19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કોઈને મદદ કરવા ધસી જનારા માણસોનું જીવન સાર્થક ગણાય - 1
એક યુવાન ધસમસી રહેલી એક્સપ્રેસ ટ્રેનમાંથી અકસ્માતે પટકાઈ પડ્યો ત્યારે...

સુખનો પાસવર્ડ-આશુ પટેલ



ગયા મહિને સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં મધ્ય પ્રદેશનો એક પોલીસ કોન્સ્ટેબલ એક ઈજાગ્રસ્ત વ્યક્તિને ખભા પર ઊંચકીને રેલવે ટ્રેક પર દોડી રહ્યો હતો. એના વિશે ઈન્ટરનેટ પર ખાંખાખોળા કર્યા પછી એ ઘટના વિશે માહિતી મળી. એ ઘટનાની વાત હૃદયને સ્પર્શી ગઈ અને મધ્ય પ્રદેશના એક યુવાન પોલીસમેનનો એ કિસ્સો વાચકો સાથે શેર કરવાનું મન થયું.

23 ફેબ્રુઆરી, 2019 ના દિવસે શનિવારની સવારે આશરે નવેક વાગે પૂનમચંદ્ર બિલ્લોર નામનો પોલીસ કોન્સ્ટેબલ મધ્ય પ્રદેશ પોલીસની ડાયલ 100 ટીમના હિસ્સા તરીકે ફરજ પર હતો. એ વખતે તેને રેલવે પોલીસ દ્વારા માહિતી અપાઈ કે હોશંગાબાદથી આશરે 60 કિલોમીટર દૂર એક પ્રવાસી ભાગલપુર એક્સપ્રેસમાંથી પડી ગયો છે અને ગંભીર અવસ્થામાં રેલવે ટ્રેકની બાજુમાં પડ્યો છે. ઘટનાસ્થળે કેટલાક માણસો એકઠા થઈ ગયા હતા. અને એમાંથી કોઈએ 100 નંબર ડાયલ કરીને માહિતી આપી હતી કે દોડતી ટ્રેનમાંથી કોઈ માણસ પડી ગયો છે અને ગંભીર રીતે ઘવાઈને બેહોશ અવસ્થામાં પડ્યો છે.

એ માહિતી મળી એટલે કોન્સ્ટેબલ પૂનમચંદ બિલ્લોર પોલીસ જીપના ડ્રાઇવર એવા પોલીસમેન રાહુલ સક્કલ સાથે જ્યાં પેલો પ્રવાસી ભાગલપુર એક્સપ્રેસમાંથી પટકાયો હતો એ સ્થળની નજીકના સ્ટેશન પર પહોંચી ગયો. તે બન્ને ત્યાં પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે જ્યાં દુર્ઘટના બની હતી એ સ્થળ એ સ્ટેશનથી દોઢ કિલોમીટર દૂર છે. અને એ સ્ટેશનથી આગળ કોઈ વાહન કે એમ્બ્યુલન્સ પહોંચી શકે એવો રસ્તો નહોતો. એટલે જીપ ત્યાં જ છોડીને તે બન્ને દોડતા-દોડતા ઘટનાસ્થળે પહોંચ્યા.

ત્યાં જઈને તેમણે જોયું કે ધસમસતી ભાગલપુર એક્સપ્રેસમાંથી પટકાયેલો પ્રવાસી બહુ ગંભીર રીતે ઘવાયેલો છે અને તેને હોસ્પિટલ પહોંચાડવામાં જેટલો વધુ સમય જાય એટલી તેના બચવાની શક્યતા ઘટતી જશે. બિલ્લોર અને રાહુલ સક્કલ એ સ્થળે પહોંચ્યા ત્યારે ત્યાં લોકો જમા થઈ ગયા હતા, પરંતુ કોઈએ તેને મદદ કરવાની કોશિશ નહોતી કરી. ટ્રેનમાંથી પટકાયેલો યુવાન બેહોશ અવસ્થામાં પડ્યો હતો. પરંતુ તેની આસપાસ એકઠું થયેલા લોકો માત્ર તમાશો જોઈ રહ્યા હતા. એમાંથી કોઈ તે બેહોશ અને અત્યંત ગભીર અવસ્થામાં પડેલા યુવાનને મદદરૂપ બનવા કોઈ આગળ નહોતું આવી રહ્યું.

એ સ્થળે કોઈ વાહન પહોંચી શકે એવી શક્યતા જ નહોતી એટલે તે યુવાનને હોસ્પિટલ સુધી પહોંચાડવાનો કોઈ રસ્તો નહોતો. ત્યાં એકઠા થયેલા લોકો વિચારી રહ્યા હતા કે આ યુવાન કદાચ અહીં જ છેલ્લો શ્ર્વાસ લઈ લેશે.

વાત થોડી લાંબી છે એટલે કાલે પૂરી કરીએ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

e820h07
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com