6-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ઘરમાં અંધારું, જીવનમાં અજવાળું

કવર સ્ટોરી-મનોજ કાપડિયાજીવન ચલને કા નામ, ચલતે રહો સુબહ શામ એ અત્યંત પ્રેરણાદાયી પંક્તિ છે. આ અને આવા પ્રકારની પંક્તિઓ દિશાહીન જીવનને એક રાહ ચીંધવામાં નિમિત્ત બનવાની શક્તિ ધરાવે છે. આ ધરતી પર ક્યાં જન્મ લેવો એ આપણા હાથની વાત નથી. અલબત્ત અવતર્યા પછી જીવન કઇ રીતે વિતાવવું એ આપણી સમજણશક્તિને આધારે આપણે ચોક્કસ કરી શકીએ છીએ. નાનપણમાં શાળા અભ્યાસ દરમિયાન કે પછી ઘરના પરંપરાગત વાતાવરણમાં તમે ‘ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઇ જા’ એ પંક્તિઓ સાંભળી હોવાની સંભાવના ભારોભાર છે. કદાચ બે હાથ જોડીને તમે એ ગણગણી હોવાની પણ શક્યતા છે. અજ્ઞાનથી જ્ઞાનનો પ્રવાસ એ આ પંક્તિઓનો મર્મ છે. પુણેમાં રહેતાં ૭૯ વર્ષનાં શ્રીમતી હેમા સાને આ પંક્તિઓ જાણે છે કે કેમ એ આપણે નથી જાણતા, પણ આ પંક્તિઓને જીવનમાં ઉતારીને જીવી રહ્યાં છે એ વાત સાવ સાચી છે. તેમનું જીવન ભૌતિક દૃષ્ટિએ ભલે અંધારામાં જીવાયું હોય, પણ તેમનું કર્મજીવન અનેરો ઊજાસ પાથરનારું રહ્યું છે એ વિષે બેમત ન હોઇ શકે.

માણસનું જીવન આઠમા દાયકામાં હોય ત્યારે સગવડ પ્રત્યેનો મોહ એનામાં ઉચ્ચ કોટિએ જોવા મળતો હોય છે. આરામદાયક જીવન જીવવાની ખેવના એનામાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. જોકે, ડૉ. હેમા સાને એમાં અનેરો અપવાદ છે. હેમાજી મેડિકલ પ્રોફેશનમાં નથી. તેમણે બોટની એટલે કે વનસ્પતિશાસ્ત્રમાં પીએચ. ડી. કર્યું હોવાથી તેમને ડૉક્ટરેટની પદવી મળી છે. એટલે તેમના નામની આગળ ડૉક્ટર લાગે છે. મજાની વાત એ છે કે એક સારો તબીબ જેમ પોતાના દરદીઓ માટે લાગણી રાખીને તેમની સેવાચાકરી કરતા હોય છે એ જ રીતે હેમા સાને વનસ્પતિ પર અપાર વહાલ વરસાવીને જીવ્યા છે. એમની જીવનશૈલી વાંચ્યા પછી કદાચ બે ઘડી તમને તમારી આંખો પર ભરોસો નહીં બેસે, વિશ્ર્વાસ નહીં થાય, પણ જાણ્યા પછી જો એ અનુસરવાનું મન થાય તો એથી રૂડું શું?

ડૉ. હેમા સાને ૭૯ વર્ષનાં છે. આ ઉંમરે મોટા ભાગના લોકોને પંખો અથવા ઍર-કન્ડિશનરની સગવડ વિના જીવવું દુષ્કર લાગતું હોય છે. જોકે, શ્રીમતી હેમાજી પુણેના તેમના બુધવાર પેઠ વિસ્તારના ઘરમાં વીજળી વિના રહે છે. એ સુધ્ધાં બે-ચાર મહિના કે સાત-બાર વર્ષ માટે નહીં, બલકે સમગ્ર આયુષ્ય તેઓ ઇલેક્ટ્રિસિટી વિના જીવ્યા છે. તેમને વીજળીનું જોડાણ નથી મળ્યું કે એવું કોઇ કારણ નથી આ રીતે જીવવા માટે. તેમનો નિસર્ગપ્રેમ એને માટે કારણભુત છે. પ્રકૃતિ અને પર્યાવરણ માટેના અગાધ પ્રેમને કારણે તેઓ આઠ દાયકાથી આ રીતે જીવી રહ્યાં છે. કોઇ પણ પ્રકારના અફસોસ વગર.

આ ઉંમરે શરીર થોડું નબળું જરૂર પડી ગયું છે, પણ મન એકદમ મક્કમ છે. ઇરાદાઓ બુલંદ છે. પોતાના આયુષ્ય વિશે બોલતા તેઓ કહે છે કે ‘રોટી, કપડા અને રહેઠાણ એ માનવજીવનની મૂળભૂત જરૂરિયાતો ગણાય છે. જો તમે માનવજીવનનો ઇતિહાસ તપાસશો તો તમને એ વાતનો ખ્યાલ આવશે કે રોટી અને કપડાં તો મનુષ્યને સૈકાઓથી પ્રાપ્ત થઇ ગયા છે. એના જીવનમાં વીજળીનું આગમન ખૂબ મોડું થયું હતું. ઘણા સમય સુધી માણસ વીજળી વિના જીવ્યો જ છે ને. હું પણ વીજળી વિના જીવી શકું છું અને એ પણ સહેલાઇથી.’ તેમની પાસે જે પણ મિલકત છે એની પર તેઓ દાવો નથી કરતા. હક નથી રાખતા. તેમની દલીલ છે કે જે કંઇ પ્રોપર્ટી છે એ તેમના શ્ર્વાન, બે બિલાડી, નોળિયો તેમ જ ઊડાઊડ કરી કલરવ કરતા પંખીઓની છે. જરાય અચકાયા વિના શ્રીમતી સાને કહે છે કે ‘આ બધી જ પ્રોપર્ટી તેમની છે, મારી નહીં. હું તો માત્ર તેમની જાળવણી માટે છું. મારો એમાં કોઇ કરતા કોઇ હિસ્સો નથી. મારો આ અભિગમ ઘણાં લોકાને ગળે નથી ઊતરતો. કેટલાકને તો બહુ વિચિત્ર સુધ્ધાં લાગે છે અને મને મૂરખ કહેનારા પણ ઘણાં છે. હા, હું કદાચ હોઇશ પાગલ, પણ મને એની જરાય કરતા જરાય પરવા નથી. હું તો આ જ રીતે જીવી છું અને આ જ રીતે જીવવામાં માનું છું. મને એમાં મોજ પડે છે.’

ડૉ. હેમા સાનેએ સાવિત્રીબાઇ ફુલે યુનિવર્સિટીમાંથી બોટનીમાં પીએચ. ડી.ની ડિગ્રી મેળવી છે. કેટલાંક વર્ષો તેમણે પુણેની ગરવારે કૉલેજમાં પ્રોફેસર તરીકે વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ કર્યું હતું. એમના ઘરની આસપાસ જાતજાતનાં વૃક્ષો છે અને પંખીઓનો કલરવ સાંભળવા મળે છે. એમનું પરોઢ પંખીના ગુંજારવથી શરૂ થાય છે અને સંધ્યાટાણે ફાનસના અજવાળા સાથે દિવસની પૂર્ણાહુતિ થાય છે. પ્રાધ્યાપક રહેવા ઉપરાંત હેમાજીએ લેખનકાર્ય પણ કર્યું છે. અલબત્ત એમણે સાહિત્ય કે પ્રવાસવર્ણનો નથી લખ્યા. તેમનું લેખન તો બોટની (વનસ્પતિશાસ્ત્ર) તેમ જ પર્યાવરણના વિષયો પરનું છે. આ પુસ્તકો વિદ્યાર્થીઓને ભણતરમાં ઉપયોગી સાબિત થાય એ માટે માર્કેટમાં ઉપલબ્ધ છે. આજની તારીખમાં પણ તેમનું લેખનકાર્ય ચાલુ છે. તેઓ જ્યારે પણ એકલા હોય છે ત્યારે પેન ઉપાડીને નવાં પુસ્તકો લખવામાં વ્યસ્ત થઇ જાય છે. પર્યાવરણ પર તેમનો અભ્યાસ એટલો વિશાળ અને ગહન છે કે ભાગ્યે જ એવું કોઇ વૃક્ષ હશે કે એવું કોઇ પંખી હશે જે તેમની જાણ બહાર હોય.

વીજળીના અભાવમાં વીતેલા જીવન વિશેની વાત નીકળતા હેમા સાને સ્પષ્ટતા કરતા જે વાત જણાવે છે એ જાણીને પહેલા તો અચરજ થાય છે અને પછી તેમની સાદગીને સલામ મારવાનું મન થઇ જાય છે. તેમનું કહેવું છે કે ‘મને ક્યારેય કરતા ક્યારેય વીજળીની જરૂરિયાત મહેસૂસ નથી થઇ. ૭૯ વર્ષમાં એક પણ વાર નહીં. લોકો ઘણી વખત મને સવાલ કરે છે કે તમે ઇલેક્ટ્રિસિટી વિના કઇ રીતે જીવી શકો છો? તેમનો એ સવાલ સાંભળીને હું સ્મિત કરું છું જે જોઇને તેમને નવાઇ લાગે છે અને એ નવાઇમાં વધારો થાય છે જ્યારે હું તેમને સામો સવાલ કરું છું કે તમે વીજળી સાથે કઇ રીતે જીવો છો? કલરવ કરી આ ચારે તરફ ઊડાઊડ કરી રહેલા પંખીઓ મારા મિત્રો છે. હું જ્યારે પણ ઘરકામ કરતી હોઉં છું ત્યારે એ લોકો આવી પહોંચે છે. મારી જીવનશૈલી જોઇને લોકો મને ક્યારેક સવાલ કરે છે કે હું આ ઘર વેચી કેમ નથી નાખતી? વેચી નાખશો તો તમને ખૂબ બધા પૈસા મળશે. આ વાત સાંભળીને હું તેમને કહું છું કે જો હું આ ઘર વેચી નાખીશ તો પછી આ વૃક્ષો અને પંખીઓની સારસંભાળ કોણ રાખશે? મારે આ જગ્યા છોડીને ક્યાંય નથી જવું. મારે તો એમની સાથે, એમના સહવાસમાં જ રહેવું છે.’

વાત હજી પૂરી નથી થતી. ડૉ. હેમા સાનેનો સ્વભાવ, તેમના વિચારો તેમ જ તેમની જીવનશૈલી જોઇને ઘણાં લોકો તેમને પાગલમાં પણ ખપાવે છે. જોકે, હેમાજી પર આ વાતની કોઇ અસર નથી થતી. પોતાની મસ્તીમાં જીવી રહ્યાં છે. તેઓ કહે છે કે ‘મારું જીવન ખુલ્લી કિતાબ જેવું છે. મારે નથી કોઇને મેસેજ આપવો કે નથી કોઇને પાઠ ભણાવવો. હું તો ભગવાન બુદ્ધને ટાંકીને એટલું જ કહીશ કે જીવનનો માર્ગ તમારે જાતે જ શોધી લેવાનો હોય છે.’ ડૉ. હેમા સાનેએ જાતે જીવનનો માર્ગ નક્કી કર્યો છે અને એ પ્રમાણે જીવ્યાં છે. માણસજાત તેમની કેટલી ઋણી છે એ કહેવું મુશ્કેલ છે, પણ પ્રકૃતિને ચોક્કસ એમને માટે અહોભાવ હશે એમ માનવાનું મન થાય છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

7pM2tV7Y
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com