21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કઝિન મેરેજ પ્રથાનાં લેખાંજોખાં

ઘટના અને અર્થઘટન-સોનલ શુક્લઆપણે ત્યાં ગુજરાતીઓને ઘરે મરાઠી બહેનો કામવાળી હોય, ક્યારેક જ કોઈ ગુજરાતી ઘરકામ કરનારી મળે, કોંકણથી ગરીબ ખેડૂત વર્ગના પરિવારોમાંથી કોઈ કોઈ રોકડા પગારવાળું રળતર મળે તે માટે મુંબઈ મિલોમાં કામ કરવા આવતા. ગામડામાં જીવનનિર્વાહ પૂરતું ખેતીમાંથી કે વસ્તુ વિનિમય - બાર્ટર-દ્વારા મળે પણ જમાનો આગળ વધે તેમ જરૂરિયાતો વધે અને રોકડા પૈસાનો ખપ પડે. શહેરમાં મિલમાં કામ ન મળે તો મરાઠાઓ ‘ઘાટી અને બાઈ’ એટલે કે ઘરકામ કરતાં થયેલાં, કોંકણીઓ માટે ઘાટી શબ્દ ન વપરાય. વ્યવહારમાં હવે અપશબ્દ બન્યો છે, મરાઠી માણસો પોતે આ શબ્દ ઘાટમાં રહેનારા લોકો પૂરતો જ વાપરે છે. બાઈ તો માનવાચક શબ્દ છે. જે હવે માત્ર ઘરકામ કરતી મરાઠી મહિલાઓ માટે વપરાય છે. મહારાષ્ટ્રમાં શિક્ષિકાને બાઈ કહે છે અને સૌરાષ્ટ્ર કે રાજસ્થાનમાં સાસુને. કામદાર વર્ગના મહારાષ્ટ્રિયનોમાં શિક્ષણનું પ્રમાણ વધેલું છે અને બાળજન્મ પ્રમાણ ઓછું થયું છે. આ પ્રગતિનો જેમને લાભ મળે એ છોકરીઓ ઘરમાં એંઠા વાસણ માંજવા કે પોતાં કરવાં શું કામ પસંદ કરે? દુકાન કે ઑફિસના કામમાં પગાર ઓછા હોય કે વધેલું ખાવાનું વગેરે મળવાનું ન હોય તો પણ એક સ્ટેટ્સ મળે છે. આવાં કામ ન કરી શકે તેવી બહેનો પણ હવે રસોઈનાં કામ શોધે છે. પરિણામે હવે ઘણાં નેપાલી, બિહારી કે છત્તીસગઢના ગરીબ વિસ્તારોમાંથી પેટિયું રળવા આવતા કામવાળાં ઘરકામ માટે રાખે છે.

મારે ત્યાં પણ હવે રહી રહીને એક તમિળ બહેન એક કલાક માટે રાખી છે. કામ ઝડપથી કરે છે અને ઠીકઠીક સારું પણ કરે છે. પણ ભાષાફેરને કારણે અમુક સાંસ્કૃતિક બાબતો જલદી સમજાતી નથી. એને નાનું બાળક છે. સાસુ સવારે મકાનોમાં સફાઈ કામ કરીને આવે પછી આ બાળકને સાચવે છે અને ત્યાર પછી આ યુવાન બહેન કામ કરવા નીકળે છે. એને સાસુ જોડે જરાય ફાવતું નથી. પાસે જ બીજી ચાલીમાં એ ભાડેથી રહે છે. પૂછ્યું કે ફાવતું નથી અને જુદાં રહો છો તો પણ એ તારા બે વરસના દીકરાને સાચવવા રાજી છે? એ કહે, હા, એમના જ ઘરનો દીકરો છેને!! અહીં સુધી તો બધું બરાબર પણ પછી એણે સાસુની જોડે કેમ અણબનાવ થયો અને શું શું સહન કરવું પડ્યું એની યાદી શરૂ કરી. મે કહ્યું કે બાપ રે બાપ, આટલું બધું થયું તો તારાં પિયરિયાં કાંઈ ન બોલ્યાં? એ કહે કોણ બોલે? બાપ તો મરી ગયો છે, અને મા? તો કહે કે એ તો પોતાની માતા કેવી છે તે જાણે જ ને? એટલે કે એની સાસુ એ જ એની નાનીમા. પોતાની માની મા. તમિળ પ્રજાની ઘણી જાતિઓમાં સગા મામા જોડે લગ્ન થઈ શકે છે. વર એનો સગો મામો છે અને એ માણસની અને અમારી કામવાળીની માતા તે એક જ વ્યક્તિ. તે જ આ બાઈની સાસુ. આ પિતૃશાહી માન્યતા કે લોહી તો માત્ર પુરુષમાંથી બાળકમાં આવે એટલે મામા કે મામાની દીકરી જોડે લગ્ન કરી શકાય, કાકાનાં સંતાનો જોડે નહીં, કારણ કે એમાં પોતાના પિતાનું લોહી હોય. પછાત જ્ઞાતિઓમાં અને કેટલાક સવર્ણોમાં આવી માન્યતા અને આવી લગ્ન પ્રથા હજી ચાલુ જ છે. હિંદુઓમાં આવા કઝીન મેરેજો જોવા મળે છે. દક્ષિણ ભારતમાં વધુ પ્રમાણમાં.

અમારા પરિવારમાં એક મરાઠાભાઈ એક લગ્ન સંબંધથી જોડાયેલા છે. મરાઠાઓ, દલિતો, કોળી ઈત્યાદિ ‘અન્ય પછાત જ્ઞાતિઓ’માં મામાની દીકરીને પરણવું સાવ સામાન્ય છે. આ ભાઈ મોસાળમાં વધુ ઉછરેલા હતા. માતાને બીજાં છ બાળકો હતાં અને પિતા મુંબઈમાં મિલમાં કામ કરતા હતા. પોતે મોટા થયા ત્યારે મામાએ વાત માંડી કે હવે મારી દીકરીનું અને તમારા આ દીકરાનું પાકું કરી નાખીએ ને! કહીને હાથ મેળવવા લંબાવ્યો. આ ભાઈના પિતાએ એ હાથ તરછોડીને અપમાન ન કર્યું પણ પોતાનો ડાબો હાથ લંબાવ્યો. પૂછયું કેમ? તો કહે રિવાજ તો છે પણ મારા દીકરાની સંમતિ હોય તો જ જમણા હાથે વચન આપું. રીત પ્રમાણે હક હોય કે મામા પોતાની દીકરી બહેનના દીકરાને આપે અથવા તો ફોઈનો મોટો હક હોય કે એ પોતાના ભાઈની દીકરી લઈ આવે. ત્યાર પછી અલબત્ત, એ ફોઈ નહીં પણ સાસુ તરીકે જ વર્તે. તે છતાં આ રીતે દીકરી પરણાવવામાં મામીને ધરપત રહેતી હશે કે એ સાવ અજાણ્યામાં ગઈ નથી. અગાઉ એક વાર મેં જૂનું કોળી, ખારવા, માછીમાર વગેરેમાં ગવાતા ગીતની પંક્તિ નોંધેલી. એ હતી, સ્વગુણે ચડ્યા, વહાણે ચડ્યા, મારા ફૈબાના દીકરા વહાણે ચડ્યા. જાફરાબાદની કોળી બહેન અમારે ત્યાં કામ કરતી એ ગાતી, ત્યારે નાનપણમાં ખબર નહોતી કે બીજા કોઈ કાકા-મામાના નહીં તે ફઈબાના દીકરા જ કેમ ગવાય છેે. મોટા થઈને સમજાયું કે એનો પોતાનો પતિ દરિયાઈ પ્રવાસે નીકળવાનો હતો તેની અહીં વાત હતી. "મારો વર, મારો ધણી એવું કાંઈ આમન્યામાં બોલાય નહીં એટલે ફૈબાના દીકરા અહીં કહે છે, નાની નાની લડાઈઓ, છાપામાર, લૂંટફાંટ વગેરેથી બચવા કબીલાઓ, મોટા મોટા પરિવારો માહ્યાંમાહ્ય જ લગ્ન કરતા હોવા જોઈએ. આરબો મોટા સહારાના રણમાં સલામતી ખાતર સાથે ફરતા હોય અને એમનાં માંહ્યોમાંય કબીલાની અંદર જ લગ્ન થાય એટલે કઝિન મેરેજ વધુ. બીજે છોકરી આપે તો પછી રણવાટમાં ક્યારે ફરી જોવા મળે? પશ્ર્ચિમ એશિયાની સાંસ્કૃતિક પરંપરામાં જ અંદરોઅંદર લગ્ન કરવાની રીત ચાલતી આવતી હોઈ શકે. ઈજિપ્તમાં સત્તા પોતાના જ પરિવારમાં રહે તેથી કદાચ ભાઈ-બહેનનાં યુગલ બનતાં હશે. ક્લિઓપેટ્રા મહારાણી શેક્સપિયરના નાટકથી વધુ ખ્યાતિ પામેલી. એનો પતિ એનો જ ભાઈ હતો અને નબળો શાસક હતો એમ પણ કહેવાય છે. રાજાઓ પોતાની પુત્રી જોડે પણ લગ્ન કરી લેતા. હવે એ પ્રદેશમાં પળાતા ધર્મોમાં સાવ નજીકના પરિવારમાં સેક્સસંંબંધ જાહેજ નથી. યાદ રાખવાનું કે પારસીઓમાં પણ તદ્દન જ નજીકના કઝિન જોડે લગ્ન થઈ શકે. જો કે એ થતાં ઓછાં જોવા મળે. શિક્ષિત અને આધુનિક પરિવારોમાં, પછી એ ગમે તે ધર્મના હોય, કઝિન મેરેજ ઓછા થાય છે. મારી જોડે કામ કરતી એક બહેને સંકોચથી કહેલું કે એનો પતિ એના ફોઈનો દીકરો હતો. મેં કહ્યું તમારામાં એ થાય છે ને! તો એ કહે કે હવે એ બહુ સારું ગણાતું નથી. જો કે પરિવારમાં મોટા પ્રસંગોમાં બધા કઝિનો મળે ત્યારે ક્યારેક આવાં આકર્ષણો થાય.

લગ્ન કરવાં જ જોઈએ એવી દૃઢ માન્યતા માંડ થોડા સમયથી ધીમી પડી છે. કરવા કે નહીં એ વ્યક્તિની પસંદગી હોય એવું જલદી સ્વીકારાતું નથી. આપ પસંદગી એ લોકશાહી અને આધુનિકતામાં ગણાય છે. જૂનાં સમાજમાં લગ્ન કરવું આવશ્યક ગણાય. હિન્દુના સોળ સંસ્કારમાં એ આવે. (સ્રીઓના અને બ્રાહ્મણથી નીચી ઘણી બધી જ્ઞાતિઓમાં જનોઈનો સંસ્કાર હોય નહીં. એ લોકો અહીં બાકાત રખાયા છે). બીજી બાજુથી ક્યાં કયાં ન કરાય એ બધું પણ સમાજના મોટેરા નિયંત્રિત કરે. કિસાનોમાં છોકરી પોતાના ગામમાં ન પરણાવાય. હરિયાણાની એક ખાપે બાજુનું ગામ પણ દત્તક લીધેલું. એટલે એ ગામમાં પણ ન કરાય. બહુ નજીકના કઝિનો પરણે જ્યાં બંનેના દાદા-દાદી કે નાના-નાની એક જ હોય ત્યાં પરંપરા નિષેધ કરે. એ જુદું પણ મુખ્ય ચિંતા એ રહે કે કોઈ જેનેટિક સમસ્યા હોય, લોહીમાં જ કાંઈક મૂળભૂત જન્મથી જ હોય અને વારસામાં બાળકમાં આવે એવો રોગ હોય તો એ કઝિનો દ્વારા ચાલુ રહી શકે. બીજો એક મોટો નિષેધ હતો સગોત્રી લગ્ન ન કરી શકે. બ્રાહ્મણેત્તર જ્ઞાતિઓ અટક ઉપરથી નક્કી કરે છે. સોલંકી બીજા સોલંકીમાં લગ્ન ન કરી શકે અને સાટમ્ કે એવા કોઈ મરાઠા પોતાની અટક ધરાવનારા જોડે ન પરણી શકે. બ્રાહ્મણો તો અલબત્ત એક પ્રાચીન ઋષિમુનિઓમાં પોતાનું કુળ શોધે. આ ગુરુઓની વંશાવલિ મળે નહીં, પણ એ માટેના દાવા ગોત્રમાં આવે. કંઈ પણ વિધિ વેળાએ ગોત્ર પૂછે. સગોત્રી લગ્ન ન કરી શકે કેમ કે બે કે ચાર હજાર વર્ષ અગાઉ બંને એક જ ઋષિનું લોહી ધરાવતા હોય!! મારી જાણમાં એક યુગલ હતું જેમનું નાનપણમાં સગપણ થઈ ગયેલું. નાની જ્ઞાતિ અને ક્ધયા માંડ મળે. (કારણ કે બારથી બેત્તાલીસ વર્ષના વિધુરો પણ કોમ્પિટિશનમાં હોય). તેથી જલદી કરી નાખેલું. પેલી ક્ધયા પણ દૂરથી પોતાના ભવિષ્યના પતિને નીરખતી હશે. લગ્ન અગાઉ ભોપાળું ફૂટ્યું કે બંને સગોત્રી હતા. સગપણ ફોક થયું અને એની ક્ધયા પર કાંઈક વિપરીત અસર પણ પડી. અંગ્રેજોએ આવો નિષેધ કાયદાથી દૂર કરેલો પણ આપણી પ્રથાઓ ચાલુ રહે એમાં શી નવાઈ. પિતૃપક્ષે નવ અને માત-પક્ષે સાત નાતરાથી નાતરું એટલે સંબંધ કે જોડાણ. એ પુનર્લગ્ન માટે વપરાય છે તે અર્થમાં નહીં.) વરક્ધયા દૂર હોવા જોઈએ એ કારણસર એક મુરતિયાને એના નાનાએ દત્તક લઈ લીધો જેથી નવ નાતરાં સુધી પુરવાર ન કરી શકાય! પાટીદારો અને દેસાઈઓમાં આટલા ગામ ઊંચા ને આટલા તેનાથી નીચાં એ પણ લગ્ન સમયે ગણવામાં આવે, જો કે ઊંચા ગામનો છોકરો નીચા ગામની ક્ધયા લાવે તો એને દહેજ ઘણો વધારે મળતો. મોટા કુળમાં કે ક્ષત્રિયોમાં મોટા રાજાને ત્યાં દીકરી દઈ દેવાથી દેનાર બાપનું કે કુળનું ગૌરવ વધે. આ બધામાં વર-ક્ધયાની ઈચ્છા તો ગૌણ જ બની જાય.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

t65Exe
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com