6-April-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
બગડેલા સ્કૂટરની કથા

અમથું અમથું હસીએ-રતિલાલ બોરીસાગરમેંસ્કૂટર ખરીદ્યું ને બરાબર ચલાવતાં શીખી ગયો તે સમયગાળામાં મારું પહેલું પુસ્તક પ્રસિદ્ધ થયું હતું. (‘સ્કૂટર બરાબર ચલાવતાં શીખી ગયો’ એ વાક્યમાંના ‘બરાબર’ ક્રિયાવિશેષણ સાથે, પચીસ વરસથી સ્કૂટર ચલાવું છું તો પણ, આજેય કેટલાક મિત્રો સંમત નથી.) મારું આ પહેલું પુસ્તક પ્રકાશક દ્વારા જે ઝડપે વેચાયું હતું એના કરતાં અનેકગણી ઝડપે મારા દ્વારા મિત્રવર્તુળમાં વહેંચાયું હતું.

સ્કૂટરની ડિકીમાં પુસ્તકની જેટલી નકલો સમાઈ શકી તેટલી સમાવીને પુસ્તક-વહેંચણીનો પહેલો રાઉન્ડ મેં આરંભ્યો. હું એક મિત્રના ઘરે પહોંચ્યો. ‘દરવાજા સામે સ્કૂટર પાર્ક કરવું નહિ’ એવું લખ્યું હતું તે દરવાજા સામે (અલબત્ત, સ્કૂટર પાર્ક કરતી વખતે સૂચના તરફ ધ્યાન ન જવાને કારણે) સ્કૂટર પાર્ક કર્યું. ડિકીમાંથી ચોપડી કાઢી ને ત્રીજા માળે રહેતા મિત્રના ફ્લૅટ તરફ હડી કાઢી. મિત્રના ફ્લૅટ પર બેલ મારી. ત્રણચાર વાર બૅલ વગાડી, પણ બારણું ખૂલ્યું નહિ; ત્યાં મારી નજર બારણા પર લટકતા તાળા પર પડી! તાળા મારેલા બારણે બેલ મારતાં મને કોઈએ જોયો તો નથી ને, એ જોવા મેં આમતેમ જોયું તો મારી બરાબર પાછળના ફ્લૅટના બારણા પાસે ઊભેલી સાત-આઠ વર્ષની બેબી હસીને અંદર જતી રહી.

મિત્રને ત્યાં ચા પીવાની આશા વિફળ રહી એનો શોક કરતો કરતો હું નીચે ઊતર્યો. ડિકી ખોલી એમાં ચોપડી મૂકી, ડિકી બંધ કરી મેં સ્કૂટરને કિક મારી. એક કિકે ચાલુ થઈ જતું સ્કૂટર ચાલુ ન થયું. મેં વધારે કિકો મારી, પણ તોયે સ્કૂટરમાં પ્રાણસંચાર થવાનાં ચિહ્નો દેખાયાં નહિ. કિકો મારીમારીને આખરે હું થાક્યો. જે મિત્ર પાસેથી મેં સ્કૂટર ખરીદ્યું હતું એમણે ભાવપૂર્વક અને ભારપૂર્વક એવું કહેલું કે, ‘સ્કૂટરમાં કંઈ પણ પ્રૉબ્લેમ થાય તો પહેલાં મારો સંપર્ક કરવો. સીધું ગૅરેજમાં ન લઈ જવું.’ ખિસ્સામાં ઝાઝા પૈસા પણ ન હતા, એટલે મેં સ્કૂટર દોરવા માંડ્યું.

સ્કૂટર દોરતો-દોરતો હું મિત્રના ઘર ભણી જઈ રહ્યો હતો. એક સજ્જને મારી દુર્દશા જોઈ પૂછ્યું, ‘પૅટ્રોલ ખલાસ થઈ ગયું છે?’ આમ તો મારી ધીરજ ખલાસ થઈ ગઈ હતી, છતાં મેં શાંતિથી કહ્યું, ‘પૅટ્રોલ તો આજે જ ભરાવ્યું છે.’

‘તો પછી પ્લગમાં કચરો ભરાઈ ગયો હશે; પ્લગ સાફ કરી નાખો.’ પરગજુ સજ્જને સલાહ આપી. ઇલેક્ટ્રિસિટીના પ્લગ વિશે મને સામાન્ય જાણકારી છે. પણ સ્કૂટરમાંય પ્લગ હોય છે, એમાં કચરો ભરાતો હોય છે, એ સાફ કરવાની જરૂર પડે છે - આ દિવ્યજ્ઞાન હું પહેલી જ વાર પ્રાપ્ત કરી રહ્યો હતો. મેં સ્કૂટર સામે આમતેમ જોયું, પણ જે પાર્ટને હું ઓળખતો ન હોઉં તેવો કોઈ પાર્ટ મારી નજરે ન ચડ્યો. મેં એ સજ્જનને વિનંતી કરી, ‘મને પ્લગ સાફ કરતાં આવડતું નથી. આપ સાફ કરી આપશો?’

‘કરી તો આપું. પણ મારું સ્કૂટર આજે સર્વિસમાં છે ને મારે બસમાં જવાનું છે. આ બસની ફ્રિક્વન્સી ઘણી ઓછી છે. એટલે ગુમાવવાનું પોસાય નહિ, પણ બસ આવે ત્યાં સુધીમાં થઈ જાય તો ઠીક છે, નહિ તો હરિ-ઇચ્છા. બોલો, ચાન્સ લેવો છે? સાધનો છે?’ મિત્રે સાધનોની આખી કોથળી આપી હતી. મેં સાધનોની કોથળી કાઢી અને એ સજ્જનને આપી. એમણે સ્કૂટરનું પડખું સ્કૂટરથી જુદું કર્યું ત્યાં એમની બસ આવી.

‘મારી બસ આવી’ કહેતાં, નળ જેમ દમયંતીને ભરજંગલમાં અર્ધે વસ્ત્રે તજી ગયો હતો તેમ એ સજ્જ્ન મને અર્ધે કામે તજી ગયા. હું કિંકર્તવ્યમૂઢ બની એમ જ થોડી વાર ઊભો રહ્યો. પછી સ્કૂટરનું પડખું સીટ પર મૂકી મેં વળી સ્કૂટર દોરવા માંડ્યું. એક-બે વાર સ્કૂટરનું પડખું નીચે પડી ગયું. મેં વળી સીટ પર મૂક્યું.

આ કરુણ દૃશ્ય જોઈ એક સ્કૂટરચાલકનું હૃદય દ્રવી ઊઠ્યું. એમને ક્યાંક જલદી પહોંચવાનું હતું એટલે પ્લગ તો સાફ કરી આપી શકે તેમ નહોતા, પણ એમણે સ્કૂટરનું પડખું જોડી આપ્યું. ફરી મારી સ્કૂટર સાથેની પદયાત્રા આરંભાઈ. મિત્રનું ઘર દૂર હતું પણ આટલું બધું દૂર નહોતું તોયે હજુ કેમ આવતું નહોતું? મેં ચારેતરફ જોયું, પણ મગજમાં કશો પ્રકાશ થયો નહિ. માર્ગદર્શનની આવશ્યક્તા છે એમ મને લાગ્યું. મેં એક ભાઈને પૂછ્યું, ‘પાલડી રેલવે ક્રૉસિંગ હજુ કેટલું દૂર છે?’ એ ભાઈ ઘડીભર તો મારી સામે જોઈ રહ્યા. પછી બોલ્યા, ‘તમે પાલડી રેલવે ક્રૉસિંગથી ઊલટી દિશામાં જઈ રહ્યા છો. એટલે એ વધુ ને વધુ દૂૂર જઈ રહ્યું છે.’ ઓહ! એક ચાર રસ્તા પર હું વળ્યો ત્યારે ખોટી દિશામાં વળી ગયો હતો!

મેં સ્કૂટર પાછું વાળ્યું. પણ હવે મારા પગ જ ચાલતા હતા, મગજ ચાલતું બિલકુલ બંધ થઈ ગયું હતું. હું યંત્રવત્ ચાલ્યે જતો હતો ત્યાં સામેથી આવી રહેલા રિક્ષાચાલકે રિક્ષા ઊભી રાખીને પૂછ્યું, ‘સ્કૂટર ટો કરીને લઈ જવું છે?’ મેં પૂછ્યું, ‘એટલે?’

‘એટલે એમ કે સ્કૂટરને રિક્ષા પાછળ દોરડાથી બાંધીને લઈ જઈ શકાય.’ મને આ વ્યવસ્થા ગમી.

રિક્ષાચાલકે દોરડાથી સ્કૂટરને રિક્ષા સાથે બાંધ્યું. હું સ્કૂટર પર આરૂઢ થયો. રિક્ષા સ્ટાર્ટ થઈ. દોરડાથી બંધાયેલું સ્કૂટર એને અનુસર્યું. મારી આવી શાહી સવારી ક્યારેક અમદાવાદના રાજમાર્ગ પરથી નીકળશે એવી મેં કદી કલ્પના કરી નહોતી.

શાહી સવારી મિત્રના ઘેર પહોંચી. મિત્ર સોસાયટીના ઝાંપે જ સામા મળ્યા. મને આવી વિલક્ષણ પોઝિશનમાં જોઈ એ આભા બની ગયા. રિક્ષાવાળાએ માગ્યું એટલું ભાડું ચૂકવી મેં મિત્રને મારી વીતકકથા કહી. એમણે કહ્યું, ‘હું તમને કહેતાં ભૂલી ગયો હતો કે સ્કૂટરની ડિકીમાં એક સ્વિચ છે. એ સ્વિચ ઑફ હોય તો સ્કૂટર સ્ટાર્ટ ન થાય.’

‘પણ ઘેરથી તો હું સ્કૂટર સ્ટાર્ટ કરીને નીકળ્યો હતો. તરત જ સ્ટાર્ટ થઈ ગયું હતું.’ મેં કહ્યું.

‘તો પછી રસ્તામાં ક્યાંય ઊભું રાખી ડિકી ખોલી હતી?’

‘હા, મારું નવું પુસ્તક આપવા નીકળ્યો છું. રવિના ઘર પાસે સ્કૂટર ઊભું રાખી ડિકી ખોલી ચોપડી કાઢી હતી. અહીં તમારે ત્યાં છેલ્લે આવવાનું હતું. એને બદલે તરત આવવાનું થયું. સ્કૂટર પર બેસીને આવવાનું હતું. જોકે છેવટે તો બેસીને જ આવ્યો પણ ચલાવ્યું કોઈકે.’

મિત્રે તરત કહ્યું, ‘બસ, ત્યારે એ જ વખતે સ્વિચ ઑફ થઈ ગઈ હશે.’ કહી એમણે ડિકી ખોલી. એમ જ હતું. સ્વિચ ઑફ જ હતી! મિત્રે સ્વિચ ઑન કરી ને કિક મારી. એક જ કિકે સ્કૂટર સ્ટાર્ટ થઈ ગયું. હું ઘડીક મિત્ર સામે ને ઘડીક સ્કૂટર સામે જોતો દિગ્મૂઢ બનીને ઊભો રહ્યો.

‘તરણા ઓથે ડુંગર, ડુંગર દેખાય નહિ’ એ આને જ કહેતા હશે ?

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

087rq84b
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com