20-January-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
બાંચા: એક આદર્શ ગામ

પ્રાસંગિક-દીપ્તિ ધરોડશુંતમને ખબર છે કે આખા ભારતમાં જોવા મળતાં કુલ પ્રદૂષણમાં બાવીસથી પંચાવન ટકાનું યોગદાન તો એકલા ઈન્ડોર પૉલ્યુશનનું હોય છે? આ આંકડા અમારા કે કોઈ સ્થાનિક પ્રદૂષણ ઘટાડવા માટે કામ કરનારી સંસ્થાના નથી. યુનાઈટેડ નેશન્સ એન્વાયર્ન્મેન્ટ પ્રોગ્રામ હેઠળ કરવામાં આવેલા એક અધ્યયનમાં આ માહિતી જાણવા મળી હતી. આ અધ્યનને કારણે ભારતમાં જોવા મળનારી એક ગંભીર પણ તદ્દન દુર્લક્ષિત સમસ્યા સામે આવી અને એ સમસ્યા એટલે ઘરમાં રસોડા અને ગરમીના સતત વધતા પ્રમાણને કારણે હવાની ગુણવત્તા પર અસર જોવા મળે છે. દુર્ભાગ્યવશ મોટાભાગની ભારતીય ગ્રામીણ ગૃહિણીઓને આજની તારીખમાં પણ ચૂલા પર કે સ્ટોવ પર રસોઈ કરવાની ફરજ પડે છે અને મજબૂરીમાં આ ગૃહિણીઓ પ્રદૂષણ વધારવામાં નિમિત્ત બને છે. પણ આજે આપણે ભારતના એક એવા ગામડાની વાત કરીશું કે જે કદાચ ભારતનું પહેલું સોલાર કિચન ધરાવતું ગામડું બની ગયું છે. જી હા, અહીં વાત થઈ રહી છે મધ્ય પ્રદેશમાં આવેલા બાંચા નામના ગામની.

બાંચા ગામમાં ૭૪ ઘર આવેલા છે અને માત્ર બે જ વર્ષમાં આ ગામમાં જે પરિવર્તન આવ્યું છે એ ખરેખર નોંધનીય છે. આ વિશે વાત કરતાં ગામના વડા જણાવે છે કે એક સમય હતો કે જ્યારે ગામની મહિલાઓ ચૂલા પર જમવાનું બનાવતી હતી. ચૂલો સળગાવવા માટેના લાકડા તોડવા માટે મહિલાઓને જંગલમાં જવું પડતું. આને કારણે પર્યાવરણને તો નુકસાન પહોંચતું જ હતું, પણ તેની સાથે સાથે જ આરોગ્યને પણ ચૂલામાંથી નીકળતાં ધુમાડાને કારણે નુકસાન પહોંચે છે. પણ ભારત સરકાર અને આઈઆઈટી બોમ્બેના પ્રયાસોને કારણે આજે આખા ગામમાં સૌર ઊર્જાનો ઉપયોગ મોટા પાયે કરવામાં આવે છે. એટલું જ નહીં પણ આજે ગામના દરેકેદરેક રસોડામાં સૌર ઊર્જાથી ચાલતા ચૂલા પર જ ગૃહિણીઓ રસોઈ કરે છે.

ભારત સરકારે બાંચા ગામને એક ટ્રાયલ પ્રોજેક્ટ તરીકે પસંદ કર્યું હતું. ૨૦૧૮ સુધીમાં આ ટ્રાયલ પર પસંદ કરાયેલા ગામના બધા જ ઘરોને સોલાર પૅનલથી જોડવામાં આવ્યા હતા. જોકે તમે કોઈ પણ સારું કામ કરો ત્યારે તેમાં અવરોધો તો આવવાના જ છે અને બાંચા ગામ પણ આમાંથી બાકાત નથી. ગામના લોકોને સૌર ઊર્જા તરફ ડાયવર્ટ કરવા અને તેમને એનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવા એ જ એક મોટો પડકાર હતો. વર્ષોથી તેમની એકધારી ચાલી આવેલી આદતને બદલવાનું અઘરું હતું, પણ ધીરે ધીરે જેમ જેમ લોકોને સૌર ચૂલા પર રસોઈ કરવાના ફાયદાઓ વિશે જાણ થતી ગઈ તેમ તેમ વધુ ને વધુ લોકો સૌર ઊર્જાનો ઉપયોગ કરવા લાગ્યા.

આ આખી પ્રક્રિયા ચોમાસાને બાદ કરતાં રાઉન્ડ ધ ક્લોક ચાલુ હોય છે. ચોમાસામાં સૂર્યની હાજરી ઓછી હોવાને કારણે સમસ્યા ચોક્કસ ઉદ્ભવે છે. આઈઆઈટી- મુંબઈ દ્વારા ડિઝાઈન કરવામાં આવેલા આ ચૂલા વિશે વાત કરતાં આઈઆઈટી મુંબઈના નિષ્ણાતો જણાવે છે કે આ ચૂલાનું વજન એક કિલો છે. આ ઉપરાંત આ ચૂલા પર બેટરીનું સ્ટેટ્સ અને યુસેજ વિશેની માહિતી પણ દેખાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ચૂલાની ક્ષમતા દિવસમાં ત્રણ વખત ખાવાનું બનાવી શકાય એટલી છે અને બે કલાકનું બેટરી બેકઅપ આપવામાં આવે છે. આ ઉપરાંત ગામના જ બે યુવકોને આ સૌર ચૂલા કઈ રીતે મેઈન્ટેઈન કરી શકાય એનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે, જેથી જો કોઈ પણ સમસ્યા ઉદ્ભવે તો તાત્કાલિક તેનું નિવારણ લાવી શકાય. આ આખી સિસ્ટમ ઈન્સ્ટોલ કર્યાને છથી આઠ મહિના થઈ ગયા છે અને ગામવાસીઓએ આ સોલાર પેનલ્સની મદદથી ચૂલા તો ચલાવે જ છે, પરંતુ કોઈ પણ પ્રકારનો વધારાનો ચાર્જ ચૂકવ્યા વિના વીજળી પણ મેળવી રહ્યા છે.

બાળપણથી જ આ ગામમાં રહેનારા અને સૌર ઊર્જાનો ફાયદો ઉઠાવનારા અનિલ ઉડકેેે જણાવે છે કે ‘મારા બાળપણની વાત કરું તો મને યાદ છે કે અમે લોકો જંગલમાંથી જઈને ચૂલામાં વાપરવા માટેનું ઈંધણ લઈને આવતા. આ લગભગ બે દાયકા પહેલાંની વાત છે. હું સવારે વહેલો ઊઠતો અને ચોક્કસ કિલોમીટરનું અંતર કાપીને જંગલ જઈને લાકડા કાપવા જતો. દરરોજ રસોઈ બનાવવા માટે આશરે ૨૦ કિલો લાકડાની જરૂર પડતી, મારા સંતાનો પણ મારા જ નક્શે કદમ ચાલતા હતા, પણ ગામમાં નવા સ્ટોવ આવી ગયા છે. આ નવા સ્ટોવને કારણે અમારો સમય અને મહેનત તો બચે જ છે. પણ એની સાથે સાથે જ પર્યાવરણને પણ ફાયદો થઈ રહ્યો છે. આ ઉપરાંત ચૂલા પર જમવાનું બનાવતી વખતે ધુમાડાને કારણે મહિલાઓની આંખો બળતી હતી અને ખૂબ લાંબો સમય લાગતો હતો, તેમાંથી પણ મહિલાઓને રાહત મળી રહી છે. ’

મધ્ય પ્રદેશનું બાંચા ગામ એ ખરેખર એક આદર્શ ગામની ઈમેજ સમાન છે, જો ભારતના દરેક ગામડામાં સૌર ઊર્જાનો ઉપયોગ થવા લાગે તો પર્યાવરણની સાથે સાથે મહિલાઓના આરોગ્ય માટે પણ એ ફાયદારક પુરવાર થશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

67I38iv6
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com