19-March-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પુલવામા નામ સાંભળતા જ પાક ધ્રૂજી ઊઠવું જોઈએ હો

પાર્લામેન્ટથી લઈને પુલવામા સુધીના હુમલા ચીખી ચીખીને એક વાત કહે છે કે આપણી ગુપ્તચર અને/ અથવા સલામતી વ્યવસ્થા ક્યાંક ઊણી ઉતરે છે. કબૂલ કે જે આતંકવાદી કારસા નાકામ બનાવાયા એની ઢોલ-ત્રાસા વગાડીને જાહેરાત ન થાય. પરંતુ આતંકવાદ એક નાસૂર છે, એના પર નસ્તર મૂક્યે જ છૂટકો. શ્રીલંકા જેવો નાનો દેશ એલ.ટી.ટી.ઈ.નો સફાયો કરી શકે. અરે પંજાબમાં પણ અલગતાવાદીઓએ કેવો ભયંકર ઉપાડો લીધો હતો? શ્રીલંકા અને પંજાબના ઉદાહરણ કહે છે કે હમ હોંગે કામિયાબ એક દિન. સવા સો કરોડ રૂપરડીનો સવાલ એ છે કે આતંકવાદને જડમૂળથી ઉખેડી નાખવામાં આપણે ક્યારે સફળ થઈશું? કેવી રીતે?

આપણી સૌથી મોટી સમસ્યા એ છે કે વિદેશી ખેલાડીઓ સ્થાનિકોને ઉશ્કેરીને અને બ્રેઈનવૉશ કરીને ધર્મ, પૈસા કે અન્ય લાલચથી પલોટી નાખે છે. પુલવામામાં હાહાકાર મચાવનારો ૨૦ વર્ષનો આદિલ દારે ભયંકર કરતૂત કર્યું એ અગાઉ સાવ અજાણ્યો ને અંધારામાં હતો? મીડિયા રિપોર્ટ મુજબ એ યુવાન બેકાર હતો. છેલ્લાં લગભગ બે વર્ષમાં એને છ વાર અટકાયતમાં લેવાયો હતો. લશ્કર પર પથ્થર ફેંકવાથી લઈને આતંકવાદીઓને મદદ કરવા સબબ એને અટકાયતમાં લેવાયો હતો. એના નામે કોઈ ગુનો નહોતો નોંધાયો કે નહોતી એફ.આઈ.આર. નોંધાઈ. એને દર વખતે પૂછપરછ બાદ છોડી મુકાતો હતો.

પાકિસ્તાન સમર્થિત લશ્કર-એ-તૈયબાના માણસોને મદદ કરવાની શંકા પણ એના પર હતી. એનો પરિવાર દેશદ્રોહી સંગઠનો પ્રત્યે કૂણી લાગણી ધરાવતો હતો. એનો પિતરાઈ મંઝૂર દાર લશ્કર-એ-તૈયબાનો સક્રિય સભ્ય હતો. આ મંઝૂર પાકિસ્તાનથી આવેલા કેટલાંક આતંકવાદીઓ સાથે ગયા મહિનામાં લશ્કરના હાથે ઠાર મરાયો હતો. એના છ મહિના બાદ આદિલ અને એના મિત્રો જૈશ-એ-મોહમ્મદ માટે સક્રિય થઈ ગયો હતો. એક દેખાવ વખતે પોતાનું ઘાયલ થવું અને મંઝૂરનું ઠાર થવું એ આદિલને આકરાં પગલાં માટે ઉશ્કેરવા પૂરતા કારણો બની રહ્યા.

આવા તોફાની ઈતિહાસ ધરાવનારો ભવિષ્યમાં શું કરી શકે? આપણી ગુપ્તચર-સલામતી એજન્સીઓને કાશ્મીરમાં આવા આદિલ મળતા હશે પરંતુ એ જ સૌથી મોટા જોખમ બની જાય છે. આવા લોકોને કેમ શોધી કાઢવા. સમજાવીને કે અન્ય રીતે શાંત પાડવા અને એમના પર સતત નજર રાખવી એની પ્રક્રિયા વિચારવી જ પડશે.

આતંકગ્રસ્ત વિસ્તારમાં નિર્દોષોના કે સૈનિકોને બેરહેમીથી વિંધી નખાતા હોય ત્યાં વધુ પડતી ચોક્સાઈ કે સખ્તાઈમાં કોને, ક્યારેક, કોઈકને અન્યાય થાય તો તથાકથિત માનવ અધિકારના પુરસ્કર્તાઓના બકવાસને કાને ન ધરીએ તો ચાલે. અફઝલ અને કસબ માટે આંસુ સારનારાઓમાંથી કેટલાંએ સી.આર.પી.એફ.ના પરના હુમલાના વિરોધમાં હરફ ઉચ્ચાર્યો? એવૉર્ડ પાછા આપ્યા? પોતાના એવૉર્ડની રકમ શહીદોના પરિવારને આપી દીધી.

કાશ્મીરમાં રાજ્ય સ્તરે વધુ સખ્તાઈથી કામ લેવાની જરૂર છે. રાજકીય, વહીવટી અને જરૂર પડ્યે પોલીસ તંત્રમાંય સાફસૂફી કરવી એ સમયની માગ છે.

કાશ્મીર મામલે ભારતે ઘણી ધીરજ ધરી, ભારે ભોગ આપ્યો, એ ઈનફ ઈઝ ઈનફ કહેવું પડશે.

સ્થાનિક દેશદ્રોહીઓ પ્રત્યે હવે લેશમાત્ર દયા ભારે પડશે. સાથોસાથ પાકિસ્તાનને અને એના સમર્થક દેશો સામે પણ લાંબા ગાળાના બહુપાંખિયા વ્યૂહ કેન્દ્ર સરકાર વિચારતી જ હશે. આમાં રાજકીય, લશ્કરી, વ્યાપારી, સાંસ્કૃતિક સહિતના ઉપાયો અજમાવવા પડશે, અજમાવાશે જ. પુલવામાના નામોલ્લેખથી ભવિષ્યમાં પાકિસ્તાનના ટાંટિયા ધ્રૂજી જાય એવું કરવા માટેનો માહોલ ઊભો કરવો જ પડશે. હાલની શહાદત, એના પગલે આવેલો જોશ-જુસ્સા એળે ન જ જવા જોઈએ.

જમ્મુ-કાશ્મીરમાં કાયમી શાંતિ સ્થપાય અને પાકિસ્તાન ગલૂડિયાંની જેમ પૂંછડી પટપટાવતું થઈ જાય, એ જ પુલવામાના શહીદોને સાચી અને એકમાત્ર અંજલિ ગણાય. આ નિર્દોષોનું બલિદાન એળે ન જાય એ જોવાની માત્ર કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની જ નહિ, આપણા સૌની સર્વોચ્ચ પ્રાથમિક ફરજ છે. બોલો, આ કર્તવ્ય આપણે કઈ રીતે બજાવીશું?

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

qpBeb4q
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com