21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ફિલ્મસ્ટાર કે ટ્રોલસ્ટાર!

કવર સ્ટોરી-હેન્રી શાસ્ત્રીસોશ્યલ મીડિયા ધીરે ધીરે સમાંતર સમાજનું સ્વરૂપ લેવા લાગ્યું છે. સમયના અભાવે કે બીજા કોઇ કારણસર ફેસ ટુ ફેસ ન મળી શકતો એક વર્ગ હવે સોશ્યલ મીડિયા મારફત એકબીજાના સંપર્કમાં રહે છે. પોતાની લાગણીઓ તેમ જ પોતાના અભિપ્રાયો વ્યક્ત કરતા રહે છે. જોકે, લાગણી વ્યક્ત કરનારાઓને કે અભિપ્રાય આપનારાઓને ક્યારેક આ નવા સમાજના લોકોની તીવ્ર પ્રતિક્રિયાનો સામનો કરવો પડે છે. ફિલ્મસ્ટાર્સ પોતાના ચાહકોના સંપર્કમાં રહેવા માટે સોશ્યલ મીડિયા પર બિઝી રહે છે. આ બાબતે સૌથી વધુ નામ ગાજે છે પ્રિયંકા ચોપરાનું. આ અભિનેત્રી છેલ્લા કેટલાક સમયથી ટ્રોલિંગનો ભોગ બની રહી છે. કોઇ વ્યક્તિની ચોક્કસ પ્રતિક્રિયા માટે કે પછી કોઇ વર્તન માટે સોશ્યલ મીડિયા પર આકરી ઝાટકણી કાઢવામાં આવે એ ટ્રોલિંગ તરીકે ઓળખાય છે.

પ્રિયંકા ચોપરા એટલી બધી વખત ટ્રોલ થઇ છે કે એને ટ્રોલસ્ટાર કહેવાનો વખત આવી ગયો છે કે શું એવો વિચાર આવી જાય એ સહજ કહેવાય. મંગળવારનું જ ઉદાહરણ લઇએ. ૩૬ વર્ષની પ્રિયંકા પતિ નિક જોેનાસ સાથે ન્યૂ યૉર્કના અપાર્ટમેન્ટમાંથી નીકળી ત્યારે તેણે શૉર્ટ્સ, બ્લૅક રંગનું ટૉપ અને બ્લેઝર તેમ જ ઘૂંટણ સુધીની ઊંચાઇના બ્લૅક બૂટ પહેર્યા હતા. ડ્રેસ વલ્ગર નહોતો, વિચિત્ર પણ નહોતો, પણ એણે પહેરેલા શૉર્ટ્સ ખાકી રંગના હોવાથી વિવાદનું કારણ બની ગયા. આ તસવીર વાઇરલ થઇ ગઇ અને ઇન્ટરનેટ પર પ્રિયંકાના ડ્રેસની સરખામણી આરએસએસ તરીકે ઓળખાતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના યુનિફૉર્મ સાથે કરીને ‘પ્રિયંકા ચોેપરા આરએસએસમાં જોડાઇ ગઇ’ એ પ્રકારની રજૂઆત કરીને તેની ટીખળ અને ટીકા કરવામાં આવ્યા.

ઇન્ટરનેટ પર ટ્રોલ થવાનો પ્રિયંકા માટે આ કંઇ પહેલો પ્રસંગ નથી. ગયા વર્ષે ૧૫ ઑગસ્ટના સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના એક ભાગરૂપે આપણા તિરંગાના કલરનો સ્કાર્ફ પહેરીને એ તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. તરત જ તીવ્ર પ્રતિક્રિયા આવેલી. એની ટીકા કરીને લોકોએ લખ્યું કે તેણે પરંપરાગત ભારતીય પહેરવેશ અથવા સાડી પહેરવી જોઇતી હતી. ૨૦૧૭ના સપ્ટેમ્બર મહિનામાં પ્રિયંકા સંયુક્ત રાષ્ટ્રસંઘની યુનિસેફ નામની સંસ્થાના ઉપક્રમેે સિરિયાના બાળકોના ઉત્કર્ષ માટે જૉર્ડન ગઇ હતી. એ સમયે તેણે એ બાળકોને મદદરૂપ થવા વિશેની પોસ્ટ અને વીડિયો સોશ્યલ મીડિયા પર શેર કર્યા હતા. એ જોઇને અપસેટ થઇ ગયેલા લોકોએ સામો મેસેજ કર્યો કે પ્રિયંકા ચોપરાએ ભારતના ગ્રામીણ વિસ્તારોની મુલાકાત લેવી જોઇએ જ્યાં ખોરાકથી ટળવળતા બાળકો અન્નની રાહ જોઇ રહ્યા છે.

થોડા દિવસો પહેલા એક મૅગેઝિનના મુખપૃષ્ઠ પર બ્લાઉઝ વગર સાડી પહેરેલી પ્રિયંકાની તસવીર છપાતા એ ફરી ટ્રોલ થઇ હતી. એકદમ આભ ફાટી પડ્યું અને પ્રિયંકાને સંસ્કારના પાઠ ભણાવવાની જાણે કે લાઇન લાગી. ‘આપણી સંસ્કૃતિમાં આ શોભાસ્પદ નથી’, ‘સંસ્કાર વગરની નારી’, ‘તમે જો દેશનું માથું ગર્વથી ઊંચું ન કરી શકતા હો તો શરમથી એને નમાવો નહીં’ જેવી વિવિધ ટીકાઓ થઇ. બે વર્ષ પહેલા પ્રિયંકા તેની ફિલ્મ ‘બેવૉચ’ના પ્રમોશન માટે બર્લિન ગઇ હતી. એ સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ત્યાં હાજર હતા. તેમની સાથે વાતચીત કરવા માટે પ્રિયંકાને થોડો સમય મળ્યો જેની તસવીર તેણે સોશ્યલ મીડિયા પર શેર કરી. એ તસવીરમાં તેણે ટૂંંકું સ્કર્ટ પહેર્યું હતું અને એટલે ટીકાઓની ઝડી વરસી. પીએમને આવો ડ્રેસ પહેરીને મળાય? સલવાર કમીઝ પહેરવા જોઇએ ને? વડીલો સામે કેમ બેસાય એ પણ નથી ખબર? આ પ્રકારનું કંઇ કેટલુંય લખાઇ ગયું. આ સિવાય પણ ઉદાહરણો છે પ્રિયંકા ટ્રોલ થવાના.

પ્રિયંકાએ પર્સનલ જીવનમાં કઇ રીતે રહેવું અને કઇ રીતે વર્તવું એ એનો અંગત મામલો છે, પણ સેલિબ્રિટીઓ તેમના ચાહકોને જવાબદાર હોય છે. અલબત્ત કોઇ કેસમાં લોકોએ અતિરેક કર્યો છે તો ક્યાંક પ્રિયંકાએ લાઇન ક્રૉસ કરી હોય એવું ચિત્ર ઉપસ્યું છે. અલબત્ત ફિલ્મ કલાકારોની મોટા ભાગની પ્રવૃત્તિ તો વ્યાવસાયિક ધોરણની જ હોય છે અને એને એ રીતે જ જોવી જોઇએ.

થોડા વર્ષો માટે હિંદી ફિલ્મોમાંથી સાવ જ ગાયબ થઇ ગયેલી પ્રિયંકા હવે ફરી ઘરઆંગણે બિઝી થઇ રહી છે. ૨૦૧૪ની ‘માર્ગારિટા વિથ અ સ્ટ્રો’ બનાવનારી શોનાલી બોઝની ‘ધ સ્કાય ઇઝ પિંક’નું પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં ઝરીના વસિમ અને ફરહાન અખ્તર તેના સહ કલાકારો છે. ‘ગંગુબાઇ’નું શૂટિંગ ચાલુ છે તેમ જ ‘ગુસ્તાખિયાં’ની ઘોષણા થઇ છે. સિવાય બીજા બે પ્રોજેક્ટ્સની વાત ચાલી રહી છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

6000SX
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com