26-May-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પ્રજામત

દેવદર્શનમાં મહિલાઓ માટેનો

ભેદભાવ સંપૂર્ણ નાબૂદ થવો જોઈએ

આપણા સ્વતંત્ર ભારત દેશમાં દક્ષિણ ભારતમાં અમુક મંદિરોના વહીવટકારો, પૂજારીઓ તથા રૂઢિચુસ્ત જનસમૂહ નારી સમુદાય માટે પોતાના આરાધ્ય દેવના દર્શન પણ દુર્લભ કર્યા છે, આ જૂની પરંપરાનો નિષેધ કરનારા નારીવર્ગનું અપમાન કરાય છે. આવા પ્રકારના ભેદભાવનો ખુલ્લેઆમ વિરોધ થવો આવશ્યક છે.

સૈકાઓ પૂર્વે ઋષિમુનિઓના આશ્રમોમાં આવી પ્રથા દાખલ કરેલી હોય તો હાલના સંજોગો જોતા આવી પ્રથા ચાલુ રાખવી એ નારી સમાજનું અપમાન કરવા બરાબર છે. જડ અભિગમ અને માન્યતાને છોડી દેવી જોઈએ. સ્વમાનપૂર્વક, શ્રદ્ધાપૂર્વક સમાજનાં પ્રત્યેક સ્ત્રી-પુરુષને સમાન અધિકાર આપી મહિલાઓને મંદિર પ્રવેશ આપવો જ જોઈએ. અત્યારનાં સમયની આ માગને સ્વીકારવી જોઈએ. નારીને દર્શનનો અધિકાર પ્રસ્થાપિત કરવો એ જ વર્તમાનયુગનાં નારીજગતની મહેચ્છા પૂર્ણ કરી આપવાની ફરજ છે.

ગિરીશ કેસરીચંદ શાહ

મંગલવાડી, ગીરગામ, મુંબઈ-૪૦૦૦૦૪

‘ઈવીએમ સાથે ચેડાં: હાસ્યાસ્પદ ડહાપણ’

લોકસભાની ચૂંટણી આવી રહી છે એટલે એકબીજા પર આક્ષેપબાજી, વર્ષો વીતી ગયાનાં કૌભાંડો, સાચી ખોટી વાતો જાહેર કરીને પ્રજાને ભરમાવાના, ગેરમાર્ગે દોરીને, ખોટી છાપ ઊભી કરીને ચૂંટણીમાં જીત મેળવવી એ આજકાલ સામાન્ય રાજકીય રમત ચાલુ થઈ છે. કેટલું વિચિત્ર અને અજુગતું છે કે એક સાઈબર નિષ્ણાતનો દાવો છે કે ૨૦૧૪ની ચૂંટણીમાં ઈવીએમ સાથે ચેડાં કરીને જીત મેળવી છે. ૪૧/૨ વર્ષ પછી ખબર પડી! આને શું સમજવું, કેટલું હાસ્યાસ્પદ! એમની પાછળ ચૂંટણી માટેની મેલી રાજકીય રમત હોઈ શકે. આ દેશમાં આવા નિષ્ણાતો છે, જે કોઈની ચડામણી કે અન્ય કારણોસર આવા ખોટા દાવા, સ્ટેટમેન્ટ કરે છે. ન્યૂઝપેપરો તેને હેડલાઈન આપીને, છાપીને પ્રજા માટે ચર્ચાનો વિષય બનાવે છે. આવા જૂના થયેલા જેના માટે કોઈ નક્કર સાબિતી નથી તેવા સમાચારો ન છપાય તો વધારે સારું. હવે કાનૂની પગલાં લેવા માટે તૈયારી થશે. સમય અને સંપત્તિનો દુર્વ્યય થશે. પરિણામ ક્યારે આવશે? વર્ષો પછી!

- હસમુખ પારેખ

કામાલેન, ઘાટકોપર (વે), મુંબઈ-૪૦૦૦૮૬.

(તરકટી) એકતામાં અનેકતા

ટીએમસીનાં નેતા મમતા બેનરજીની મોદી ઝુંબેશ માટે કહી શકાય ‘તારું મારું સહિયારું, મારું મારા બાપનું!’ બધી જ વિરોધી પાર્ટીઓને એક કરવાના પ્રયાસો ભ્રામક લાગે છે. એકતાના નારા સાથે ચંદ્રશેખર, માયાવતી, રાહુલ-સોનિયા, પટનાયક તથા ઓવૈસી, મહેબૂબા જેવા મુસ્લિમ નેતાઓની ગેરહાજરી નોંધપાત્ર રહી. મોદી વિરુદ્ધનાં આંદોલનો પેલા બીજેપીના નેતાઓ બિહારીબંધુઓ અને અરુણ શૌરીની હાજરી હવે એક ફેશન પડી ગઈ છે. મમતાની વિશાળ જનસભામાં આ નેતાઓ કેવા વામણા દેખાતા હતા? સબળ નેતૃત્વવાળા એવા મોદીએ જનમેદની જોઈને કેવો ડાયલોગ માર્યો, ‘ક્યા સીન હૈ’ ખૂબ જ સૂચક લાગ્યો. મમતા બેનરજીના બીજી પાર્ટી સાથેના સંબંધો સ્વર, તાલ અને રાગની વિસંગતિથી સભર છે. આથી પૂરું ઑરકેસ્ટ્રા બેસૂરું લાગે છે. શું આવો સંઘ દ્વારકા પહોંચશે કે ડૂબી જશે?

- અરુણ વ્યાસ

વસ્ત્રાપુરા, અમદાવાદ.

હાય હાય અમદાવાદ

લલચામણી સ્કીમો દ્વારા અનેક રોકાણકારોના કરોડો રૂપિયાની છેતરપિંડી કરતા અને રફુચક્કર થતા કૌભાંડીઓ, ઔદ્યોગિક એકમોમાંથી કાયમ છોડવામાં આવતા કેમિકલયુક્ત પાણીથી ફેલાતી ગંદકી અને તીવ્ર વાસથી ત્રસ્ત સ્થાનિકો, ફલેટોમાં ગેરકાયદે ચાલતા ડબ્બા ટ્રેડિંગ, કોલ સેન્ટરો - મસાજ પાર્લરો, લાંબા સમયથી અટવાતી ટીપી સ્કીમોના લીધે ઠેર ઠેર ગેરકાયદે બાંધકામ સહિતની સર્જાતી ગંભીર સમસ્યાઓ, લોકોની મરણ મૂડીના પૈસા ઓળખતા ધર્મ - સમાજના નામે ચાલતા ટ્રસ્ટોના ટ્રસ્ટીઓ, ટ્રાફિકની તરાહનો ઘનિષ્ઠ અભ્યાસ કર્યા વગર બનાવાયેલા ઓવરબ્રિજ અને ડબલડેક્કર બ્રિજ, અસાધારણ પ્રમાણમાં વધી રહેલા રખડતાં કૂતરાઓનો ત્રાસ, ઘરે બેઠા ઓનલાઈન નાણાં કમાવાની લાલચ આપીને લોકો સાથે ચારસોવીસી કરતી મહિલાઓ, ડસ્ટબિન વહેંચણીમાં ભેદભાવ અને ભ્રષ્ટાચાર આદિ બાબતો અમદાવાદના નગરજનો માટે બહુ અન્યાયકર્તા છે.

- જિતેન્દ્ર ઠાકોરલાલ બ્રહ્મભટ્ટ

મણિનગર, અમદાવાદ - ૩૮૦૦૦૮.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

007K55
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com