26-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
દાદર ટીટી ફ્લાયઑવર નીચે ગાર્ડન
માટુંગામાં સફળ પ્રયોગ બાદ હવે ₹ ૪.૫ કરોડના ખર્ચે બનશે બીજું ગાર્ડન

મુંબઈ: માટુંગામાં ફ્લાયઑવર નીચે ગાર્ડન બનાવવાની યોજનાને મળેલા સારા પ્રતિસાદ બાદ હવે જગન્નાથ શંકર શેઠ ફ્લાયઑવર જે દાદર ટીટી ફ્લાયઑવરના નામે પણ જાણીતો છે, તેના નીચે આવી જ યોજના હાથ ધરવાની તૈયારી પાલિકા કરી રહી છે. આ માટેના પ્રસ્તાવને પહેલાથી મંજૂરી પણ મળી ગઇ હતી, પરંતુ ચૂંટણી માટેની આચારસંહિતા લાગુ હોવાને કારણે આ કામ અટકી પડ્યું હતું.

દાદર પૂર્વમાં રૂ. ૪.૫ કરોડના ખર્ચે આ પ્રકલ્પ હાથ ધરાશે જેમાં જોગિંગ પાર્ક, વૉકવે, બાળકો માટે રમવાની જગ્યા, વરિષ્ઠ નાગરિકો માટે બેઠકો વગેરે હશે. આ પાર્કમાં એવા છોડવાઓ લગાવવામાં આવશે જેને ઓછા સૂર્યપ્રકાશની જરૂર હોય. આ પ્રકલ્પ ટૂંક સમયમાં હાથ ધરાશે અને આગામી વર્ષે જાન્યુઆરીના અંત સુધી તે પૂર્ણ થશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

સૌથી પહેલા ખાનગી આર્કિટેક્ટની સલાહ લેવામાં આવશે અને ત્યાર બાદ તેમાં પાલિકાના આર્કિટેક્ટ દ્વારા ફેરફાર કરાશે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

દાદર ટીટી ફ્લાયઑવર ખોદાદાદ સર્કલ સહિત સાત ભાગમાં વિભાજિત છે. ખોદાદાદ સર્કલ પર એક બાજુએ ચાર ઝોન છે અને બીજી બાજુએ બે ઝોન છે. ત્યાં શિવનેરી બસ ટર્મિનલ અને એસી બસ ડેપો બનાવવામાં આવ્યા છે ત્યારે બાકીના પાંચ બ્લોકને બાળકો માટે રમતગમતનું ગાર્ડન, વ્યાયામ ઝોન સહિત વિવિધ સુવિધા માટે ડેવલપ કરવામાં આવશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

આ ગાર્ડન માટુંગાના ગાર્ડન કરતાં જુદું હશે. માટુંગા ગાર્ડન નર્મદા નદીને ત્યાં બનાવવામાં આવેલા ગાર્ડનની ડિઝાઇન પર બનાવવામાં આવ્યું છે. દાદર ટીટી ફ્લાયઑવર નીચેની જગ્યામાં કન્ટિન્યૂટી ઓછી હોવાને કારણે બે તબક્કામાં તેને વિભાજિત કરવામાં આવશે, એમ પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.

બાળકોના ગાર્ડનમાં સાપ-સિડી, લ્યૂડો જેવી ફ્લૉરિંગ હશે. આ સિવાય ગાર્ડનમાં આવતા મુલાકાતીઓ માટે ટોઇલેટની વ્યવસ્થા પણ કરવામાં આવશે. હાલમાં આ વિસ્તારમાં ટેક્સીવાળાઓ ગેરકાયદે પાર્કિંગ કરતા હોય છે. સ્થાનિક રહેવાસીઓ દ્વારા પણ આ પ્રસ્તાવને વધાવી લેવામાં આવ્યો છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

60M61op
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com