21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પશ્ર્ચિમ બંગાળમાં ભડકો: જવાબદાર કોણ?

જનતા હવે એવો સવાલ પૂછે છે, ‘આ કોનું બંગાળ છે?’ હવે જ્યારે દેશમાં ચૂંટણીકીય હિંસાચારની વિદાય થઈ રહેલી જોવાઈ રહી છે ત્યારે મંગળવારે પશ્ર્ચિમ બંગાળમાં ભાજપના પ્રમુખ અમિત શાહના રોડ શો વખતે થયેલા દંગાથી આખા દેશની ચિંતાની દાહકતાનો પારો થર્મોમીટર ફાડીને બહાર નીકળી ગયો છે. આ ઘટનાએ ફરી એક વાર એંસીના દશકની યાદ અપાવી દીધી. એ કાળમાં ચૂંટણીના સમયે દેશમાં ક્યાંક અને ખાસ કરીને બિહારમાં હત્યા, મારપીટ, બૂથલૂંટ અને હંગામાની ખબરો પાણીનાં રેલાની જેમ આવ્યા કરતી હતી. આ વખતે પશ્ર્ચિમ બંગાળમાંથી લોકસભાની આ વખતની ચૂંટણીના દરેક તબક્કામાં હિંસાની ખબરો આવી છે. થોડા સમય અગાઉ પંચાયતની ચૂંટણીમાં ભારે હિંસા થઈ હતી. આ છેલ્લી ઘટનામાં ભાજપ અને ટીએમસી (તૃણમૂલ કૉંગ્રેસ)ના કાયકર્તાઓ વચ્ચે ઘમસાણ મચી હતી. ચલો, ત્યાં સુધી ઠીક છે, પણ આ લડાઈમાં જાણીતા સમાજસુધારક ઈશ્ર્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમાને ભાંગી-તોડી નાખી. આ માટે ભાજપ અને ટીએમસી પરસ્પર આંગળી ચિંધે છે.

પશ્ર્ચિમ બંગાળની ચૂંટણીકીય લડાઈ મુદ્દા પરથી ગુદ્દાલાતો પર આવી ગઈ, એ ચૂંટણીનો સ્વભાવ છે, એની ફિતરત છે, પણ કોઈ પક્ષના તરફદાર ન હોય એવા વિદ્યાસાગરની પ્રતિમાને શા માટે નિશાન બનાવવાની? તમામ બંગાળીનો આક્રોશ આકાશે સ્પર્શે છે. ભાજપ અને ટીએમસી વચ્ચેની તંગદિલી પહેલા જ એની પરાકાષ્ઠાએ પહોંચી હતી, એમાં તણખા પડીને એની સરસરાહટ આખા દેશને અડતી હતી, પણ પણ ખુદ અમિત શાહની હાજરીમાં આવો ભડકો થશે એવી મમતા બેનર્જી અને અમિત શાહને પણ કલ્પના નહીં હોય! આ ઘટનાએ બંગાળની સભ્યતા અને સંસ્કૃતિને તોડી નાખી. કોલકાતા ખાતે અમિત શાહનો રોડ શો હતો, પણ અમિત શાહને રોડ શો અડધેથી પડતો મૂકીને પલાયન કરવું પડ્યું એ વિશે આખો દેશ અને જગત જાણે છે. ચૂંટણીના છેલ્લા તબક્કામાં આ બન્યું એની નવાઈ હિમાલયની ઊંચાઈથી વધારે ઊંચી હતી અને આંચકો હુગલીનાં ઊંડા પાણી કરતાં ઊંડો હતો. દેશમાં અન્યત્ર ચૂંટણીકાળ નાની-મોટી મારામારી જેવી ઘટના સુધી મર્યાદિત રહ્યો, પણ ચૂંટણીના આ તબક્કાએ બંગાળની સંસ્કારભૂમિને રણભૂમિ બનાવી દીધી, પૂછો સવાલ, જવાબદાર કોણ?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને યોગી આદિત્યનાથની સભા સબબ રાજ્યનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીનો શરૂઆતથી જ વિરોધ હતો. ભાજપના નેતાઓનાં હૅલિકૉપ્ટર્સ કોલકાતા અને રાજ્યમાં અન્યત્ર ન ઊતરવા દેવાનો નિર્ણય મમતા બેનર્જીની સરકારેે લીધો હતો. અહીંથી જ આ તોફાનનો પહેલો તણખો ઉઠ્યો હતો અને એ તણખો મમતા બેનર્જીએ સ્વહસ્તે નાખ્યો હતો. ભાજપના નેતાઓને ‘પ્રચાર માટે પગ જ નહીં મૂકવા દઉં’ એવી તે શી મનમાની? મમતા બેનર્જી મોદી કે શાહના વિરોધમાં પ્રચાર કરવા ગુજરાતમાં ગયાં હોત તો એમને કોઈએ ન રોક્યા હોત. લોકશાહી એ એટલી સ્વતંત્રતા તો સૌને આપી છે. વળી, પશ્ર્ચિમ બંગાળ ભારતનો જ એક ભાગ નથી શું? ત્યાં જવા ‘વિસા’ની જરૂર નથી પડતી એ તો અંગૂઠો ચૂસતું ટેણિયું ય જાણતું હોય છે. છેલ્લા કેટલાક વર્ષોથી પશ્ર્ચિમ બંગાળનું સમાજજીવન અને મન અસ્વસ્થ છે. બંગલાદેશમાંથી લાખો ઘૂસણખોરો પશ્ર્ચિમ બંગાળમાં પ્રવેશી ગયા છે અને ‘વૉટબૅંક’ એ રાજકરણનો મહત્ત્વનો હિસ્સો છે એટલે મમતા બેનર્જીએ એમને સંપૂર્ણ સલામતી બક્ષી છે. મુસ્લિમોના ઢગલો મત મેળવીને ફરી પશ્ર્ચિમ બંગાળ કબજે કરીશું એવા મેડમ બેનર્જીના ફાલતુ આત્મવિશ્ર્વાસને આ વખતે ભાજપે હિન્દુત્વનું પત્તું ફેંકીને ભાંગી નાખ્યો છે. પશ્ર્ચિમ બંગાળમાં હવે સીધું હિન્દુ-મુસ્લિમ એમ વિભાજન થયું છે અને આવી પરિસ્થિતિ પશ્ર્ચિમ બંગાળ જેવા સીમાવર્તી રાજ્ય માટે ઘાતક છે. રાજ્યમાં ભાજપ દ્વારા ‘શ્રીરામ’નો નારો આપવામાં આવે છે એનો મમતા બેનર્જીને ભારે સંતાપ છે. અમે ‘જય હિન્દ’ અને ‘વંદે માતરમ્’નો પોેકાર કરીશું એમ મમતા બેનર્જી કહે છે, પણ એમના રાજ્યમાં કોનું કોનું મોં ‘વંદે માતરમ્’ પોકારતા ભીડાઈ જવાનું છે એની મેડમ બેનર્જીને ખબર નહીં હોય શું? અમિત શાહ દેશમાં કેન્દ્રમાં સત્તાધારી પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, એમને રોકવા એ રાજ્યનાં વડાંની પહેલી ભૂલ છે. એમનો નિષેધ કરવો ને કાળા ઝંડા દેખાડવા એ બીજી ભૂલ છે. શાહના રોડ શોમાં શ્રીરામ, હનુમાન તેમ જ રામાયણના પ્રસંગોના ચિત્રરથો હતા. એ કારણે પણ મંગળવારનો વાદ વધારે વકર્યો હતો. એમ પણ મમતાજી ક્રોધી દિમાગનાં છે, પણ રાજકર્તા તરીકે નેતાએ જીભ પર સાકર રાખીને કામ કરવું એ મુત્સદ્દીપણું છે, જે મમતા બેનર્જીની ફિતરતમાં નથી, પણ રાજયમાં થયેલા આ હિંસાચાર અને વિદ્યાસાગરની પ્રતિમાની તોડફોડથી તેમનું નામ ખરાબ થયું છે. કદાચ મમતા બેનર્જીને સમજાતું નથી કે એ પોતે પશ્ર્ચિમ બંગાળમાં લોકશાહીના રસ્તે ચાલીને સત્તા પર આવ્યાં છે અને એ જ માર્ગે પરાભવ ક્યારે દોડતો આવીને ગળે વળગી જશે એ સમજાશે નહીં. આપણે એમનો પરાજય વાંછતા નથી, પણ એ માટેની સમજદારી હોવી જજોઈએ નહીં તો બાળકવેડામાં પશ્ર્ચિમ બંગાળ જેવી વિદ્વાનોની ભૂમિના હાલહવાલ થઈ રહ્યા છે, એ ન થાય એવી પ્રાર્થના કરવાની રહે!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

72Ed88
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com