6-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સ્ટેલાનો બર્થડે

મસ્તરામની મસ્તી-મિલન ત્રિવેદી‘એકહું છું સાંભળો છો?’ અંદરથી જે સરસ મજાનો ટહુકો મને સાંભળવા મળ્યો એ ઉપરથી કેટલી વાત તો નક્કી થઈ ગઈ કે કંઈક ઘરવાળીના હિતના સારા સમાચાર આવ્યા છે. નહીં તો મને આટલી સરસ રીતે એ બોલાવે નહીં. મેં તરત જ કહ્યાગરા કંથની જેમ રસોડા બાજુ ડોક તાણી અને પૂછ્યું કે,"શું આટલા બધા ખુશ થયા છો? ત્યાં તો રસોડે તાળું મારતા મારતા બહાર આવી અને મને કહ્યું કે "ચાલો, આજે સાંજે બહાર જમવાનો મેળ આવી ગયો છે. ચુનીભાઈનો ફોન હતો કે સ્ટેલાનો જન્મદિવસ છે એટલે સાંજે બધા સાથે જઈશું.

દરેક લોકોને પોતાના હિતની વાત જ સંભળાય અને સમજાય, જેમ પત્નીને બહાર જમવાનો મોકો મળ્યો અને તે ખુશ થઇ બીજું કશું જ વિચાર્યું નહીં તે જ રીતે સ્ટેલા શબ્દ સાંભળતાં જ હું એ વિચારમાં પડ્યો કે "ચુનીલાલની સાત પેઢીમાં રવજી, ચીમન, ધનજી, મનજી એવા જ બધા જન્મ્યાં છે કોઈ મોડર્ન નામ વાળો તો છેલ્લી સાત પેઢીમાં જન્મ્યો નથી.તો આ સ્ટેલા આવી ક્યાંથી અને કોણ? ઘરવાળી એ ક્યાં જમવાનું છે તેનું સરનામું યાદ રાખ્યું અને મેં ઉપાડી અને ચુનીલાલ ને ફોન કર્યો કે આ સ્ટેલા છે કોણ? પરંતુ ટૂંકમાં મને જણાવી દીધું કે પિયર પક્ષે છે તમે લાંબી-ટૂંકી કરોમા સાંજે જમવા આવી જાવ. હમણાં વોટ્સએપમાં કંકોતરી મોકલું છું. થોડી વારમાં વોટ્સએપમાં કલરફુલ કંકોતરી આવી. સરસ મજાની બર્થ-ડે કેક ચીતરેલી અને ખાસ આમંત્રણ આપવામાં આવેલું બધી જ વિગત પ્રમાણે છેલ્લે મીઠો ટહુકો પણ લખવામાં આવેલો ‘મારી મીઠડીના જન્મદિવસે જલુલ જલુલ આવજો’- રોકી,સ્વીટી,બુઝો,રોઝી,... એક વાર માટે તો મને એમ થયું કે ક્યાંય દેવળમાં તો નથી પહોંચી ગયો ને? પરંતુ આજકાલ ઇંગલિશ નામ રાખવાનો આપણામાં પણ ટ્રેન્ડ થઈ ગયો છે એટલે થયું હશે, લેટેસ્ટ બાળકો છે કદાચ નામ રાખ્યા હોય, પરંતુ એટલું તો હું સમજી ગયો કે સ્ટેલા એટલે સ્ત્રી જાતિ તો છે.

કંકોતરીની છેલ્લી લાઈન મેં વાંચી અને મને વધારે આનંદ થયો કે, ‘નો ગિફ્ટ નો ફ્લાવર’ એક રૂપિયાના પણ ખર્ચ વગર જો સાંજનું જમવાનું બારોબાર થતું હોય તો જેટલો આનંદ ઘરવાળીને આવે તેનાથી વિશેષ આનંદ મને પણ આવે, પરંતુ એક બીજી લાઈન આશ્ર્ચર્ય પમાડે તેવી હતી કે તમારા બચ્ચાઓની પ્લેટ સાથે લાવજો હવે હું ગડમથલમાં પડી ગયો કે અમારે અમારી ડીસ લાવવાની નહીં, પરંતુ બાળકો માટે ઘરેથી થાળી લઈને જવું તો આ કેવું? પરંતુ હશે એમ કંઈ અને મેં ઘરવાળી ને કહ્યું કે ચાલો સાંજનું પતી ગયું અત્યારનું મેનૂ શું છે એટલે ઘરવાળીએ કહ્યું કે અત્યારે ‘હલવો’. હું વધારે આનંદમાં આવી ગયો કે ચાલો સાંજે તો બડા ખાના મળશે, પરંતુ અત્યારે પણ હલવો ખાવા મળશે. બે કલાક રાહ જોયા પછી મેં ફરી કહ્યું કે ‘ચાલો જમી લઈએ’ એટલે મને કહે ‘હલવો(ચલાવો)’, ટૂંકમાં કાંઇ છે નહીં, ચલાવી લો એક ટંક ભૂખ્યા રહો અને સાંજ માટે પેટ ખાલી રાખો.’ બહુ કરગર્યો પછી વાટકામાં થોડા કોરા મમરા આપ્યા. રોજ બપોરે જમ્યા પછી ઘસઘસાટ ઊંઘી જતો હું ખાલી પેટે આમથી તેમ પડખા ફરી અને સાંજ પડવાની રાહ જોતો હતો.

સાંજે બનીઠની અને કોઈના રિસેપ્શનમાં જવાનું હોય તેવી રીતે તૈયાર થઈ હું તને ઘરવાળી બંને નીકળ્યા છોકરાએ ઘસીને ના પાડી દીધી કે મારે મારી પ્લેટ લઈ અને આવવાનું હોય તો મને તેમાં રસ નથી. રેસકોર્સના બગીચામાં સરસ મજાનો એક ખૂણો સજાવવામાં આવેલો અમે સમય કરતાં વહેલા પહોંચેલા કારણ કે ભૂખ કોઈની સગી થતી નથી અને સવારથી લાંઘણ ખેંચી અને માંડ પહોંચેલા કે જો કદાચ વહેલું જમવાનું થઈ જાય તો પેલી પંગતમાં પહેલી ડીશ ઉપાડી લેવી, પરંતુ જતાંવેંત એક બીજું આશ્ર્ચર્ય મને એ થયેલું કે સૌ પોતાના કૂરકૂરિયા લઈને આવેલા અને આંખ આડા વાળ આવી ગયા હોય એવા ભૂખરા અને ભુરિયા ગલૂડિયાં, આંખે થી જોવું હોય તો હાથેથી વાળ આઘા કરવા પડે ખરેખર મને અમુક (અ)મૂર્ધન્ય કવિઓ યાદ આવી ગયા કે જે આજે પણ વિખરાઈ ગયેલા વાળ સાથે મોટા મોટા ઝભ્ભા અને બગલથેલા નાખી માર્કેટમાં નીકળી પડે છે. ભૂલથી રાત્રે ખાટી છાશ પીવાય ગઈ હોય અને મોઢા સુજી ગયા હોય તેવા ઇંગ્લિશ બ્રીડના ગલુડિયા, કોઈ કુપોષિત મોડેલ રેમ્પવોકની રાહ જોતી હોય તેવા અમુક દૂબળીયા ગલુડિયા, તો અમુક એવા રૂંછડા વાળા હતા કે બકી ભરવી હોય તો મોઢું કઈ બાજુ તે જ ખબર ન પડે એવા ગલુડિયાં, અતિઆધુનિક માહોલ છવાયેલો હતો ત્યાં અચાનક એક બહેન આવ્યા અને ત્યાં તેણે તેનો દુપટ્ટો પાથર્યો મને એમ થયું કે વાહ કેટલું ધ્યાન રાખે છે નવા ડ્રેસનું, પરંતુ દુપટ્ટા ઉપર કૂતરાના અંગ્રેજી ઓલાદ સમી ડોગીને સુવડાવી અને પોતે જમીન પર ફસડાઈ પડ્યા. એકબીજાને હગ કરી અને ગાલ અડાડી ઉઉઉમમમમા કહી બકીઓ કરી અને કંઇક ગણગણતા હતા. એકબીજાના ગલુડિયાને સો ક્યુટ કહી સરાહના કરતા હતા, પરંતુ ક્યાંય કોઈ ના છોકરાઓને મળવાનો કોઈને ટાઈમ નહોતો. આ બધા વચ્ચે હું મારા ડાઘિયાને સોરી ચુનિયાને ગોતતો હતો.

ચુનિયો મળે તો મને ખબર પડે કે આ એના કયા સગા છે જેનો આ જન્મદિવસ ઉજવી રહ્યા છે. છેક પહોંચતા ખાસ્સી મોડર્ન ભીડ પાર કરવી પડી, વાઉ, નાઇસ, ક્યૂટ, બેબી,.. જેવા શબ્દો વચ્ચે દબાયેલા ચુનિયાને શોધવામાં બહુ તકલીફ પડી, મુખ્ય ટેબલ પાસે નિમાણો થઇને ઊભો હતો. મને જોતા જ તેનામાં મનુષ્યતા ફૂટતી મેં જોઈ અને એક હાઈશકારો નાખી મને કહે, ‘સારું થયું તમે આવી ગયા એકલા દુ:ખી થવાની મજા નો’તી આવતી’. મારાં ચહેરા પર અસંખ્ય પ્રશ્ર્નો વાંચી એક વાક્યમાં જવાબ આપ્યો કે,"સ્ટેલા હમણાં આવશે તેની ડૉક્ટરની અપોઇમેન્ટ પતાવી સીધી બ્યુટી પાર્લરમાં જવાની હતી ફોન આવી ગયો છે રસ્તામાં છે. આટલું બોલે ત્યાં તો વાવ... વાવ... ને ભાઉ.. ભાઉ... શરૂ થઇ ગયું અને રંગીન રૂંછડા કરાવીને આવેલી સ્ટેલા પૂંછડી પટપટાવતી આવી અને એક લોન્ગ ગાઉન પહેરેલી તેના જેવી જ (તૈયાર થયેલી યાર) લેડી કમ.. કમ.. જમ્પ.. સીટ.. જેવા અંગ્રેજી શબ્દો બોલી પણ ઈશારો સમજી ગયેલી સ્ટેલા કૂદકો મારીને ટેબલ પર ગોઠવાઈ ગઈ. કેક ગોઠવાઈ, પહેલા સ્ટેલાએ કેક ચાટી એટલે તેની વેન્ટિલા(મૂળ નામ - વનલત્તા)મોમએ સ્ટેલાના મોઢે બકી કરી અને હેપ્પી બર્થડેનું ગીત ગાયું,અને તમામ પપ્પીઓના મમ્મી-પપ્પા પોતાના કુરકુરિયાંઓને સ્ટેલા પાસે લઇ પોતે જ વિશ કરી ફેમિલી સેલ્ફી પડાવવામા મશગૂલ થયાં, પોતાના ‘બેબી’ માટે લાવેલ ડીશમાં કેક પીરસાણી, મેં તરત જ મારાં છોકરાને ફોન કર્યો કે આવી જા તારે ડીશ નથી લાવવાની આ જુદા ‘બચ્ચા’ માટે સૂચના હતી. ચુનિયાએ મને દૂર ખેંચીને ફોડ પાડ્યો કે મારી સાળીની નણંદ અમેરિકા ૧૦દિવસ ફરવા ગઈ હતી ત્યાંથી આ મોડર્નતાની બીમારી લઇ આવી છે, ‘જી’ સિરીઝ છે ના પડાય નહીં એટલે ધરાહાર કૂતરાવના જન્મદિવસ ઉજવવા પડે. તમે જમી લ્યો હું કૂતરાવની આગતાસ્વાગતામા લાગુ અને હા ખાસ જમણી બાજુનું કાઉન્ટર માણસોનું છે ડાબી બાજુનું... જોકે વાનગીઓ ડાબી બાજુના કાઉન્ટર પર વધુ હતી પણ હું ડીશ નહોતો લાવ્યો ને એટલે...

જમતા જમતા જાણવા મળ્યું કે રોજ સવારે પોતાના ડોગીને પી પી છી છી કરાવવા, મૉર્નિંગ વોકમાં લઇ જતા કેટલાક આધુનિક લોકોનું બીજાના ડોગી રમાડવાના બહાને ગોઠવાઈ જતું હોય છે. લગ્ન પછી ડોગી કૂતરા લાગવા માંડે છે.

ખરેખરું છે સવાર સાંજ કૂતરાઓને વોક કરાવવા નીકળતા અમુક કહેવાતા સભ્ય શ્રીમંતોના માતા-પિતા સંતાન વાર તહેવારે મંદિરે લઇ જાય તે માટે કરગરતા હોય છે. છોકરાઓની આંગળી ન પકડાતા કૂતરાની ચેઇન નિયમિત પકડે છે, અમુક લોકો માનવ કરતાં શ્ર્વાનને વધુ મહત્ત્વ આપે ત્યારે શ્ર્વાનને પણ દુ:ખ થતું હશે કારણ એ સમજુ છે.

------------------

વિચારવાયુ:

ખરેખર આ ઈંગ્લીશ બ્રીડના કૂતરાઓએ જો સરખું સચવાવું હોય તો ગુજરાતી સમજવુ જોઈએ એને બદલે દેશી મોમ-ડેડને ભાંગ્યું તૂટ્યું અંગ્રેજી બોલતા કરી દીધા આ અંગ્રેજી કુરકુરિયાંઓએ.... માનસિકતા બીજું શું?

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

PsE6xr4x
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com