13-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
અમારી સાથે ઘણા અન્યાય થાય છે

સિક્રેટ ડાયરી-નિખિલ મહેતાદરેક સારી વાતનો અંત નિશ્ર્ચિત હોય છે. અમારી સંગઠિત હડતાળનો પણ અંત આવી ગયો. ખેલ ખતમ. બાકી શું મજા હતી. કામકાજ કંઇ કરવાનું નહીં અને રસ્તા પર નીકળીને વિરોધ વ્યક્ત કરવાનો. દેશભરના મીડિયામાં અમારી જ ચર્ચા થાય. હડતાળ પશ્ર્ચિમ બંગાળમાં હતી એટલે કેન્દ્ર સરકાર પણ અમારા પર સહાનુભૂતિ દાખવે. ભાજપના અન્ય નેતાઓ પણ અમારી તરફેણમાં બોલે. આવું સદ્નસીબ બધાનું નથી હોતું. ગુજરાતમાં તો કોઇ હડતાળનું નામ લે તો સરકાર સમર્થકો એમને મારી મારીને ધોઇ નાંખે.

હવે જ્યારે હડતાળ પૂરી થઇ ગઇ છે ત્યારે દેશવાસીઓ કદાચ એવું માનવા લાગ્યા હશે કે અમારી સમસ્યાઓનો ઉકેલ આવી ગયો. એવું નથી. અમે હડતાળ જે કારણસર પાડી હતી એનું કારણ એ હતું કે પશ્ર્ચિમ બંગાળમાં એક ડૉક્ટરે કરેલી સારવારથી નારાજ થયેલા પેશન્ટના સગાંઓએ ડોક્ટર પર હુમલો કર્યો હતો અને એના વિરોધમાં અમે હડતાળ પાડી હતી. અમે હડતાળ પાડીને ફક્ત એટલી જ માગણી કરતાં હતા કે અમને સલામતી મળવી જોઇએ. અમે કંઇ દરેક ડોક્ટર માટે ઝેડ સિક્યોરિટી નહોતી માંગી, અમારી તો ફક્ત હોસ્પિટલોમાં ડોક્ટરોને સલામતી મળે એટલી જ માગણી હતી.

ખેર, હવે જ્યારે હડતાળ પૂરી થઇ ગઇ છે ત્યારે અમારે અમારા કામે વળગવું જોઇએ, પરંતુ ખરેખર તો પાછા કામે ચડવાનું મન નથી થતું. આમેય ડોક્ટરોને રજા ઓછી મળતી હોય છે. રજાના દિવસે પણ નજીકના સગાંઓ અને પરિચિતો હેરાન કરતાં હોય છે. હવે અમે કંઇ સ્કૂલે જતાં નાનાં બાળકો નથી કે હોસ્પિટલે અને દવાખાને જવાની ના પાડતા રહીએ. અમારે અમારી ફરજ પર તો જવું જ પડશે.

આ હડતાળના કેન્દ્રમાં ભલે ડોક્ટરોની સલામતીનો મુદ્દો હોય, પરંતુ અમારી સમસ્યાઓ અનેક છે. એવા અનેક કારણો છે, જેના કારણે અમારે હડતાળ પર જવું પડે. એવી અનેક બાબતો છે, જેમાં અમને અન્યાય થઇ રહ્યો છે. અમારી સાથે થઇ રહેલા અન્યાય પર ક્યારેય કોઇનું ધ્યાન નથી ગયું, કારણ કે અમે આ ફરિયાદોને વાચા આપી જ નથી. અમે એમ માનીએ છીએ કે ડોક્ટર તરીકે અમારે બધું સહન કરવાનું હોય અને અમારી સાથે કાંઇ ખોટું થઇ રહ્યું હોય તો એ વિશે બોલવાનું ન હોય.

આથી તો અમે અમારી કમાણી બાબતે કોઇ ફરિયાદ નથી કરતાં. ડોક્ટર બનવા માટે અમારા પરિવારે કેટલું કષ્ટ ઊઠાવ્યું હોય છે એનો લોકોને અંદાજ નથી હોતો. મેડિકલમાં મેરિટ પર સીટ મળે એવા નસીબદાર તો ગણ્યાગાંઠ્યા હોય છે, બાકીનાએ તો લાખ્ખો રૂપિયા ખર્ચવા પડે છે એ માટે. મારા પપ્પાએ તો બધી બચત ખર્ચી કાઢી હતી મને સીટ અપાવવા માટે. ડોક્ટર બન્યા પછી પણ કેટલી સ્ટ્રગલ કરવી પડી હતી. હવે માંડ માંડ પ્રેક્ટિસ જામી તો લોકો અમારી ફી સામે વાંધા ઊઠાવે છે. કહે છે કે અમે લૂંટ ચલાવીએ છીએ.

લોકોને અમારી ફી વધુ ન લાગે માટે કમાવાની અલગ રીત અપનાવીએ છીએ. જેમ કે પેથોલોજી લેબોરેટરીઓ સાથે સેટિંગ કરીને અમે પેશન્ટોને નાની નાની બાબતમાં રિપોર્ટ્સ કઢાવવાનું કહેતા રહીએ છીએ. આમ કરવાથી પેશન્ટોને એમ લાગે કે પૈસા તો પેથોલોજી લેબોરેટરીવાળા કમાય છે. અમે કરેલા સેટિંગ મુજબ અમને જે કટ મળે છે એની પેશન્ટોને ખબર નથી પડતી. જોકે અમુક પેશન્ટોને હવે ખ્યાલ આવી ગયો છે, છતાં એમને એ પૈસા બહુ આકરા નથી લાગતાં.

આ પ્રકારનું સેટિંગ અમે સ્પેશ્યાલિસ્ટો સાથે પણ કરીએ છીએ. અમે ફક્ત જનરલ પ્રેક્ટિસ કરીએ છીએ અને કેસમાં જરા પણ વાંકુચૂંકું કંઇક જણાય તો તરત જ અમે જે તે સ્પેશ્યાલિસ્ટને ક્ધસલ્ટ કરવાની સલાહ આપી દઇએ છીએ. ક્ધસલ્ટન્ટ પોતાની રીતે પેશન્ટને કાપે છે અને એને જે ફી મળે એમાંથી અમને કટ મળે છે. આ રીતે અમારે કટ પર નભવું પડે.

મોટી હોસ્પિટલો સાથે પણ અમારે ગોઠવણ હોય છે, કારણ કે આવી હોસ્પિટલના માલિકોએ એમાં સારું એવું ઇન્વેસ્ટમેન્ટ કરી રાખ્યું હોય છે. મોંઘા ભાવની જગ્યા ખરીદવી, સાધન સામગ્રી ખરીદવી. લેટેસ્ટ ઉપકરણો ખરીદવા અને સર્જનોને ફી ચૂકવવા જેવા તોતિંગ ખર્ચા એમણે કરવાના હોય છે. આવા સંજોગોમાં જો એમનો ધંધો બરોબર ન ચાલે એટલે કોઇ પેશન્ટો ભરતી ન થાય તો એમને ભારે પડી જાય. જેમ હોટલોના રૂમ્સ વધુમાં વધુ સમય બૂક થયેલા હોવા જોઇએ એમ હોસ્પિટલની રૂમ્સ પણ ભરાયેલી રહેવી જોઇએ. હવે હોસ્પિટલોની જરૂરિયાત પ્રમાણે પેશન્ટોને કંઇ ઓપરેશન્સની જરૂર ન પડે. આવા સમયે અમે એમની વહારે જઇએ છીએ. જ્યારે પણ ઓપરેશનનો સ્કોપ દેખાય ત્યારે તરત જ અમે પેશન્ટોને ઓપરેશન કરાવી લેવાની સલાહ આપીએ છીએ. અમારે ફક્ત પેશન્ટોને એટલું કહેવાનું હોય કે આમાં ચાન્સ લેવા જેવું નથી, ઓપરેશન કરાવી નાંખો તો પછી કોઇ ટેન્શન નહીં. ક્યારેક પેશન્ટોને ઓપરેશન્સ કરાવવા જેવી બીમારી નથી થતી. આવા સમયે અમે સાવ નાની તકલીફોમાં પેશન્ટોને એકબે દિવસ હોસ્પિટલાઇઝ થવાની સલાહ આપીએ છીએ. જોકે આમાં હોસ્પિટલો અમારા કરતાં વધુ કમાણી કરતી હોય છે.

મેડિક્લેમ ધરાવતા પેશન્ટો અમને બહુ વહાલા લાગે. આવા પેશન્ટોને જ્યારે ઓપરેશન કરવાનું હોય ત્યારે એ પેશન્ટની બીમારી સાથે સંકળાયેલા દરેક ડોક્ટરને ચાંદી થઇ જાય છે. અમે જાણીએ છીએ કે મેડિક્લેમના પૈસા પેશન્ટે પોતે નથી ભરવાના હોતા એટલે અમે એના હોસ્પિટલાઇઝેશનના તથા ઓપરેશન્સ કરવાના મારફાડ ચાર્જીસ લગાવીએ છીએ. પેશન્ટો કોઇ વાંધો પણ નથી ઊઠાવતા.

આ તો થઇ અમારી આર્થિક તકલીફોની વાત. અમારે બીજા પણ કેટલાય અન્યાયો સહન કરવા પડે છે. જેમ કે અમને ઇન્ટર્નશિપ માટે ક્યારેક ગંદી સરકારી હોસ્પિટલોમાં અથવા ગામડાંમાં મોકલવામાં આવે છે. અમે ચૂપચાપ એ સહન કરીને ઇન્ટર્નશિપનો સમય વિતાવી નાંખીએ છીએ. અમારી પોતાની પ્રેક્ટિસ શરૂ કર્યા પછી પણ અમે ગંદા અને ગરીબ પેશન્ટો રિજેક્ટ નથી કરી શકતા. અમારે તો માનવતા દાખવીને સૌને સમાન ગણવા પડે.

કેટલાક પેશન્ટોને મગજમારી કરવાની ટેવ હોય છે. પોતાને કઇ બીમારી છે, કઇ તકલીફ છે એ જાણવા માટે તેઓ અસંખ્ય પ્રશ્ર્નો પૂછે અને ઝીણી ઝીણી વિગતોમાં લપ કરે. ક્યારેક દલીલો કરે અને પોતે ક્યાંક કંઇક વાંચ્યું હોય એનો ઉલ્લેખ કરે. આવા પેશન્ટો ઘણી વાર સાચા પણ હોય છે, પરંતુ એમની સાથે ટાઇમ બગાડવાનું અમને ન પરવડે. બીજું, પેશન્ટોના રોગનું નિદાન કરવા બાબતે અમે પોતે પણ દર વખતે શ્યોર નથી હોતા તો પેશન્ટો સાથે શી ચર્ચા કરીએ. જ્યાં સુધી પેશન્ટનું પરફેક્ટ નિદાન કરીને એને એકદમ યોગ્ય સારવાર આપવાનું અમારાથી શક્ય નહીં બને ત્યાં સુધી પેશન્ટોને અસંતોષ રહેવાનો જ. અને આવો અસંતોષ ક્યારે હિંસક બની જાય એ નક્કી નથી. આથી અમને સલામતીની જેટલી જરૂર છે એટલી બીજા કોઇને નથી.

(નિખિલ મહેતાએ કરેલી કલ્પના)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

17q86t
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com