21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કૉંગ્રેસ-એનસીપીનો ૫૬ પક્ષોનો શંભુમેળો, બધાં માટે ફાયદાનો સોદો
એકસ્ટ્રા અફેર -રાજીવ પંડિત

મહારાષ્ટ્રમાં ભાજપ ને શિવસેનાના જોડાણનું ગૂંચવાયેલું કોકડું ક્યારનુંય ઉકેલાઈ ગયેલું ને બંનેએ પોતપોતાના ઉમેદવારો પણ જાહેર કરવા માંડ્યા છે ત્યારે શરદ પવારની એનસીપી અને કૉંગ્રેસનો મેળ નહોતો પડતો. કૉંગ્રેસ ને એનસીપી સાથે મળીને ચૂંટણી લડશે એ બહુ પહેલાંથી નક્કી હતું, પણ બંને કેટલી બેઠકો પર ચૂંટણી લડશે એ નક્કી કરવાનું બાકી હતું. આ મામલે લાંબી ખેંચતાણ ચાલી ને બંને પાર્ટી માટે રાત થોડી ને વેશ ઝાઝા જેવો ઘાટ થઈને ઊભો રહી ગયેલો. ભાજપ-શિવસેનાને પછાડવા માટે બંને પક્ષોએ થોકબંધ પક્ષોને પોતાના પડખામાં લેવા માંડ્યા તેના કારણે સ્થિતિ વધારે ખરાબ થઈ ગયેલી. આ સંઘ કાશીએ પહોંચશે કે નહીં એ વિશે પણ શંકા પેદા થવા માંડેલી ત્યાં બંનેએ બધી લપ બાજુ પર મૂકીને શનિવારે બધું પાકું કરી નાખ્યું.

મહારાષ્ટ્રમાંથી લોકસભાની ૪૮ બેઠકો છે ને નવી ગોઠવણ પ્રમાણે કૉંગ્રેસ ૨૬ બેઠકો પર ને એનસીપી ૨૨ બેઠકો પર લડશે. આ ગોઠવણ પ્રમાણે કૉંગ્રેસ ને એનસીપી બંને પોતપોતાના ક્વોટામાંથી બે-બે બેઠકો સાથી પક્ષો માટે ખાલી કરશે. આ રીતે કુલ ચાર બેઠકો બંને પક્ષ છોડશે. તેમાંથી બે બેઠકો ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપ-શિવસેના સાથે મળીને ચૂંટણી લડનારા રાજુ શેટ્ટીના સ્વાભિમાની શેતકરી સંગઠનને મળશે. કૉંગ્રેસ-એનસીપી બંને એક-એક બેઠક શેટ્ટીની પાર્ટી માટે છોડશે. એ સિવાય કૉંગ્રેસ પાલઘરની બેઠક બહુજન વિકાસ અઘાડી માટે છોડશે, જ્યારે એનસીપી રવિ રાણાની યુવા સ્વાભિમાન પાર્ટી માટે એક બેઠક છોડશે. આ બધી ગોઠવણ પછી કૉંગ્રેસ પાસે ૨૪ ને એનસીપી પાસે ચોખ્ખી ૨૦ બેઠકો રહેશે.

કૉંગ્રેસ ને એનસીપી વચ્ચેનું જોડાણ અપેક્ષિત છે ને એકંદરે બેઠકોની ફાળવણી પણ ધારણા પ્રમાણેની જ છે, પણ મહત્ત્વની વાત બીજી છે. આ ચૂંટણીમાં કૉંગ્રેસ-એનસીપી જે ખેલ ખેલી રહ્યાં છે એ બહુ મોટો છે ને ભારતના રાજકારણમાં આ પહેલાં આવો ખેલ નહીં થયો હોય. કૉંગ્રેસ-એનસીપીએ ભેગાં મળીને મહા અઘાડી એટલે મહાગઠબંધન બનાવ્યું છે. આ મહાગઠબંધન સાથે મળીને લોકસભાની આ ચૂંટણી લડવાનું છે ને આ મહા અઘાડીમાં કેટલા પક્ષો છે ખબર છે ? પૂરા છપ્પન પક્ષો. સાંભળીને આંચકો લાગી જશે, પણ આ સાવ સાચી વાત છે. આ પૈકી બધા રાજકીય પક્ષો તરીકે માન્યતાપ્રાપ્ત નથી તેથી સંગઠનો તરીકે ઓળખાય છે, પણ તેમની પ્રવૃત્તિ રાજકીય છે તેથી એ બધા રાજકીય પક્ષો જેવા જ છે.

આપણે ત્યાં રાષ્ટ્રીય કક્ષાએ રચાતા મોરચાઓમાં ચાલીસ-પચાસ પક્ષો હોય એમાં કશું નવું નથી. અત્યારે ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએમાં જ ૪૮ પક્ષ છે. આ પહેલાં યુપીએ અને યુનાઈટેડ ફ્રન્ટ કેન્દ્રમાં સત્તામાં હતાં ત્યારે એટલા રાજકીય પક્ષો તેમાં હતા જ. આ પૈકી મોટા ભાગના રાજકીય પક્ષો નાનાં નાનાં રાજ્યોના હતા. ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં લોકસભાની એક-બે બેઠકો ધરાવતા પક્ષો છે એ જેની સત્તા હોય તેની પંગતમાં બેસી જવા માટે જાણીતા છે. એ બધા આ મોરચાઓમાં જોડાઈ જતા ને એ રીતે મોટું ટોળું ભેગું થતું. ભાજપે પણ એ રીતે મોટું ટોળું ભેગું કર્યું છે પણ એ બધું રાષ્ટ્રીય સ્તરે થાય છે. કોઈ રાજ્યમાં આવું થયું નથી ને એ રીતે કૉંગ્રેસ-એનસીપીએ મોટો ખેલ ખેલ્યો છે.

મહારાષ્ટ્રમાં મર્યાદિત વિસ્તારમાં પ્રભાવ ધરાવતા હોય છતાં મોટા પક્ષોની બાજી બગાડી શકે એવા ઘણા નાના નાના પક્ષો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના, બહુજન વિકાસ અઘાડી, પીઝન્ટ્સ એન્ડ વર્કર્સ પાર્ટી ઓફ ઈન્ડિયા, ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલીમીન, રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા, સ્વાભિમાની પક્ષ, શિવ સંગ્રામ, રાષ્ટ્રીય સમાજ પક્ષ, ભરીઆપા બહુજન મહાસંઘ, બહુજન મુક્તિ સંઘ સહિતના જાત જાતના પક્ષો મહારાષ્ટ્રમાં છે. આ પૈકી ઓવૈસીની પાર્ટીએ પ્રકાશ આંબેડકર સાથે મળીને નવો મોરચો બનાવ્યો છે પણ મોટા ભાગના ટૂણિયાટ પક્ષો કોંગ્રેસ-એનસીપી સાથે છે. મજાની વાત એ છે કે, પાંચ પક્ષોને બાદ કરતાં બીજા પક્ષો તો ચૂંટણી જ લડવાના નથી. લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ, એનસીપી, સ્વાભિમાની શેતકરી પાર્ટી, બહુજન વિકાસ અઘાડી અને યુવા સ્વાભિમાન પાર્ટી એમ પાંચ જ પક્ષોના ઉમેદવારો ઊભા રહેવાના છે. બાકીના ૫૧ પક્ષો કે સંગઠનોના તો સમ ખાવા પૂરતા એક પણ ઉમેદવાર ઊભા રહેવાના નથી. એ છતાં આ બધા પક્ષો ને સંગઠનો કૉંગ્રેસ-એનસીપીના ઉમેદવારોને જિતાડવા મચી પડશે. આપણા રાજકારણીઓ લાભ વિના કશું કરે એવા નથી ત્યારે આ રીતે બીજાની પાલખી ઊંચકીને મજૂરી કરવા આ પક્ષો તૈયાર થાય તેના કારણે ઘણાંને અચરજ થયું છે પણ તેમાં અચરજ પામવા જેવું કશું નથી. અહીં પણ લાભ જોઈને જ બધા રાજકીય પક્ષો લોટવા તૈયાર થયા છે.

મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીના છ મહિના પછી જ વિધાનસભાની ચૂંટણી થવાની છે. કૉંગ્રેસ-એનસીપીની પંગતમાં બેસી ગયેલા આ પક્ષોની નજર આ ચૂંટણી પર છે. આ બધા પક્ષો વન મેન શો જેવા હોય છે. એકાદ વિસ્તારમાં પ્રભાવ ધરાવતો નેતા તંબૂ તાણીને પક્ષ ઊભો કરી નાંખે ને પછી વાગે ત્યાં લગી પોતાની પિપૂડી વગાડે. કૉંગ્રેસ-એનસીપી સાથે જોડાયેલા પક્ષો પણ એવા જ છે ને તેમને વિધાનસભાની ચૂંટણીમાં એકાદ બેઠક મળી જાય તો પણ ભયો ભયો. કૉંગ્રેસ-એનસીપીના જોરે ધારાસભ્ય બની જવાય એવી ગણતરીથી આ પક્ષોના નેતાઓ ટેકો આપી રહ્યા છે.

કૉંગ્રેસ-એનસીપી માટે પણ આ ફાયદાનો સોદો છે. અત્યારે તેણે કશું આપવાનું નથી ને ભવિષ્યમાં સાચવીશું એવો વાયદો આપવા સિવાય કશું કરવાનું નથી. આ બધા પક્ષોની તાકાત અલગ અલગ છે પણ પોતપોતાના વિસ્તારમાં એ લોકો પાંચ-પચીસ હજાર મતોનો ફાયદો કરાવી દે તો પણ તેમના માટે તો વકરો એટલો નફો જ છે. આ પક્ષોના જોરે લોકસભાની ચૂંટણીમાં લેવાય એટલો ફાયદો લઈ લેવાનો ને પછી વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે વાત. શંભુ મેળાના સાથી પક્ષોને પણ આ વાતની ખબર જ હોય કેમ કે એ લોકોની ગણતરી પણ એ જ છે. કૉંગ્રેસ-એનસીપી ફાવે તો તેમની સાથે રહેવાનું, બાકી રામ રામ. એ રીતે આ સોદો બંને માટે ફાયદાનો જ છે.

આ જોડાણ દ્વારા કોંગ્રેસ ને એનસીપી બંનેએ સમજદારી બતાવી છે એ કહેવાની જરૂર નથી. આ સમજદારીના મૂળમાં ૨૦૧૪ની વિધાનસભા ચૂંટણીનો અનુભવ છે. પવારની સમજદારીના કારણે મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ-એનસીપીનું જોડાણ ૧૫ વર્ષ ટક્યું હતું. આ ૧૫ વર્ષ લગી મહારાષ્ટ્રમાં બંનેની સરકાર રહી. એ પછી એવું પણ બન્યું કે, કૉંગ્રેસ કરતાં એનસીપીને વધારે બેઠક મળી. એ વખતે એનસીપીના કેટલાક નેતાઓએ મુખ્યમંત્રીપદને મામલે ડખા ઊભા કરવા મથામણ કરેલી પણ પવારે તેમને ડારો આપીને બેસાડી દીધેલા. આ કારણે મહારાષ્ટ્રમાં ત્રણ ટર્મ લગી ભાજપ-શિવસેના સત્તામાં ના આવી શક્યાં. લોકસભાની ચૂંટણીમાં બંનેને વધારે બેઠકો મળતી પણ વિધાનસભાની ચૂંટણીમાં પનો ટૂંકો જ પડી જતો. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની લહેર હતી તેથી લોકસભાની ચૂંટણીમાં બંને ધોવાઈ ગયેલાં. એ વખતે પણ બંને સાથે મળીને લડેલાં. કૉંગ્રેસે ૨૫ બેઠકો પર લડીને ગણીને ૨ બેઠકો જીતેલી ને એનસીપી ૨૩ બેઠકો પર લડીને ૪ બેઠકો જીતી હતી.

લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના ધોવાણના પગલે એનસીપીએ માથું ઊંચક્યું ને ૨૦૧૪ની વિધાનસભા ચૂંટણીમાં વધારે બેઠકો માંગી તેમાં ડખો થઈ ગયો. કૉંગ્રેસ એનસીપીને વધારે બેઠકો આપવા તૈયાર નહોતી તેમાં બંનેના રસ્તા અલગ થઈ ગયા. એ વખતે કૉંગ્રેસ ૨૮૭ ને એનસીપી ૨૭૮ બેઠકો પર લડેલાં. જે પરિણામ આવ્યાં તેમાં કૉંગ્રેસનો હાથ ઉપર રહેલો ને તેણે એનસીપી કરતાં એક બેઠક વધારે જીતેલી. કૉંગ્રેસે ૪૨ ને એનસીપીએ ૪૧ બેઠકો જીતેલી. જો કે મૂળ વાત એ હતી કે બંનેના હાથમાંથી પંદર વર્ષથી ભોગવતાં હતાં એ સત્તા જતી રહેલી.

પવારે શરૂઆતમાં ભાજપ ભણી ઢળવાનો સંકેત આપેલો. શિવસેના વંકાયેલી હતી ત્યારે પોતાના ધારાસભ્યોને ગેરહાજર રાખીને તેમણે ભાજપને મદદ પણ કરેલી પણ પછી ગમે તે કારણસર પવારનું મન ભાજપ તરફ ખાટું થઈ ગયું. એ પાછા કૉંગ્રેસ તરફ વળ્યા ને એ રીતે પવારે શાણપણ બતાવ્યું જ છે. તેનું કારણ એ કે, કૉંગ્રેસ અને એનસીપી બંને વરસોથી સાથે રહ્યાં છે ને બંનેએ ભેગાં મળીને મહારાષ્ટ્રમાં પંદર વર્ષ લગી કોઈની સરકાર સત્તામાં નહોતી આવવા દીધી. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીનાં પરિણામ બંને માટે સારાં નહોતાં પણ એ વખતે મોદીની લહેર એટલી જોરદાર હતી કે ભલભલા ધોવાઈ ગયેલા. તેના કારણે હતોત્સાહ થયા વિના બંને વિધાનસભામાં સાથે લડ્યાં હોત તો કદાચ સારું પરિણામ મળ્યું હોત.

જો કે જે ના થયું તેની વાત કરવાનો અર્થ નથી. અત્યારે તો બંને સાથે છે ને ભાજપ-શિવસેનાને પડકાર આપી શકે તેમ છે જ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

o05y15
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com