13-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વિરોધીઓ જેટલી ગાળ દેશે એટલો લોકોનો મારા પરનો પ્રેમ વધશે: મોદી

માઉ/ચન્દૌલી/મિર્ઝાપુર (ઉત્તર પ્રદેશ): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું હતું કે ‘મને જેટલી વધુ ગાળ આપવામાં આવે છે એટલો જ લોકોનો મારા પ્રત્યેનો પ્રેમ વધી રહ્યો છે.’ આવું કહીને મોદીએ દાવો કર્યો હતો કે ઉત્તર પ્રદેશમાં વિરોધીઓના ગઠબંધનને પોતાના પરાજયનો અણસાર હવે આવી રહ્યો છે.

‘સપા અને બસપ સહિતના તમામ ‘મહામિલાવટીઓ’ને લોકસભાની વર્તમાન ચૂંટણીમાં પોતાના પરાજયનો સંકેત મળી રહ્યો છે એ જોતાં તેમનો ઊતરી ગયેલો જુસ્સો જોવા મળી રહ્યો છે. હરીફો મને અપશબ્દોનો જેટલો ડોઝ વધારતા જાય છે એમ લોકોનો મારા પરના વિશ્ર્વાસનો અને પ્રેમનો ડોઝ વધતો જાય છે,’ એમ મોદીએ ચન્દૌલી તથા મિર્ઝાપુર ખાતેની રૅલીને સંબોધતા કહ્યું હતું.

મોદીએ માઉ ખાતે પણ રૅલી સંબોધી હતી જેમાં તેમણે કોલકતામાં મંગળવારે ભાજપ-પ્રમુખ અમિત શાહના રોડ-શો દરમિયાન થયેલી હિંસા માટે મમતા બૅનરજીના પક્ષ તૃણમૂલ કૉંગ્રેસને દોષી ગણાવ્યો હતો.

મોદીએ વચન આપ્યું હતું કે ‘તાજેતરમાં બંગાળમાં ઈશ્ર્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમા ખંડિત કરવામાં આવી એના બદલામાં મારી સરકાર આ સમાજ સુધારકની નવી પ્રચંડ પ્રતિમા બનાવશે.’

ઉત્તર પ્રદેશની લોકસભાની કુલ ૮૦ બેઠકોમાંથી આખરી ૧૩ બેઠકો પર રવિવાર, ૧૯મી મેએ મતદાન થશે.

૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપે રાજ્યની ૮૦માંથી ૭૧ બેઠકો પર વિજય મેળવ્યો હતો. ભાજપ આ વખતે બહુજન સમાજ પક્ષ (બસપ), સમાજવાદી પાર્ટી (સપા) અને રાષ્ટ્રીય લોક દળનો સામનો કરી રહ્યો છે. મોદીએ જણાવ્યું હતું કે ‘વિરોધ પક્ષો વડા પ્રધાનપદ માટે સર્વસંમતિવાળો એક ઉમેદવાર નક્કી નથી કરી શક્યા. તેમણે તાજેતરમાં બેંગલુરુના સંમેલનમાં એકમેકનાં હાથ પકડીને ફોટો પડાવ્યો હતો, પણ વડા પ્રધાનપદનો મુદ્દો સામે આવ્યો ત્યારે એ ગઠબંધનના બધાએ પોતાનો દાવો આગળ ધર્યો હતો. એ બધા ૮, ૧૦, ૨૦-૨૨, ૩૦-૩૫ બેઠકવાળાઓ વડા પ્રધાન બનવાના સપનાં જોઈ રહ્યા છે. સપનાં જોવા ખોટી વાત નથી, પરંતુ આપણો દેશ કહી રહ્યો છે કે ‘ફિર એક બાર, મોદી સરકાર’.

મોદીએ અસંખ્ય ચાહકોને સંબોધતા કહ્યું હતું કે ‘વિરોધ પક્ષો ૨૧મી સદીમાં દેશને સ્થિર સરકાર કેવી રીતે આપી શકશે એ કહી નથી શક્યા. તેમની સરકારોનું દર છ મહિને કે વર્ષે પતન થતું રહેશે તો દેશ કેવી રીતે વિકાસ પામશે એ બાબતમાં પણ તેઓ કંઈ નથી કહી શક્યા. નક્સલવાદ અને આતંકવાદ સંબંધમાં પણ તેઓ પોતાનો અભિગમ સ્પષ્ટ જ નથી કરી શક્યા. આ પાર્ટીઓએ દેશ સામે ફક્ત જુઠ્ઠાણાં, અફવાઓ અને અપશબ્દો જ ધર્યાં છે,’ એવું કહીને મોદીએ તેમના પર જાતિવાદી નીતિઓનો આક્ષેપ પણ કર્યો હતો.

મોદીએ દાવો કર્યો હતો કે ‘વિપક્ષ પાકિસ્તાન-સ્થિત આતંકવાદીઓ પરની સર્જિકલ સ્ટ્રાઇકની વિરુદ્ધમાં હતા તેમ જ ગેરકાયદે વસાહતીઓને ઓળખી કાઢવાની મારી નીતિની વિરુદ્ધમાં હતા અને ટ્રિપલ તલાકની પણ વિરુદ્ધમાં હતા.’ (પીટીઆઇ)

------------------------------

ભાજપના નાણાં નથી જોઇતા, અમારી પાસે છે: મમતામંદિરબજાર (પશ્ર્ચિમ બંગાળ): પશ્ર્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ ગુરુવારે જણાવ્યું હતું કે બંગાળને ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના નાણાંની જરૂર નથી, કોલકાતામાં ભાજપના પ્રમુખ અમિત શાહના રોડશો વખતે તોડાયેલી ઇશ્ર્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમાનું નવનિર્માણ કરવા અમારી પાસે પૂરતાં સ્રોતો છે.અગાઉ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના મઊ ખાતે ચૂંટણીસભાને સંબોધતા જણાવ્યું હતું કે કોલકાતામાં તૃણમૂલ કૉંગ્રેસના કાર્યકરોએ અમિત શાહના રોડશો વખતે તોડેલી ઇશ્ર્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમાનું અમારી સરકાર નવનિર્માણ કરશે.મમતા બેનરજીએ જણાવ્યું હતું કે મોદીજી કોલકાતામાં ઇશ્ર્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમા ઊભી કરવાની બાંયધરી આપે છે, પરંતુ અમારે ભાજપના નાણાંની જરૂર નથી અને અમારી પાસે પૂરતાં સ્રોતો છે. મમતા બેનરજીએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ સોશિયલ મીડિયા પર ખોટા પૉસ્ટ્સ દ્વારા લોકોને ઉશ્કેરીને રમખાણ કરાવે છે. (એજન્સી)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

5n660s21
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com