13-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
બસો કરોડ કેટલે?દીવો બળે એટલે!

કવર સ્ટોરી-હેમંત વૈદ્ય૧૯૯૧ની ‘સૌગંધ’થી હિંદી ફિલ્મોની સફર શરૂ કરનારા અક્ષય કુમારે ઢગલાબંધ ફિલ્મો કરી છે. ઍક્શન ફિલ્મો, લવ સ્ટોરી, કૉમેડી ફિલ્મો, દેશભક્તિની ફિલ્મો, એકદમ વેગળા વિષયોવાળી ફિલ્મો... ગજબની વરાઇટી આ અભિનેતાએ આપી છે. એની ઘણી ફિલ્મોએ બૉક્સ ઑફિસ પર સારી સફળતા મેળવી છે. જોકે, આશ્ર્ચર્યની વાત એ છે કે આ અભિનેતાના નામ સામે એક પણ ૨૦૦ કરોડની ફિલ્મ નથી બોલતી. તેની લેટેસ્ટ ફિલ્મ ‘કેસરી’ બૉક્સ ઑફિસના વકરામાં ૧૫૦ કરોડનો આંકડો પાર કરી ગઇ છે. આ ફિલ્મ અક્ષયની પહેલી ૨૦૦ કરોડની ફિલ્મ બની રહે એવી સંભાવના જાગી છે.

અક્ષય કુમાર એના સમકાલીન હીરો કરતાં બૉક્સ ઑફિસ કલેક્શનમાં કેમ પાછળ રહી જાય છે? ગઇ કાલના છોકરા ગણાતા રણબીર કપૂર અને રણવીર સિંહ સુધ્ધાં ૨૦૦ કરોડના આંકને વટાવી ગયા છે. આ વર્ષે જ લાઇમલાઇટમાં આવેલા વિકી કૌશલની આ વર્ષના પ્રારંભે રિલીઝ થયેલી ‘ઉડી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’ ૨૦૦ કરોડના વકરાને પાર કરી ગઇ છે. તો પછી કયા કારણસર અક્ષયને અને ૨૦૦ કરોડને છેટું રહી જાય છે? રજનીકાંત સાથેની એની સાયન્સ ફિક્શન ફિલ્મ ‘૨.૦’ પણ ૧૮૯.૫૫ કરોડના આંકડા પર પહોંચીને હાંફી ગઇ હતી.

આ સંદર્ભમાં ફિલ્મ ટ્રેડનો વ્યવસાય કરતા જાણકારોનો અભિપ્રાય લેવામાં આવતા એક ચિત્ર નજર સમક્ષ આવીને ઊભું રહે છે. જાણીતા ફિલ્મ એક્ઝિબિટર અને ડિસ્ટ્રિબ્યુટર અક્ષય રાઠીની દલીલ છે કે ‘અક્ષય કુમાર આજના જમાનાનો જિતેન્દ્ર છે. જો તમે બચ્ચન નથી બની શકતા તો જિતેન્દ્ર જેવા બનીને ઘણી બધી ફિલ્મો કરવાની જે ફિલ્મના રોકાણની સામે સારું વળતર આપે. કબૂલ કે અક્ષયના નામ સામે ૨૦૦ કે ૩૦૦ કરોડની ફિલ્મો નથી બોલતી, પણ આજની તારીખમાં એક અભિનેતા એવો બતાવો જે દર વર્ષે ત્રણથી ચાર ફિલ્મો આપે અને લગભગ દરેક ફિલ્મ ૯૦થી ૧૦૦ કરોડનો બિઝનેસ કરે.’ અલબત્ત અહીં અક્ષયની જિતુજી સાથેની સરખામણી માત્ર ફિલ્મોની સંખ્યા બાબતે છે, અભિનય વિશે નહીં એ વાત નોંધી લેવી.

જિતેન્દ્ર સાથેની તુલના પછી ગિરીશ જોહર નામના ટ્રેડ ઍનલિસ્ટ અક્ષય કુમારની સરખામણી રાહુલ દ્રવિડ સાથે કરે છે. તેમનું કહેવું છે કે ‘અક્ષય કુમારની ફિલ્મોના બિઝનેસમાં ગજબનું સાતત્ય જોવા મળે છે. એક પછી એક બૉક્સ ઑફિસ સેન્ચુરી એ નોંધાવતો રહે છે. ક્રિકેટમાં રાહુલ દ્રવિડ જેમ વૉલની માફક અડીખમ ઊભો રહીને ૧૦૦-૧૩૦ ફટકારતો એવું જ અક્ષયની બાબતમાં કહી શકાય. વર્ષમાં જો એ ૩-૪ ફિલ્મો કરતો હોય તો એક રીતે તો એની ફિલ્મો ૩૫૦-૪૦૦ કરોડનો બિઝનેસ કરતી જ હોય છે ને.’

ખૂબ જ જાણીતા ટ્રેડ એનલિસ્ટ તરણ આદર્શ એક અલગ જ દૃષ્ટિકોણ રજૂ કરે છે. તેમની દલીલ છે કે ‘એ ખૂબ જ મહેનતુ કલાકાર છે. નિર્માતાઓ પણ એ વાતની ખાતરી આપશે. વળી એ જે ફિલ્મો કરે છે એમાં ઘણું વૈવિધ્ય છે. એની ફિલ્મોની રિલીઝમાં પણ ગૅપ હોય છે એટલે દરેકને વકરો કરવાની તક મળી રહે છે. એની ‘કેસરી’ને દર્શકોની સારી પ્રતિક્રિયા મળી, પણ એની અસર બૉક્સ ઑફિસ પર ઝાઝી નહીં પડી.’

અહીં અતુલ મોહન નામના ટ્રેડ એનલિસ્ટ અલગ વાત કરે છે. તેમનું કહેવું છે કે અક્ષય દેશભક્તિના ડોઝવાળી અને સોશ્યલ ડ્રામાવાળી ફિલ્મો વધુ પડતી કરી રહ્યો છે. દર્શકો સતત કંઇક નવાની અપેક્ષા રાખતા હોય છે. ‘એની છેલ્લી પાંચેક ફિલ્મો એક સરખી લાગે એવી છે જે દેશભક્તિનો અંશ ધરાવતી ગંભીર સોશ્યલ ફિલ્મો લાગે. એટલે કલેક્શનનો આંકડો વધતો નથી. એટલે વરાયટી આપવી જરૂરી છે. અલબત્ત એનું પર્ફોર્મન્સ બેમિસાલ હોય છે. એણે હવે યંગ જનરેશનને ગમે એવી ફિલ્મો કરવી જોઇએ. ૨૦૦૪ની ‘મુજસે શાદી કરોગે’માં દર્શકોને સલમાન કરતાં અક્ષયનું પાત્ર વધુ પસંદ પડ્યું હતું. તરુણોમાં એ લોકપ્રિય બની ગયેલો.’

જોકે, એકાદ-બે વર્ષમાં અક્ષયના નામ સામે એક ૨૦૦ કરોડની ફિલ્મ જરૂર બોલશે એવું ઇન્ડસ્ટ્રીના જાણકારોનું માનવું છે. એની આગામી ફિલ્મોમાંથી ‘સૂર્યવંશી’ અને ‘હાઉસફુલ ૪’ સુપરહિટ બનવાના અણસાર છે. અક્ષય રાઠી તો ભવિષ્ય ભાખીને કહે છે કે ‘તેની ઇદમાં અવનારી રોહિત શેટ્ટી દિગ્દર્શિત ‘સૂર્યવંશી’ ૨૦૦ કરોડથી વધુ કલેક્શન ચોક્કસ મેળવશે. ‘હાઉસફુલ ૪’ દિવાળી વખતે આવવાની હોવાથી એના પણ ઉજળા સંજોગો છે. જોકે, પ્રેક્ષક માઇ-બાપ કોને વરમાળા પહેરાવશે અને કોને તગેડી મૂકશે એ ખાતરીપૂર્વક ન કહી શકાય.’

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

l77H36v
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com