24-October-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વર્લ્ડ કપની ટીમ જાહેર: પંતને પડતો મૂકાયો, કાર્તિક પર કળશ ઢોળાયો
15 ખેલાડીઓમાં ઑલરાઉન્ડર રાહુલ અને વિજય શંકર પણ સામેલ ક ચાર યુવા પેસ બોલરો સ્ટૅન્ડ-બાય તરીકે ઇંગ્લૅન્ડ જશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: આગામી 30 મેથી 14મી જુલાઈ સુધી ઇંગ્લૅન્ડમાં રમાનારા વન-ડે ક્રિકેટના વર્લ્ડ કપ માટે સિલેક્ટરોએ સોમવારે 15 ખેલાડીઓવાળી ભારતીય ટીમ નક્કી કરી હતી જેમાં 21 વર્ષના યુવાન વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંતને બદલે 33 વર્ષના અનુભવી દિનેશ કાર્તિકને સમાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ખરેખર તો કાર્તિકે 12 વર્ષ પછી ફરી વર્લ્ડ કપની ટીમમાં સ્થાન હાંસલ કર્યું છે. 2007ના વર્લ્ડ કપની ટીમમાં પણ તે સામેલ હતો. મહેન્દ્રસિંહ ધોની મોટા ભાગે આગામી વર્લ્ડ કપને અંતે નિવૃત્તિ જાહેર કરવાનો છે અને તેના ભારતીય ક્રિકેટમાં તેના અનુગામી વિકેટકીપર તરીકે પંતનું નામ ઘણા સમયથી બોલાય છે, પરંતુ કાર્તિકને 91 વન-ડેનો અનુભવ, પ્રેશરની સ્થિતિનો પંત કરતાં ચડિયાતી રીતે સામનો કરવાની કાબેલિયતને કારણે પંતને બદલે પસંદ કરવામાં આવ્યો છે.

મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમ ખાતેની ક્રિકેટ બોર્ડના કૉન્ફરન્સ હૉલમાં બપોરે 3.00 વાગ્યે જાહેર કરવામાં આવેલી વિરાટ કોહલીના નેતૃત્વવાળી આ ટીમની બે ખાસ બાબત એ છે કે એમાં આશ્ર્ચર્યજનક ફેલાવી શકે એવા કોઈ જ નવા ખેલાડીનો સમાવેશ નથી. એટલે કે મોટા ભાગે અપેક્ષિત ટીમ જાહેર કરાઈ છે. બીજું, 2015ના ગયા વર્લ્ડ કપના સાત પ્લેયરોને ફરી 2019ના વિશ્ર્વ કપમાં રમવાનો મોકો અપાયો છે.

પેસ બોલિંગ-ઑલરાઉન્ડર વિજય શંકર જે બૅટિંગ-ક્રમમાં ચોથા નંબર પર ટીમને કામમાં આવશે, તેનો સમાવેશ ટીમ માટે રોમાંચક કહી શકાય.

ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે પત્રકારો અને ફોટોગ્રાફરોથી ખીચોખીચ ભરાયેલા હૉલમાં વર્લ્ડ કપની ટીમની જાહેરાત કરી હતી. એમાં દિનેશ કાર્તિક આંતરરાષ્ટ્રીય ક્રિકેટના અનુભવની દૃષ્ટિએ સૌથી જૂનો છે. રસપ્રદ બાબત એ છે કે લોકેશ રાહુલ વર્લ્ડ કપની ટીમમાં રોહિત શર્મા અને શિખર ધવન પછીના ત્રીજા ઓપનર તરીકે સામેલ છે અને તે સારી વિકેટકીપિંગ પણ કરી જાણે છે. આઇપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબ વતી તે જ વિકેટકીપિંગ કરે છે.

સિલેક્શન કમિટીમાં ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદ ઉપરાંત દેવાંગ ગાંધી, જતીન પરાંજપે, ગગન ખોડા અને સંદીપ સિંહનો સમાવેશ હતો.

વર્તમાન આઇપીએલમાં કાર્તિકના ફક્ત 111 રન સામે પંતના 245 રન છે છતાં ફક્ત આઇપીએલના પર્ફોર્મન્સને ધ્યાનમાં ન લેતાં કાર્તિકને વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બીજી વાત એ છે કે આ આઇપીએલના વિકેટકીપરોમાં પંતના નામે સૌથી વધુ 14 શિકાર છે, જ્યારે કાર્તિકના ખાતે ફક્ત 4 શિકાર છે છતાં કાર્તિકને ટીમમાં પસંદ કરાયો છે.

એમએસકે પ્રસાદે કહ્યું હતું કે ‘માહી (મહેન્દ્રસિંહ ધોની)ને ઈજા થશે તો જ બીજા વિકેટકીપરની જરૂર પડશે. મોટી મૅચોમાં કાર્તિકને ચડિયાતો અનુભવ હોવાથી અમે તેને પસંદ કર્યો છે.’

ભારતના કૅપ્ટન વિરાટ કોહલીએ આઇપીએલની શરૂઆત પહેલાં જ કહ્યું હતું કે ‘આઇપીએલમાંના ખેલાડીઓના પર્ફોર્મન્સની કોઈ જ અસર વર્લ્ડ કપની ટીમના સિલેક્શન પર નહીં જોવા મળે.’

આઇપીએલમાં પંત (245 રન, 14 શિકાર)ની તુલનામાં કાર્તિક (111 રન, 4 શિકાર)નો પર્ફોર્મન્સ નબળો હોવા છતાં કાર્તિકને પસંદ કરાયો એ મુદ્દે સોમવારની પત્રકાર પરિષદમાં ચીફ સિલેક્ટર પ્રસાદને સૌથી વધુ સવાલ પંતની અવગણના સંબંધમાં પૂછાયા હતા. પ્રસાદે જવાબમાં કહ્યું, ‘અમે સૌથી વધુ ચર્ચા પંત-કાર્તિકના મુદ્દે કરી હતી. અમે નક્કી કર્યું હતું કે તેમના બેમાંથી એક જ જણ ટીમમાં સામેલ થઈ શકશે. અમને થયું કે જો માહી ઈજા પામશે અને તેની ગેરહાજરીવાળી એ મૅચ જો ક્વૉર્ટર ફાઇનલ કે સેમી ફાઇનલ કે ફાઇનલ હશે તો એવી પ્રેશરવાળી મૅચ માટે દિનેશ કાર્તિક જ યોગ્ય કહેવાય અને એ વિચારીને અમે પંતને સિલેક્ટ નહોતો કર્યો.’

ભારતીય ટીમમાં પાંચ સ્પેશિયાલિસ્ટ બૅટ્સમેનો, બે વિકેટકીપરો, ત્રણ ઑલરાઉન્ડરો, ત્રણ સ્પેશિયાલિસ્ટ સ્પિનરો તેમ જ ત્રણ ફાસ્ટ બોલરોનો સમાવેશ છે.

હાર્દિક પંડ્યા અને વિજય શંકર ચોથા પેસ બોલર તરીકે ઉપયોગમાં આવનારા હોવાથી બુમરાહ, ભુવનેશ્ર્વર અને શમી ઉપરાંતના ચોથા વધારાના પેસ બોલરને ટીમમાં સમાવવાનું સિલેક્ટરોને ઠીક નહોતું લાગ્યું. જોકે, પ્રસાદે કહ્યું હતું કે ‘નવદીપ સૈની તથા ખલીલ એહમદના નામ પર પણ ચર્ચા થઈ હતી.’ એવું મનાય છે કે સૈની અને ખલીલને અને બીજા બે પેસ બોલરોને સ્ટૅન્ડ-બાય પેસ બોલરો તરીકે ટીમ સાથે ઇંગ્લૅન્ડ મોકલવામાં આવશે.

વર્લ્ડ કપની મોટા ભાગની મૅચોમાં જસપ્રીત બુમરાહ તથા મોહંમદ શમી મુખ્ય બે પેસ બોલર તરીકેની ભૂમિકામાં જોવા મળશે અને ભુવનેશ્ર્વર કુમાર તેમનો બૅક-અપ પેસર (થર્ડ પેસ બોલર) કહેવાશે.

30મી મેએ વિશ્ર્વ કપની પ્રથમ મૅચ યજમાન ઇંગ્લૅન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે લંડનના ઓવલ મેદાન પર રમાશે. ભારતનો પ્રથમ મુકાબલો પાંચમી જૂને સાઉથ આફ્રિકા સાથે થશે. ભારત-પાકિસ્તાન વચ્ચેની ટક્કર 16મી જૂને મૅન્ચેસ્ટરમાં નિર્ધારિત છે.

વર્લ્ડ કપની ફાઇનલ 14મી જુલાઈએ લંડનના લૉર્ડ્સ ખાતે રમાશે.

વર્લ્ડ કપની ટીમ: વિરાટ કોહલી (કૅપ્ટન), રોહિત શર્મા (વાઇસ-કૅપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, કેદાર જાધવ, મહેન્દ્રસિંહ ધોની (વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), વિજય શંકર, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્ર્વર કુમાર, મોહંમદ શમી અને જસપ્રીત બુમરાહ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

W305T2
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com