31-March-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
માના કી ઇસ ઝમીં કો ન ગુલઝાર કર સકે, કુછ ખાર કમ તો કર ગયે, ગુઝરે જિધર સે હમ

બઝમે-શાયરી-ડૉ. એસ. એસ. રાહીપ્યાર, ઇશ્ક, મોહબ્બતના શાયર તરીકે પંકાયેલા, સામાજીક પ્રથાઓ અને સામ્રાજ્યવાદના સખત વિરોધી, અસમાનતા અને અત્યાચાર સામે પોતાનો અવાજ બુલંદ કરનારા આ વિદ્રોહી કવિ અને જિંદગીના કડવા અનુભવોને શાયરીમાં ખુમારી અને ખેલદિલીપૂર્વક ઢાળનાર સાહિર લુધિયાનવીનું મૂળ નામ અબ્દુલ હઇ હતું. પંજાબના લુધિયાનામાં ૮ માર્ચ ૧૯૨૧ના રોજ તેમનો જન્મ થયો હતો. સાહિરના પિતા ચૌધરી મુહમ્મદ ફઝલ સમૃદ્ધ જમીનદાર, અંગ્રેજ સરકારની ગુલામી કરવામાં ગર્વ સમજનાર અને ક્રૂર મિજાજ ધરાવતા વિલાસી શખસ હતા. તેમને ૧૩ પત્નીઓ હતી. સાહિર બાળવય વિતાવે તે પહેલાં જ તેમની માતા સાહિરના પિતાથી અલગ થઇ ગયા હતા. આ ઘટનાની ઘેરી-માઠી અસર સાહિરના શાયર દિલ પર પડી હતી. પોતાની માતાનો ખૂબ જ આદર કરતા હોવાથી સાહિરે તેમની માતા સાથે રહેવાનું પસંદ કર્યું હતું. કોલેજનું ભણતર જેમ તેમ પૂરું કર્યા પછી સાહિરને આર્થિક મુશ્કેલીઓનો ઘણો સામનો કરવો પડયો હતો, પરંતુ સાહિરે તેમનું સ્વાભિમાન છેલ્લા શ્ર્વાસ સુધી જાળવી રાખ્યું હતું.

કુદરતી પ્રતિભા ધરાવતા સાહિરે નાનપણથી શે’ર-શાયરી રચવાનો આગાઝ કર્યો હતો. મૌલાના ફૈઝ હરબનવીના માર્ગદર્શન હેઠળ સાહિરે ઉર્દૂ-ફારસી સાહિત્યનો અભ્યાસ કરી નિપુણતા મેળવી હતી. ઇ.સ. ૧૯૪૩માં પ્રથમ ગઝલસંગ્રહ ‘તલ્ખિયાં’ ના મુદ્રણ-પ્રકાશન માટે તેમણે લુધિયાનાથી લાહોરની સફર ખેડી હતી. ‘તલ્ખિયાં’ ની પ્રસ્તાવના મશહૂર શાઇરા અમૃતા પ્રીતમે દિલપૂર્વક લખી હતી. આ પછી ‘પરછાઇયાં’ (૧૯૫૫) અને ‘આઓ કિ કોઇ ખ્વાબ બૂને’ (૧૯૭૩) જેવાં તેમના પુસ્તકો પ્રગટ થયાં હતાં. ‘આઓ કી કોઇ ખ્વાબ બૂને’ ને સોવિયેત નેહરુ એવૉર્ડ ઉપરાંત મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની ઉર્દૂ સાહિત્ય અકાદમીનાં પારિતોષિકો એનાયત થયાં હતાં. ભારત સરકારે આ ઝિંદાદિલ શાયરને ૧૯૭૩માં પદ્મશ્રીનો ખિતાબ આપ્યો હતો. તેમનાં કાવ્યોના અનુવાદો અરબી, ફારસી, અંગ્રેજી ઉપરાંત કેટલીક અન્ય ભાષાઓમાં ઉપલબ્ધ થયા છે.

ભારત-પાકિસ્તાનના વિભાજન પછી સાહિરે પાકિસ્તાનની વાટ પકડી હતી. ત્યાં તેમણે ‘સવેરા’ નામના સામયિકનું સંપાદન સંભાળ્યું હતું. પણ ત્યાંનો રાજકીય માહૌલ તેમને માફક ન આવતા તેઓ મુંબઇ પાછા ફર્યા હતા. વચ્ચે તેમણે ઉર્દૂ મેગેઝિન ‘અદબેલતીફ’ અને ‘શાહકાર’ ના સંપાદનની જવાબદારી નિભાવી હતી.

મુંબઇમાં સ્થાયી થયા પછી તેમણે જિંદગીના છેલ્લા ત્રણ દશકામાં આજીવિકા માટે હિન્દી ફિલ્મોનાં ગીતો અને કેટલાંક સંવાદો લખ્યાં હતાં. ‘આઝાદી કી રાહ પર’ અને ‘બાઝી’ જેવી ફિલ્મોનાં ગીતોથી ગીતકારની હેસિયતથી ફિલ્મોમાં પ્રવેશનાર અને અનેક યાદગાર ગીતોનો ગુલદસ્તો આપનાર આ શાયરનાં ફિલ્મી ગીતોના સંગ્રહ ‘ગાતા જાયે બંજારા’ ની અગણિત આવૃત્તિઓ બહાર પડી ચૂકી છે.

ઇ.સ. ૧૯૭૮માં માતાના દુ:ખદ નિધનના આઘાતથી સાહિર પર હૃદયરોગનો હુમલો થયો હતો. ત્રણ વર્ષ પથારીવશ રહ્યા બાદ ૨૫ ઓક્ટોબર ૧૯૮૦ના શનિવારે રાત્રિ વેળા તેમના પર ફરીથી હૃદયરોગનો હુમલો થતા તેમનું અવસાન થયું હતું. સાંતાક્રુઝના કબ્રસ્તાનમાં તેમની પ્યારી માતાની કબરની પડખે આ પુત્ર શાયરને સુપુરદે-ખાક કરાયા હતા.

સાહિરનો અર્થ થાય છે જાદુગર. પોતાની શાયરીમાં દિલની સંવેદનાઓની જાદુગરી ફેલાવનાર આ મુઠ્ઠી ઊંચેરા શાયરની ઉમદા શાયરીનો હવે રસાસ્વાદ કરીએ.

* અભી ન છેડ મોહબ્બત કે ગીત ઐ મુત્રિબ,

અભી હયાત કા માહૌલ ખુશગવાર નહીં.

અરે ઓ ગાયક! હમણાં તું પ્રેમગીતો ગાવાનું બંધ કર. આજકાલ જિંદગીનો માહોલ (વાતાવરણ) આનંદદાયક નથી.

* આપ દૌલત કે તરાઝૂ મેં દિલોં કો તોલેં,

હમ મોહબ્બત સે મોહબ્બત કા સિલા દેતે હૈં.

તમે તો તમારી ધનસંપત્તિના ત્રાજવાથી દિલોને જોખો છો. જ્યારે અમે તો પ્રેમનો બદલો પ્રેમથી આપીએ છીએ. (આમ તમારામાં અને અમારામાં કેટલો ફરક છે!)

* તેરી તડપ સે ન તડપા થા મેરા દિલ, લેકિન-

તેરે સુકૂન સે બૈચેન હો ગયા હૂં મૈં.

તારી તડપ-પીડાને લીધે મારું દિલ તડફડવા નહોતું માંડ્યું. પણ તારી શાંતિને લીધે હું (વિશેષ) આકુળવ્યાકુળ થઇ ગયો છું.

* દુનિયાને તજુર્બાતો-હવાદિસ કી શક્લ મેં,

જો કુછ મુઝે દિયા હૈ વો લૌટા રહા હૂં મૈં.

આ દુનિયાએ અનુભવો અને દુર્ઘટનાઓના રૂપમાં મને જે કાંઇ દીધું છે તે બધું જ હું વિશ્ર્વને પાછું આપી રહ્યો છું. સાહિરની સર્જનપ્રક્રિયાના સંકેતો આ શે’રમાંથી સાંપડે છે.

* બુઝ ચુકે હૈં મેરે સીને મેં મોહબ્બત કે કંવલ,

અબ તેરે હુસ્ને-પશેમાં સે મુઝે ક્યા લેના?

મારા સીનામાં પ્રણયનાં કમળો હવે ચીમળાઇ ગયાં છે. હવે આ તારા લજ્જિત સૌંદર્ય પાસેથી મારે કશું લેવાપણું રહેતું નથી.

* મુઝ કો કહને દો કિ મૈં આજ ભી જી સકતા હૂં,

ઇશ્ક નાકામ સહી, જિંદગી નાકામ નહીં.

મને કહેવા દો કે આજે પણ હું જીવી શકું છું. મારો પ્રેમ ભલે નિષ્ફળ ગયો પણ મારી જિંદગી તો નિષ્ફળ નથી ગઇ ને!

* મોહબ્બત તર્ક કી મૈંને, ગિરેબાં સી લિયા મૈંને,

ઝમાને ! અબ તો ખુશ હો ઝહર યે ભી પી લિયા મૈંને.

લ્યો, મેં પ્રેમનો ત્યાગ કર્યો અને ફાટેલાં વસ્ત્રો પણ મેં સાંધી લીધાં. એ જમાના! હવે તો તું ખુશ છે ને? મેં આ ઝેર પણ પી લીધું.

* વોહી ગેસૂ, વોહી નઝરેં, વોહી આરિઝ, વોહી જિસ્મ,

મૈં જો ચાહૂં તો મુઝે ઔર ભી મિલ સકતે હૈં.

એ જ વાળની લટ, એ જ નજરો, એ જ કપાળ અને એ જ દેહ. હું જો ઇચ્છું તો મને આ જ પ્રકારનું બીજું ઘણું મળી શકે એમ છે.

* હમીં સે રંગે-ગુલિસ્તાં, હમીં સે રંગે-બહાર,

હમીં કો નઝમે-ગુલિસ્તાં પે ઇખ્તિયાર નહીં.

બગીચાની ચમકદમક અને આ વસંતના રંગરાગ અમારા કારણે તો છે. છતાં બગીચાની વ્યવસ્થા પર અમારો કોઇ હક નથી તે કેવી વિચિત્ર બાબત છે!

* અભી ઝિંદા હૂં લેકિન સોચતા રહતા હૂં ખલ્વત મેેં,

કે અબ તક કીસ તમન્ના કે સહારે જી લિયા મૈં ને.

હું હજી જીવંત છું તે ખરી વાત છે, પણ એકાંતમાં હું એવું વિચારતો હોઉં છું કે આજ સુધી કઇ આશા-અપેક્ષાના સહારે મેં જીવી લીધું છે?

* અહ્લે-દિલ ઔર ભી હૈં, અહ્લે-વફા ઔર ભી હૈં,

એક હમ હી નહીં, દુનિયા સે ખફા ઔર ભી હૈં.

હૃદયવાળા બીજા કેટલાય છે એવી રીતે વફાદારી ધરાવતા પણ બીજા ઘણા છે. કેવળ અમે જ આ વિશ્ર્વથી નારાજ છીએ એવું નથી. આવી નારાજગી ધરાવતા બીજા પણ ઘણા છે.

* તેરી નિગાહ મેરે ગમ કી પાસદાર સહી,

મેરી નિગાહ મેેં ગમ હી નહીં, કુછ ઔર ભી હૈ.

તારાં નયનો મારા દુ:ખના મદદગાર છે એ ખરું, પણ મારી નજરમાં કેવળ વેદના નથી. તેમાં બીજું કશુંક પણ છે. ( જો તું સમજી શકે તો!)

* મેરા તો કુછ ભી નહીં હૈ, મૈં રો કે જી લૂંગા,

મગર ખુદા કે લિયે તુમ અસીરે-ગમ ન રહો.

મારી પાસે તો કશું જ નથી પછી લૂંટાઇ જવાનો ભય કેવો! હું તો રડી રડીને મારું જીવતર પૂરું કરી નાખીશ. પણ ખુદા ખાતર તું વેદનાના કારાવાસમાં ન રહે.

* મુઝ સે અબ મેરી મોહબ્બત કે ફસાને ન કહો,

મુઝ કો કહને દો કી મૈંને ઉન્હેં ચાહા હી નહીં.

મને મારા પ્રેમની કથાઓ કહ્યા ન કરો. મને ચોખ્ખેચોખ્ખું કહેવા દો કે મેં એને (પ્રિયતમાને) પ્રેમ કર્યો જ નથી.

* માના કિ ઇસ ઝમીં કો ન ગુલઝાર કર સકે,

કુછ ખાર કમ તો કર ગયે, ગુઝરે જિધર સે હમ.

હા, તે વાત કબૂલ કે આ ધરતીને અમે બાગ બનાવી શક્યા નહીં, પરંતુ તે વાત સાચી છે કે અમે જ્યાંથી પસાર થયા ત્યાં ત્યાં અમે થોડા કંટકો તો ઓછા કર્યાને!

* બુઝ રહે હૈં એક એક કર કે અકીદોં કે દિયે,

ઇસ અંધેરે કા ભી લેકિન સામના કરના તો હૈ.

શ્રદ્ધાના દીપકો એક પછી એક ઓલવાતા જાય છે, પરંતુ આપણે તો આ અંધકારનો સામનો કરવાનો છે તે વાત કેમ ભુલાય?

* અબ એક રાત અગર કમ જીયેં, તો કમ હી સહી,

યહી બહોત હૈ કી હમ મશ્અલેં જલા કે જીયે.

હવે જો એકાદ રાત્રિ ઓછું જીવાય તો ભલે ઓછું જીવીએ, પરંતુ અમે મશાલ જલતી રાખીને જીવ્યા તે શું ઓછું નથી!

* ઇસ તરફ સે ગુઝરે થે કાફિલે બહારોં કે,

આજ તક સુલગતે હૈં ઝખ્મ રહગુઝારોં કે.

વસંતોના કાફલા કંઇક આ બાજુથી પસાર થયા લાગે છે. જુઓ તો ખરા કે રસ્તા પર ચાલનારાઓના જખ્મો પર હજુ સુધી રૂઝ વળી નથી.

* ડરતા હૈ ઝમાને કી નિગાહોં સે ભલા ક્યા?

ઇન્સાફ તેરે સાથ હૈ, ઇલ્ઝામ ઉઠા લે.

અરે ભલા માણસ! તું જમાનાની નજરોથી શા માટે ડરે છે? તું આરોપને તારા માથે લઇ લે. ન્યાય તારા પક્ષમાં છે.

* ખુદ્દારિયોં કે ખૂન કો અર્ઝા ન કર સકે,

હમ અપને જોહરોં કો નુમાયાં ન કર સકે.

(આ મારી કેવી મજબૂરી છે કે) હું આત્મગૌરવના લોહીને સસ્તું બનાવી શક્યો નહીં. વળી હું મારામાં રહેલા ગુણોને પણ બહાર દેખાડી શક્યો નહીં.

* સિતમ કે દૌર મેં હમ અહ્લે-દિલ હી કામ આયે,

ઝબાં પે નાઝ થા જીન કો વહ બેઝબાં નિકલે.

યાતનાના જમાનામાં તો અમારા જેવા હૃદયવાળા જ કામમાં આવ્યા. જેને પોતાની વાણી(જીભ) પર ઘમંડ હતો એ તો સૌ વાચાહીન (મૂંગા) નીકળ્યા.

* મૈં શાઇર હૂં મુઝે ફિતરત કે નઝ્ઝારોં સે ઉલ્ફત હૈ,

મેરા દિલ દુશ્મને-નગ્મા-સરાઇ હો નહીં સકતા.

હું તો કવિ છું અને મને પ્રકૃતિનાં દૃશ્યો સાથે પ્રેમ છે. મારું કવિહ્રદય મધુરા ગીતનો ક્યારેય શત્રુ બની શકે નહીં.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

7chGQr
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com