25-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સાચા સર્જકની ઓળખાણ એના શબ્દો- એની શૈલી છે, નહીં કે એનો ફોટો

સૌરભ શાહ1947ની સાલમાં, સાત દાયકા પહેલાં દિલીપકુમારની એક ફિલ્મ આવી હતી - ‘જુગ્નુ’. એમાં મોહમ્મદ રફીએ ઍકિ્ંટગ પણ કરી હતી. એક સીનમાં દિલીપસા’બ અને રફીસા’બ સાથે છે અને રફીસા’બ ગાઈ રહ્યા છે: ‘વો અપની યાદ દિલાને કો એક ઈશ્ક કી દુનિયા છોડ ગયે, જલદી મેં લિપસ્ટિક ભૂલ ગયે, રૂમાલ પુરાના છોડ ગયે.’

ગુલઝારસા’બે ‘બન્ટી ઔર બબલી’ના કજરારેવાળા ગીતમાં ‘પર્સનલ સે સવાલ’ વાપર્યું એના દાયકાઓ પહેલાં હિન્દી ફિલ્મોમાં અંગ્રેજી શબ્દો અનાયાસે આવતા થઈ ગયા હતા. ગુલઝારને એક વખત એ. આર. રહેમાને ‘સાથિયા’ના ઓ હમદમવાળા ગીતમાં સનમ શબ્દ વાપરવાનું કહ્યું હતું. ગુલઝારે પૂછ્યું: કેમ? રહેમાન કહે: મેં ટ્યુન કમ્પોઝ કરતી વખતે ડમી શબ્દો નાખ્યા એમાં સનમ શબ્દ આવતો હતો જે હવે મારી જીભે ચડી ગયો છે, એના વિના મને ગીત અધૂરું લાગશે. ગુલઝારસા’બ કહે: રહેમાન, એ શબ્દ હું નહીં વાપરું મારા ગીતમાં. રહેમાન પૂછે: કેમ? એનો કોઈ ઊલટો મીનિંગ પણ થાય છે? ગુલઝારસા’બ કહે: ના. પણ સનમ શબ્દ હિંદી ફિલ્મના ગીતોમાં એટલી બધી વાર ચવાઈને ચુથ્થો થઈ ગયો છે કે એની ચમક સાવ ઝાંખી બની ગઈ છે.

ગુલઝાર કહે છે કે ‘બલમ’નું પણ એવું જ છે, પરંતુ ગ્રામીણ પરિવેશનું ગીત હોય ત્યારે મારે ‘બલમ’ શબ્દનો ઉપયોગ કરવો પડે તો હું કરું પણ ખરો.

જીવનમાં તમે શું શું કરો છો એ જેટલું અગત્યનું છે એટલું જ મહત્ત્વનું છે તમે શું શું નથી કરતા. જીવન માટેની આ વાત દરેક વ્યક્તિના કામ માટે પણ લાગુ પડે. લખવાના કામ માટે પણ આ વાત એટલી જ સાચી.

‘દરેક સર્જનાત્મક વ્યક્તિનો મિજાજ હંમેશાં એના કામમાં પડઘાતો હોય છે - ચાહે એ સિંગર હોય, ચિત્રકાર હોય, સંગીતકાર હોય’, આવું ગુલઝારે નસરીન મુન્ની કબીરને આપેલા અતિ અતિ દીર્ઘ ઈન્ટરવ્યૂની કિતાબે જિયા ‘જલે’માં કહ્યું છે: ‘તમારા લખાણની શૈલી પરથી, મથાળું અને પેટામથાળું બાંધવાની શૈલી પરથી પણ તમે ઓળખાઈ જાઓ. તમે કયા શબ્દોની પસંદગી કરો છો (અને કયા શબ્દો નથી વાપરતા એનાથી તમે નોખા અને બીજાઓ કરતાં મુઠ્ઠીઊંચેરા) તરી આવો છો.’

જાવેદ અખ્તરે એક વખત ગુલઝારસા’બને કહ્યું હતું: ‘હું જ્યારે કોઈ ગીત સાંભળું ત્યારે એની પ્રથમ પંક્તિ પરથી જ કહી આપું કે આ ગીત તમે લખ્યું છે.’

ગુલઝારસા’બ કહે છે કે, ‘મારા માટે આ બહુ મોટા કૉમ્પ્લીમેન્ટ હતા, કારણ કે મને ખબર છે કે કોઈપણ સર્જક માટે પોતાનો આગવો અવાજ ઊભો કરવાનું કામ કેટલું દુષ્કર છે. જાવેદસા’બ કવિ છે અને ખૂબ સારા ગીતકાર છે એટલે એમના આ શબ્દોનું મૂલ્ય મારા માટે ઘણું મોટું છે. મેં એમની કવિતા વાંચી છે અને મને પણ એ ખબર પડી જતી હોય છે કે આ કે પેલું ગીત એમણે લખ્યું છે. દાખલા તરીકે એમને ઉપમા અલંકાર વાપરવાનું ઘણું ગમે (એક લડકી કો દેખા તો ઐસા લગા જૈસે ખિલતા ગુલાબ, જૈસે શાયર કા ખ્વાબ, જૈસે ઉજલી કિરન, જૈસે બન (વન)મેં હિરન, જૈસે ચાંદની રાત, જૈસે નગ્મે કી બાત, જૈસે મંદિર મેં હો એક જલતા દિયા...). હું ઈન્દિવર, હસરત જયપુરી અને શકીલ બદાયુંનીનાં ગીતો પણ ઓળખી શકું. તેઓ કયા શબ્દોની પસંદગી કરે છે તેના પરથી ખ્યાલ આવી જાય કે કયું ગીત કોેણે લખ્યું છે.’

ગુલઝાર આ તબક્કે કવિતાના અનુવાદ પ્રક્રિયા વિશે એક મહત્ત્વની વાત કરે છે. (કવિતાના અનુવાદ વિશે સુરેશ દલાલે એક વખત પોતાના આગવા અંદાજમાં લખ્યું હતું: ‘કવિતાનો અનુવાદ કરવો એ અત્તરને એક શીશીમાંથી બીજી શીશીમાં ભરવા જેવું છે. થોડીક સુગંધ તો ઓછી થઈ જ જાય.’ સુરેશભાઈની આ અભિવ્યક્તિને કેટલાક ઉઠાંતરવીરોએ આ પોતાના શબ્દો હોય એ રીતે વાપરી છે. ભલું થજો એમનું.) ગુલઝારસા’બ કહે છે કે ‘કોઈ કવિતાનું ટ્રાન્સલેશન કરતી વખતે હું એ કવિએ જે શબ્દચિત્ર ખડું કર્યું છે એનાથી બંધાઈ નહીં જાઉં. હું તો કવિના શબ્દોએ મારામાં જે લાગણી જન્માવી હોય એ લાગણીની આંગળી પકડીને અનુવાદ કરીશ. એ અનુવાદ શબ્દશ: અનુવાદ ન પણ હોય. કવિ પોતાની કવિતામાં શું કહેવા માગે છે, કાવ્યનો મધ્યવર્તી વિચાર શું છે, એના આધારે અનુવાદ થશે...’

હવે સાંભળો અતિ મહત્ત્વની વાત: ‘અનુવાદ કરતી વખતે પ્રાસ મેળવવાની કડાકૂટ કરવાને લીધે તમારે એવા એવા શબ્દો વાપરવા પડે છે જે બિલકુલ જામતા નથી હોતા. કવિતાનો અર્થ, એની પાછળનો વિચાર મહત્ત્વનો હોય છે, નહીં કે પ્રાસ (કે રદીફ-કાફિયાનો મેળ).’

ગુલઝાર-નસરીન મુન્ની કબીરની વાતચીતનો દૌર કાલે આગળ લંબાવીએ એ પહેલાં આજના લેખની શરૂઆત ગુલઝારસા’બે જે વાત કરી એને ઈલોબરેટ કરીએ, થોડીક પર્સનલ વાત કરીને. માર્કેટિંગના જમાનામાં કેટલાય લેખકો પોતાના પુસ્તકો પર પોતાના મોટા મોટા ફોટાઓ છપાવવાનો આગ્રહ રાખતા થઈ ગયા એ જમાનાની વાત છે. કેટલાક તો વળી છેલ્લા પૂંઠા પરની બધી જ જગ્યા પોતાની તસવીર માટે વપરાય એવો આગ્રહ રાખે તો કેટલાક વળી પ્રકાશકને દબાણ કરે કે છેલ્લાં પૂંઠા પર નહીં, આખા મુખપૃષ્ઠ પર છવાઈ જાય એ રીતનો પોતાનો ફોટો છપાવો જોઈએ.

હું દૃઢપણે માનું છું કે જેમ ઍક્ટરે પોતાના વિચારો એના વાચકો સુધી નથી પહોંચાડવાના હોતા, એણે પોતાની ઓળખાણ પોતાના ચહેરા થકી દર્શકો સુધી પહોંચાડવાની હોય છે. એટલે અભિનેતાઓના ફોટા જેટલા છપાય એટલા ઓછા. એમના પ્રોફેશન માટે એમના ફોટા છપાય, છપાતા રહે તે જરૂરી છે, પણ લેખક-કવિ-નવલકથાકાર-સાહિત્યકાર-પત્રકારે એનો ચહેરો વાચકો સુધી નથી પહોંચાડવાનો હોતો પણ એણે પોતાના વિચારોને પોતાની આગવી શૈલીમાં વાચકો સુધી પહોંચાડવાના હોય છે. એટલે મારાં પુસ્તકોના વિવિધ પ્રકાશકોએ મને જ્યારે જ્યારે મારી તસવીર મારા પુસ્તકોમાં છાપવાની વાત કરી છે ત્યારે ત્યારે મેં એમને કહ્યું છે કે: ‘હું થિયેટરમાં કે કોઈ જાહેર જગ્યાએ ગયો હોઉં અને કોઈ વાચક મને જોઈને ઓળખી કાઢે તો મને રાજી થયા જેવું બિલકુલ ના લાગે. પણ ભેળપૂરી કે સિંગચણા ખાતા વાચકને પુડી ખોલીને વાંચવાની આદત હોય અને મારી કોઈ કૉલમનો હિસ્સાવાળા કાગળનું છાપું કે મારી નવલકથાના પ્રકરણવાળા પાનાનો કોઈ મૅગેઝિનનો હિસ્સો વાંચીને, એમાં મારું નામ કપાઈ ગયેલું હોય તોય એ કહી શકે કે આ લખાણ બીજા કોઈનુંય નહીં, પણ... સૌરભ શાહનું જ હોઈ શકે, તો મને રિયલી આનંદ થાય.’

ખેર, પસંદ અપની અપની હવે તો જોકે સોશિયલ મીડિયાનો જમાનો છે. તમારા ડીપી કે તમારા પ્રોફાઈલ પિક્ચર્સને કારણે લોકો તમને ઓળખી જ કાઢવાના છે - આવી આર્ગ્યુમેન્ટ મારા પ્રકાશકે હમણાં કરી એટલે છેવટે મેં મારી તસવીર છાપવાની અનુમતિ આપી, પણ હજુય ગુલઝારસા’બની વાત તો સો ટકા સત્ય જ છે. સર્જક એના સર્જનથી ઓળખાઈ જાય ત્યારે જ એની ખરી મહત્તા છે.

આજનો વિચાર

ઘણા બસ મૌન રાખે

તો જ શોભે છે જગતમાં ને,

ઘણાને બોલવા દીધા પછી

જલસો જ જલસો છે

કરે ફરિયાદ બસ આદત મુજબ

વર્ષો સુધી માનવ

હકીકતમાં જનમ લીધા પછી

જલસો જ જલસો છે.

- હેમાંગ નાયક

એક મિનિટ!

પકો: હે બકા, શું હોળી-ધુળેટી વખતે થતો પાણીનો બગાડ રોકી ના શકાય?

બકો: હે, વત્સ! ગ્લોબલ વૉર્મિંગ વિના પણ ડાયનોસોર નામશેષ થઈ જ ગયા હતા. તું તારે જલસાથી ધુળેટી રમજે!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

b22Xed32
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com