24-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સફળ ન હોવા છતાં બિઝી

કરંટ ટૉપિક-સોનલ શાહકોઇ અભિનેતા એમ કહે કે એને ૧૦૦ કરોડની ક્લબની બહુ પડી નથી તો ‘અંગુર ખટ્ટે હૈં’ એવી એક સંભાવના હોઇ શકે છે. બીજી શક્યતા એ છે કે એ ઍક્ટર ફિલ્મની સફળતા-નિષ્ફળતા કરતા પોતાના પાત્રને યોગ્ય ન્યાય આપીને એમાં દીપી ઊઠવાને પ્રાધાન્ય આપે છે. ૨૦૧૩માં ‘કાઇપો છે’ અને ‘શુદ્ધ દેસી રોમાંસ’ જેવી એકમેકથી સાવ ભિન્ન ફિલ્મોથી શરૂઆત કરનારા સુશાંતસિંહ રાજપુતને પાત્ર માટે જાન રેડી દેવાનું મહત્ત્વ વધુ છે.

તાજેતરમાં રજૂ થયેલી એની ફિલ્મ ‘સોનચીડિયા’ ગાજી એવી વરસી નથી. રિવ્યુમાં ફિલ્મના વખાણ થયા હતા, પણ એ વખાણને પગલે બોક્સ ઓફિસ પર સારો વકરો થયો એવું કંઇ ન બન્યું. એ વિશે સુશાંતસિંહ રાજપૂત સ્મિત વેરતાં જણાવે છે કે ‘ચંબલની ભીષણ ગરમીમાં દિગ્દર્શક, કલાકારો અને ટેક્નિશિયનોએ જે સખત મહેનત કરી છે તેને બિરદાવાય એનું મારે મન ઘણું મહત્ત્વ છે. મીડિયામાં પ્રતિભાવો સારા આવ્યા એ જ અમારા માટે મોટી વાત છે. બાકી, મારી ફિલ્મ ૧૦૦ કરોડની ક્લબમાં પ્રવેશીને મને કીર્તિ અપાવે એવો મોહ મેં ક્યારેય રાખ્યો જ નથી. ’

અલબત્ત સફળતા સુશાંત માટે સાવ અજાણી તો નથી જ. તેની પહેલી ફિલ્મ ‘કાઇપો છે’ તો હિટ હતી જ, પણ ક્રિકેટર ધોનીની બાયોપિક તો સુપરહિટ સાબિત થયેલી. જોકે, આ ફિલ્મોની વાત કરતાં સુશાંત નમ્રતાથી કહે છે કે ‘આ ફિલ્મો સફળ થાય એવું અમે ઇચ્છતા હતાં, પણ બ્લોક બસ્ટર ફિલ્મ બનાના હૈ- એવા અંદાજથી હું ક્યારેય ફિલ્મો નથી કરતો. મારા માટે કોઇ પણ ફિલ્મમાં કામ કરતી વખતે સંતોષ મળે એ વધારે અગત્યનું છે. પૈસા તો હું કોઇ અન્ય કામોમાં પણ રળી શક્યો હોત, પણ મારે તો કંઇક અલગ કરવું હતું એટલે હું આ લાઇનમાં પ્રવેશ્યો છું. પાછો વળીને જોઉં છું ત્યારે ગર્વની લાગણી થાય છે કે હું ,કાઇપો છે, બ્યોમકેશ બક્ષી, એમ. એસ. ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી, કેદારનાથ અને સોનચીડિયા જેવી ફિલ્મો સાથે સંકળાયેલો રહ્યો છું.’

સુશાંત વધુમાં જણાવે છે કે ‘મારે ફાળે જે પાત્ર ભજવવાનું આવે છે એમાં હું સંપૂર્ણપણે એકાકાર થઇ જાઉં છું. હું જે પાત્ર સ્વીકારું છું એમાં મારું સર્વસ્વ હોમી ન દઉં ત્યાં સુધી મને ચેન નથી પડતું. જો હું મારા પાત્રને બરાબર સમજી ન શકું, તેના અંતરાત્માને સ્પર્શી ન શકું એ તો એક પ્રકારની બેઇમાની જ ગણાય. ક્યાં તો હું ફિલ્મ સ્વીકારતો નથી અને જો એક વાર સ્વીકારી તો પછી તેમાં પૂર્ણપણે ખોવાઇ જાઉં છું.’

જોકે, સોનચીડિયામાં પણ તેણે મહેનત તો સખત કરેલી. ડાકુના પાત્રને અનુરૂપ થવા તેણે અનેક મહિનાઓ સુધી ખૂબ પ્રયત્ન કર્યો હતો. ભૂખ,તરસ, આરામ બધું નેવે મૂકી દીધું હતું. ‘મારા કાર્ય માટે જે શિસ્ત અને સમર્પણ જોઇએ તેમાં હું પૂરી પ્રામાણિકતાથી ખૂંપી ગયો હતો. સોનચીડિયા કે કેદારનાથ બેઉમાં કોઇ સામાન્ય વાત હોય તો એ છે કે માનવતા, બસ મારે એને સ્પર્શ કરવો હતો જે મેં કર્યો. સફળતા કે નિષ્ફળતા એ બધું ગૌણ છે.’

શું તને અલગ જ પ્રકારના વિષયોવાળી ફિલ્મો કરવાની ઇચ્છા છે તેના જવાબમાં સુશાંત કહે છે કે ‘સાવ એવું પણ નથી. ક્ંઇક હટ કે રોલ કરવા એવો કોઇ નિયમ નથી રાખ્યો. પણ જે પાત્રો મને સ્પર્શી જાય છે તે હું સફ્ળતા કે નિષ્ફળતાની પરવા કર્યા વગર ભજવવા આતુર હોઉં છું. સ્ટિરિયો ટાઇપ કે મસાલા ફિલ્મો માટે પણ હું ઉત્સુક છું જ, પણ હા તેની વાર્તા મને ગળે ઉતરી જાય એવી હોય તો.’

હાલમાં સુશાંત ‘છીછોરે’ના શૂટિંગમાં વ્યસ્ત છે. દંગલ જેવી હિટ ફિલ્મ આપનાર નીતેશ તિવારી સાથે કામ કરી રહ્યો હોવા છતાં તેને જરાય ટેન્શન જેવું નથી લાગતું. સુશાંતને જે જોઇએ છે એ જ્યારે તેને ફિલ્મમાંથી મળી રહે એ ફિલ્મમાં એ હંમેશાં કામ કરવા તત્પર રહે છે. જાણે આ જ એના જીવનનો મહામંત્ર હોય.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

60J5d20
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com