13-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પ્રેગ્નન્ટ છું, વજન વધે છે, પણ ઘરવાળા ડાયેટિંગ કરવા દેતા નથી

કેતકી જાનીપ્રેગ્નન્ટ છું, વજન વધે છે, પણ

ઘરવાળા ડાયેટિંગ કરવા દેતા નથી

સવાલ: મારી ઉંમર ત્રીસ વર્ષ છે. બે વર્ષ પહેલાં જ લગ્ન થયા છે અને હમણાં હું પ્રેગ્નન્ટ છું. છેલ્લા ત્રણેક મહિનાથી મારું વજન દિન-પ્રતિદિન ખૂબ વધી રહ્યું છે. મારે ડાયેટિંગ કરવું છે પણ ઘરના સભ્યો નથી કરવાં દેતાં. હું કેવી રીતે વજન કંટ્રોલ કરું? હું શું ખાઉં ને શું ના ખાઉં?

------------------------

જવાબ

પ્રિય બહેન, ગર્ભાવસ્થામાં દરેકે દરેક સ્ત્રીનું વજન વધે જ એ સહજ/સ્વાભાવિક અને સામાન્ય છે. તમારે માનસિક રીતે સજ્જ થવું રહ્યું. આ હકીકત માટે તમારે વજન કંટ્રોલ કરવાની હમણાં ખરેખર જરૂર નથી.

હા, તમે તમારા રોજના આહારમાં અમુક ચીજોનો ત્યાગ કરી શકો, જે તમારા અને આવનારા બાળક બંને માટે નુકસાનદાયક છે. જેમ કે - મીઠાનો અતિવપરાશ ટાળવો. સૌપ્રથમ ઘરમાં રાંધેલા ખોરાકમાં ઉપરથી મીઠું લેવાનું સદંતર બંધ કરો. આ ઉપરાંત બહાર તૈયાર મળતાં જંક, પ્રોસેસ્ડ અને પ્રિઝર્વ્ડ ફૂડ ખાવાનું તદ્દન બંધ કરી દો, આ જ ઘડીથી. શાકાહારી ખોરાક જ ખાવાનો આગ્રહ રાખો. વધુ પડતાં તળેલાં, તીખા મસાલેદાર ખાદ્યપદાર્થોને દૂરથી જ રામરામ કરી દેવાં. તમે દિવસમાં જો બેથી વધુ વખત ચા-કૉફી પીતાં હોવ તો તે પણ બાળકના જન્મ સુધી બંધ કરી દો તે હિતકર છે.

આ ઉપરાંત અધિક ચરબી અને ખાંડવાળા પદાર્થો પણ લેવાના બંધ કરી દો. અહીં આગળ જણાવેલી બધી જ વસ્તુ માતા-બાળક બંને માટે અહિતકર હોવાથી સત્વરે બંધ કરવા વિનંતી.

હમણા તમારા ઉપર એક નવા જીવની જવાબદારી પણ છે તે તમે ના ભૂલશો. તેના યોગ્ય વિકાસ અને સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે તમારે વિચારવું રહ્યું, તમારું વજન તો ડિલિવરી પછી પણ કંટ્રોલ કરી શકશો. માટે હું તમને તંદુરસ્ત બાળક માટે શું શું તમારા રોજિંદા જીવનમાં ખાવું અગત્યનું છે તે જણાવું છું. શિશુના યથાયોગ્ય પોષણ માટે આગળ બતાવું છું તે ચીજો તમારા આહારમાં હોવી અનિવાર્ય છે.

- પ્રોટીનયુક્ત ખાદ્યપદાર્થો: દાળ, ફણગાવેલાં અનાજ, દૂધ કે દૂધના પદાર્થ લેવા જ જોઈએ.

- આયર્ન (લોહતત્ત્વ): લીલાં પાંદડાવાળા શાકભાજી, દાડમ, વિવિધ શીંગો, લીચી, દ્રાક્ષ જેવા પદાર્થો સાથે વિટામિન સી ધરાવતા પદાર્થોનું સેવન જરૂરી છે.

- કાર્બોહાઈડ્રેટ - ફાઈબર્સ: આખું અનાજ, ફળો, સલાડ જેવા ખાદ્યપદાર્થો લેવા. ખાસ તો મેંદો કદી ના ખાવો. મગની દાળ પણ ફોતરાવાળી અને આખા મગ જ ખાવા.

- ફેટી એસિડ: ચીકાશયુક્ત ખાદ્યપદાર્થો ભ્રૂણના માનસિક વિકાસ માટે અનિવાર્ય છે.

- કેલ્શિયમ: શિશુના મજબૂત દાંત-હાડકા અને તમારા આગળના જીવન માટે પણ આ તત્ત્વ ખૂબ અગત્યના છે. ભરપૂર પાણી પીઓ ઉપરાંત તમારા ગાયનેકોલોજિસ્ટ સાથે એકવાર આ અંગે ચર્ચા કરો કે શું ખાવું શું ના ખાવું? હમણાં ડાયેટિંગના વિચાર છોડી બાળક માટે શું કલ્યાણકારી છે તે જ માત્ર વિચારો, બાળકના જન્મ બાદ ડાયેટિંગ કરજો. વિશ યુ બેસ્ટ લક ફૉર મધરહૂડ.

---------------------------

યુવાન દીકરીની ડેટિંગ ઍપની વાતથી હું ગભરાઈ ગઈ છું

સવાલ: હું ૪૫ વર્ષની ગૃહિણી છું. વીસ વર્ષની બેબી અને ૧૮ વર્ષનો દીકરો એમ બે સંતાન છે. બે-ચાર દિવસ પહેલાં મારી દીકરી એની બહેનપણી જોડે ફોનમાં વાતચીત દરમિયાન ડેટિંગ ઍપ જેવા શબ્દનો વપરાશ કરતી હતી. મેં તેને પૂછતાં તેણે તેના વિશે માહિતી આપી મને. તે સાંભળી હું ખરેખર ગભરાઈ ગઈ હતી. આવી ઍપ બાળકો માટે ખતરારૂપ જ કહેવાય ને? મેં મારી દીકરીને એ સમયે કહ્યું કે બેટા, આપણે પછી ડીટેલ્સમાં વાત કરીશું આ વિશે. તમે મને મદદ કરો કે મારી દીકરીને હું કેવી રીતે ચેતવણી આપું? તે કહે છે કે તે કાંઈ તે ઍપ પર એક્ટિવ નથી, પણ કદાચ મારા ડરને લીધે તે જૂઠું બોલી હશે?

---------------------------

જવાબ

વીસ વર્ષની ઉંમર ખરેખર ખૂબ જ નાજુક હોય છે, એટલે દીકરી માટે તમારી ચિંતા એકદમ સ્વાભાવિક છે બહેન. તે કહે છે તે એવી ઍપમાં એક્ટિવ નથી એટલે નચિંત થઈ બેસવાને બદલે તમે તેના વિશે ગહન વિચાર કર્યો તે પણ સાચે જ આવકારદાયક છે. આ ઉંમરમાં બાળકો જીવનના રંગીન તબક્કામાં હોય છે. હકીકતની દુનિયાથી અજાણ તેમનું મનોજગત દુનિયાને મુઠ્ઠીમાં કરવા થનગનતું હોય છે. આ સમયે જ તેમના છેતરાવાનો ભય હોય છે, જોકે તેઓ તેનાથી અજાણ સાતમા આકાશમાં વિહરતા હોય છે કે તેઓ સુપરડુપર છે, બધું સમજે છે પણ નાસમજ હોવાનો અહેસાસ તેમને જીવનની ચાળીસીએ પહોંચે ત્યારે થાય છે. તમે તેની સાથે વિગતે વાત કરો ત્યારે નીચેના મુદ્દા ચર્ચી શકો.

ક ડેટિંગ ઍપમાં એક્ટિવ રહેતાં યુવતી-યુવાનો જો સાવધાની ના રાખે તો, તેના ગંભીર નુકસાન છે, કેમ કે, કેટલાક લોકોની ગેંગ આ ઍપમાં એક્ટિવ લોકોને ફ્રોડ કરી ફસાવવાના હેતુસર જ કાર્યરત હોય છે. આવા પ્રકારના ગુના/ફ્રોડમાં માનસિક, શારીરિક અને આર્થિક રીતે પાયમાલ થયાના ઘણા દાખલાઓ દુનિયામાં છે.

ક આવી ઍપમાં અસાવધાની રાખવાના ગુના સબબ ઘણાં લોકોની જિંદગી બરબાદ થઈ છે અને અમુક બદકિસ્મતોએ જાન સુધ્ધાં ગુમાવ્યા છે.

ક દીકરીને ખાસ કહો કે આવી ઍપમાં લોકો પોતાની સાચી ઓળખ, માહિતી આપતાં નથી હોતાં, માટે આ ઓનલાઈન દોસ્તી ટાઈમપાસ જ સાબિત થાય છે.

ક આવી ઍપ પર લોકો નાની ઉંમરની છોકરીઓને ફસાવવાનું કામ કરે છે. માટે તે જેની પણ સાથે વાત કરે, તે એકાઉન્ટ અને પ્રોફાઈલ પહેલાં ચેક કરવું જરૂરી છે, જે પ્રોફાઈલમાં જે-તે વ્યક્તિની પોતાનો ફોટો ના હોય, તે એકાઉન્ટ ફીશી (શંકાસ્પદ) હોઈ શકે છે.

ક કોઈની પણ સાથે વાતવાતમાં પોતાની, પોતાના ઘરના સભ્યોની, ઘરની આર્થિક સ્થિતિની, પોતાનાં વિશેની પર્સનલ/પ્રાઈવેટ વાતો વ્યક્ત ના થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.

ક કોઈપણ વ્યક્તિ આવી ચેટ દરમિયાન આર્થિક મદદ માગે, એકાદવાર સ્પષ્ટ ના છતાં વિવિધ રીતે તે મદદ માગવાનું ચાલુ જ રાખે તો સત્વરે તેને બ્લોક કરી દેવી/દેવો.

ક આવી ચેટમાં દગાબાજ લોકો જાતજાતની ને ભાતભાતની વાતો કરી સામા પાત્રને આકર્ષિત કરવાના ફિરાકમાં હોય છે. કોઈ અતિશય વખાણ કરે અને જ્યારે આપણે જાણતાં જ હોઈએ કે આપણે શું છીએ? ત્યારે સત્વરે ચેતી જવું. જુઠ્ઠા વખાણથી તેની જાળમાં ફસાઈ જવાનો મતલબ નુકસાન જ છે, તે સમજવું.

ક આવી ચેટ દરમિયાન ખરેખર સામું પાત્ર જેન્યુઈન લાગે અને ગમે તો સૌપ્રથમ ઘરનાં દરેક સભ્યોને તેની માહિતી આપવી. તે માટે જે-તે વ્યક્તિની વિવિધ ઓળખપત્રો સહિતની માહિતી તમારી પાસે હોવી જોઈએ.

ક જે-તે વ્યક્તિનું ભણતર, નોકરી, પગાર, શાળા, કૉલેજ, કંપની જે પણ તેણે જણાવ્યું હોય તેની સાબિતી માટે તેની પાસે જે-તે સર્ટિફિકેટ-માહિતીની ફોટોકૉપી માગવી. તે આ માહિતી આપવામાં આનાકાની કરે, ના આપે તો સમજી લેવાનું દગાબાજી છે.

ક જે-તે ચેટનું બેકઅપ હંમેશાં સેવ કરી રાખવું.

ક આ ચેટ દરમિયાન કોઈપણ વ્યક્તિ તેને મેન્ટલ યા ફિઝિકલ ટોર્ચર કરે તો તેણે લેશમાત્ર ડર્યા વગર તમને કહી દેવું.

ક ચેટ દરમિયાન સામેવાળી વ્યક્તિના પ્રભાવમાં આવી પોતાના પ્રાઈવેટ અંગો બતાવવા જેવું કૃત્ય કદાપિ ના જ કરવું.

ક લગભગ નવરીબજારો જ આવી ઍપમાં એક્ટિવ હોય છે. તમારી દીકરી આવી ઍપનો ઉપયોગ ના કરે તે જ સર્વોત્તમ છે છતાંય તે આ વાતો ધ્યાનમાં રાખશે તો તેને જગતનાં કોઈ ખૂણાની વ્યક્તિ પરેશાન નહીં કરી શકે. અસ્તુ.

--------------------------

સવાલ આ ઈ-મેઇલ પર મોકલી આપો

તફદફફહબજ્ઞળબફુતફળફભવફિ.ભજ્ઞળ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

5jO07Od4
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com