23-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કાલાચોકીમાં દોડતી ટ્રક સામે ધકેલી મિત્રની હત્યા: આરોપીની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: બિયરબારમાં દારૂ પીતી વખતે મોબાઈલ ફોનને લઈ થયેલા વિવાદમાં મિત્રને ચાકુની ધાકે દોડતી ટ્રક સામે ધકેલી દેવામાં આવ્યો હોવાની ઘટના કાલાચોકી નજીક બની હતી. ટ્રકના ટાયર નીચે કચડાઈ જવાને કારણે મિત્રનું મૃત્યુ થતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી યુવાનની ધરપકડ કરી હતી.

કાલાચોકી પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ શિવાજી મોહિતે (૨૯) તરીકે થઈ હતી. કાલાચોકીના લેબર ડૉક બોર્ડ ખાતે રહેતા મોહિતે વિરુદ્ધ મલબાર હિલ, ડી. બી. માર્ગ અને કાલાચોકી પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ પરેલના કાળેવાડી ખાતે રહેતો મૃતક કિશોર કૈલાત (૩૨) પરેલમાં જ રહેતા મિત્ર વિજય સાળવે (૩૦) સાથે શનિવારની રાતે કોટનગ્રીન પાસેના બિયરબારમાં દારૂ પીવા ગયો હતો. બારમાં આવેલા આરોપી મોહિતેને કૈલાત ઓળખતો હોવાથી તેણે સાળવે સાથે તેની ઓળખાણ કરાવી હતી.

પોલીસ ફરિયાદ અનુસાર મધરાતે કૉલ કરવા માટે મોહિતેએ કૈલાત પાસે તેનો મોબાઈલ ફોન માગ્યો હતો. ફોન આપવાનો ઇનકાર કરનારા કૈલાતને ઉશ્કેરાયેલા મોહિતેએ ગાળાગાળી કરી જાનથી મારવાની ધમકી આપી હતી. ડરી ગયેલા કૈલાત અને સાળવે બિલ ભરી બારની બહાર નીકળ્યા હતા. તેમની પાછળ પાછળ બહાર આવેલા મોહિતેએ કૈલાતને કૉલરથી ઝાલ્યો હતો અને ચાકુની અણીએ ધમકાવવા લાગ્યો હતો. આ દૃશ્ય જોઈ રાહદારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી.

કહેવાય છે કે એ જ સમયે પૂરપાટ વેગે ટ્રક ત્યાંથી પસાર થઈ રહી હતી. આરોપી મોહિતેએ કથિત ઇરાદાપૂર્વક કૈલાતને ટ્રકને સામે ધકેલી દીધો હતો. ટ્રક કૈલાત પર ફરી વળતાં તે ગંભીર રીતે ઘવાયો હતો. કેઈએમ હૉસ્પિટલમાં દાખલ કરાયેલા કૈલાતનું સારવાર દરમિયાન રવિવારે મળસકે મૃત્યુ થયું હતું. દરમિયાન ઘટના બાદ ફરાર થઈ ગયેલા આરોપીને પોલીસે મળસકે પાંચ વાગ્યાની આસપાસ અલ્બર્ટ જંક્શન સ્થિત સ્કાયવૉક પરથી પકડી પાડ્યો હતો અને તેની પાસેથી ચાકુ જપ્ત કર્યું હતું.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

l54388
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com