6-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
બંગાળમાં મુક્ત-મતદાન માટે કડક પગલાં લો: ચૂંટણી પંચને ભાજપની અરજ

નવી દિલ્હી: પશ્ર્ચિમ બંગાળમાં બંધારણની દૃષ્ટિએ શાસન સાવ પડી ભાંગ્યું હોવાનો આક્ષેપ કરીને ભાજપે ગુરુવારે અનેક પ્રકારના પગલાં ભરવાની ચૂંટણી પંચને અરજ કરી હતી. ભાજપએ પંચને જણાવ્યું હતું કે ગુનેગારો અને ગુનાઓનો રેકૉર્ડ ધરાવનારાઓ સામે કડક પગલાં ભરો કે જેથી આ રાજ્યમાં ચૂંટણી મુક્ત અને ન્યાયી બની રહે.

કેન્દ્રીય પ્રધાનો પ્રકાશ જાવડેકર, મુખ્તાર અબ્બાસ નકવી અને વિજય ગોયેલનો સમાવેશ ધરાવતું ભાજપનું પ્રતિનિધિમંડળ ગુરુવારે (પશ્ર્ચિમ બંગાળમાં રવિવારના છેલ્લા તબક્કાના મતદાન પહેલાંના ચૂંટણીપ્રચારને પંચે એક દિવસ વહેલો થંભાવી દીધો એને પગલે) ચૂંટણી પંચને મળ્યું હતું.

ભાજપે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ‘ચૂંટણી પંચના આદેશની વિગતો વાંચતા જણાય છે કે પશ્ર્ચિમ બંગાળમાં રાજ્ય કારભાર તથા કાયદો-વ્યવસ્થા સાવ પડી ભાંગ્યા છે. દેશની સર્વોચ્ચ બંધારણીય સંસ્થાઓ જેમ કે ચૂંટણી પંચ તથા વડા પ્રધાનના કાર્યાલયની તૃણમૂલ કૉંગ્રેસનાં વડાં મમતા બૅનરજી દ્વારા જે રીતે બદનામી કરવામાં આવી રહી છે એ ભારતની લોકશાહીલક્ષી પરંપરા અને એના બંધારણ જોખમમાં હોવાનો સ્પષ્ટ સંકેત આપે છે.’

ભાજપએ ચૂંટણી પંચ સમક્ષ એવી પણ માગણી કરી હતી કે ‘ગુનેગારો સામે કડક પગલાં લેવા ઉપરાંત પંચના નિરીક્ષકોએ પરવાનગીઓ, દળોની ગોઠવણી તથા કાયદો-વ્યવસ્થાની જાળવણી જેવા કાર્યોને ચૂંટણી પૂરતાં પોતાને હસ્તક લઈ લેવા જોઈએ. આ દળો કેન્દ્રના ગૃહ ખાતા દ્વારા આપવામાં આવતી માર્ગરેખા મુજબ પોતાના દળો ગોઠવવા જોઈએ.’

પશ્ર્ચિમ બંગાળની લોકસભાની કુલ ૪૨માંથી બાકીની ૯ બેઠકો પર રવિવાર, ૧૯મી મેએ (છેલ્લો તબક્કો) મતદાન થશે. (પીટીઆઇ)

-------------------------

છપ્પન ઇંચની છાતીમાં દિલ ક્યાં છે?: પ્રિયંકાનો મોદીને સવાલમહારાજગંજ: છપ્પન ઈંચની છાતી ધરાવતા હોવાના મોદીના દાવા પર પ્રહાર કરી કૉંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગુરુવારે મોદીને તમારું હૃદય ક્યાં છે? એવો સવાલ કર્યો હતો. કૉંગ્રેસનાં ઉમેદવાર સુપ્રિયા શ્રીનેતનાં સમર્થનમાં યોજાયેલી સભાને સંબોધન કરતાં પ્રિયંકાએ મોદીને કહ્યું હતું કે તમે છપ્પન ઈંચની છાતી માટે બડાઈ મારતા ફરો છો, પરંતુ તમારું હૃદય ક્યાં છે?

મોદીના રાષ્ટ્રવાદના દાવા અંગે પણ પ્રિયંકાએ સવાલ ઉઠાવ્યો હતો.

રાષ્ટ્રવાદ અંગે બોલતી વખતે વડા પ્રધાન પાકિસ્તાનની વાતો કરે છે. તેમના માટે રાષ્ટ્રવાદ એટલે પાકિસ્તાન વિરુદ્ધ કરેલાં કામો અંગે બોલતા રહેવું.

બેરોજગારી અને ખેડૂતોની સમસ્યા તેમના માટે રાષ્ટ્રવાદ નથી, એમ પ્રિયંકાએ કહ્યું હતું.

છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન મોદી દેશવિદેશમાં ફરતા જોવા મળ્યા હતા, પરંતુ તેમણે ક્યારેય દેશના સમસ્યાગ્રસ્ત ખેડૂતોને મળવાની ચિંતા નહોતી કરી, એમ પ્રિયંકાએ કહ્યું હતું.

કિસાન સમ્માન યોજના હેઠળ તેમણે ખેડૂતોને પ્રતિવર્ષ રૂ. ૬૦૦૦ આપવાની જાહેરાત કરી છે, પરંતુ એ યોજના ખેડૂતોનું અપમાન છે કેમ કે પાંચ વ્યક્તિના પરિવારને પ્રતિદિન બે રૂપિયા જ મળશે.

જેની સામે કૉંગ્રેસે ‘ન્યાય’ની જાહેરાત કરી છે જે અંતર્ગત પ્રત્યેક ગરીબ પરિવારને વાર્ષિક રૂ. ૭૨૦૦૦ મળશે, એમ તેમણે કહ્યું હતું.

રોજગાર અંગે બોલતાં તેમણે કહ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષમાં પાંચ કરોડ નોકરીનો નાશ થયો છે. સરકારી ખાતાઓમાં ૨૪ લાખ જગ્યા ખાલી પડેલી છે અને નોટબંધીને કારણે પચાસ લાખ લોકોએ નોકરી ગુમાવી છે.

કૉંગ્રેસ સત્તા પર આવશે તો સરકારી નોકરીઓમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવશે, એવું વચન પ્રિયંકાએ આપ્યું હતું. (એજન્સી)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

33G0682
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com