31-March-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વરઘોડા પ્રકરણ: કેટલાંક તત્ત્વો સમાજ-સમાજને લડાવે છે : પ્રદીપસિંહ જાડેજા

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ : તાજેતરમાં મોડાસાના ખંભીસર, પ્રાંતિજના બોરીયા, સીતવાડા અને કડીના લ્હોર ગામ દલિતોના વરઘોડાને રોકવાની ઘટનાઓ બની હતી. માત્ર એટલું જ નહીં લ્હોર ગામમાં દલિતોનો બહિષ્કાર પણ કરવામાં આવ્યો હતો, તો રાજ્યમાં દલિતો પર થઈ રહેલા હુમલા મામલે બુધવારે પ્રદીપસિંહ જાડેજાએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયા સાથે વાતચીત કરી હતી.

જાડેજાએ જણાવ્યું હતું કે રાજ્યમાં દલિતોના વરઘોડાને રોકવાને લઇને થઈ રહેલા હુમલાઓ ખૂબ જ દુ:ખદ વાત છે.

આ મામલે રાજ્યની પોલીસ યોગ્ય કાર્યવાહી કરીને દોષિતોને સજા કરશે. તાજેતરમાં દલિતો પર થઇ રહેલા અત્યાચાર મામલે પોલીસે પાંચ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી તેમની ધરપકડ કરી છે. તાજેતરમાં બનેલી ઘટનાઓમાં બન્ને પક્ષો વચ્ચે સમાધાન પણ સીએમની સૂચનાથી ડે.સીએમએ કરાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે કડીના લ્હોર ગામની ઘટનાની માહિતી મળી કે તરત અમે તેના પર પગલાં ભરી કડીમાં પૂરતો બંદોબસ્ત ગોઠવાયો હતો અને વાજતે ગાજતે દલિત યુવાનનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. તો સીતવાડામાં પણ પોલીસે સક્રિય ભૂમિકા ભજવી હતી. રાજ્યમાં દલિતોના વરઘોડા શાંતિપૂર્ણ નીકળે તેના માટે સરકાર પૂરેપૂરી કટિબદ્ધ છે. ગુજરાત સરકાર દલિતોની પડખે છે માટે તેમને જરાયે ચિંતા કરવાની જરૂર નથી. વડાલીમાં પણ શાંતિપૂર્ણ રીતે વરઘોડો નીકળ્યો હતો. આપણું ગુજરાત વિકસતું અને સમૃદ્ધ ગુજરાત છે, આવા હુમલાઓ થાય તે રાજ્યના સંસ્કાર નથી. પરંતુ કેટલાંક અસામાજિક તત્ત્વો દ્વારા સમાજ સમાજને લડાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. સામાજિક સમરસતા તોડવા પ્રયાસ થઈ રહ્યા છે. પરંતુ અમે તેમના મનસૂબા સફળ થવા નહીં દઇએ. કડીના બાવરુમાં કૉંગ્રેસના સરપંચ અને તાલુકા ડેલિગેટ તરીકે જોડાયેલા છે ત્યારે સરકાર તરીકે અમે જનતાને સચેત કરવા માગીએ છીએ.

---------

કૉંગ્રેસ માટે અલ્પેશ ઠાકોરને લઈને કોકડું ગૂંચવાયું: દલિતના વરઘોડા મુદ્દે કૉંગ્રેસ દ્વારા રાજ્યપાલને આવેદનપત્ર

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: કૉંગ્રેસના બાગી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય રદ કરવા માટે કૉંગ્રેસે વિધાનસભા અધ્યક્ષ સમક્ષ રજૂઆત કરી હતી એ પછી અધ્યક્ષે છ જેટલા વાંધા કાઢી ૧૫ દિવસમાં ખુલાસો કરવા કૉંગ્રેસને જણાવ્યું હતું.

જોકે રજિસ્ટર એડીથી કે અન્ય કોઈ મારફત મોકલેલો પત્ર છ દિવસ થયા પછી પણ મળ્યો ન હોવાનો દાવો વિધાનસભા કૉંગ્રેસ પક્ષના દંડક અશ્ર્વિન કોટવાલે કર્યો હતો. સાથે જ વિધાનસભા અધ્યક્ષ સમક્ષ ફરી વાર રજૂઆત કરવા માટેનું આયોજન કરાઈ રહ્યું હોવાનું પણ જણાવાઈ રહ્યું છે.

મહત્ત્વનું છે કે, લોકસભાની ચૂંટણી સમયે અલ્પેશે બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર કૉંગ્રેસની વિરુદ્ધમાં કામ કર્યું હતું. આ સંદર્ભે કૉંગ્રેસે પુરાવારૂપે સીડી રજૂ કરી હતી. વિધાનસભા અધ્યક્ષે અરજીમાં સહીઓ કરવામાં ન આવી હોવા સહિતની ક્ષતિઓ ઉપર ધ્યાન દોર્યું હતું. ૨૩મી મેના રોજ લોકસભા ચૂંટણીનાં પરિણામો આવવાના છે, મત ગણતરી કેન્દ્ર ઉપર કોઈ ગરબડ ન થાય ઉપરાંત મત ગણતરી વખતે શું શું ધ્યાન રાખવું જોઈએ તે માટે કૉંગ્રેસે આજે પ્રદેશ કાર્યાલયે ટ્રેનિંગનું આયોજન કર્યું હતું. ૨૬ લોકસભાના ૩૦૦થી વધુ પ્રતિનિધિઓ કે જેઓ મતગણતરી કેન્દ્ર ઉપર તહેનાત રહેવાના છે તેમને તાલીમ આપવા દિલ્હીના નિષ્ણાતોને બોલાવાયા હતા.

રાજ્યમાં દલિત યુવાનોના વરઘોડા અટકાવવા સહિત અત્યાચારની જે ઉપરાછાપરી ઘટના બની રહી છે તે મામલે કસૂરવારો સામે આકરા પગલાં ભરવા કૉંગ્રેસે માગણી કરી હતી. આ સંદર્ભે અગાઉ તાકીદની બેઠક પણ બોલાવાઈ હતી અને બુધવારે કૉંગ્રેસના ૪૦ જેટલા સભ્યોનું પ્રતિનિધિમંડળ ગાંધીનગરમાં રાજ્યપાલને મળીને આવેદનપત્ર આપ્યું હતું. ઉ

-----------

વરઘોડા વિવાદમાં બે લોકોની ધરપકડ કરાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મોડાસા : અરવલ્લીના મોડાસાના ખંભીસર ગામમાં અનુસૂચિત જાતિના સમાજના વરઘોડા મામલે ભારે વિવાદ થયો હતો. જેમાં પથ્થરમારો થતાં ૧૦થી વધુ લોકોને ઈજા થઈ હતી. આ મામલે બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. સમગ્ર મામલે ભાવેશ પટેલ અને હસમુખ પટેલની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે અન્ય આરોપીઓ માટે કોમ્બિંગ ચાલુ હોવાનું ડીવાયએસપી ફાલ્ગુની પટેલે જણાવ્યું હતું. આ ઉપરાંત સમગ્ર મામલે સમજાવટ દરમિયાનનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં ડીવાયએસપી ફાલ્ગુની પટેલની દાદાગીરી સામે આવી હતી. આ મામલે તપાસના આદેશ પણ અપાયા છે. જ્યારે આ વીડિયો મામલે પૂછતાં ફાલ્ગુની પટેલે જણાવ્યું હતું કે, જે કાર્યવાહી થશે તેમાં સાથ આપીશ. આ વીડિયોમાં ડીવાયએસપી અનુસૂચિત જાતિના અગ્રણીને ધમકાવતા હોય તેવું દેખાઈ રહ્યું હતું. વીડિયોમાં ફાલ્ગુની પટેલે જાહેરમાં અપશબ્દો બોલ્યા હતાં. આ ઘટના બાદ સમાજ દ્વારા પોલીસ પર આક્ષેપ કરવામાં આવ્યા હતા. પોલીસે રક્ષણ આપવાની જગ્યાએ લાઠીઓ વરસાવી હોવાનો સમાજના અગ્રણીએ આરોપ લગાવ્યો હતો. સાથે જ જિલ્લા પોલીસ વડા અને નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકને સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી હતી.આ મામલે આઈજી એ જણાવ્યું કે, ઘટનાને પગલે બંદોબસ્ત યથાવત છે. દલિત આગેવાનોની મુલાકાતને પગલે બંદોબસ્ત નથી. ખંભીસરમાં શાંતિ જાળવવાની પ્રાથમિકતા છે. જ્યારે આરોપીઓ ગામ છોડી ભાગી ગયા છે. ઉ

----------

ટોળાં સામે ફરિયાદ થતા ખંભીસરમાં સ્વયંભૂ કર્ફ્યૂનો માહોલ

(અમારા પ્રતિનિધિ તરફથી)

ભાલોડા:મોડાસા તાલુકાના ખંભીસરમાં દલિત યુવાનના વરઘોડા દરમિયાન બે જૂથ વચ્ચે થયેલા ઘર્ષણ દરમિયાન પથ્થરમારામાં પોલીસકર્મીઓ ઘાયલ થતા મોડાસા રૂરલ પોલીસે ચાર લોકો સામે નામજોગ અને ૨૦૦ થી ૩૦૦ લોકોનાં ટોળાં સામે ફરિયાદ નોંધતાં ગામમાં સન્નાટો છવાઇ ગયો હતો. ગામમાં પોલીસની ધરપકડના ડરથી યુવાનો-મહિલાઓ ફફડી ઊઠતાં ગામમાં કર્ફ્યુ જેવો માહોલ થયો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર સાબરકાંઠાના મોડાસા તાલુકાના ખંભીસર ગામે દલિતો અને ગામ લોકો વચ્ચે થયેલા પથ્થરમારામાં મોડાસાના રૂલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ સહિત સરકારી વાહનોને ટાર્ગેટ બનાવી નુકસાન પહોંચાડાયું હતું જેના ભાગરૂપે પોલીસે હસમુખ સક્સેના (રહે. બાદરપુરા,બાયડ) વિજયભાઇ મોઘાભાઇ રાઠોડ અને ભાવેશભાઇ દેવકરભાઇ પટેલ તેમજ હસમુખભાઇ પશાભાઇ પટેલ બંન્ને (રહે.ખંભીસર) વિરુદ્ધ નામ જોગ અને અન્ય ૨૦૦થી ૩૦૦ના ટોળા સામે પોલીસ પોતે ફરિયાદી બનીને ફરિયાદ નોંધી હતી. આ ફરિયાદ નોંધાયા બાદ ગ્રામજનોમાં પોલીસ ધરપકડની દહેશત ફેલાતાં યુવાનો અને મહિલાઓ ફફડી ઊઠ્યા હતા. કેટલાક યુવાન-મહિલાઓ પોલીસના ડરથી મકાનને તાળું મારી ઘરમાં પુરાઇ રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

વડગામ ધારાસભ્ય જીગેશ મેવાણીએ ખંભીસરની ઘટનાને વખોડી કાઢતો મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પત્ર લખ્યો હતો. જેમાં ડીવાયએસપી ફાલ્ગુનીબેનને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને તેમની સામે ઉચ્ચસ્તરીય તપાસ કરવા માટે માગણી કરી હતી. ડીવાયએસપી ફાલ્ગુનીબેન પટેલનું વલણ દલિત વિરોધી પક્ષપાતી ગામના ઉચ્ચ વર્ણ તરફી જોવા મળે છે. અને તેઓ માત્ર દલિતોને ધમકાવે છે. તેઓ પત્રમાં આક્ષેપ કરી આ મામલે તપાસ સમિતિ રચવામાં આવે અને તેનો અહેવાલ દિન-૯માં જાહેર કરી વિધાનસભાના સત્રમાં મુકવામાં આવે તેવી માગણી કરી હતી. જ્યારે જિલ્લા પોલીસ અધિકારીએ ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી એસઆરપીની બે ટુકડી સહિત ૧૫૦ જેટલો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો જેને લઈ ગામમાં કફયુ જેવો મહોલ જોવા મળ્યો હતો.

-----------

જિજ્ઞેશ મેવાણીએ ડીવાયએસપી સામે ફરિયાદ કરવા એસપીને રજૂઆત કરી

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: અરવલ્લીના મોડાસા તાલુકામાં આવેલા ખંભીસર ગામે દલિત યુવકના વરઘોડાને અટકાવવા મામલે થયેલા હોબાળા બાદ દલિત નેતા અને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ બુધવારે ખંભીસરની મુલાકાત લઈ જિલ્લા એસપીને મળીને ડીવાયએસપી સામે ફરીયાદ દાખલ કરવા રજૂઆત કરી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ખંભીસર ગામે અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ દલિત પરિવારની મુલાકાત લઇ તેમની સાથે વાતચીત કરી હતી.

ડીવાયએસપી ફાલ્ગુની પટેલે લોકો સાથે અભદ્ર વર્તન કર્યું હોવા મામલે જિજ્ઞેશ મેવાણી અને દલિત પરિવારના ૧૦ લોકો જિલ્લા પોલીસવડાને મળવા માટે એસપી ઓફિસ ગયા હતા. ડીવાયએસપી સામે કાર્યવાહી કરવા અને ફરિયાદ નોંધવા તેઓ રજૂઆત કરી હતી. જો કે રાજ્યના ગ્ાૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ ડીવાયએસપી સામે તપાસ કરી કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડાને આદેશ આપ્યો હતો. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

7ylql31
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com