8-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
બુદ્ધિજીવીઓ કે શ્રમજીવીઓ

ફોકસ-પ્રથમેશ મહેતાખેડૂતનું નામ પડે એટલે આપણા મગજમાં ટૂંકું ધોતિયું અને બંડી પહેરેલા, જમીનમાં હળ ચલાવતા શ્રમજીવી મનુષ્યનું ચિત્ર ઊપસી આવે, પણ તમે કોઇ પેન્ટ, ટી-શર્ટ અને બૂટ પહેરેલા મોડર્ન એન્જિનિયર યુવાનને ખેડૂત તરીકે કલ્પી શકો ખરા?

યસ, હવે યુવા ઇજનેરો પણ ખેતીવાડીમાં રસ લેતાં થઇ ગયા છે. જોકે, તેમના પહેરવેશની જેમ તેમની ખેતીવાડી કરવાની ઢબ, વિચારવાની રીત અને ઉત્પાદનો પણ પરંપરાગત ન રહેતાં આધુનિક બની ગયા છે. પોતાને મળેલા ઇજનેરી કૌશલ્યનો ઉત્તમ ઉપયોગ કરીને તેઓ ધરતીમાંથી હંમેશાં કંઇક નવું -સારું ઉત્પાદન તેમ જ ઉત્તમ નફો કરવાની કોશિશમાં રહેતા હોય છે અને સફળતા પણ પ્રાપ્ત કરતાં હોય છે.

૨૭ વર્ષના સુધીર મિશ્રાએ પોતાની ધીકતી કમાણીવાળી એન્જિનિયરિંગની નોકરી છોડીને ખેતીવાડી કરવાનો નિર્ણય લીધો ત્યારે તેના ઘરવાળા તો સ્તબ્ધ થઇ ગયા હતા. ‘જો તારે ખેતીવાડી જ કરવી હતી તો પછી આટલું બધું ભણ્યો શું કામ?’ આ પ્રશ્ર્ન એને દરેક ઓળખીતા-પાળખીતાએ પૂછી લીધો હતો. જોકે, તેણે કોઇની પણ પરવા કર્યો વગર પોતાની ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયર તરીકેની કારકિર્દી છોડી દીધી. છેલ્લાં ત્રણ વર્ષથી કુદરતી મીઠાશવાળા છોડની તે સફળતાપૂર્વક ખેતી કરી રહ્યો છે.

જેસલમેરનો સિવિલ એન્જિનિયર હરીશ ધાનદેવ ખાવાપીવાનો ખૂબ શોખીન, પણ એણે જોયું કે શાકભાજીથી લઇને તમામ ખાદ્યપદાર્થોની ગુણવત્તા કથળી રહી છે. તેણે ગુણવત્તાવાળા, તંદુરસ્ત રાખે એવા ખાદ્યપદાર્થો ઉગાડવા માટે અનેક જાતના સંશોધન કર્યા. પરંપરાગત ક્રિયાઓથી હટીને ઓછા સ્રોત અને પ્રયત્નોથી વધુ ગુણવત્તાવાળાં ઉત્પાદનો ઉગાડવાની દિશામાં વિચાર્યું અને સફળ પણ થયો. તેણે ૧૦ વર્ષ પહેલા માટી નહીં, પણ માત્ર પોષકદ્રવ્ય યુક્ત પાણી દ્વારા તૈયાર થતા પાકનું ઉત્પાદન શરૂ કર્યું. તેણે પોતાની સોફ્ટવેર કંપની ખોલી હતી, પછી વેચી પણ દીધી. જોકે, તેણેે કબૂલ કર્યું કે એન્જિનિયરિંગમાં જે ભણ્યો તે ખેતીવાડીમાં પણ કામ તો આવે છે. તે કહે છે કે ‘જ્યારે મેં આ પાણી આધારિત ફાર્મ શરૂ કર્યુ ત્યારે ખર્ચ ઘણો વધારે આવતો હતો, પણ જ્યારે મેં મારું ઇજનેરી જ્ઞાન કામે લગાડ્યું ત્યારે ઉત્પાદન ખર્ચ ઘટાડવામાં ઘણી સફળતા મળી. અમારી અનેક જાતની પ્રક્રિયાઓ સુધારવામાં પણ મારું ટેકનિકલ જ્ઞાન મને ખૂબ કામ લાગે છે. હું તો માનું છું કે, ભવિષ્યમાં જે હરિત ક્રાંતિ થશે તેમાં ઇજનેરી કૌશલ્યનો પણ ઘણો મહત્ત્વનો ફાળો હશે.’

હરિયાણાનો પ્રકાશ દેવ મેટલર્જી એન્જિનિયર બન્યો અને એ.સી.માં બેસીને સારો પગાર પણ મેળવવા લાગ્યો. એ એ.સી છોડીને ચાર વર્ષ પરસેવે રેબઝેબ થવા કૃષિક્ષેત્રે આવ્યો એની પાછળ તેના પિતાની બીમારી કારણભૂત બની. આ બીમારીની જરૂરિયાતને કારણે જ તેણેે સસ્તા ઓર્ગેનિક ખાદ્યપદાર્થો કેવી રીતે ઉત્પન્ન કરી શકાય તેની શોધખોળ આદરી. તેણે કોલકતામાં પોતાનું ફાર્મ ઊભુ કરીને સસ્તા અને ગુણવત્તાવાળા પાક લેવાનું શરૂ કર્યું છે. તે પોતાના જ્ઞાનનો લાભ આસપાસના ખેડૂતોને આપીને તેમને પણ મહત્તમ ફાયદો થાય એનું ધ્યાન રાખે છે.

જોકે, ખેતીવાડી ક્ષેત્રે નવા અખતરા કરવા એટલાં સહેલાં નથી હોતાં. અભિષેક ધામાએ ઉગાડેલા સ્ટીવીઆનો મબલક પાક જોઇએ એવો વેચાયો ન હતો. આ પાકમાં થયેલા નુકસાનને ભરપાઇ કરવા એ હવે સરગવાની શિંગ, બ્રોકોલી અને મૂળા જ્ેવા શાકભાજી પણ ઉગાડીને વેચે છે. એ પોતે ઇજનેરી જ્ઞાન ધરાવે છે તેનો ફાયદો પણ થયો છે. કોમ્પ્યુટર પર રોજેરાજ બદલાતા ભાવોનો રેકોર્ડ રાખે છે જેના પરથી એ ભવિષ્યમાં ભાવો પર થનારી અસરને ભાખી તેનો આર્થિક લાભ લઇ શકે છે.

હરીશનો પિતરાઇ ભાઇ જયદેવ પણ એન્જિનિયર હોવા છતાં હવે ખેતીવાડીમાં જ ઝંપલાવી રહ્યો છે. તેણે પોતાની મેળે પોલિથિનથી બનેલું ગ્રીન હાઉસ બનાવ્યું છે. આ બન્ને ભાઇઓ ઓનલાઇન પર ઓછા પાણીથી વધારે પાક આપતી ટપક પદ્ધતિ પણ શીખી રહ્યા છે, જેનાથી તેમનો ઉત્પાદન ખર્ચ હજુ ઘટશે. આવા ભણેલા ખેડૂતોનો ફાયદો એ છે કે તેઓ વિશ્ર્વભરમાં ચાલતા આધુનિક ખેતીવાડી અંગેનાં સંશોધનો ઓનલાઇન વાંચી શકે છે અને તેમાં પોતાનું ઇજનેરી કૌશલ્ય ઉમેરી ઝડપથી અનુસરણ પણ કરી શકે છે.

આશ્ર્ચર્યની વાત તો એ છે કે આવા યુવાનોને ઇજનેરી નોકરી છોડ્યાનો કોઇ અફસોસ પણ નથી હોતો. વિજય તો કહે છે કે કોર્પોરેટ નોકરીમાં આવતો રેગ્યુલર ચેક, હોય કે મસમોટી પાર્ટી કે ક્લબની મિજબાની હોય ખેતરમાં છોડ વિકસી રહ્યા હોય એ પ્રક્રિયા જોવાનો જે આનંદપૂર્ણ સંતોષ મળે છે તેની તોલે બીજી કોઇ ક્રિયા આવી ન શકે. હવે તો તેનાં ઉત્પાદનોને ડાયરેક્ટ ઓનલાઇન પણ વેચી શકે છે, જ્યારે પહેલાનાં અભણ ખેડૂતોને પોતાનો માલ વેચવા વચેટિયાઓની જરૂર પડતી હતી, જેને લીધે પોતે ગમે તેટલી મહેનત કરી હોય, પણ તેનો પોતાને ગમે એવો ભાવ કદાપિ લઇ ન શકતાં. ઘણા ખેડૂતો હંમેશાં દેવાદાર જ રહેતાં એના પરથી હવે લાગે છે કે કિસાનોએ પણ શિક્ષિત થવું પડશે. અથવા બીજી રીતે કહેવું હોય તો એમ કહી શકાય કે શિક્ષિતોએ આ ક્ષેત્રમાં પધારી ભારત જેવા કૃષિપ્રધાન દેશને વિશ્ર્વમાં ફરીથી પ્રધાન જેવો મરતબો અપાવવા કમર કસવી જ પડશે.

અલબત્ત આ ક્ષેત્ર, આપણે ધારીએ છીએ એટલું સરળ નથી. એ સખત મહેનત તો માગી લે છે, સાથે સાથે જોખમી પણ છે. યોગ્ય સમયે વાવણી કરવી, પાક રોગગ્રસ્ત ન થાય એની સતત તકેદારી રાખવી, યોગ્ય સમયે કાપણી કરવી, યોગ્ય સમયે યોગ્ય માર્કેટિંગ કરવું એ પણ અપૂરતાં સાધનો અને સગવડો વચ્ચે એ ખરેખર પડકારરૂપ કાર્ય છે. ઘણી વાર તો સખત મહેનત છતાંય મામલો ન નફા ન નુકસાન સુધી આવી પહોંચે છે છતાંય આ ઘણા યુવાનો ભીની માટીની આ મહેંકમાંથી નફાનું અત્તર મેળવવાની આશાએ અને ખાસ તો શહેરની દોડધામભરી કંટાળાજનક લાઇફથી બચવા, જે મળે તેમાં સંતોષ માનીને કાર્ય કરતાં રહે છે.

જોકે, જ્ઞાન એ જ સિદ્ધિનો માર્ગ છે, કેટલાય શિક્ષિત યુવાન ખેડૂતો નફો કરતા થઇ ગયા છે તેમ દરેક જણ સફળ થશે એવી આશા નિષ્ફળ ખેડૂતો પણ સેવે છે અને આશા અમર છે. જ્યાં જ્ઞાન અને મહેનત છે ત્યાં સફળતા એક દિવસ પધારશે જ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

381em30
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com