6-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સોનાના દાગીના બનાવનારા કારીગરની હત્યાનો ભેદ ઉકેલાયો: સગાની ધરપકડ
પત્નીને ભડકાવી પોતાનાથી દૂર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવ્યાની શંકા પરથી કરી હત્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મલાડમાં સોનાના દાગીના બનાવનારા કારીગરની આંખમાં તીક્ષ્ણ વસ્તુ ભોંકી હત્યા કર્યા બાદ સોના અને રોકડની લૂંટ ચલાવવાના કેસમાં પોલીસે મૃતકના દૂરના સગાની ધરપકડ કરી હતી. બિયરબારમાં રૂપિયા ઉડાવનારા આરોપીની બધી હકીકત તેની પત્નીને કહી દામ્પત્ય જીવનમાં તડા ઊભા કરવાની શંકા પરથી હત્યા કરવામાં આવી હોવાનું તપાસમાં જણાયું હતું.

દિંડોશી પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ હેમંત સાગરમલ સોની (૨૮) તરીકે થઈ હતી. કોર્ટે આરોપીને સોમવાર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી પોલીસ તેની વધુ પૂછપરછ કરી રહી છે.

મલાડ પૂર્વના ખોતકૂવા રોડ ખાતેની ઓમપ્રકાશ સિંહ ચાલમાં રહેતા નીતેશ હિંમતલાલ સોની (૨૭)નો મૃતદેહ ૧૧ મેની સાંજે તેના ઘરના માળિયા પરથી મળી આવ્યો હતો. આ પ્રકરણે દિંડોશી પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે જ્વેલર્સે દાગીના બનાવવા આપેલું અંદાજે ૧૦ લાખ રૂપિયાનું સોનું અને સાડાપાંચ લાખની રોકડ પણ નીતેશના ઘરમાંથી ચોરાઈ હતી. પરિણામે પોલીસે હત્યા બાદ લૂંટનો મામલો નોંધ્યો હતો.

કેસની તપાસ માટે ઈન્સ્પેક્ટર ગણેશ પવાર અને મનોહર શિંદેના વડપણ હેઠળ પોલીસની અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી. પડોશીઓ, મિત્રોની પૂછપરછ અને ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી પોલીસ હેમંતની શોધ ચલાવી રહી હતી. ગુનો આચરી રાજસ્થાન ફરાર થઈ ગયેલો હેમંત ફરી મુંબઈ આવી રહ્યો હોવાની માહિતી મળતાં પોલીસે તેને પકડી પાડ્યો હતો. આરોપી પાસેથી ચાર લાખ રૂપિયાની રોકડ અને કેટલાક સોનાના દાગીના હસ્તગત કર્યા હતા.

દિંડોશી પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર રાજારામ વનમાનેએ જણાવ્યું હતું કે આરોપી અને મૃતક રાજસ્થાનના એક જ ગામના વતની છે. આરોપી પણ દાગીના બનાવવાનો કારીગર હોઈ મલાડમાં જ તેનું કારખાનું હતું. જોકે દારૂનો આદિ બનેલો આરોપી બિયરબારમાં રૂપિયા ઉડાવવા લાગ્યો હતો, જેને કારણે તેના માથે દેવું થઈ ગયું હતું. ત્રણ મહિના અગાઉ આરોપીએ કારખાનું પણ બંધ કરી દેવું પડ્યું હતું.

બીજી બાજુ, આ બધી વાતની નીતેશ આરોપીની પત્નીને જાણ કરતો હતો. આરોપી અને તેની પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થવા લાગ્યા હતા. કૌટુંબિક વિવાદથી કંટાળી પત્ની આરોપીને છોડી તેના પિયર રાજસ્થાન રહેવા જતી રહી હતી. હાલમાં તેણે છૂટાછેડા માટે કોર્ટમાં કેસ કર્યો હોવાનું કહેવાય છે.

નીતેશના ભડકાવવાને કારણે જ પોતાનું લગ્નજીવન પડી ભાંગ્યું હોવાની શંકાને કારણે હેમંત તેના પર ગિન્નાયો હતો. ગર્ભવતી પત્ની પ્રસૂતિ માટે રાજસ્થાન સ્થિત પિયર ગઈ હોવાથી નીતેશ ઘરમાં એકલો જ હતો. આ તકનો લાભ ઉઠાવી આરોપી શુક્રવારની મધરાતે એક વાગ્યાની આસપાસ નીતેશના ઘરે ગયો હતો. ચર્ચા દરમિયાન બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. શનિવારના મળસકે પાંચ વાગ્યાની આસપાસ ગુસ્સામાં આરોપીએ નીતેશની ડાબી આંખમાં તીક્ષ્ણ વસ્તુ ભોંકી હતી. વધુપડતા રક્તસ્રાવને કારણે નીતેશનું મૃત્યુ થયું હતું. ઘરમાંથી સોનું અને રોકડ લૂંટી દરવાજાને બહારથી લૉક કરીને આરોપી ફરાર થઈ ગયો હતો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

T4irGA
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com