27-January-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ગોડસેએ ગાંધીજીની હત્યા કરીને કઈ દેશભક્તિ બતાવેલી?
એકસ્ટ્રા અફેર - રાજીવ પંડિત

ભારતમાં રાજકારણ સાવ હલકી કક્ષાનું થઈ ગયું છે ને જેમને પોતે શું બોલવું તેનું ભાન જ નથી એવાં લોકો રાજકારણમાં વધતાં જાય છે. ભાજપે મધ્ય પ્રદેશની ભોપાલ લોકસભા બેઠક પરથી મેદાનમાં ઉતારેલાં પ્રજ્ઞા ઠાકુર આવો જ એક નમૂનો છે. પ્રજ્ઞા ઠાકુરે પોતાની આ ક્ષમતાનો પરચો ફરી આપ્યો છે ને આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેને દેશભક્ત જાહેર કરી દીધા છે. અભિનેતામાંથી રાજકારણી બનેલા કમલ હસને થોડા સમય પહેલાં નથુરામ ગોડસેના સંદર્ભમાં એવી કોમેન્ટ કરેલી કે, ભારત આઝાદ થયો એ પછી આ દેશમાં પાકેલો પહેલો આતંકવાદી એક હિંદુ હતો ને તેનું નામ નથુરામ ગોડસે હતું. કમલના કહેવા પ્રમાણે આ દેશમાં ત્યારથી હિંદુ આતંકવાદ શરૂ થયો.

કમલ હસને જે વાત કરી એ વાહિયાત હતી કેમ કે તેણે ગોડસેના કૃત્યને હિંદુત્વ સાથે જોડી દીધેલું. ગોડસે હિંદુ હતો એ સાચું પણ તેણે જે કંઈ કરેલું તેને હિંદુત્વ સાથે કંઈ લેવાદેવા નહોતી એ જોતાં કમલ હસને બકવાસ જ કરેલો. હિંદુ પરિવારમા જન્મી હોય એવી વ્યક્તિ આતંકવાદના રવાડે ચડે તેના કારણે હિંદુત્વને આતંકવાદ સાથે ના જોડી શકાય. એ બકવાસ બદલ તેના માથે માછલાં પણ ધોવાયેલાં ને વાત ત્યાં પતી જવી જોઈતી હતી પણ પ્રજ્ઞાને કારણે વાત આગળ વધી છે. પ્રજ્ઞાને પત્રકારોએ કમલ હસનના લવારા અંગે પ્રતિક્રિયા આપવા કહેવાયેલું તેમાં તો આ બેન ફોર્મમાં આવી ગયાં. તેમણે જાહેર કર્યું કે, નથુરામ ગોડસે દેશભક્ત હતા, દેશભક્ત છે ને હંમેશાં રહેશે. જે લોકો ગોડસેને આતંકવાદી ગણાવે છે એ લોકોએ પોતાની અંદર જોવું જોઈએ ને આવાં લોકોને દેશની પ્રજા ચૂંટણીમાં જડબાતોડ જવાબ આપશે.

પ્રજ્ઞાના આ લવારાના કારણે બબાલ થઈ જાય એ સ્વાભાવિક છે. ભાજપ વિરોધી પક્ષોને તો પ્રજ્ઞાની મેથી મારવા માટે એક કારણ મળી જ ગયું ને તેમણે એ કાર્યક્રમ શરૂ પણ કરી દીધો પણ ભાજપવાળા પણ ભડકી ગયા. ભાજપે તાબડતોબ પોતાના પ્રવક્તા જી.વી.એલ. નરસિંહરાવને દોડાવવા પડ્યા. નરસિંહરાવે પત્રકાર પરિષદ કરવી પડી ને તેમાં તેમણે પ્રજ્ઞાનાં લવારાનાં મામલે હાથ તો ખંખેરી નાંખ્યા જ પણ સાથે સાથે પ્રજ્ઞાને તતડાવી પણ નાંખી. નરસિંહરાવે સાફ શબ્દોમાં કહ્યું કે, ભાજપ સાધ્વી પ્રજ્ઞાએ જે કંઈ કહ્યું તેની સાથે ભાજપ સહમત નથી ને અમે તેની આકરી ટીકા કરીએ છીએ. એટલું જ નહીં પણ પ્રજ્ઞાએ આ મામલે પક્ષ સમક્ષ ચોખવટ કરવી પડશે ને આ લવારા માટે તેમણે આખા દેશની જાહેરમાં માફી પણ માગવી જોઈએ.

પ્રજ્ઞા ભાજપની વાત માનીને માફી માગે છે કે નહીં એ જોવાનું રહે છે પણ પ્રજ્ઞા જે રીતે વર્તી રહ્યાં છે એ જોતાં ભાજપે માફામાફીની વાત કરવાના બદલે થોડાક આકરા થવાની જરૂર છે. તેનું કારણ એ કે, એક મહિનાના ગાળામાં પ્રજ્ઞાએ આ બીજી વખત અક્ષમ્ય બકવાસ કર્યો છે ને ભાજપને શરમજનક સ્થિતિમાં મૂક્યો છે. આ પહેલાં ભાજપે સાધ્વી પ્રજ્ઞાને મધ્ય પ્રદેશની ભોપાલ લોકસભા બેઠક પરથી દિગ્વિજયસિંહ સામે ચૂંટણીના મેદાનમાં ઊતાર્યાં એ વખતે હેમંત કરકરેના મામલે લવારા કરીને ભાજપની આબરૂનો ધજાગરો કરી નાંખેલો.

પ્રજ્ઞાએ પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું તેના બે દાડા પહેલાં ભોપાલમાં પત્રકાર પરિષદ કરેલી. એ વખતે તેમણે એવો લવારો કરેલો કે, મહારાષ્ટ્ર એટીએસના ભૂતપૂર્વ વડા હેમંત કરકરે પોતાના શાપના કારણે મુંબઈમાં ૨૬ નવેમ્બર, ૨૦૦૮ના રોજ થયેલા હુમલામાં આતંકવાદીઓની ગોળી ખાઈને મરી ગયા. પ્રજ્ઞાએ ઘણાં બીજા પણ લવારા કર્યાં હતાં પણ સૌથી વાંધાજનક વાત એ કરેલી કે, મેં હેમંત કરકરેને કહેલું કે તારો સર્વનાશ થશે ને એવું જ થયું. પ્રજ્ઞાએ એવું કહેલું કે, મૈંને કહા કે તેરા સર્વનાશ હોગા, ઠીક સવા મહિને મેં સૂતક લગતા હૈ. જિસ દિન મૈં ગયી થી ઉસકા સૂતક લગ ગયા થા. ઔર ઠીક સવા મહિને મૈં જિસ દિન આતંકવાદીઓને ઉસ કો મારા ઉસ દિન ઉસ કા અંત હુઆ.

મુંબઈ પર થયેલો આતંકવાદી હુમલો દેશ પર થયેલો હુમલો હતો ને કરકરે એ હુમલો કરનારા આતંકવાદીઓ સામે લડતાં શહીદ થયેલા. દેશના શહીદ પર ગર્વ કરવાના બદલે પ્રજ્ઞાએ અંગત ખાર કાઢીને હલકી માનસિકતાનું પ્રદર્શન કરેલું. તેના કારણે ભાજપ પોતે પણ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયો. ભાજપે એ વખતે શાહનવાઝ હુસૈનને દોડાવવા પડેલા ને પત્રકાર પરિષદ કરવી પડેલી. હુસૈને પ્રજ્ઞાના નિવેદનથી હાથ ખંખેરીને જાહેર કરેલું કે, પ્રજ્ઞાએ જે કંઈ કહ્યું એ તેનો પોતાનો મત છે ને તેની સાથે અમારે કંઈ લેવાદેવા નથી. ભાજપે સત્તાવાર રીતે કહેવું પડેલું કે, દેશ માટે લડનારી કોઈ પણ વ્યક્તિ માટે દેશને ગૌરવ હોય ને તેના માટે કોઈ પણ પ્રકારની હલકી વાત ભાજપ કરી જ ના શકે. હેમંત કરકરે પણ આતંકવાદી હુમલા વખતે લડતાં શહીદ થયેલા તેથી તેમના માટે પણ દેશને અને ભાજપને પણ ગૌરવ છે. અમે કોઈ રીતે પ્રજ્ઞાની વાતને સમર્થન નથી આપતા ને કરકરેના યોગદાનને હંમેશાં યાદ રાખીશું.

આ વાત હજુ તાજી છે ને એક મહિનો પણ થયો નથી ત્યાં પ્રજ્ઞાએ ફરી એ જ પ્રકારનો લવારો કરીને ભાજપને ફરી શરમજનક સ્થિતિમાં મૂકી દીધો. આ સંજોગોમાં ભાજપે પ્રજ્ઞા સામે આકરા થવાની જરૂર છે. પ્રજ્ઞા બીજા કોઈ મામલે આવી ફાલતું વાતો કરતાં હોત તો હજુય સમજ્યા પણ આ તો બંને ભાજપ બહુ કૂદાકૂદ કરે છે એવા મુદ્દા છે. આતંકવાદ અને ગાંધીજી બંને મુદ્દે ભાજપ મોટી મોટી વાતો કરે છે ને તેનાં જ એક ઉમેદવાર આવા લવારા કરે એ ના ચલાવી લેવાય. ભાજપે પ્રજ્ઞાને પક્ષમાંથી તગેડી મૂકવાં જોઈએ ને સાબિત કરવું જોઈએ કે, અમુક મુદ્દે એ કોઈની શરમ ભરતો નથી ને બકવાસ કરનારાંને ચલાવતો નથી. તમે ગાંધીજીને પૂજનીય ગણવાની કે કરકરેને શહીદ ગણવાની વાતો કર્યા કરો એ ના ચાલે. એ લોકો સામે સન્માન નહીં બતાવનારાં લોકોને ખંખેરીને ભાજપે સાબિત કરવું પડે કે, વિચારોની વાત આવે ત્યારે ભાજપ કોઈ સમાધાન કરતો નથી.

ભાજપ શું કરશે તેની બહુ જલદી ખબર પડશે પણ ગોડસેને દેશભક્ત ગણાવીને પ્રજ્ઞાએ પોતાની ખતરનાક ને વિકૃત માનસિકતા છતી કરી છે. આ માનસિકતા એ હદે ખતરનાક છે કે, કોઈને હત્યા કરી નાંખવામાં પણ તેમને કશું ખોટું લાગતું નથી. એક હત્યારાને તમે કઈ રીતે દેશભક્ત ગણાવી શકો ? ને ગોડસેએ હત્યા પણ કોની કરી હતી ? ગોડસેએ ભારતને કનડનારા કોઈ હરામખોરને મારી નાંખ્યો હોત તો બરાબર હતું પણ તેણે તો આ દેશના રાષ્ટ્રપિતાની કરી હતી. આ દેશને આઝાદ કરાવવા માટે પોતાનું સર્વસ્વ દાવ પર લગાવી દેનારા માણસને તેણે મારી નાંખ્યા હતા. આવા મહાન માણસની હત્યા કરનારાને દેશભક્ત ગણાવવો એ ખરેખર તો માનસિક વિકૃતિ કહેવાય. ગોડસેએ ગાંધીજીની હત્યા કરીને દેશદ્રોહ કરેલો ને તેના બદલે પ્રજ્ઞા તેને દેશભક્ત ગણાવે છે. કાલે કોઈ ભારતીય હાફિઝ સઈદ કે મસૂદ અઝહરને પતાવી દે તો ચોક્કસ તેને દેશભક્ત કહી શકો કેમ કે સઈદ ને મસૂદે આ દેશને નુકસાન કર્યું છે, આ દેશનાં લોકોના લોહીથી તેમના હાથ રંગાયેલા છે પણ આ દેશના રાષ્ટ્રપિતાની હત્યા કરનારો દેશભક્ત હોઈ જ ના શકે.

ગોડસેએ ગાંધીજીની હત્યા પોતાની મુસ્લિમ વિરોધી માનસિકતાના કારણે કરી હતી. ગાંધીજી પાકિસ્તાનની બહુ તરફદારી કરે છે એવું ગોડસેને લાગતું હતું ને તેના કારણે તેણે ગાંધીજીની ત્રણ ગોળી મારીને તેમની હત્યા કરી દીધી. ગોડસેને પોતે કરેલા કૃત્યનો જરાય વસવસો નહોતો. ગોડસેએ તો પોતે કરેલા કૃત્યને યોગ્ય ઠેરવ્યું છે. ગોડસેની વિચારધારા ખોટી હતી ને તેણે જે કૃત્ય કર્યું એ તો અક્ષમ્ય હતું. મૂળ તો સભ્ય સમાજમાં વૈચારિક મતભેદના કારણે તમે કોઈની હત્યા કરી નાંખો એ જ અક્ષમ્ય છે. એવી વ્યક્તિને માણસ જ ના ગણી શકાય. આવો માણસ આ દેશનો હતો એ વિચારીને જ આપણને શરમ આવવી જોઈએ. તેના બદલે આ બાઈ એક હત્યારાને દેશભક્ત ગણાવે છે. વાસ્તવમાં આ વાત કરીને પ્રજ્ઞાએ પોતાની માનસિકતા પણ ગોડસેની જેમ હળાહળ મુસ્લિમ વિરોધી છે એવું સાબિત કર્યું છે.

આ પ્રકારના લવારા કરીને પ્રજ્ઞા સહિતનાં લોકો દેશભક્તિના નવા પાઠ ભણાવવાની કોશિશ કરી રહ્યાં છે ને તેની સામે પણ ચેતવાની જરૂર છે. તમને ઠીક લાગે એ વિચારો દેશભક્તિ ના કહેવાય ને તેના આધારે કોઈની હત્યા કરી નાંખો એ તો બિલકુલ દેશભક્તિ ના કહેવાય.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

8R114tN
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com