26-May-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પાકિસ્તાને હુમલો કરાવ્યો એવો ઠરાવ કરતાં પણ આપણે કેમ ડરીએ છીએ?
એકસ્ટ્રા અફેર - રાજીવ પંડિત

કાશ્મીરમાં આતંકવાદીઓએ સીઆરપીએફ જવાનોના કાફલા પર હુમલો કરીને આપણા ૪૪ જવાનોની હત્યા કરી એ ઘટનાના આઘાતમાંથી દેશ હજુ બહાર આવ્યો નથી ને બીજી તરફ લોકોમાં અભૂતપૂર્વ આક્રોશ પણ છે. આ હુમલા માટે પાકિસ્તાનને કદી ના ભુલાય એવો પાઠ ભણાવવો જોઈએ એવી માગણી લોકોમાં પહેલા દિવસથી જ હતી. આ માગણી બળવત્તર બનતી જાય છે ને અત્યારે જે માહોલ છે એ જોતાં આ આક્રોશ ઠંડો પડે એવું કમ સે કમ અત્યારે તો લાગતું નથી.

આ આતંકવાદી હુમલો ભારતના સ્વમાન પર ઘા છે એ જોતાં આ આક્રોશ ઠંડો ના પણ પડવો જોઈએ. પાકિસ્તાનના પીઠ્ઠુ એવા આતંકવાદીઓ આપણા ઘરમાં ઘૂસીને આપણા જવાનોને મારી જાય ને આપણું લોહી ના ઊકળી ઊઠે તો આપણે જીવવાને લાયક જ નથી. પોતાના પર હુમલો થાય ત્યારે ઢોર પણ ફૂંફાડો મારીને સામું થઈ જતું હોય છે ત્યારે આપણે તો માણસ છીએ. આપણામાં સ્વમાનની ને આત્મગૌરવની લાગણી વધારે હોવી જ જોઈએ એ જોતાં લોકોનો આક્રોશ બરાબર જ છે.

કમનસીબે લોકોના આ આક્રોશ સામે આપણા રાજકારણીઓ સાવ ટાઢાબોળ છે. આ હુમલાનો જવાબ આપવો જોઈએ એવી લોકોની માગણી છે. એ માગણી પ્રમાણે વર્તીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાની જવાબદારી આપણી સરકારની છે પણ સરકાર જે રીતે વર્તી રહી છે એ જોઈને નિરાશા થાય છે. અવંતીપુરાનો હુમલો બહુ મોટો આતંકવાદી હુમલો છે. બલકે આપણા જવાનો પર થયેલો સૌથી મોટો આતંકવાદી હુમલો છે. આ હુમલા પછી શું કરવું એ આપણી સરકારની પ્રાયોરિટી હોવી જોઈએ પણ સરકારમાં બેઠેલા લોકો જે રીતે વર્તી રહ્યા છે તેના પરથી એમ જ લાગે કે, આ તેમની પ્રાયોરિટી નથી.

આ વાત ઘણાં લોકોને ખટકશે ને આવા ટાણે આવી વાત કરવા બેસી ગયા એવું પણ લાગશે પણ આ હુમલા પછી આપણી સરકારમાં બેઠેલા લોકો અને આપણા રાજકારણીઓ પણ જે રીતે વર્ત્યા છે એ જોયા પછી લાગે કે, તેમણે વધારે ગંભીર બનવાની જરૂર છે. આતંકવાદ સામે લડવા આપણે એક છીએ ને આતંકીઓના આકા તેમની ગુસ્તાખીની ભારે કિંમત ચૂકવશે એવી વાતો કરવી જરૂરી છે પણ ખાલી વાતો કરવાથી નથી ચાલવાનું. એ માટે નક્કર કશુંક કરવું પડે ને તો જ આ બધી વાતોનો અર્થ છે. કમનસીબી એ છે કે, એવું કશું નક્કર થવાનો અણસાર તો મળતો જ નથી પણ તેના માટે જે પ્રયત્નો થવા જોઈએ એ પણ લોકોને બતાવવા કરાતા હોય એવા લાગે છે. શનિવારે બનેલી ઘટના તેનો પુરાવો છે.

પુલવામા હુમલા પછી શું કરવું તે મુદ્દે ચર્ચા કરવા કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવેલી. આ બેઠકમાં આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ હાજર ના રહ્યા ને તેના બદલે ગૃહ પ્રધાન રાજનાથસિંહે અધ્યક્ષસ્થાન લીધું. રાજનાથસિંહ મોદી સરકારમાં ગૃહ પ્રધાન છે ખરા પણ આ મુદ્દો એટલો મોટો છે કે રાજનાથ તેના વિશે વાત કરવા માટે નાના પડે. મોદી સરકારના વડા છે ને હવે પછી શું કરવું તેનો નિર્ણય તેમણે જ લેવાનો છે.

આ સંજોગોમાં તેમણે બધા રાજકીય પક્ષો સાથે વાત કરવી જોઈતી હતી ને એક મેસેજ આપવો જોઈતો હતો કે, પોતે અને પોતાની સરકાર આ મુદ્દે એકદમ ગંભીર છે ને આખા દેશને સાથે લઈને પાકિસ્તાનને જવાબ આપવા માગે છે. મોદી પાછા કોઈ મોટા કામને કારણે હાજર ના રહ્યા હોત તો સમજી શકાય પણ એ તો ચૂંટણીસભાને સંબોધવા ગયેલા તેમાં હાજર ના રહ્યા. મહારાષ્ટ્રના યવતમાલમાં તેમની સભા હતી તેથી તેમણે સર્વપક્ષીય બેઠકને બાજુ પર મૂકી. મોદી માટે પુલવામા હુમલા પછી શું કરવું એ પ્રાયોરિટી હોવી જોઈએ કે યવતમાલની ચૂંટણી સભા?

આ વાત માત્ર મોદી કે ભાજપને લાગુ પડે છે એવું નથી. બીજા રાજકીય પક્ષોને પણ આ વાત લાગુ પડે જ છે. કૉંગ્રેસે પણ આ બેઠકમાં ગુલામનબી આઝાદ ને જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા નેતાઓને મોકલીને એક વિધિ પતાવી. દેશના બીજા રાજકીય પક્ષોના નેતાઓનું વલણ પણ એવું જ હતું ને આ બેઠકમાં મોટા કહેવાય એવા માથાં જ હાજર નહોતાં. તમે લોકસભાનું સત્ર મળવાનું હોય ને તેની ચર્ચા કરવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવી હોય ત્યારે ગમે તેને મોકલી દો એ ચાલે કેમ કે તેમાં કશું ફીણવાનું નથી હોતું. તેમાં વાતોનાં વડાં કરીને છૂટા પડવાનું હોય છે પણ આ તો દેશના સ્વમાન પર થયેલા ઘાની વાત હતી. એ વખતે બધા મોટા નેતાઓએ હાજર રહીને એકતા બતાવવાની ને એક સ્ટ્રોંગ મેસેજ આપવાની જરૂર હતી. બધા રાજકીય પક્ષો આ તક ચૂકી ગયા ને તેના કારણે પણ લોકો નિરાશ છે. તમે બધા રોજ એક થાઓ એવું કોઈ નથી ઈચ્છતું પણ કમ સે કમ આવા પ્રસંગે તો એક થઈને ઊભા રહો.

આ સર્વપક્ષીય બેઠકમાં જે રાજકીય ઠરાવ થયો એ તો સાલુ આખા દેશનાં લોકોએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવો છે. આ ઠરાવમાં આતંકવાદી હુમલાની ટીકા કરાઈ ને તેનો જોરદાર જવાબ આપવાની વાત પણ કરાઈ પણ તેમાં પાકિસ્તાનનો નામજોગ ઉલ્લેખ જ નથી. મોદી આ હુમલા માટે પાકિસ્તાનને જવાબદાર ગણાવે છે, તેમના બીજા પ્રધાનો પણ એ જ વાત કરે છે, કૉંગ્રેસ સહિતના બીજા રાજકીય પક્ષો પણ એ જ વાત કરે છે અને છતાં આપણે સત્તાવાર રીતે પસાર કરેલા રાજકીય ઠરાવમાં પાકિસ્તાનનું નામ લેતા નથી. પાકિસ્તાને આ હુમલો કરાવ્યો એવું રાજકીય ઠરાવમાં પણ લખવાની આપણી હિંમત નથી. પાકિસ્તાનનું નામ લેવાનું આવ્યું તેમાં તો આપણે ડરી ગયા. તેના બદલે સરહદ પારના આતંકવાદની ને એવી બધી વાતો કરી છે. આ બાયલાપણાંની ચરમસીમા કહેવાય. આખો દેશ તમારી સાથે છે ને એ છતાં તમે પાકિસ્તાને આ હુમલો કરાવ્યો છે એવું છાતી ઠોકીને ના કહી શકો તેના કરતાં વધારે મર્દાનગી શું કહેવાય ? આ દેશના રાજકારણીઓ સાવ આવા પોણિયા ને માટીપગા છે એ જોઈને ખરેખર શરમ આવે છે.

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર હાથ પર હાથ મૂકીને બેસી રહી છે એવું પણ નથી. આ સરકારે કેટલાંક નક્કર પગલાં પણ ઉઠાવ્યાં છે. પાકિસ્તાનને અપાયેલો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચી લેવાયો કે પછી પાકિસ્તાનથી આવતા માલ પર કમ્મર બેવડ વળી જાય એટલી ઈમ્પોર્ટ ડ્યૂટી લાદી દેવાઈ એવાં પગલાં લેવાયાં જ છે. આ સારા પગલાં છે પણ આ પગલાંના કારણે આપણે હવે આકરા પાણીએ છીએ એવો મેસેજ જવો જોઈએ એ નથી જતો.

આ બધાં પગલાંથી પાકિસ્તાનને આર્થિક રીતે ફટકો પડશે પણ તેનાથી પાકિસ્તાનને કોઈ ફરક પડતો નથી. આપણે જે પગલાં લીધા તેના કારણે પાકિસ્તાનને કંઈક સાડા ત્રણ કરોડ રૂપિયાની આસપાસનો ફટકો પડશે. હવે એક દેશના અર્થતંત્રમાં આ રકમ સાવ ચણામમરા જેવી કહેવાય ને એટલી રકમ ઓછી આવે તો પાકિસ્તાન પર તેના કારણે આભ તૂટી પડવાનું નથી. પાકિસ્તાન આમ પણ ભિખારી છે ને આપણા વડા પ્રધાન મોદી સાહેબ કહે જ છે કે, આખી દુનિયામાં કટોરો લઈને ભીખ માગ્યા કરે છે. આપણા આર્થિક પ્રતિબંધોના કારણે તેને આર્થિક ફટકો પડશે તો એ કટોરો લઈને બે વધારે જગાએ ભીખ માગશે. હવે પાકિસ્તાનને ભીખ માગવાની જ શરમ નથી ત્યારે તેણે થોડીક વધારે ભીખ માંગવી પડે તેમાં તેનું કશું લૂંટાવાનું નથી એ જોતાં એ પગલાંનો અર્થ નથી.

મોદીએ આપણા લશ્કરને આ હુમલાનો બદલો જે રીતે લેવો હોય એ રીતે લેવાની છૂટ આપી છે. મોદી છેલ્લાં ત્રણ દિવસથી આ વાત કર્યા કરે છે કે, ભારતીય લશ્કર જ્યારે ઈચ્છે ત્યારે, જે રીતે ઈચ્છે એ રીતે ને પોતે નક્કી કરેલા સમયે આતંકવાદીઓને જવાબ આપવાની કાર્યવાહી કરી શકે છે. આપણા લશ્કરનું મોરલ વધારવા માટે આ વાત બરાબર છે પણ તેનાથી પણ કશો અર્થ સરવાનો નથી કેમ કે આપણા લશ્કર પાસે એ નિર્ણયો લેવાની સત્તા નથી. આપણું લશ્કર શિસ્તબદ્ધ છે ને ઉપરથી આદેશ ના આવે ત્યાં સુધી કશું ના કરે. એ બરાબર પણ છે કેમ કે લોકશાહીમાં ચૂંટાયેલી પાંખ જ સર્વોપરિ હોય છે. આ સંજોગોમાં પાકિસ્તાનને પાઠ ભણાવવા મોટું કશુંક કરવું પડે ને એ નિર્ણય મોદી સરકાર જ લઈ શકે.

મોદીએ હવે ખોંખારીને એ નિર્ણય લેવાની ઘડી આવી ગઈ છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

7282308
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com