26-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ક્રિકેટર બની ટેનિસ ચેમ્પિયન

પ્રાસંગિક-યશ ચોટાઈઍશ બાર્ટી તરીકે જાણીતી ઑસ્ટ્રેલિયાની ટેનિસ ખેલાડી ઍશલેઇ બાર્ટીના જીવનનો અત્યારે અદ્ભુત તબક્કો ચાલી રહ્યો છે. તાજેતરમાં પુરુષોનો વર્લ્ડ નંબર-ટૂ ટેનિસ ખેલાડી રાફેલ નડાલ ફ્રેન્ચ ઓપનનું સિંગલ્સનું ટાઇટલ ૧૨મી વખત જીત્યો એના આગલા દિવસે બાર્ટીએ પહેલી વાર આ ટ્રોફી જીતીને અનોખા ખેલકૂદભર્યા પોતાના જીવનને અનેરો વળાંક આપ્યો હતો. તેના વિશે આપણે આ લેખમાં ઘણુંબધું જાણીશું, પણ એ પહેલાં નડાલની એક એવી અજાણી વાત જાણીએ જે એક રીતે બાર્ટીની માફક ક્રિકેટ સાથે સંકળાયેલી છે.

૩૩ વર્ષનો નડાલ ૨૦૦૮ની સાલમાં બાવીસ વર્ષની ઉંમરે ફ્રેન્ચ ઓપનનું અને વિમ્બલ્ડનનું સિંગલ્સનું ટાઇટલ જીત્યા બાદ ઑલિમ્પિક્સનો ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો અને પહેલી વાર વર્લ્ડ નંબર-વન પણ બન્યો હતો. એ બધી સિદ્ધિઓ મેળવતાં પહેલાં જાન્યુઆરી, ૨૦૦૮માં તે ચેન્નઈ આવ્યો હતો. ત્યાં તે ચેન્નઈ ઓપનની ફાઇનલ હારી ગયો એ અગાઉ તે ટેનિસ-કોર્ટ પર જ થોડું ક્રિકેટ રમ્યો હતો. તમને નવાઈ લાગશે કે સ્પેનિશ ખેલાડી નડાલને વળી ક્રિકેટ સાથે શું લાગેવળગે? જોકે, તેણે ત્યારે લેફ્ટ-હૅન્ડ બૅટિંગમાં બૉલ-બૉયના પંદર જેટલા બૉલમાં ફટકા મારીને પ્રેક્ષકોની વચ્ચે મોકલી દીધા હતા. ઘણાને થયું હશે કે જો નડાલ ટેનિસ-પ્લેયર ન બન્યો હોત તો જરૂર યુવરાજ સિંહ, ક્રિસ ગેઇલ કે આન્દ્રે રસેલ જેવો સિક્સર-સ્પેશિયાલિસ્ટ બની ગયો હોત. તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે વિશ્ર્વમાં સૌથી વધુ ૨૦ ગ્રૅન્ડ સ્લૅમ ટેનિસ ટાઇટલ જીતનાર સ્વિટ્ઝરલૅન્ડનો રોજર ફેડરર મહાન ક્રિકેટર સચિન તેન્ડુલકરનો નજીકનો મિત્ર છે અને અમુક ચૅરિટી-વર્કના સમારંભમાં તે (ફેડરર) પણ ક્રિકેટ રમી ચૂક્યો છે.

નડાલ અને ફેડરરનો ક્રિકેટ સાથે એટલો જ સંબંધ રહ્યો છે, પરંતુ આપણે અહીં જેની વધુ ચર્ચા કરવાની છે એ નવી ફ્રેન્ચ ઓપન વિજેતા ટેનિસ ખેલાડી ઍશ બાર્ટી એક સમયે પૂર્ણપણે ક્રિકેટર હતી. ખરું કહીએ તો તે હજી ત્રણ વર્ષ પહેલાં જ (૨૦૧૬માં) ક્રિકેટ રમવાનું છોડીને ટેનિસમાં પાછી ફરી હતી.

૧૯૯૬ની ૨૪મી એપ્રિલે ઑસ્ટ્રેલિયામાં ક્વીન્સલૅન્ડ રાજ્યમાં જન્મેલી ઍશ બાર્ટી નાનપણમાં બાસ્કેટબૉલ જેવી નેટબૉલની રમતમાં વધુ રુચિ ધરાવતી હતી. જોકે, સમય જતાં તેને ટેનિસની રમત વધુ ગમવા લાગી અને તે એની તાલીમ લઈને એમાં એક પછી એક શિખર સર કરવા લાગી હતી. તે જુનિયર ટેનિસ ખેલાડીઓમાં ચૅમ્પિયન બનવા ઉપરાંત ૨૦૧૦ની સાલમાં ૧૫ વર્ષની ઉંમરે પહેલી વાર પોતાના જ દેશની ઑસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં રમી હતી. સિંગલ્સમાં નાના ટાઇટલો જીતવાની સાથોસાથ તે ડબલ્સની પણ આગલી હરોળની ખેલાડી બની ગઈ હતી. ૨૦૧૩માં તે ઑસ્ટ્રેલિયન ઓપન તથા વિમ્બલ્ડન ચૅમ્પિયનશિપમાં ડબલ્સની રનર-અપ બની હતી. જોકે, ૨૦૧૪ની સાલમાં ૧૮ વર્ષની ટીનેજ-વયે તેના ખેલકૂદ-જીવનમાં એક વળાંક આવ્યો હતો. યુએસ ઓપન ટેનિસ સ્પર્ધામાં રમી લીધા પછી તેણે જાહેર કર્યું કે ‘હું થોડા સમય માટે પ્રોફેશનલ ટેનિસમાંથી બ્રેક લઈ રહી છું. નાનપણથી ટેનિસ રમું છું અને દેશ-વિદેશના પ્રવાસ કરીને થાકી ગઈ છું. મારે થોડું ક્રિકેટ રમવું છે.’

૨૦૧૫ની સાલમાં બાર્ટી ઑસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમને મળી હતી અને અમુક પ્લેયરો પાસેથી તેણે ક્રિકેટર તરીકેના અનુભવ વિશે જાણ્યું હતું. નાનપણમાં પોતે માત્ર પરિવારજનો સાથે જ થોડું ક્રિકેટ રમી હતી એટલે એ રમવા વિશે તેને ખાસ કંઈ યાદ પણ નહોતું અને આવડતું પણ નહોતું. જોકે, બાર્ટી પોતાના રાજ્ય ક્વીન્સલૅન્ડની ક્રિકેટના મોવડીઓને મળી હતી અને પોતે ક્રિકેટર બનવું હોય તો શું કરવું એ વિશે ચર્ચા કરી હતી. ક્વીન્સલૅન્ડની મહિલા ક્રિકેટ ટીમના કોચ ઍન્ડી રિચર્ડ્સ ત્યારે બાર્ટીની બૅટિંગ ક્ષમતા જોઈને દંગ રહી ગયા હતા. ઍન્ડી સાથેના પહેલા ટ્રેઇનિંગ-સેશનમાં બાર્ટી એક પણ બૉલમાં ફટકો મારવાનું નહોતી ચૂકી. ઍન્ડીને એના પરથી જ લાગ્યું કે બાર્ટીમાં ક્રિકેટર બનવાના પણ

ગુણ છે.

‘ક્રિકેટર’ બાર્ટી સ્થાનિક સ્તરની અનેક ટુર્નામેન્ટમાં (ખાસ કરીને બૅટિંગમાં) ચમકતી ગઈ હતી અને જુલાઈ, ૨૦૧૫માં મહિલાઓની પહેલી બિગ બૅશ ટુર્નામેન્ટમાં તે બ્રિસ્બેન હીટ ટીમમાં સિલેક્ટ થઈ હતી. એ ટીમના કોચ ઍન્ડી રિચર્ડ્સ જ હતા. બાર્ટીએ મેલબર્ન સ્ટાર્સ સામેની એક મૅચમાં ૨૭ બૉલમાં એક છગ્ગા સહિત ૩૯ રન બનાવ્યા હતા. મહિલા ટેનિસમાં વધુમાં વધુ વર્લ્ડ નંબર-ફાઇવ સુધી પ્રગતિ કરનાર બાર્ટી તાજેતરમાં પૅરિસમાં ફ્રેન્ચ ઓપન દરમિયાન પુરુષોના વન-ડે વર્લ્ડ કપ વિશે લેટેસ્ટ જાણકારી મેળવતી રહી હતી. બાર્ટી ૨૦૧૬માં ક્રિકેટ રમવાનું છોડીને ટેનિસ-જગતમાં પાછી આવી હતી. તે એક મુલાકાતમાં પોતાની ક્રિકેટ કરિયર વિશે કહે છે, ‘મેં અદ્ભુત ક્રિકેટ-લાઇફ માણી હતી. હું અનેક ક્રિકેટ-નિષ્ણાતોને અને જાણીતા ખેલાડીઓને મળી હતી અને મને ઘણું નવું જાણવા મળ્યું હતું. એમાંના કેટલાકને ટેનિસમાં ઍશ બાર્ટી કેવી છે એ જાણવા મળ્યું હતું. હું ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ જીતી ત્યારે મને ક્રિકેટ-વર્લ્ડમાંથી શુભેચ્છાના અનેક સંદેશા મળ્યા હતા. એમાંની ઘણી મહિલા ક્રિકેટરો એવી હતી જેની સાથે હું ક્રિકેટ રમી હતી.’

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

52v36dm4
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com