31-March-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
બૉલીવૂડમાં બદલાયેલો સિનારિયો

બોલીવૂડ બેસ્ટ-હેમંત વૈદ્યએક સમય હતો જ્યારે કોઇ નવોદિતો, પછી એ લોકપ્રિય કલાકારોના સંતાન પણ કેમ ન હોય તેમની પ્રથમ ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોવાતી. આ ફિલ્મની સફળતા-નિષ્ફળતાના આધારે તેમનો આગામી રોડ મેપ તૈયાર થતો, પણ આજે તો પરિસ્થિતિ એવી છે કે કોઇ નવોદિતોની પહેલી ફિલ્મ હજુ તો રજૂ થઇ ન હોય ત્યાં તો તેઓ બીજી ફિલ્મ સાઇન કરી લે છે. ઉદાહરણ તરીકે સારા અલી ખાન, તારા સુતરિયા, અનન્યા પાંડે જેવી બોલીવૂડમાં પા પા પગલી ભરતી અભિનેત્રીઓ એવી નસીબદાર છે કે રૂપેરી પડદે હજુ પહેલી ફિલ્મ રજૂ થાય એ પહેલાં તેમના ખોળામાં બીજી ફિલ્મો આવીને પડી છે.

ગયા વર્ષે સારા અલી ખાનની ‘કેદારનાથ’ રજૂ થઇ કે થોડા જ સમયમાં તેની રણવીર સિંહ સાથેની ફિલ્મ ‘સિમ્બા’ પણ થિયેટર ગજવી રહી હતી. મતલબ સાફ છે. પહેલી ફિલ્મ રજૂ થાય એ પહેલાં જ બીજી ફિલ્મનું શૂટિંગ શરૂ થઇ ગયું હતું.

હવે આવું જ કંઇક અનન્યા પાંડે અને તારા સુતરિયા સાથે બનવા જઇ રહ્યું છે. તેમની ‘ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર- ટુ’ હજુ તો રજૂ થઇછે તેની પહેલાં તો અનન્યાને ‘પતિ, પત્ની ઔર વોહ’ અને તારાને ‘મરજાવાં’ ફિલ્મમાં કરારબદ્ધ કરી લેવામાં આવી છે. મરજાવાં ફિલ્મમાં તેની સાથે નવો હીરો અહાન શેટ્ટી છે. અહાન સુનીલ શેટ્ટીનો દીકરો છે અને તેનો પણ હજુ તો પહેલી ફિલ્મથી જ ઘણી પબ્લિસિટી મળી રહી છે.

ચંકી પાંડેની દીકરી અનન્યાને અચાનક મળેલી આ તકને કારણે તે ખુશ છે. કહે છે, ‘આ મારા માટે ઉત્સાહી ક્ષણો છે. મને લાગે છે કે ‘પતિ, પત્ની ઔર વોહ’ના નિર્માતાઓએ એક બ્રાંડેડ કંપનીની જાહેરાતમાં મને જોઇ હશે. ત્યાર બાદ મને પસંદ કરી હશે. મને તક આપવા બદલ હું તેમની આભારી છું. મારે સિનેમા ક્ષેત્રે હજુ ઘણા બધા કામ કરવાના છે.’

એક ટ્રેડ નિષ્ણાતના જણાવ્યા મુજબ હિંદી ફિલ્મ ક્ષેત્રે સમય ઝડપથી બદલાઇ રહ્યો છે. બીબાંઢાળ ફોર્મ્યુલા ફિલ્મોને બદલે કંઇક અલગ અને વિવિધ પ્રકારની વાર્તાવસ્તુઓ ધરાવતા પ્રોજેક્ટ માટે દરવાજા ખૂલી રહ્યા છે ત્યારે નવી ટેલેન્ટ માટે પણ શ્રેષ્ઠ તકો ઊભી થઇ રહી છે. આટલું જ નહીં, આજના પ્રોડ્યુસરો પણ નવોદિતોને લઇને ગણતરીપૂર્વકનું જોખમ લેવા તૈયાર થઇ રહ્યા છે.

જોકે, સોશિયલ મીડિયાનું વધતું જતું ચલણ પણ આમાં અગત્યનો ભાગ ભજવે છે, એની ના નહીં. આ ત્રણે અભિનેત્રીઓ વિશે જાણશો તો ખ્યાલ આવશે કે હજુ તો તેમની ફિલ્મો રજૂ પણ નથી થઇ છતાં સોશિયલ મીડિયા પર લાખો લોકોમાં અત્યારથી લોકપ્રિય થઇ રહી છે. કયું નિર્માણ ગ્રુપ નવોદિતોને સાઇન કરે છે તેના પર સોશિયલ મીડિયાને લીધે પ્રેક્ષકોને પણ વહેલી ખબર પડી જતી હોય છે. કરણ જોહર જેવો નિર્માતા કોઇને તક આપતો હોય તો લોકો જરૂર વિચારે કે તેણે જરૂર થોડી ઘણી પ્રતિભા તો આવા નવોદિતોમાં જોઇ જ હશે.

એક સમય એવો હતો કે કોઇ નવોદિતોની પહેલી ફિલ્મ કેટલી કમાણી કરે છે તેના પર તેમને બીજી ફિલ્મમાં સાઇન કરવા કે ન કરવા તેનો નિર્ણય લેવાતો. જોકે, હવે આ દિવસો ગયા. અત્યારે તો ફિલ્મ ભલે ને હિટ ન જાય, પરંતુ હીરો હીરોઇનોની ટેલેન્ટ કે વ્યક્તિત્વ જો દર્શકોને સ્પર્શી જાય તો તેને બીજી ફિલ્મમાં જોવા એ લોકો તત્પર હોય છે. મતલબ કે પોતાની પ્રતિભા અને દર્શકોના પ્રતિસાદના જોરે નવોદિતો ડિમાન્ડમાં રહી શકે છે.

તારા સુતરિયાની ફિલ્મ ‘સ્ટુડન્ટ્સ ઓફ ધ યર ટુ’ હજુ તો રજૂ નહોતી થઇ તે પહેલાં તો તેની બીજી ફિલ્મ ‘મરજાવાં’નું શૂટિંગ પતી પણ ગયું છે. અને અન્ય એક ફિલ્મ ‘આર એક્સ ૧૦૦’ માં પણ કામ કરવાનું ટૂંક સમયમાં શરૂ કરશે.

કોઇ નવા સવા કલાકારોને પહેલા જ વર્ષમાં એક સાથે ત્રણ ફિલ્મો કરવાની તક મળે એવું તો ભાગ્યે જ બનતું હોય છે. તારા એ બાબતમાં નસીબદાર છે.

એ કહે છે કે જ્યારે હું મારી પહેલી ફિલ્મ માટે ઑડિશન આપી રહી હતી ત્યારે કલ્પના પણ ન હતી કે મને બીજી ફિલ્મની ઓફર આટલી જલદી મળશે.

જોકે, ફિલ્મ રજૂ થાય ત્યારે તેને માત્ર પ્રશંસાના શબ્દો નહીં, પણ પ્રામાણિક અભિપ્રાય મળે તેની ખૂબ ઉત્કંઠા છે.

તારા કહે છે, મારા માટે તો એ જોવું ઘણું મહત્ત્વનું છે કે કલાકાર તરીકે હું ક્યાં કાચી પડું છું. ટીકાઓ થશે તો પણ હું એને સારા અર્થમાં લેવા તત્પર રહીશ.

આ બધા નવોદિતોને ઓલ ધ બેસ્ટ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

f55r68Ju
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com