુરિયાએ લેહની બહાર એક કિલ્લો બંધાવ્યો અને એના રક્ષણ માટે ૩૦૦ની સંખ્યામાં દુર્ગ-સૈન્ય તહેનાત કરી દીધું. આટલેથી અટકવાને બદલે રાજા ગ્યાલપોને એક જાગીરદાર બનાવીને એક લદાખી જનરલ નોરુબ સ્ટાનઝિનને નવો રાજા બનાવ્યો. જોકે ભવિષ્યમાં નોરુબ વફાદાર ન રહેતાં તેને હટાવીને ગ્યાલપોને ફરી રાજા બનાવાયો હતો. એ સમય એટલે ૧૮૩૮.

આપણા જોરાવરસિંહ ભલે સિકંદરની માફક દુનિયા જીતવા નીકળી પડેલા સમ્રાટ નહોતા પણ ફતેહ-પતિ તો હતા જ. આમાં એક અનોખી ઘટના બની ૧૮૩૯-૪૦માં. લદાખની પડોશમાં આવેલા બાલ્ટિસ્તાનના રાજવી પરિવારમાં કૌટુંબિક રાજકીય ડ્રામા ચાલતો હતો. રાજા અહમદ શાહના બેટા મુહમ્મદ શાહે બાપ સામે બગાવત કરી. તે ભાગીને લેહ ગયો અને ફરીથી સત્તારૂઢ થયેલા રાજા ગ્યાલપો અને જોરાવરસિંહની મદદ માગી, પોતાના બાપા સામે લડવા માટે. જોકે કેટલાક ઉમરાવની મદદથી અહમદ શાહે બેટાને જેલ ભેગો કરી દીધો અને જોરાવરસિંહ - ગ્યાલપો સામે લડવા માટે એની જ મદદ માગી, પરંતુ જોરાવરસિંહ અગાઉ હરાવેલા લદાખીઓની મોટી સંખ્યાને પોતાના લશ્કરમાં સામેલ કરીને બાલ્ટિસ્તાન પર આક્રમણ માટે રવાના થઈ ગયા.

હિમાલયના પહાડોમાં લડવાનું કેટલું મુશ્કેલ હતું. એ દર્શાવતી કંપાવી દેતી ઘટના બની આ યુદ્ધ માટેની આગેકૂચમાં.

જોરાવરસિંહે પાંચ હજાર સૈનિકોની પલટનને આગળ રવાના કરી. એનું સુકાન સોંપ્યું નિધાનસિંહને, પરંતુ જોરદાર ઠંડી અને ઠેરઠેર પથરાયેલા બરફ વચ્ચે આ પલટન રસ્તો ભૂલી ગઈ. અમુક દુશ્મનોના શિકાર થઈ ગયા, તો કેટલાંક જીવતેજીવ બરફમાં દફન થઈ ગયા. થોડા સમય પહેલાં હિમાલયમાં ઘણાં હાડપિંજર અને ખોપડી મળી આવ્યાં હતાં જે જોરાવરસિંહના સૈનિકોના અવશેષો હોવાની શક્યતા વ્યક્ત થઈ હતી.

સદ્ભાગ્યે બસ્તી રામ મહેતા નામના રાજપૂતે યેનકેન પ્રકારેણ જોરાવરસિંહની સેના સુધી પહોંચી શક્યા અને બધી જાણકારી આપી. જોરાવર સેના આગળ વધતી હતી, ત્યારે જ દુશ્મનો સાથે આવી પહોંચ્યા પણ તેમણે પૂંછડી દબાવીને પોતાના કિલ્લા તરફ ભાગવું પડ્યું. એટલે જોરાવરસિંહે થોડા દિવસ કિલ્લાને ઘેરી લીધો, પરંતુ એક જ સ્થળે સ્થિર - નિષ્ક્રિય રહેવાનું લડવૈયાને થોડું ફાવે? એક રાતે અંધારું ઓઢીને જોરાવરસિંહના સૈનિકો કિલ્લા પાછળના સીધા પહાડ પર ચડી ગયા. થોડી લડાઈ બાદ એક નાનકડા કિલ્લા પર કબજો જમાવી લેવાયો. પછી ત્યાંથી મુખ્ય કિલ્લા પર ગોળીઓનો એવો જોરદાર વરસાદ થયો કે શત્રુ માટે એ બે જ વિકલ્પ રહ્યા: મોત કે શરણાગતિ.

હવે જોરાવરસિંહ વચ્ચે સાત હજારનું સાલિયાણું લેવાનું નક્કી કરીને મોહમ્મદ શાહને ફરી રાજા બનાવ્યા. સાથોસાથ પોતાના સૈનિકોના વસવાટ માટે નદીકિનારે કિલ્લો પણ બાંધ્યો.

અહીંથી આગળ વધીને જોરાવરસિંહના સૈન્યે એસ્ટોટનો કિલ્લો જીતી લીધો અને એના દારદ રાજાને કેદી તરીકે પકડી લીધો. હવે આ રાજા તો મેહાનસિંહનો ખંડિયો હતો. આ કાશ્મીરી સૂબાથી ડોગરાઓની વિજયકૂચ સહન ન થઈ, કારણ કે આ જીતથી ગુલાબસિંહનું સામ્રાજ્ય સમૃદ્ધ થતું હતું પણ પોતાને ફાયદો થતો નહોતો. આથી જમ્મુમાં રાજા ગુલાબસિંહ સુધી રાવ કરીને દારદ રાજાને કેદમાંથી મુક્ત કરાવી લેવાયો. આપણા પોલીસવાળા મહેનત કરીને ગુનેગારને પકડે એમ રાજકારણીઓ છોડાવી લે એના જેવું જ થયુંને આ?

જોકે આવી નાની-નાની પીછેહઠથી હતાશ થાય એ જોરાવરસિંહ નહિ. તેમણે નજર દોડાવી તિબેટ ભણી. મોટાભાગના હિન્દુ ડોગરા સૈનિકોનો બનેલો છ હજાર જવાનોનો કાફલો લઈને તેઓ તિબેટ પર ત્રાટક્યા. આ નાનીસૂની લડાઈ નહોતી ને એનું સ્થળ ઘણું મુશ્કેલ હતું. બરફીલી પહાડી પર ચડવું કે ટકવું અસંભવ હોય, ત્યારે જીવ સટોસટની લડાઈ કેવી - કેવી આફત ઊભી કરી શકે.

જોરાવરસિંહ પોતે ત્રણ હજારની ફોજ લઈને પાંગોંગ તળાવ ધરાવતા પ્રદેશ ભણી નીકળી પડ્યા. અલગ - અલગ ટુકડીઓ પણ રવાના થઈ. રસ્તામાં આવતા બધા શત્રુ અને વિઘ્નોને ઓળંગીને માનસરોવર ઓળંગી ગયા. એ અગાઉ ગાર્ટોકમાં તહેનાત તિબેટિયન સૈનિકોને હરાવ્યા. એમનો કમાન્ડર ભાગીને ટાકલાકોટ કિલ્લામાં ભરાઈ ગયો પણ જોરાવરસિંહ ૧૮૪૧ની છઠ્ઠી સપ્ટેમ્બરે આ કિલ્લા પર ત્રાટક્યા.

વાવાઝોડાની જેમ ધસી રહેલા જનરલ જોરાવરસિંહને રોકવાનું અશક્ય લાગતાં તિબેટ અને ટાકલાકોટથી ૧૫ માઈલના અંતરે આવેલા નેપાળના દૂતો મળવા માટે દોડી આવ્યા. આ એક પ્રકારની શરણાગતિ હતી, શાંતિની યાચના હતી.

કહલુરિયા યોદ્ધા હોવા છતાં ચંગેઝખાન નહોતા, માનવતાવાદી હતા. તેઓ પોતાના સાથીઓને લઈને કૈલાસ પર્વત અને માનસરોવરની જાત્રાએ ઊપડી ગયા. આ રૂટ પર સંદેશવ્યવહાર જળવાઈ રહે અને જરૂરી સામગ્રીનો પુરવઠો મળતો રહે એટલે નાના કિલ્લા અને ચોકી બાંધતા આગળ વધ્યા. આ કિલ્લા, થાણા અને ચોકી પર સૈનિકોને તહેનાત કરી દેવાયા. આ આયોજન વિચારભર્યું હતું પણ કુદરત સામે ભલભલા ભૂ ભરે. શિયાળાના આગમન સાથે જ જોરદાર બરફવર્ષાને લીધે ડોગરા લશ્કરને અન્ન અને સામગ્રીના પુરવઠા મળતા બંધ થઈ ગયા.

બરફ અને ઠંડી ઓછા હોય એમ વરસાદ ત્રાટક્યો, એ પણ ઘણાં અઠવાડિયાં સુધી. સૈનિકોનું જીવન દુષ્કર બની ગયું. હિમ ડંખથી કોઈકના આંગળાં ઠરડાઈ ગયાં, તો કોઈના પગના અંગૂઠા ખરી પડ્યા. કેટલાકે બંદૂકનો લાડકાનો ભાગ બાળીને તાપણા કરીને ગરમી મેળવી. અમુક વધુ કમનસીબ ભૂખમરાનો કોળિયો બની ગયા.

બીજી તરફ આ મોકાનો લાભ લઈને તિબેટિયા અને એના ચાઈનીઝ સાથીઓ ફરી એક થયા અને આ દસ હજારની સેના લડવા માટે નીકળી પડી. ટો-યો ખાતે ૧૮૪૧ની ૧૨મી ડિસેમ્બરે બન્ને સેના સામસામી આવી ગઈ. આરંભિક તબક્કામાં જ જોરાવરસિંહના જમણા ખભા પર ગોળી વાગી પણ તેની પીડાની પરવા કર્યા વગર તેમણે ન ડાબા હાથથી તલવારનો ઘા ઝીંક્યો. એ જ સમયે એક તિબેટી ઘોડેસવારે પીઠ પાછળથી ધસી જઈને જનરલને ભાલો ઘુસાવી દીધો. શત્રુઓ આવો મોકો ચૂકે. તેમને બરાબરના ઘેરી લેવાયા પણ શહીદ થવાની આખરી પળ સુધી આ વીર યોદ્ધો લડતો રહ્યો.

જોકે તિબેટિયનો સમજતા હતા, સ્વીકારતા હતા કે જોરાવરસિંહે કેવા અને કેટલા મહાન યોદ્ધા હતા. પોતાની અનન્ય ખાનદાની બતાવવા તેમણે વ્યુ નામના સ્થળે જનરલની સમાધિ બનાવી.

જોરાવરસિંહ માત્ર શૂરવીર નહોતા વિનમ્ર અને પ્રામાણિક પણ ખરા. આ શત્રુ પાસેથી સાલિયાણામાં જે રકમ મળે એ ભેટસોગાદ મળે એ બધુ પોતાના માલિકને અચૂક પહોંચાડી દે. વારસામાં તેઓ ખાસ માલમિલકત નહિ પણ પોતાની અનન્ય લશ્કરી સિદ્ધિ મૂકતા ગયા. એમના પરાક્રમ એટલાં જોરદાર હતાં કે સરખામણી સમ્રાટ નેપોલિયન સાથે થઈ.

આવા વીરને ભલે સમયે અને સ્થાપિત હિતોએ વીસરાવી દીધો પણ આપણે માનવંદના આપીએ. (સંપૂર્ણ)

--------------------------

જનરલ જોરાવર સિંહ લદાખના રાજા ગ્યાલપો અને રાણી સાથે

------------------

તિબેટિયનોએ વ્યુ નામના સ્થળે બનાવેલી સરદારની સમાધિ

---------------------

લદાખમાં બંધાવેલો કિલ્લો

--------------------

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

24215rFR
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com