21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મારે તો સ્વિટ્ઝર્લેન્ડ જ જવું છે

મસ્તરામની મસ્તી-મિલન ત્રિવેદીબાર મહિનાના કેલેન્ડરમાં આમ જુઓ તો માર્ચ મહિનો છે એ સૌથી વધારે ચિંતાગ્રસ્ત તણાવગ્રસ્ત ટેન્શનવાળો મહિનો છે. નહિ, નહિ, તમે વિચારો છો તેવું નથી. મારે કોઈ ઇન્કમટેક્સ કે જીએસટી સાથે લેવાદેવા નથી. મારે તો દીકરાનું વેકેશન પડે અને મા-દીકરો ઉપાડો લે એ ટેન્શન. ફેબ્રુઆરીની શરૂઆતથી જ તેનું વર્તન બહુ સુધારા ઉપર આવી જાય છે. મને ચિંતા થવા માંડે કે આટલું બધું માયાળું, દયાળું વર્તન મારી સાથે શા માટે કરે છે? જરૂરથી કાંઈક નવું આવવાનું છે. અને માર્ચની શરૂઆત થતાં દીકરાની પરીક્ષાની તારીખ આવી જાય એટલે મારી પર મા-દીકરો ઘોડો ઘોડો થઈ જાય, કે ચાલો વેકેશનમાં આ વર્ષે તો ફોરેન જવું જ છે. અને એ પણ સ્વિટ્ઝર્લેન્ડ એટલે તાત્કાલિક ટિકિટ બુક કરો, હોટેલ બૂક કરો અને આ પંદર-વીસ દિવસ દરમિયાન તમારે કોઈ કાર્યક્રમની તારીખ હોય તો કેન્સલ કરો. જોકે મેં એક કે બે વાર એવા પ્રયત્નો કર્યા પણ ખરા કે આપણે જઈએ પણ એક કામ કરો સ્વિટ્ઝર્લેન્ડનો સ્પેલિંગ મા-દીકરો બંને બોલીને દેખાડો. કારણકે સ્વિટ્ઝર્લેન્ડવાળા વિઝા વખતે એ પૂછે છે. તમે નહીં માનો બે વાર મેં ઠેકાડયા પછી હવે ચેકોસ્લોવાકિયાનો સ્પેલિંગ પણ એ લોકોએ મોઢે કરી લીધો છે.

હું જ્યારે ભણતો હતો ત્યારે મને એમ થતું હતું કે બે વેકેશન વચ્ચે નાનકડું ભણવાનું સેશન હોવું જોઈએ. પરંતુ અત્યારે હવે એવું થાય છે કે ભણવાનું ભણવાનું અને ભણવાનું જ હોવું જોઈએ વચ્ચે અઠવાડિયાનું પણ વેકેશન હોવું ન જોઈએ. એક વખત હતો કે બે દિવસ પણ બહારગામ જઈએ તો મજા આવી જતી. પરંતુ હવે અઠવાડિયા દસ દિવસનો પણ ટચુકડો પ્રવાસ ગણાય છે. ટુર તો પંદર દિવસની જ હોવી જોઈએ આવું મારા ઘરવાળાના મગજમાં કીટી પાર્ટીની બહેનોએ ઘર કરી દીધું છે. ધણીનું લોહી પીવામાં માત્ર પોતાનું બૈરું જ હોય એવું નથી.

બૈરાને કચકચ કરવા માટે ઓક્સિજન પૂરો પાડતી કીટી પાર્ટીઓ પણ એટલી જ જવાબદાર હોય છે. પોતાનો ધણી સો કિલોમીટરની ત્રિજ્યામાંથી ક્યારેય બહાર ન કાઢતો હોય પણ બીજાના કુટુંબને હજારો કિલોમીટર દૂર મોકલવાની ફિરાકમાં જ પડ્યા હોય. આવા બૈરાઓને મને તો એમ થાય કે મારા ખર્ચે આંદામાન નિકોબાર કે આફ્રિકાના જંગલોમાં મોકલી દઉં. પાછા જ ના આવવા જોઈએ. અહીં ગિઝરના બજેટમાં વોશિંગ મશીન લેવાનું હોય એવા સંજોગોમાં ફોરેન ટુર કઈ રીતે કરવી?

વેકેશનનો મહિનો એટલે ‘મામાનો મહિનો’ એવું કહેવાતું કારણ કે છોકરાઓ અને પત્ની વેકેશનની રાહ જોતા હોય, તેને પિયર જવું હોય, છોકરાઓને મામાનું ઘર યાદ આવે, અને પુરુષ પણ હોંશેહોંશે એ બંનેને મોકલે કારણે તેને પણ વેકેશન મળતું હોય. પરંતુ હવે મામાઓ પણ પહેલાં જેવા નથી રહ્યા. મામા સારા હોય તો મામીઓ દાધારીંગી હોય. ભાણો કે ભાણી નાના હોય અને મામી તેડે કે તરત જ રોવા માંડે.

આપણને એમ થાય કે હાથ ફર્યો એટલે કદાચ રોતા હશે પરંતુ આ મામીઓ ઝીણી ઝીણી એટલી બધી ચુંટીઓ ખણે કે બીચારા રોવા માંડે અને ક્યારેય મામા કે મામીના ઘરે જવાનું નામ ન લે. આવા ષડયંત્રો રચાવા શરૂ થઈ ગયા છે. જોકે ભાણિયાઓ પણ સીધા નથી હોતા અને સર્જિકલ સ્ટ્રાઈક કરતા હોય તેમ મામાનું એક મહિનાનું બજેટ દસ દિવસમાં વિખી નાખે પછી મામા કે મામી પણ શું કામ રાજી થઈ અને બોલાવે? બૈરી પણ પૂરું નણંદપણું દેખાડે આ બધા જ સંજોગોમાં હવે મામા મહિનો ફરવાનો મહિનો થઈ ગયો છે.

બે વેકેશનથી હું અલગ-અલગ ડેસ્ટિનેશનના પેમ્પલેટ દેખાડી અને લઈ જતો નથી પરંતુ આ વખતે મા અને દીકરો બંને સ્વિટ્ઝર્લેન્ડ જવું જ છે તેવું નક્કી કરીને બેઠા છે. સમગ્ર વાતની જાણ ચુનિયાને કરી અને મદદ માટે અહલેક નાખી. મને પહેલીવાર એક નવો નિયમ જડયો કે નીચ માણસના શરણે થઈ જાવ તો તે તમારા માટે ઘણું કરી શકે છે. ચુનિયા એ રાત્રે મને બે પડીકી આપી હતી. તે દીકરાને અને ઘરવાળીને દૂધમાં પિવરાવી દીધી અને ઘસાટ ઊંઘાડી દીધા. ચુનિયાએ અડધી રાત્રે જ અમને ત્રણેયને ઉપાડ્યા અને તેના એક મિત્રનો આઇસક્રીમનો કોલ્ડ સ્ટોરેજ હતો તેમાં ઘરવાળીને અને છોકરાને ઊંઘતા જ ઉભા કરી દીધા. મહામહેનતે જગાડી ચુનિયાએ પૂછ્યું ’ભાભી કેમ લાગે છે સ્વિટઝર્લેન્ડની ઠંડી? મજા આવે છે ને?’ પણ મોબાઈલ વાઈબ્રેટ મોડમાં મુક્યો હોય તેમ જડબું વાઇબ્રેટ થતું હતું. તમે નહીં માનો ભાઈબંધ ના આઇસ્ક્રીમનાં ખોખામાંથી ગોળા બનાવી બનાવી અને અમને માર્યા. આઈસ્ક્રીમની પથારી ફેરવી નાખી મહા-મહેનતે અમે તેને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો તેમ છતાં પાંચ મિનિટ સુધી તો બહાર ન જ કાઢી શક્યા. અને પછી બંનેને બહાર કાઢી અને પૂછ્યું કે આના કરતાં વધારે ઠંડી સ્વિટ્ઝર્લેન્ડમાં હોય છે બોલો જવું છે? તો તરત જ ડગતી દાઢીએ મારી ઘરવાળી બોલી ’આટલી વારમાં બહાર કેમ કાઢી? મજા આવતી’તી. હવે જો ના પાડીએ તો ઘરમાં ડખો થાય અને હા પાડી એ તો હું ખેંચાઈ જાઉં.

ચિંતામાં ને ચિંતામાં મારું વજન પાંચ કિલો વધી ગયું. મારી ઘરવાળી એ તરત જ કહ્યું કે, ’જોયું તમે એકવાર અમને આનંદમાં રાખો એટલે કુદરત કેવું તમારી સામે જુએ છે, ગાલના ગટ્ટા કાઢી ગયા છો. કોઈ પણ ને પૂછો.’ છેવટે એવું નક્કી કર્યું કે સ્વિટ્ઝર્લેન્ડ લઈ જાઉં. સાત દિવસની ટુર અને સાતેય દિવસમાં જમવાનું ઘરનું તેવો આગ્રહ રાખવો તો કદાચ એવું બને કે ના પાડી દે પણ મારી એ વાત પણ મા-દીકરાએ મંજૂર રાખી. હવે ખરેખર હું બંધ ગલીમાં આવી ગયો.

સ્વિટ્ઝર્લેન્ડ પ્રવાસ ન થાય તે માટે બનતા તમામ પ્રયત્નો કર્યા. મે તો વિશ્ર્વભરના છાપાઓ પણ ડાઉનલોડ કર્યા કે ક્યાંક ‘સ્વિટ્ઝર્લેન્ડમાં તોફાન થયું છે’ તેવા નાનકડા પણ સમાચાર વાંચવા મળે તો ઘરવાળી ને એ ન્યુઝ એન્લાર્જ કરીને પણ મનાવી શકાય. ચુનીયો તો ગુજરાતીમાં એક છાપું પણ છપાવીને આવ્યો કે ‘સ્વિટ્ઝર્લેન્ડમાં એસ.ટી. બસમાં બેઠેલા એક પ્રવાસી સાથે સ્થાનિક લુખ્ખાએ કરેલો ડખ્ખો’ મારો મગજનો પિત્તો હલી ગયો. ચુનિયાને ખખડાવ્યો કે ‘આ ગુજરાતીમાં સ્વિટઝર્લેન્ડમાં છાપું કોણ તારા બાપુજી છાપવા ગયા હતા? અને સ્વિટ્ઝર્લેન્ડમાં એસ.ટી.બસ? તારા સાઢુભાઈ ચલાવે છે? મને તરત જ જવાબ આપ્યો કે ‘મિલનભાઈ તમે ઈંટેલીજંટ છો, આ છાપું ભાભી માટે છે’. ખરેખર આ સમાચાર મારી ઘરવાળીએ વાંચ્યા અને તરત જ સાથે એક મોટી સાઇઝની છરી પણ લઈ લીધી અને મને કહ્યું કે ‘હવે તમે ચિંતા કરતા નહીં લુખ્ખાનો બાપ આવે તો પણ આપણને કાંઈ નહીં કરી શકે’. મેં તેને કહ્યું કે, ‘એરપોર્ટ ઉપર પૂછશે કે આવડી મોટી છરી શુ કામ સાથે રાખી છે? તો શું જવાબ આપીશ? મને તરત જ જવાબ આપ્યો કે ‘ચિંતા કરો માં હું કહી દઇશ કે ડુંગળી સમારવા માટે સાથે રાખી છે’. ‘પહેલી વાર મને એવું થયું કે હું ફરવા નહીં પણ ધીંગાણે જઈ રહ્યો છું અને એ પણ અતિ બુદ્ધિશાળી ગુંડી સાથે. ઘરવાળી પાસે આવડી મોટી છરી જોઈ અને પહેલો વિચાર એ આવ્યો કે આ ગૃહિણી છે છતાં આવડી છરી રાખે છે જો આ અંડરવર્લ્ડમાં હોત તો શું થાત? પહેલીવાર મેં પીછેહઠ કરી અને ચુનિયાને કહ્યું કે ‘જેટલા રૂપિયા ખૂટે છે. તેની લોન લઈ લઈશ, કોઈ પાસે ઉછીના લઈ લઈશ પણ હવે આ છરી જોયા પછી વધારે ના પાડવી મને યોગ્ય નથી લાગતી.’

અત્યારે તો પેકિંગ પૂરજોશમાં ચાલે છે. ત્રણ પ્રકારના ખાખરા, બે જાતની ભાખરી, મેથીનું અથાણું, ગોળ કેરીનો છૂંદો, રાયતા મરચા, સેવ મમરાની કોથળી, તીખી પુરીનો ડબ્બો, અને કોઈ દેશી ધુનમંડળની જાત્રાની બસ કાઢી હોય અને યાત્રાળુઓ માટે સીધુ-સામાન સાથે લઈ અને રસ્તામાં જ રાંધવાનું હોય તેમ કાચો સામાન પણ પેક થઈ ગયો છે. આ નક્કી સ્વિટ્ઝર્લેન્ડમાં રોડ માથે રસોડું કરશે.

વિચારવાયુ

સારું છે કે આ વેકેશનના મહિનામાં ઇલેક્શન આવી ગયું, નહીં તો હું આ સ્વિટ્ઝર્લેન્ડનો ખર્ચો ક્યાંથી કાઢત?

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Hch84l
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com