19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પર્રિકર જેવા ભણેલા છતાં સાદા રાજકારણી બહુ ઓછા મળે

એકસ્ટ્રા અફેર-રાજીવ પંડિતલાંબા સમય લગી ભુલાઈ ગયેલા ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું અંતે નિધન થઈ ગયું. પર્રિકર લાંબા સમયથી બીમાર હતા ને તેમની ઘડીઓ ગણાતી જ હતી. પર્રિકરને છેલ્લા સ્ટેજનું સ્વાદુપિંડ એટલે કે પેન્ક્રિયાટિક કૅન્સર થયું હતું ને બે-ત્રણ વર્ષથી સારવાર ચાલતી હતી. પર્રિકર સારવાર માટે ત્રણ મહિના અમેરિકા પણ જઈ આવેલા. અમેરિકામાં સારવારના કારણે તબિયત થોડી સુધરી એટલે પાછા આવી ગયેલા. પાછો તબિયતે ઊથલો માર્યો એટલે ગોવાની હૉસ્પિટલમાં દાખલ કરાયેલા ને પછી દિલ્હીમાં ઓલ ઈન્ડિયા મેડિકલ ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સીસ (એઈમ્સ)માં દાખલ કરવા પડેલા.

આ રીતે તેમની તબિયત નરમગરમ રહ્યા જ કરતી હતી ને છેલ્લા કેટલાક મહિનાથી તો એ સાવ નખાઈ ગયા હતા. છેલ્લે પર્રિકરની જે તસવીરો સામે આવી તેમાં તો એ બિલકુલ ઓળખાતા નહોતા. એક સમયે અત્યંત પ્રભાવશાળી લાગતા પર્રિકરના નાકમાં નળીઓ નાખેલી હતી ને વ્હીલ ચેરમાં તેમને લઈ જવાય છે એવી તસવીરો બહાર આવી હતી. રવિવારે આ તસવીરો બહાર આવી ને રવિવારે જ તેમની તબિયતે ઊથલો માર્યો. આ વખતે હાલત બહુ ખરાબ હતી ને તેમના બચવાની આશા બહુ ઓછી છે એવું ભાજપના નેતાઓ જ કહેતા હતા. આ વાત સાચી પડી ને પર્રિકર આ વખતે બચી ના શક્યા.

પર્રિકર એક નાનકડા રાજ્યના મુખ્યમંત્રી હતા ને રાષ્ટ્રીય સ્તરે બહુ વજનદાર કહેવાય એવા નેતા પણ નહોતા પણ કેટલીક ખાસિયતોના કારણે તેમને ચોક્કસ યાદ કરવા પડે. આપણે ત્યાં રાજકારણમાં આખા ગામની વેજાઓ આવતી હોય છે. મોટા ભાગના રાજકારણીઓ ઝાઝું ભણેલા હોતા નથી. તેમની પાસે ડિગ્રી હોય તો પણ એ ડિગ્રીઓ કઈ રીતે આવી હોય છે એ કહેવાની જરૂર નથી. એ ડિગ્રીના જોર પર એ લોકો કશું ના કરી શકે. આ માહોલમાં પર્રિકર જેને ભણેલા માણસ તરીકે નિ:શંકપણે સ્વીકારવા પડે એવા નેતા હતા.

પર્રિકર ગોવાના સુખી પરિવારમાં જન્મેલા તેથી અંગ્રેજી મીડિયમમાં ભણેલા ને પછી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટૅકનોલૉજી (આઈઆઈટી)માંથી ગ્રેજ્યુએટ થયેલા. આ વાત ચાલીસ વરસ પહેલાંની છે. આજે પણ આઈઆઈટીમાં એડમિશન લેવું એ કાચાપોચાના ખેલ નથી ત્યારે પર્રિકર એ જમાનામાં આઈઆઈટીમાંથી મેટલર્જીમાં બી. ટેક. થયેલા. એ જમાનામાં રાજકારણમાં આવનારા મોટા ભાગના લોકો કાં પોલીટિકલ સાયન્સ સાથે એમ.એ. કરેલા હોય કે વકીલ હોય ત્યારે આવી મોટી ડિગ્રીવાળો માણસ રાજકારણમાં આવે એ જ મોટી વાત હતી. એ વખતે એવી ડિગ્રી હોય તો માણસ આરામથી મોટી નોકરી મેળવીને જલસા કરી શકે.

એ વખતે તો અમેરિકા સહિતના વિકસિત દેશ પણ આપણા આઈઆઈટી ગ્રેજ્યુએટ્સને લાલ જાજમ પાથરીને આવકારતા. પર્રિકર પાસે એ વિકલ્પ પણ હતો પણ તેના બદલે તેમણે રાજકારણમાં આવવાનું પસંદ કર્યું. તેનું કારણ એ કે પર્રિકર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના રંગે રંગાયેલા હતા ને બહુ પહેલાં જ એ નક્કી કરીને બેઠેલા કે રાજકારણમાં ઝંપલાવવું છે. તેમના પરિવારને પણ આ સાંભળીને આંચકો લાગી ગયેલો પણ પર્રિકરે કોઈનું ના સાંભળ્યું ને ધાર્યું કરીને જ જંપ્યા. પર્રિકર એ વખતે બીજાંનું સાંભળવા રહ્યા હોત તો આપણને એક ભણેલો રાજકારણી ના મળ્યો હોત. પર્રિકરે કરેલી આ હિંમત કેટલી મોટી હતી તેનો અંદાજ એ વાત પરથી આવે કે, પર્રિકર 1994માં પહેલી વાર ધારાસભામાં ચૂંટાયા ત્યારે આઈઆઈએમમાં ભણેલો કોઈ માણસ ધારાસભ્ય બન્યો હોય એવી એ પહેલી ઘટના હતી. પર્રિકર એ રીતે આઈઆઈએમના વિદ્યાર્થી રહી ચૂક્યા હોય ને મુખ્યમંત્રી બન્યા હોય તેવા પણ પહેલા રાજકારણી હતા.

પર્રિકરને ગોવામાં ભાજપના ખીલા ઠોકનારા નેતા તરીકેનું શ્રેય અપાય છે. આપણે ગોવાના રાજકારણ વિશે ઝાઝું જાણતા નથી તેથી આ વાત બહુ મોટી ના લાગે પણ આ કામ ખરેખર કપરું હતું. આપણે ત્યાં સામાન્ય માન્યતા એવી છે કે, ગોવામાં ખ્રિસ્તી વસતી વધારે છે પણ આ માન્યતા ખોટી છે. ગોવાની કુલ વસતીમાં ખ્રિસ્તી વસતી 25 ટકા જ છે ને 8 ટકાની આસપાસ મુસ્લિમો છે જ્યારે 66 ટકા હિંદુ છે. આ હિંદુઓ મરાઠીભાષી ને કોંકણી બોલનારા છે. આપણે જે ગોવા જઈએ છીએ એ નોર્થ ગોવા અને સાઉથ ગોવા તો ટૂરિઝમ માટે વિકસાવાયેલાં સ્થળો છે. અસલી ગોવા તો ગામડામાં વસે છે ને હિંદુઓની બહુમતી વસતી ત્યાં વસે છે. તેમાંથી મોટા ભાગના માછીમારી કરીને ને ખેતી કરીને ગુજરાન ચલાવે છે. આ હિંદુ પરિવારો બહુ સધ્ધર નથી. હિંદુઓમાં બ્રાહ્મણોની વસતી પણ નોંધપાત્ર છે ને એ બધા ધનિક છે. ગોવામાં આઝાદી વખતથી જ મહારાષ્ટ્રવાદી ગોમાંતકવાદી પાર્ટી કામ કરતી ને તેણે આ ગરીબ પરિવારો પર જબરદસ્ત પકડ જમાવી હતી. કૉંગ્રેસનો પણ પ્રભાવ હતો અને તેના કારણે ભાજપ જેવા પક્ષ માટે ઘૂસવું મુશ્કેલ હતું.

ભાજપ 1980ના દાયકાથી એ માટે મથ્યા કરતો પણ મેળ નહોતો પડતો. ગોવામાં સંઘની શાખાઓ પણ મોટા પ્રમાણમા ચાલે છે પણ સંઘ સાથે બ્રાહ્મણો વધારે જોડાયેલા હોવાથી ભાજપ માટે કપરું કામ હતું. એ વખતે સંઘે ભાજપનો પ્રભાવ વધારવા માટે પર્રિકરને ભાજપમાં મોકલેલા. પર્રિકરે ધીમી શરૂઆત કરી પણ અડવાણીની સોમનાથથી અયોધ્યાની રથયાત્રા વખતે એ ચડી બેઠા. હિંદુવાદની લહેરના જોરે તેમણે ગોવામાં ભાજપની તરફેણમાં માહોલ ઊભો કર્યો ને ધીરે ધીરે ગોવામાં પણ ભાજપને ગણતરીમાં લેવો પડે એવી સ્થિતિ પેદા કરી દીધી.

ભાજપમાં 1990ના દાયકામાં નવા આક્રમક નેતાઓની આખી ફોજ આવી. આ નેતાઓ રાજકીય દાવપેચમાં પણ પાવરધા હતા ને કૉંગ્રેસને કૉંગ્રેસની જ દવા પિવડાવીને સત્તા કબજે કરવામાં તેમને છોછ નહોતો. પર્રિકર પણ તેમાંથી એક હતા. કેન્દ્રમાં 1999માં ભાજપની સરકાર આવી તેનો લાભ લઈને તેમણે કૉંગ્રેસના સભ્યોને ખેરવવાનો ખેલ માંડ્યો. આ ઓપરેશન પાર પડ્યું ને 2000માં પર્રિકર પહેલી વાર ગોવાના મુખ્યમંત્રી બનેલા. 2004ની લોકસભા ચૂંટણીમાં ભાજપ ઘરભેગો થયો પછી થોડા સમયમાં પર્રિકરે પણ ઘરભેગા થવું પડેલું પણ ગોવાના મુખ્યમંત્રી બનીને તેમણે ભાજપ વિંધ્યને પેલે પાર ના જઈ શકે એ મહેણું ભાંગી દીધેલું. એ પછી તો પર્રિકર ત્રણ વાર ગોવાની ગાદી પર બેઠા. ગોવામાં ભાજપ એટલે પર્રિકર એવું સમીકરણ જ થઈ ગયેલું. પર્રિકરે ગોવામાં ભાજપને એવો જોરાવર બનાવ્યો કે એક સમયે ભાજપના ઉમેદવારો ડિપોઝિટ પણ ગુમાવતા તેના બદલે ગોવાની બંને લોકસભા બેઠકો ભાજપ જીતતો થઈ ગયો છે.

પર્રિકરે 2012માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી અપાવીને સરકાર રચેલી ને પર્રિકર મુખ્યમંત્રી બનેલા. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી તે પછી પર્રિકરને કેન્દ્રમાં લઈ ગયેલા ને સંરક્ષણ મંત્રી જેવું મોભાદાર પદ આપેલું. પાકિસ્તાન આપણા સૈનિકોનાં માથાં વાઢી ગયું એવી શરમજનક ઘટનાઓ તેમના સમયમાં બનેલી. આતંકવાદ પણ બેફામ બનેલો ને પર્રિકર મોં વકાસીને જોઈ રહેવા સિવાય કશું કરી શકતા નહોતા. પર્રિકરે સંરક્ષણ મંત્રી બનતાં વેંત બહુ થૂંક ઉડાડેલાં પણ સંરક્ષણ મંત્રી તરીકે એ કશું ઉકાળી શક્યા નહોતા એ અલગ વાત છે ને અત્યારે એ મુદ્દો ચર્ચવાનો સમય નથી.

પર્રિકર સંરક્ષણ મંત્રી હતા એ ગાળામાં જ એટલે કે ફેબ્રુઆરી 2017માં ગોવા વિધાનસભાની ચૂંટણી આવી હતી. પર્રિકરની જગાએ ગાદી પર બેઠેલા લક્ષ્મીકાન્ત પારસેકરે ભાજપનું ધનોતપનોત કાઢી નાખ્યું તેમાં ગોવા વિધાનસભાની યોજાયેલી ચૂંટણીમાં ભાજપ ધબોનારાયણ થઈ ગયેલો. આ ચૂંટણીમાં 40 બેઠકોમાંથી ભાજપને ગણીને 13 ને કૉંગ્રેસને 17 બેઠકો મળેલી. સૌથી મોટા પક્ષ તરીકે કૉંગ્રેસને સરકાર રચવા નિમંત્રણ મળવું જોઈતું હતું પણ રાજ્યપાલ મૃદુલા સિંહા ભાજપ ભણી ઢળ્યાં તેમાં કૉંગ્રેસ મોં વકાસીને જોતો રહી ગયેલો. ભાજપને પણ રાંડ્યા પછી ડહાપણ આવ્યું ને પારસેકરનું ગોવાને સંભાળવાનું ગજુ નથી એવી ખબર પડી એટલે પર્રિકરને રાજીનામું અપાવીને ગોવા મોકલ્યા ને તાજપોશી કરાવી. પર્રિકરે એવાં સોગઠાં ગોઠવ્યાં કે, લઘુમતીમાં હોવા છતાં હજુ ભાજપની સરકાર ટકેલી છે.

પર્રિકર વિશે બીજી પણ એક વાત કરવી જરૂરી છે. ભાજપના મોટા ભાગના નેતાઓ વટલાઈને કૉંગ્રેસીઓ જેવા જ બની ગયા છે. પોતાનાં ઘર ભરવા સિવાય તેમને બીજું કશું સૂઝતું નથી ત્યારે પર્રિકર ચોખ્ખા માણસ તરીકેની શાખ છેક લગી જાળવી શકેલા. રફાલ સોદામાં તેમનું નામ આવ્યું પણ એ જુદાં કારણોસર. એ સિવાય પર્રિકર સામે આગંળી ચીંધાય એવું કશું નહોતું. એકદમ સાદગીથી રહેતા પર્રિકર બીજાએ પ્રેરણા લેવી પડે એ રીતે જીવતા હતા.

પ્રભુ તેમના આત્માને શાંતિ આપે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

8b838B
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com