13-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કાશ્મીરમાં હિંસા: પોલીસ સ્ટેશન પર હુમલો, કર્ફ્યૂ
કાશ્મીરમાં એક પાકિસ્તાની સહિત છ ત્રાસવાદી ઠાર, એક જવાન શહીદ

પુલવામાં ગુરુવારે ત્રાસવાદીઓ સાથેના ઍન્કાઉન્ટર દરમિયાન દેખાવકારોએ પથ્થરમારો કર્યો હતો જેના જવાબમાં સુરક્ષા દળોએ ટીયરગેસના ટેટા ફોડ્યા હતા. (પીટીઆઈ ફોટો)ભાદેરવાહ/જમ્મુ: જમ્મુ અને કાશ્મીરના ભાદેરવાહમાં એક જણની ગોળી મારીને હત્યા કરાયા બાદ થયેલા હિંસક દેખાવમાં ટોળાંએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યા બાદ શહેરમાં કફર્યૂ લાદવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર બુધવારે રાતે બે વ્યક્તિને શંકાસ્પદ રીતે આટા મારતા જોઇને આરોપીઓએ ગોળીબાર કર્યો હતો અને એમાં એક જણનું મોત થયું હતું તથા અન્ય વ્યક્તિ ઘાયલ થઇ હતી.

જોકે, મૃતકના કુટુંબીઓ એવો દાવો કરી રહ્યા છે કે ગૌરક્ષકોએ નઇમની હત્યા કરી છે. ઘટના બાદ ગુસ્સે થયેલા નઇમના કુટુંબીઓ ભાદેરવાહ પોલીસ સ્ટેશન પર ધસી ગયા હતા. ત્યાં એમણે પાંચ વાહનોની તોડફોડ કરી હતી અને એક ત્રિચક્રી વાહનને આગ ચાંપી હતી. પોલીસે ટોળાંને કાબૂમાં લેવા માટે હળવો લાઠી ચાર્જ કર્યો હતો અને અશ્રુગેસના ટેટાં ફોડયાં હતાં. પોલીસે જણાવ્યું હતું કે સ્થિતિ તણાવપૂર્ણ હોવા છતાં નિયંત્રણમાં છે. પોલીસ આ મામલે ખરાં કારણની હજુ તપાસ કરી રહી છે. દરમિયાન, પોલીસે ગોળીબારને મામલે બે વ્યક્તિની ધરપકડ કરી છે અને સાત અન્યની અટક કરીને એમની પૂછતાછ કરી રહી છે. જિલ્લાની ઇન્ટરનેટ સેવા સ્થગિત કરવામાં આવી છે. આ જિલ્લો ધાર્મિક રીતે સંવેદનશીલ વિસ્તાર ગણાય છે. (પીટીઆઇ)

---------------------------

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના પુલવામા અને કુપવાડા જિલ્લામાં સશસ્ત્ર સેના સાથે થયેલી અથડામણમાં એક પાકિસ્તાની સહિત છ ત્રાસવાદી ઠાર મરાયા હતા, પણ કમનસીબે એક જવાન શહીદ થયો હતો અને એક નાગરિકનું મોત થયું હતું.

પોલીસ પ્રવક્તાના જણાવ્યા અનુસાર અથડામણના સ્થળેથી મોટા પ્રમાણમાં દારૂગોળો અને અન્ય શસ્ત્ર સરંજામ મળી આવ્યો હતો.

આ સિવાય, શોપિયા જિલ્લાના એરીપોરા વિસ્તારમાં સેનાની ટુકડી પર કેટલાક ત્રાસવાદીઓએ ગોળીબાર કર્યો હતો અને સેનાની જવાબી કાર્યવાહી બાદ તેઓ ભાગી છૂટયા હતા. સેનાએ સમગ્ર વિસ્તારની નાકાબંધી કરીને તપાસ અભિયાન શરૂ કર્યું છે. ચોક્કસ માહિતીને આધારે સુરક્ષા દળના જવાનોએ પુલવામા જિલ્લાના દેલીપોરા વિસ્તારમાં ઘેરો ઘાલીને તપાસ અભિયાન શરૂ કર્યું હતું. જે ઘરમાં ત્રાસવાદીઓ છુપાયા હતા, એની બાજુના ઘરમાંથી જ્યારે નાગરિકોને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે છુપાયેલા ત્રાસવાદીઓએ અચાનક ગોળીબાર શરૂ કર્યો હતો અને એ દરમિયાન સિપાઇ સંદીપ શહીદ થયા હતા અને રઇસ દાર નામના નાગરિકનું પણ ગોળી વાગવાને કારણે મોત થયું હતું.

સેનાએ કરેલા વળતા ગોળીબારમાં એક પાકિસ્તાની સહિત ત્રણ ત્રાસવાદી ઠાર મરાયા હતા.

ઠાર મરાયેલ ત્રાસવાદીની ઓળખ પુલવામાના કરીમાબાદના નાસીર પંડિત, શોપિંયાના ઉમર મીર અને પાકિસ્તાનના ખાલિદ તરીકે કરવામાં આવી હતી.

પોલીસના રેકોર્ડ પ્રમાણે ત્રણે ત્રાસવાદી જૈશે મોહંમદ (જેઇએમ) ના ત્રાસવાદી હતા અને અનેક ત્રાસવાદી હુમલા માટે પોલીસ ત્રણેને શોધી રહી હતી.

નાસીર રીઢો ગુનેગાર હતો અને ત્યાર બાદ એ ત્રાસવાદમાં જોડાયો હતો. અનેક ત્રાસવાદી હુમલા કરવા અને એની યોજના ઘડવા બદલ એના નામ કેટલીયે વખત પોલીસને ચોપડે ગુના નોંધાયા હતા.

ઇદના દિવસે ૨૦૧૮માં પુલવામાના પોલીસકર્મી મોહંમદ યાકુબ શાહની હત્યા પણ નાસીરે કરી હતી.

પાકિસ્તાનનો ખાલિદ જેઇએમના કમાન્ડર તરીકે કાર્યરત હતો અને કાશ્મીરમાં અનેક ત્રાસવાદી હુમલામાં એનો હાથ હતો.

આજ રીતે કુપવાડા જિલ્લામાં પણ તપાસ અભિયાન દરમિયાન ત્રાસવાદીઓ સાથે થયેલી અથડામણમાં સેનાએ ત્રણ ત્રાસવાદીને ઠાર માર્યા હતા. (પીટીઆઇ)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

02c08T
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com