24-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
લાગણીની સર્જિકલ સ્ટ્રાઈક - કિટ્ટા બુચ્ચા

"છોરું કછોરું થાય, પણ માવતર કમાવતર ના થાય આવું જ દરેક નાટકમાં થવું જરૂરી નથી. છતી બૈરીએ લફડું થાય, સંસારના અખાડામાં સાસુ-વહુનું દંગલ થાય, બૈરી અને સાસુથી પીડિત જમાઈ ચીલા-ચાલુ હસાવી જાય, આમાંનું દરેક નાટકમાં થવું બિલકુલ જરૂરી નથી. પ્રેક્ષકોને તો નવી તરો-તાજા વાર્તાની જરૂર છે.

"કિટ્ટા-બુચ્ચા શિવમ્ સર્જન, ડૉ. શીલા બુટાલા નિર્મિત તથા રૂપા દિવેટીઆ અને રાજેન્દ્ર બુટાલા અભિનીત શીર્ષકને સાર્થક કરતું, હસતું હસાવતું એક મૌલિક ગુજરાતી નાટક છે. કાચ જેવા નાજુક સંબંધોને, ગેરસમજના પથ્થરો કઈ રીતે ચૂર-ચૂર કરી શકે છે, એનું સચોટ નિરૂપણ નાટકના લેખન, પટકથા અને સંવાદોમાં બખૂબી કરવામાં આવ્યું છે. મા, બાપ તથા એકના એક જુવાન દીકરાની આસપાસ આ કથાનક આકાર લે છે અને પહેલેથી છેલ્લે સુધી પ્રેક્ષકોને એમની બેઠકમાં જકડી રાખે છે. "કિટ્ટા બુચ્ચા બહુ બધા સબળા પાસાંઓનું સમન્વય છે, જેમાંનું સહુથી અગત્યનું પાસું છે, નાટકનું નિર્માણ. આ નાટકના નિર્માત્રી, શીલા બુટાલા ગુજરાતી રંગભૂમિને હંમેશાં કંઈક નવું આપવા માટે જાણીતા છે અને અસંખ્ય સીમાચિહ્ન નાટકો આપી ચૂક્યા છે. નવા લેખક - દિગ્દર્શકને તક આપતા ક્યારેય ખચકાતા નથી. નિર્માણ ઉપરાંત વસ્ત્ર-પરિકલ્પના પણ ડૉ. શીલા બુટાલાની જ છે. લેખન આ નાટકનો આત્મા બનીને પ્રાણ પૂરે છે. આ નાટકના લેખકોની બંધુ બેલડી, નયન શુક્લ અને પાર્થ શુક્લ, આ નાટક દ્વારા વ્યાવસાયિક રંગભૂમિ પર ધમાકેદાર એન્ટ્રી કરી રહ્યા છે. એમના લેખનમાં તાજગીની સાથે ઘડતરનો ઠહેરાવ પણ છે, એટલે ભવિષ્યમાં આ બેલડી, ગુજરાતી રંગભૂમિના "સલીમ-જાવેદ તરીકે ઓળખાય તો નવાઈ નહીં. લેખન ઉપરાંત, પાર્થ શુક્લ દિગ્દર્શનની અને નયન શુક્લ, નાટકમાં અભિનયની બેવડી જવાબદારી પણ નિભાવી રહ્યા છે. રૂપા દિવેટીઆ જેવા ઉમદા કલાકાર, સોનામાં સુગંધ ભેળવે છે. ‘કુસુમ’, ‘કસોટી ઝિંદગી કી’, ‘ઘર એક મંદિર’, ‘જીત ગઈ તો પિયા મોરે’ જેવી અઢળક સિરિયલોથી ઘર-ઘરમાં પ્રચલિત થયેલા રૂપા દિવેટીઆ, આ નાટકમાં મહત્ત્વની ભૂમિકા સાથે શિવમમાં પુનરાગમન કરી રહ્યા છે. "સુતરને તાંતણે, બંધાયા આપણે’, ‘જીવવું તો વટથી’, ‘આયુષ્યમાન ભવ:’ જેવા શિવમ સર્જિત અસંખ્ય નાટકોમાં તેઓ પહેલેથી જ પોતાની અભિનય ક્ષમતાનો પરચો બતાવી ચૂક્યા છે. આ નાટકમાં ઇકબાલ દરબારના ગીત-સંગીત, યશ કલગીમાં મોરપીંછ ઉમેરી જાય છે. રાજેન્દ્ર બુટાલાનો સદાબહાર અભિનય અને પરફેક્ટ કોમિક ટાયમિંગ, પ્રેક્ષકો માટે હાસ્યનો મુખ્ય સ્ત્રોત બની રહે છે. માત્ર હાસ્યપ્રધાન નાટકો ઉપરાંત અર્થસભર કથાનકના હિમાયતી એવા અભિનેતા - સૂત્રધાર રાજેન્દ્ર બુટાલા. આ નાટકમાં પોતાના ઉમદા અભિનયનો સતત અહેસાસ કરાવે છે. અન્ય કલાકારોમાં, મૈત્રી રાયઝાદા એન.આર.આઈ. યુવતી તરીકે તથા પૂર્વી મહેતા એક ન્યૂરો સર્જનના પાત્રને ન્યાય આપે છે. જ્યારે તેજસ પારેખ અને પિયુષ અઢિયા, નાટકના પ્રવાહને વહેતો રાખવા, મહત્ત્વની ભૂમિકાઓ ભજવી રહ્યા છે. રૂપા દિવેટીઆ અને રાજેન્દ્ર બુટાલાના અનુભવી અભિનયના પીઠબળની સાથે, સુમધુર સંગીત તથા લેખન અને દિગ્દર્શનની તાજગી, પ્રેક્ષકો માટે મનોરંજનનો ત્રિવેણી સંગમ બની રહે છે. શુભારંભ પ્રયોગ: રવિ તા. 24 ફેબ્રુ. સાંજે 7.45 કલાકે તેજપાલ, ગોવાલિયા ટેન્ક.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

8153523
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com