31-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
રવીન્દ્ર દવે: ભારતના આલ્ફ્રેડ હિચકૉક

સંભારણાં-સુભાષ છેડાનૂતન અને રાજેશ ખન્નાને બ્રેક આપ્યો

------------------------

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ બાપા કહીને સંબોધતા

------------------------

વૈભવી અને વિન્ટેજ કારના શોખીન હતા

--------------------

પેઇન્ટિંગ, શિલ્પકામ ને સુથારીકામમાં રુચિ હતી

-------------------

કુશળ કસબી, આદરણીય માનવતાવાદી અને સારગ્રાહી ફિલ્મ સર્જક. હિન્દી ફિલ્મોમાં જાણીતા બીજા ફિલ્મસર્જકોનાં નામને જે સ્થાન હિન્દી ફિલ્મ ઈતિહાસમાં મળ્યું છે એવું સ્થાન એમને ન મળ્યું હોવા છતાં અન્યોની સરખામણીમાં મૂઠી ઊંચેરા રહેલા ફિલ્મસર્જકની જન્મ શતાબ્દી છે. આ વ્યક્તિએે દિગ્દર્શક તરીકે ૩૦ ફિલ્મો બનાવીને હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પ્રચંડ ફાળો આપ્યો છે અને હિન્દી સિનેમાને ‘એક સે બઢકર એક’ કલાકારો આપ્યા છે... એમનું નામ છે રવીન્દ્ર દવે. હિન્દી ફિલ્મ ક્ષેત્રમાં ‘રવીનભાઈ’નાં નામે જાણીતા ફિલ્મસર્જકે ૧૯૫૦ના દશકના આરંભથી ૧૯૬૦ના પાછલા સમયગાળા સુધીમાં વિવિધ વિષયો પર સંખ્યાબંધ ફિલ્મો આપી છે, જેમાં ‘નગીના’ (૧૯૫૧), ‘આગ્રા રોડ’ (૧૯૫૭), ‘પોસ્ટ બૉક્સ ૯૯૯’ (૧૯૫૮), ‘સટ્ટાબાઝાર’ (૧૯૫૯), ‘દુલ્હા દુલ્હન’ (૧૯૬૪) અને ‘રાઝ’ (૧૯૬૭)નો સમાવેશ થાય છે.

સ્વ. રવીન્દ્ર દવે પીઢ, કૌશલ્યવાન ફિલ્મ નિર્માતા, દિગ્દર્શક, પ્રોડક્શન મૅનેજર, ઍડિટર, પટકથા લેખક હતા જેમણે ભારતીય સિનેમાના આત્માને ધબકતો રાખ્યો અને ગુજરાતી સિનેમાને સુવર્ણકાળ પણ આપ્યો હતો. તેમનો જન્મ બ્રિટિશકાળના હિન્દુસ્તાનમાં કરાચી ખાતે ૧૬ એપ્રિલ, ૧૯૧૯ના દિવસે થયો હતો. રવીન્દ્ર દવે ઝાલાવાડી ગુજરાતી બ્રાહ્મણ અને તેમના વડવાઓ મૂળ હળવદના હતા. રવીન્દ્ર દવેનું ભણતર અને ઉછેર વગેરે ફિલ્મ ક્ષેત્રમાં ત્યારના દિગ્ગજ ફિલ્મસર્જક દલસુખ પંચોલીની નિશ્રામાં થયો હતો. દલસુખ પંચોલી રવીન્દ્રભાઈના મામા થતા હતા. પંચોલીના લાહોર ખાતેના સ્ટુડિયોમાં રવીન્દ્રભાઈએ ૧૪ વર્ષની વયે પંજાબી ફિલ્મોમાં દલસુખમામાના શિક્ષણમાં પ્રોડક્શન મૅનેજર તરીકે કામનો આરંભ કર્યો હતો. પંચોલી નામવંત અને પંદરમાં પુછાતા નિર્માતા હતા. કેટલોક સમય આ પદ પર કામ કર્યા પછી ભાણિયો હવે આખી ફિલ્મનું દિગ્દર્શન કરી શકે એવો ભરોસો પંચોલીને પડ્યો, ત્યારે રવીન્દ્ર દવેની વય માત્ર ૨૩ વર્ષની હતી. દવેએ વર્ષ ૧૯૪૩માં દિગ્દર્શક તરીકે ફિલ્મ ‘પૂંજી’થી આરંભ કર્યો. વિષ્ણુ આર. પંચોલી ફિલ્મના સહદિગ્દર્શક હતા. પિતાને ફરી લગ્ન કરતા અટકાવવા મથતી ત્રણ બહેનોની આસપાસ ફિલ્મની કથા ઘૂમતી હતી અને ફિલ્મ હિટ થઈ હતી. ફિલ્મનું સુમધુર અને અપ્રતિમ સંગીત એનું વિલક્ષણ અંગ હતું.

બીજી ફિલ્મ ‘ધમકી’ (૧૯૪૫)થી રવીન્દ્ર દવેએ રહસ્યવાદી ફિલ્મ ક્ષેત્રમાં હાથ અજમાવ્યો હતો અને આ ફિલ્મથી તેઓ સ્વતંત્ર દિગ્દર્શક બન્યા હતા. તેમની ફિલ્મો સામાજિક વિષયોની નાટ્યાત્મકતાથી માંડીને હળવી કૉમેડી, પૌરાણિક, દેશપ્રેમ, મર્ડર મિસ્ટ્રી, રહસ્ય સુધી અને ભારતીય સંસ્કૃતિ કલા અને ક્રાઈમ થ્રિલર જેવી વિવિધતા લાવનારી હતી. રવીન્દ્ર દવેના સમકાલીનોમાં કમાલ અમરોહી, બિમલ રોય, રાજ ખોસલા અને યશ ચોપરાએ પણ સસ્પેન્સ અને થ્રિલર ફિલ્મો આપી છે, તેમ છતાં સસ્પેન્સ પ્રકારની ફિલ્મોમાં રવીન્દ્રભાઈની જે ‘માસ્ટરી’ હતી તેને પ્રતાપે તેમને ‘ભારતના આલ્ફ્રેડ હિચકોક’ તરીકે નવાજવામાં આવ્યા હતા.

પચાસમા દશકના આરંભ કાળમાં સૅન્સર બૉર્ડના ધોરણો અનુસાર તેમની ફિલ્મ ‘નગીના’ (૧૯૫૧)ને બાળકો માટે બહુ ડરામણી ગણવામાં આવી હતી. કદાચ એ પહેલી હિન્દી ફિલ્મ હતી જેને ‘એ’-એડલ્ટ્સ ઑન્લી (ફક્ત પુખ્ત વયનાઓ માટેનું) સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. ફિલ્મની ૧૫ વર્ષની સ્ટાર નૂતન ત્યારે કૌટુંબિક મિત્ર શમ્મી કપૂરની સાથે ફિલ્મના પ્રીમિયરમાં ગઈ હતી, પણ તેને થિયેટરમાં પ્રવેશવા દેવાઈ નહોતી. આ ફિલ્મે નૂતનને ફિલ્મ ઉદ્યોગમાં બ્રેક આપ્યો હતો તો નવા ગાયક સી. એચ. આત્માને પણ શંકર-જયકિશનના સંગીતમાં મેદાન આપવામાં આવ્યું હતું. એ પછી રવીન્દ્ર દવેએ સંખ્યાબંધ મિસ્ટ્રી અને સસ્પેન્સ ફિલ્મો બનાવી જેમાં ‘મોતીમહાલ’ (૧૯૫૨), ‘ચાર મિનાર’ (૧૯૫૬), ‘આગ્રા રોડ (૧૯૫૭)નો સમાવેશ છે. ‘આગ્રા રોડ’માં તેમણે હીરો તરીકે વિજય આનંદને પહેલીવાર રજૂ કર્યા હતા. તેમની ફિલ્મ ‘રાઝ’ (૧૯૬૭) રાજેશ ખન્નાએ સાઈન કરેલી પહેલી ફિલ્મ હતી. રાજેશ ખન્ના અને બબીતાની જોડી આ ફિલ્મથી આવી. કમનસીબે આ ફિલ્મ વિલંબમાં પડી અને ‘આખરી ખત’ (૧૯૬૬) રાજેશ ખન્નાની પહેલી ફિલ્મ બની હતી અને બબીતાની પહેલી આવેલી ફિલ્મ ‘દસ લાખ’ (૧૯૬૬) હતી.

પંચોલી ફિલ્મ્સના બૅનર હેઠળ કાર્યરત રહેલા રવીન્દ્ર દવેએ વર્ષ ૧૯૫૬માં ‘નગીના ફિલ્મ્સ’નું પોતાનું આગવું બૅનર ખડું કર્યું હતું અને ઘણી ઉત્તમ તથા સફળ ફિલ્મો બનાવી, જેમાં બલરાજ સહાની અને મીનાકુમારીને ચમકાવતી ફિલ્મ ‘સટ્ટાબાઝાર’ (૧૯૫૯) તથા રાજ કપૂર અને સાધનાને ચમકાવતી ફિલ્મ ‘દુલ્હા દુલ્હન’ (૧૯૬૪)નો સમાવેશ થાય છે.

હિન્દી ફિલ્મોમાં લાંબી અને સફળ કારકિર્દી બાદ રવીન્દ્ર દવેએ અકસ્માતે કે સંજોગોના માર્યા ગુજરાતી ફિલ્મ ક્ષેત્ર ભણી સુકાન ફેરવ્યું હતું. હિન્દીમાં કેટલીક નિષ્ફળતા બાદ તેમણે ગુજરાતીમાં બીજી સફળ ઈનિંગ શરૂ કરી. તેમની પહેલી ગુજરાતી ફિલ્મ ‘જેસલ તોરલ’ (૧૯૭૧) એવી ‘મીલ કા પથ્થર’ બની રહી કે આ ફિલ્મે તેમની બીજી ઈનિંગની કારકિર્દી સહિત દિગ્ગજ નાટ્ય કલાકાર ઉપેન્દ્ર ત્રિવેદી અને પહેલી વાર કૉમેડિયન તરીકે ચમકતા રમેશ મહેતા માટે પણ ફિલ્મ કારકિર્દીના સફળ અને વર્ષો સુધી ચાલતા માર્ગને ખોલી આપ્યો હતો. આજે પણ આ ફિલ્મને માનભેર યાદ કરવામાં આવે છે. ફિલ્મે ગુજરાત રાજ્યના વિવિધ ૧૭ અવૉર્ડ જીત્યા હતા. આ ફિલ્મથી ગુજરાતી ફિલ્મોની બજારનો નકશો અંકાયોે હતો. ઉપેન્દ્ર ત્રિવેદી રવીન્દ્ર દવેને તેમના આદર્શ, સલાહકાર અને માર્ગદર્શક ગણાવતા હતા. રવીન્દ્ર દવે અને ઉપેન્દ્ર ત્રિવેદી તથા અવિનાશ વ્યાસનું સહિયારું પ્રદાન અનેક વર્ષો આવ્યું છે. રવીન્દ્ર દવેની કુલ ૨૬ ગુજરાતી ફિલ્મોમાંથી ૧૬ ફિલ્મમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને ૨૦ ફિલ્મોમાં સંગીતકાર તરીકે અવિનાશ વ્યાસનો સંગાથ રહ્યો હતો. હિન્દી ફિલ્મો કરતાં તેમણે અહીં જુદી રીતે કામ કર્યું હતું. હિન્દી ફિલ્મોમાં તેમણે ક્યારેય સ્ટાર, કાસ્ટ અથવા સંગીતકારોને રિપીટ કર્યા નહોતા.

પૃથ્વીરાજ કપૂરને આખો ફિલ્મ ઉદ્યોગ જેમ ‘પાપાજી’ કહીને બોલાવતો એમ આખો ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ રવીન્દ્ર દવેને ‘બાપા’ કહીને સંબોધતો હતો. રવીન્દ્ર દવેએ ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશીને તેમના અગાઉ સાધારણ પ્રકારની ફિલ્મો બનતી હોવાનો જે ચાલ હતો તે સદંતર નાબૂદ કરી નાખ્યો હતો. તેમણે ગુજરાતી ફિલ્મોને ટેક્નિકની દૃષ્ટિએ ઉત્તમ અને હિન્દી ફિલ્મોની તોલે ઊભી રહે એવી બનાવવા માટે સતત પરિશ્રમ કર્યો હતો. તેમણે તેમની પહેલી ફિલ્મ ઈસ્ટમેન કલર બનાવી હતી. ‘જેસલ તોરલ’ની પ્રચંડ સફળતા અને લોકપ્રિયતા બાદ રવીન્દ્ર દવેએ ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે લાંબી અને સફળ ઈનિંગ ખેલી હતી. તેમણે ‘રાજા ભરથરી’ (૧૯૭૩), ‘હોથલ પદમણી’ (૧૯૭૪), ‘કુંવરબાઈનું મામેરું’ (૧૯૭૪), ‘શેતલને કાંઠે’ (૧૯૭૫), ‘માલવપતિ મુંજ’ (૧૯૭૬), ‘ભાદર તારા વહેતા પાણી’ (૧૯૭૬), ‘સોન કંસારી’ (૧૯૭૭) અને ‘પાતળી પરમાર’ (૧૯૭૮) જેવી હિટ ફિલ્મો સતત આપી હતી. આ તમામ ફિલ્મોએ સિલ્વર જ્યૂબિલી કરી હતી. રવીન્દ્ર દવે પોતે જ પોતાના હરીફ હતા. તેમણે હિન્દી અને ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે નવા રેકોર્ડ બનાવ્યા અને એ જ રેકોર્ડ તોડી નવેસરના વિક્રમો સર્જ્યા હતા. તેમની છેલ્લી ફિલ્મ એમના જૂના સાથી અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદી અને અરૂણા ઈરાની તથા મૂળરાજ રાજડાને ચમકાવતી ‘માલો નાગદે’ (૧૯૮૫) હતી.

એમનાં પેંગડામાં પગ મૂકવા અનેક ટેક્નિશિયનો અને ફિલ્મસર્જકો આવ્યા પણ કોઈ જ રવીન્દ્ર દવે જેવી ચમક દેખાડી શક્યા નહોતા. એનું કારણ હતું રવીન્દ્ર દવેનું તેમની પડખે સતત અડીખમ ઊભું રહેલું, વર્ષોનું સંગાથી યુનિટ. આ યુનિટ રવીન્દ્ર દવેનું વિસ્તારિત કુટુંબ જ હતું. રવીન્દ્ર દવેનાં જીવનસાથી જસુમતીબહેને આ યુનિટની એક વિશાળ કુટુંબનાં મોભીની જેમ સંભાળ લીધી હતી અને તેમના કારણે જ આખું યુનિટ સંગઠિત રહી શક્યું હતું.

રવીન્દ્ર દવેના પિતરાઈ પ્રતાપ દવે ફિલ્મ ‘પોસ્ટબૉક્સ ૯૯૯’થી તેમના સિનેમેટોગ્રાફર હતા. તેમના નાના ભાઈ કાંતિલાલ દવે ફિલ્મ ‘જેસલ તોરલ’થી નિર્માતા બન્યા હતા. કાંતિલાલના પુત્ર ભરત દવે ફિલ્મ ‘સંત સુરદાસ’થી નિર્માતા બન્યા હતા. તેમના અન્ય એક નાના ભાઈ રમેશ દવે પ્રોડક્શન ઈનચાર્જ બનીને રહ્યા હતા.

રવીન્દ્ર દવે વૈભવી વિન્ટેજ કારના શોખીન હતા અને ઑસ્ટિન, સિલ્વર કલરની શૅવરલેટ’, કાળા રંગની હડસન, પ્લીમાઉથ, બ્યૂક, ઍમ્બેસેડર અમે ફિયાટ જેવી અનેક સ્વપ્ન-કાર ધરાવતા હતા. તેમણે પીળા રંગનું એક સ્ટેશન વૅગન અભિનેત્રી સાધનાને ભેટ તરીકે આપ્યું હતું. તેમને કાર હંકારવાનો પણ એવો જ શોખ હતો. વળી, તેમને કારનું જતન અને સમારકામ કરતાં પણ આવડતું હતું. પોતાની નવરાશની પળોમાં જાતે જ કારનું સમારકામ કરતાં, એવું એમના કૌટુંબિક સભ્યો કહે છે. કાર ઉપરાંત તેમને સુથારીકામમાં પણ ભારે રસ હતો. તેઓ બાળકોનાં ડાઈનિંગ ટૅબલ માટે ખુરશી બનાવતા. એ સાથે રવીન્દ્રભાઈ ઉત્સાહી પેઈન્ટર અને શિલ્પી પણ હતા! સારું ભોજન ખાવાના શોખીન અને રમૂજો કરવામાં માહેર હતા. રવીન્દ્ર દવે વાંચનના રસિયા હતા અને ગુજરાતની લોકકલા અને કલાકારોને શોધી કાઢવાનું તેમને ગમતું હતું.

કારકિર્દીના છેલ્લા તબક્કામાં તેમણે પરત હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં સક્રિય થવાનું બીડું ઝડપ્યું હતું. ‘મેરા પતિ મેરા કાતિલ’ ટાઈટલ ધરાવતી એ પટકથા હિન્દી ફિલ્મના અભિનેતા-નિર્માતા રાકેશ રોશનને સંભળાવી, રવીન્દ્ર દવેની કથળતી જતી તબિયત અને નાણાકીય સમસ્યાઓને કારણે તેમના ડ્રીમ પ્રોજેક્ટ સમાન આ ફિલ્મ પ્રોડક્શનના તબક્કે પણ ન પહોંચી શકી. જોકે, આ જ પ્રકારની સ્ટોરી પરથી રાકેશ રોશને ‘ખૂન ભરી માંગ’ નામની ફિલ્મ (૧૯૮૮માં) બનાવી. આ ફિલ્મથી અભિનેત્રી રેખા અને નિર્માતા-દિગ્દર્શક રાકેશ રોશનની કારકિર્દિ બની ગઈ હતી.

રવીન્દ્ર દવે જિનિયસ ફિલ્મસર્જક હતા એવું કહેવામાં અતિશયોક્તિ નથી. એમણે હિન્દી અને ગુજરાતી સિનેમાની અંદર ખરા અર્થમાં ક્રાંતિ કરી હતી!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

525nS41A
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com