6-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ડાયરી ઔર શાયરી મેં ફર્ક તો હોના ચાહિયે...

હાઈલાઈટ-અનંત મામતોરાજાણીતી લેખક બેલડી સલિમ-જાવેદમાંના એક, પ્રખ્યાત કવિ અને ગીતકાર અને સામાજિક કાર્યકર્તા જાવેદ અખ્તરે હાલમાં જ આયુષ્યના ૭૫ વર્ષ પૂરાં કર્યા. જાણીતા ગીતકાર-કવિ જાં નિસાર અખ્તરના પુત્ર એવા જાવેદ અખ્તરે એક વાતચીત દરમ્યાન ગીત-સંગીત-લેખન અંગે ઘણી મહત્ત્વની વાતો કહી હતી જે અહીં પ્રસ્તુત છે.

એક લેખક અને ગીતકાર તરીકે તમે તમારી કારકિર્દીના ૪૫ વર્ષને કેવી રીતે મૂલવો છો એ પ્રશ્ર્નના જવાબમાં જાવેદ કહે છે કે, હર્ષ અને શોકના પ્રસંગો પણ માણ્યા, ઉપલબ્ધિ અને નિષ્ફળતાઓ પણ જોઇ. જોકે, નિખાલસતાથી કહું તો મને એમ લાગે છે કે કારકિર્દીના આ ૪૫ વર્ષોમાંથી લગભગ દસેક વર્ષ જેટલો સમય વેડફી નાખ્યો છે એમ કહું તો અતિશયોક્તિ નહીં ગણાય. જો હજુ વધુ ચીવટ અને શિસ્તથી કામ કર્યુ હોત તો ઘણું વધુ પ્રાપ્ત કરી શક્યો હોત. જોકે,અત્યારે આ તબક્કે મને કોઇ અન્યની સ્પર્ધા નડી નથી રહી. જો હરીફાઇ હોય તો એ મારી જાત સાથેની જ હોઇ શકે.

તમારી કવિતા કે ગીતો સામાન્ય માણસ સુધી સરળતાથી પહોંચી શક્યા છે. શું એ નથી દર્શાવતું કે કવિતાઓ આવી જ હોવી જોઇએ? આ સવાલનો જવાબ આપતા જાવેદજી કહે છે, જો તમે તમારી બનાવેલી કાવ્યપંક્તિઓ સામાન્ય માનવી સુધી પહોંચાડી જ ન શકો, તો પછી શા માટે તમારી કળાને સાર્વજનિક બનાવો છો? કેટલાક કલાકારો એવું કહેતા હોય છે કે કોઇને મારી કૃતિ ન સમજાય તો એની મને પરવા નથી. અરે ભાઇ તમે તમારી અંગત ડાયરી લખો અને જાહેર જનતા માટે શાયરી લખો એમાં ફરક તો હોવો જ જોઇએને?

જાવેદજી આજકાલ સંગીતનું સ્તર જે રીતે ગબડતું જાય છે તેના વિશે તમારો શું અભિપ્રાય છે એવા પ્રશ્ર્નનો ઉત્તર આપતા જણાવે છે કે, આના યોગ્ય જવાબ માટે તો મને મારી જ ગીતકાર તરીકેની ફિલ્મ ‘સિલસિલા’ યાદ આવે છે, જેમાં લતાજીએ ગાયેલું પેલું ગીત એકદમ સુસંગત છે, ‘યે કહાં આ ગયે હમ..’ અત્યારે સંગીતની જે હાલત છે તેમાં શું કરી શકીએ? મને લાગે છે કે ગીતો પણ ફિલ્મની કથાનો જ એક ભાગ છે. જો કથાનું પોત જ નબળી કક્ષાનું હોય તો ગીતો પણ એવા જ હોવાના. કાગઝ કે ફૂલ, પ્યાસા કે બૈજુ બાવરા જેવી ફિલ્મોના ગીતો બહુ સારા હતા, કારણ કે તેનું કથાનક પણ એટલું સબળું હતું. નિર્માતાઓને પણ એક વાતનો સતત ભય હોય છે કે આજના ફાસ્ટ યુગમાં પ્રેક્ષકોને ગીતોમાં રહેલું ઊંડાણ સ્પર્શી શકશે કે કેમ? જ્યારે ગીત જ બેબાકપણે આગળ વધતું હોય તેમાં શબ્દોની મહત્તા તો ક્યાંથી જળવાય? શબ્દોમાં જ કાવ્યાત્મકતા ન રહેતાં ગીતકારોને પણ બેફામ આગળ વધવાની સ્વચ્છંતા જ મળે છે. પછી તો જેવું ગીત એવું જ સંગીત પણ બને ને? પહેલાંના સંગીત કમ્પોઝરો તો સંગીત અને કાવ્ય બેઉને જાણતા હતાં, સમજતા હતા. સચિનદેવ બર્મનનું હિન્દી ભલે એટલું સારું ન હતું, પણ તેઓ કવિતાની ભાષાને સમજી શકતાં, સૂંઘી શકતા. અલબત્ત બધો જ વાંક આજના ગીતકાર કે સંગીતકારનો જ નથી હોતો, પ્રેક્ષકો અને તેથી આગળ વધીને કહું તો સમાજ પણ એટલો જ કસૂરવાર હોઇ શકે. આપણી શિક્ષણ વ્યવસ્થામાં પણ ક્યાંક કચાશ તો છે જ. હિન્દી અને ઉર્દૂ ભાષા હવે દિવસે દિવસે હાંસિયામાં ધકેલાતી જાય છે.

તમે આવી અવદશાથી મુક્ત રહેવા શું કરો છો? તેના જવાબમાં જાવેદ કહે છે કે, હું જે સ્થિતિએ છું એ સ્થાને પહોંચતા મને પણ ઘણો સમય લાગ્યો છે. શરૂઆતમાં મારાં ગીતોએ સારો પ્રભાવ જમાવ્યો હતો એટલે મને વધુ ફિલ્મો પણ મળવા લાગી હતી, પણ હવેમને એવું લાગે કે મારે એવું લખવું પડશે કે જે હું લખવા માગતો નથી કે લખી શકતો નથી એ ફિલ્મો માટે હું ના પાડી દઉં છું. ઇન્ડસ્ટ્રીમાં એવો સંદેશ પહોંચવો જોઇએ કે આ અગર લખશે તો આ રીતે જ લખશે, નહીં તો નહીં લખે. હાલમાં જે ગીતકારો કામ કરી રહ્યા છે એના પાંચમાં ભાગનું જ કામ હું કરી રહ્યો છું અને મને તેનો અફસોસ પણ નથી. હું તો એ જ કરીશ જે હું કરતો આવ્યો છું. કોઇ અભદ્ર ભાષા નહીં કે કોઇ વ્યાકરણની દૃષ્ટિએ અયોગ્ય છંદ (મીટર)નો ઉપયોગ નહીં. અલબત્ત કવિ અમુક છૂટ લઇ શકે, પણ હા વ્યાકરણની મર્યાદામાં રહીને.

ગીતકાર તરીકે તમે કોને તમારા આદર્શ માનો છો એ સવાલનો બેધડક જવાબ આપતા જાવેદ કહે છે કે શૈલેન્દ્ર અને સાહિર લુધિયાનવીએ અદ્ભુત ગીતો લખ્યા છે. એ લોકો જ શું કામ? મજરૂહ સુલતાનપુરી, જાં નિસાર અખ્તર, રાજા મહેંદી અલી ખાન, ભરત વ્યાસ, પ્રદીપ, કૈફી આઝમી અને અત્યારની વાત કરીએ તો અત્યારના લોક્પ્રિય ગીતકાર સમીરના પિતાશ્રી અંજાને પણ કંઇક અલગ, કંઇક હટકે ગીતો ઇન્ડસ્ટ્રીને આપ્યા છે. મેં મારી જાત માટે અમુક ધોરણો નક્કી કરી રાખ્યા છે. હું માનું છું કે ભાષા સંવાદ સાધવા માટે હોય છે. જો સાંભળનાર સાથે તાદાત્મ્ય ન સાધી શકાય તો લખવાનો અર્થ શું?

તમે શા માટે પટકથાઓ લખવાનું ઓછું કર્યું છે તેવા પ્રશ્ર્નનો સ્પષ્ટ જવાબ આપતા જાવેદજી કહે છે કે એક તબક્કે મને એવું લાગ્યું કે હું યંત્રવત્ લખતો જાઉં છું. અત્યારના તબક્કે હું એવું લખવા માંગું છું જે મને ઉત્સાહ અને આનંદ આપે. ગીતો લખવામાંથી મને આ બેઉ ચીજો મળી રહે છે.

હાલના ફિલ્મનિર્માતાઓમાં તમને આશાનું કિરણ દેખાય છે તે પ્રશ્ર્નનો જવાબ હસતા હસતા આપતા તેઓ કહે છે કે તમે બધું જ ભલે ગુમાવો, ક્યારેય આશા તો ન જ ગુમાવવી જોઇએ. સંજય લીલા ભણસાલી, કરણ જોહર, આશુતોષ ગોવારીકર.. આ બધા ખરેખર ટેલેન્ટેડ વ્યક્તિત્વ ધરાવે છે.

હાલમાં કળા ક્ષેત્રે નૈતિક મૂલ્યોનું અધ:પતન થયું છે તેના વિશે તમારું શું માનવું છે તે પ્રશ્ર્નનો જવાબ આપતા તેઓ કહે છે કે, ક્યાંક એવું લાગે છે કે ફિલ્મી સમાજનું કેટલેક અંશે સામુહિક નીતિવિષયક અધ:પતન થયું છે. ફિલ્મ નિર્માતાઓ રોમાંસ, ભૂતકથાઓ, મર્ડર મિસ્ટ્રી અને સેક્સ જેવા સલામત વિષયો પાછળ સંતાઇ રહ્યા છે. સામાજિક કે સંસ્કારી કથાવસ્તુનો અભાવ લાગે છે. સ્વદેશ અને લક્ષ્ય જેવી ફિલ્મો બની તે ફ્લોપ ગઇ. લક્ષ્ય ફિલ્મ મેં લખી તે નિષ્ફળ ગઇ ત્યારે મને લાગ્યું કે હાલનો સમય પટકથાઓ લખવા માટે યોગ્ય નથી. જો પૂરતા પ્રેક્ષકો જ ન મળે તો સમાજને લગતી ફિલ્મો બનાવવાની પ્રેરણા શી રીતે મળે એવો ખેદ જાવેદજી પ્રગટ કરે છે. જોકે, વાતનું સમાપન કરતા તેઓ કહે છે કે, હું આ વર્ષે જ પટકથા લેખન ક્ષેત્રે પાછો ફરવા અત્યંત ઉત્સુક છું. તેમની આ આશા ફળે તેવી તેમને શુભેચ્છાઓ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

1800iV0
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com