6-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
નઝર ઈન પર ભી કુછ ડાલો

કવર સ્ટોરી-હેમંત વૈદ્યહજી તો વર્લ્ડ કપ ક્રિકેટ સ્પર્ધાનો રાઉન્ડ રોબિન તબક્કો ચાલે છે ત્યાં આપણો ક્રિકેટઘેલો દેશ એમાં ગરકાવ થઇ ગયો છે. ભારતનું સેમી ફાઇનલમાં સ્થાન નિશ્ર્ચિત બને એ માટે તુક્કાઓ લડાવાઈ રહ્યા છે, ગણતરીઓ મંડાઈ રહી છે. એમને ક્યાં ખબર છે, સૉરી ક્યાં પરવા છે કે ક્રિકેટ સિવાયની રમતમાં આપણા દેશની સન્નારીઓ આગેકૂચ કરીને પ્રભાવ પાડી રહી છે. રોહિત શર્માની સેન્ચુરી પર ઓળઘોળ થયેલાઓને શૂટિંગ વર્લ્ડ કપમાં અપૂર્વી ચંડેલાએ ગોલ્ડ મેડલ મેળવ્યો એની ક્યાંથી ખબર હોય? સાથે સાથે જાપાનમાં ચાલી રહેલી હૉકીની એફઆઇએચ વિમેન્સ સિરીઝની પહેલી બે મૅચમાં ભારતીય ટીમે મેળવેલા શાનદાર વિજયની પણ જાણકારી નહીં જ હોય. પસંદ અપની અપની એ ન્યાયે દરેકની પ્રિય રમત જુદી જુદી હોવાની. દરેકનો એ હક છે, પણ સાથે સાથે દેશવાસી તરીકે એ ફરજ પણ છે કે બીજી રમતમાં જો આપણા દેશનો ખેલાડી મેદાન મારતો હોય તો એની પીઠ થાબડી, એને બિરદાવીને એનો ઉત્સાહ વધારવો. ખેલકૂદમાં નામ કમાઈને દેશનું નામ રોશન કરે એ માટે શુભેચ્છાઓ આપવી. જો આ વાત તમને સાચી અને સ્વીકારવા જેવી લાગતી હોય તો આખો લેખ ધ્યાનપૂર્વક વાંચી જજો અને ક્રિકેટ સિવાયની અન્ય રમતમાં આપણા દેશના ખેલાડીએ કમાલ દેખાડી હોય તો એને બિરદાવવાનું ચૂકતા નહીં.

પહેલા વાત કરીએ અપૂર્વી ચંદેલાની. મોટા ભાગના લોકોએ તો એનું નામ પણ નહીં સાંભળ્યું હોય. ૨૦૧૧માં શૂટિંગની જુનિયર એશિયાઇ સ્પર્ધામાં નવમા સ્થાને આવીને પોતાના આગમણના એંધાણ આપી દીધા હતા. ત્યાર બાદ ૨૦૧૨માં રાષ્ટ્રીય સ્પર્ધામાં ચૅમ્પિયન બનેલી અપૂર્વી સતત એક એક પગથિયું ઉપર ચડતી રહી છે. તાજેતરમાં જર્મનીના મ્યુનિક શહેરમાં રમાઇ રહેલી એસએસએફ શૂટિંગ વર્લ્ડ કપમાં ૧૦ મીટર ઍર રાઇફલ ઇવેન્ટમાં આ ક્ધયાએ સુવર્ણ ચંદ્રક પોતાના નામે કરી લીધો છે. એક મિનિટ, આ સિઝનમાં તેણે મેળવેલો આ બીજો ગોલ્ડ મેડલ છે. હજી આટલી વાત સાંભળીને પણ તમે કૉલર ટાઇટ ન કર્યા હોય તો જાણી લો કે દિલ્હીમાં ફેબ્રુઆરી મહિનામાં રમાયેલી સ્પર્ધામાં તેણે સુવર્ણ ચંદ્રક મેળવ્યો એ સાથે તેણે વર્લ્ડ રેકૉર્ડ સુધ્ધાં કર્યો હતો. મ્યુનિકની કૉમ્પિટીશનમાં તો અપૂર્વીએ બે ચીની હરીફોને પાછળ રાખીને નંબર વનનું સ્થાન હાંસલ કર્યું છે જે એક મોટી સિદ્ધિ ગણાય છે. આ સ્પર્ધામાં રસાકસી પણ તીવ્ર હતી. ૧૪૯ મહિલા ખેલાડીઓએ ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં હિસ્સો લીધો હતો. આવી તીવ્ર સ્પર્ધાના માહોલમાં અપૂર્વી મેદાન મારી ગઇ એ ગર્વ લેવા જેવી વાત ચોક્કસ છે. આ સફળતાને પગલે આવતા વર્ષે જાપાનના ટોક્યો શહેરમાં યોજાનારા ઑલિમ્પિક રમતોત્સવમાં પાત્ર ઠરવાના તેના સંજોગો ઊજળા બન્યા છે.

હૉકીની રમત સરખામણીમાં ઓછી ગ્લૅમરસ ગણાય છે. એમાંય જો મહિલા ટીમ રમતી હોય તો બહુ ઓછા લોકો રસપૂર્વક એને ફોલો કરતા જોવા મળે છે. તાજેતરમાં ભારતીય મહિલા હૉકી ટીમ જાપાનમાં રમાઇ રહેલી એફઆઇએચ વીમેન સિરીઝમાં ભાગ લઇ રહી છે. મંગળવાર સુધીમાં રમાયેલી પુલ એની ત્રણેય મૅચમાં ભારતીય મહિલાઓએ દેશનો ધ્વજ ફરકતો રાખીને વિજય મેળવ્યો છે. જીત પણ જેવી તેવી નથી, શાનદાર છે. આંકડા જ બોલે છે. પહેલી મૅચ સાઉથ અમેરિકન ટીમ ઉરુગ્વે સામે હતી જેમાં આપણે ૪-૧થી વિજય મેળવ્યો હતો. ત્યાર બાદ બીજી મૅચ હતી પોલૅન્ડ સામે અને એમાંય આપણી સન્નારીઓએ સાતત્યપૂર્ણ દેખાવ કરીને ૫-૦થી વિજય મેળવ્યો. પહેલી મૅચ કરતાં એક ગોલ વધારે કર્યો અને પ્રતિસ્પર્ધી ટીમને એક પણ ગોલ કરવા ન દીધો એ છોગામાં. આવી શાનદાર શરૂઆત પછી ટીમનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચી જાય એ સ્વાભાવિક કહેવાય. પહેલા બે વિજય જાણે નજીવા હોય એમ પોરસાઇ ગયેલી ભારતીય ટીમે ત્રીજી મૅચમાં પ્રતિસ્પર્ધી ટીમનો કચ્ચરઘાણ વાળી નાખ્યો. મંગળવારની મૅચમાં ફિજી સામે ૧૧-૦થી પ્રભાવશાળી વિજય મેળવ્યો. ગ્રુપની ત્રણેય મૅચમાં જીત મળવાને કારણે પૉઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવીને ભારતીય ટીમે સેમી ફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કરી નાખ્યું છે. અત્યાર સુધીની ટીમની કામગીરી જોતા આ સિરીઝમાં એ ચૅમ્પિયન નહીં બને તો જ નવાઇ લાગશે.

આ ખેલાડીઓની આવી સફળતા સૌપ્રથમ તો એ વાત સાબિત કરે છે કે ક્રિકેટ સિવાયની અન્ય રમતમાં કારકિર્દી બનાવી શકાય છે અને બીજી વાત એ કે એમાં ઝળહળતી સફળતા મેળવીને આગળ વધી શકાય છે. એક સમય હતો જ્યારે કેવળ પુરુષોની આંતરરાષ્ટ્રીય મૅચ હોય ત્યારે જ સ્ટેડિયમ પ્રેક્ષકોથી ઊભરાતા હતા. લોકોમાં એમને જોવા વિશે ભારે કુતૂહલ જોવા મળતું હતું. બીજી તરફ મહિલાઓની મૅચ હોય ત્યારે સ્ટેડિયમમાં કાળા કાગડા ઊડતા જોવા મળતા. એ ટીમને ન તો કોઇ સ્પોન્સર્સ મળતા કે નહોતું તેમની મૅચોનું કવરેજ થતું. આ વાત માત્ર ક્રિકેટ પૂરતી સીમિત નહોતી. જોકે, મિતાલી રાજના નેતૃત્વ હેઠળ નારી ટીમની ઝમકદાર કામગીરીને પગલે રમતના રસિયાઓ હવે વીમેન સ્પોર્ટ્સમાં રસ લેતા થઇ ગયા છે જેને પગલે તેમના માટે અચ્છે દિનની શરૂઆત તો થઇ ગઇ છે. હવે તો સાઇના નેહવાલ કે પછી સાક્ષી મલિક જેવા ખેલાડીઓને કારણે મહિલા સ્પોર્ટ્સનું ફલક વિસ્તર્યું છે. આ બદલાવનો સીધો તેમ જ આડકતરો લાભ મહિલાઓને જ થશે એ વિશે બેમત નથી. આજે જ્યારે મહિલાઓ કારકિર્દીને પ્રાધાન્ય આપવા લાગી છે ત્યારે ખેલકૂદમાં નવા વિકલ્પો ઊભા થવાથી એના માટે એક નવી દિશા ખુલી છે જે આનંદ આપનારી

બાબત છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

0k52O0a7
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com