24-June-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ગણપતભાઈના સપનાને પદ્મશ્રી મળ્યો
ગણતંત્રદિવસની પૂર્વ સંધ્યાએ દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનાર્થે કેન્દ્ર સરકાર દ્વારા પદ્મશ્રી એવૉડર્સ જાહેર થયા એમાં 6 પદ્મશ્રી એવા પણ હતા જે ભારતીય મૂળના હોય પણ અમેરિકામાં સ્થાયી થયા હોય. આ યાદીમાં એક ગુજપુરુષ ગણપતભાઇ પટેલ પણ સામેલ છે

પ્રાસંગિક-મુકેશ પંડ્યાગુજરાતની 2017ની વિધાનસભાની ચૂંટણી વખતે પટેલ સમાજને વિવિધ શિક્ષણ સંસ્થાઓમાં આરક્ષણ મળે તે માટે આપણે રસ્તા પર ઉતરતા અને આંદોલન કરતા જોયો હતો, પરંતુ રસ્તા ઉપર આખેઆખી યુનિવર્સિટી ઉતારનાર અને નવી પેઢીના દિમાગમાં વિદ્યા અને શિક્ષણનું આંદોલન જગાવનાર પટેલને તમે જાણો છો?

જી.. હાં, જાણીતા શિક્ષણવિદ્ અને એન્જિનિયર ગણપતભાઇ પટેલ જેમને દસ દિવસ પહેલાં જ ‘લિટરેચર એન્ડ એજ્યુકેશન’ની કેટેગરીમાં જ ભારત સરકાર તરફથી પદ્મશ્રીનું સન્માન આપવાની ઘોષણા થઇ તે ખરેખર તમામ ગુજરાતીઓએ ગૌરવ લેવા જેવી ઘટના છે.

કેલિફોર્નિયા(અમેરિકા)ના ટ્યૂસ્ટિન વિસ્તારમાં સ્થિત ચેરોકી ઇન્ટરનેશનલના સ્થાપક અને ચેરમેન એવા અમેરિકી ગુજ્જુ ગણપતભાઇને ઉદ્યોગપતિ અને વેપારી હોવાનો સંતોષ તો હતો જ, પરંતુ એક શિક્ષણવિદ્ તરીકે એમણે જે પ્રશંસનીય કામ કયુર્ં તેમાં તેમની એક વિદ્યાદાનની મહેચ્છા કામ કરી ગઇ છે. તેઓ હૃદયપૂર્વક એવું માને છે કે વિદ્યા જ સમાજમાં ક્રાંતિકારી બદલાવ લાવી શકેે છે. વિદ્યા થકી જ રોજગારીના નવા નવા અવસરો પ્રાપ્ત કરી શકાય છે.

ગુજરાતના મહેસાણામાં વર્ષ 1946માં ગણપતભાઇ પટેલનો જન્મ થયો ત્યારે તો આ વિસ્તાર બિલકુલ અવિકસિત હતો. તેમના પિતા ખેડૂત હતા. ખેતીવાડીનું કામ સંભાળતા તેમના પિતાના સૌથી જુવાન પુત્ર એટલે ગણપતભાઇ. દરેક પિતાને ઇચ્છા હોય છે એવી સંતાનને સારામાં સારું શિક્ષણ આપવાની ઇચ્છા ગણપતભાઇના પિતાના મનમાં પણ હતી. આ ઇચ્છા તેમને અમેરિકામાં ભણવા મોકલવાથી પૂરી તો થઇ, પણ તેમના પિતાના મનમાં એવી પણ આકાંક્ષા હતી કે ગુજરાતમાં પણ ભવ્ય યુનિવર્સિટીઓ હોય, ગુજરાતમાં પણ શિક્ષાનું ધોરણ સુધરે. બાપ તેવા બેટા-વડ તેવા ટેટા આ કહેવત આ પિતા પુત્રના કિસ્સામાં સાચી પડી. પિતાનું સ્વપ્ન એ ગણભાઇ પટેલનું મહાસ્વપ્ન બની ગયું.

હાલમાં જ પદ્મશ્રી એવૉર્ડ મળ્યા પછી તેમણે આપેલ આભાર સંદેશમાં તેઓ એન્જિનિયરિંગ ક્ષેત્રમાંથી શિક્ષણ ક્ષેત્રમાં કેવી રીતે સરી પડ્યા તેનો ચિતાર તેમણે આપ્યો તે સહુ વાચકોએ જાણવા જેવો અને પ્રેરણાદાયી છે.

રાષ્ટ્રપતિ શ્રી રામ કોવિંદ, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી વિજય રૂપાણીનો આભાર માન્યા બાદ તેમણે જે વક્તવ્ય આપ્યું તેમાં જણાવ્યું કે કેલિફોર્નિયામાં તેમના મિત્ર અનિલભાઇ અને પત્ની શારદાબેન મળવા આવ્યા હતાં ત્યારે તેમણે અમદાવાદમાં સાયન્સ કૉલેજ ઊભી કરવા ડોનેશન માટે વિનંતી કરી હતી.

અગિયાર લાખ રૂપિયાનું દાન ગણપતભાઇ કરે એવી એમની ઇચ્છા હતી. ગણપતભાઇએ એ જ દિવસે રાત્રે ઘરે તેમના ધર્મપત્ની મંજુલાબેનને આ વાત કરી અને તેમણે પણ હોંશે હોંશે આ વાતને મંજૂરી આપી દીધી. બીજે જ દિવસે તેમણે આ કોલેજ માટે રૂપિયાઅગિયાર લાખનું દાન આપવાનું કબૂલ કર્યું. ગણપતભાઇ હસતાં હસતાં કહે છે કે અમારા પરિવારમાં સ્ત્રીઓનું પ્રમાણ વધું છે અને તે પણ પાછી ઉદાર સ્ત્રીઓ છે. મારા માતા પરગજુ અને સેવાભાવી હતાં. ઘરે કોઇ જરૂરિયાતવાળી વ્યક્તિ આવી હોય તો ખાલી હાથે પાછું ન જાય તેની તકેદારી રાખતાં. કોઇ છાશ માગવા આવ્યું હોય અને પૂરતી છાશ ન પણ હોય તોય પાણી રેડીને કે કોઇ પણ પ્રકારે છાશ લેવા આવનારને ખાલી હાથે કદી ન મોકલતાં. મારી પત્ની અને દીકરીઓ પણ ઘણી ઉદાર મનોવૃત્તિની છે, જેમના સહકાર્યથી અમદાવાદના મહેસાણા જિલ્લામાં એક વિજ્ઞાન શાખાની કોલેજ શરૂ થઇ.

આ કોલેજ ગણપતભાઇના પત્નીના નામે - મંજુલાબેન સાયન્સ કોલેજ તરીકે ઓળખાય છે. આ કોલેજનું કામ ચાલતું હતું ત્યારે જ દિવાળી પર અનિલભાઇનો સાલમુબારકનો ફોન ગણપતભાઇ પર આવ્યો હતો ત્યારે ગણપતભાઇએ અનિલભાઇને કહ્યું કે તેમણે કોલેજ બાંધવા સારી એવી જહેમત ઉઠાવી છે, પણ લાગે છે કે અગિયાર લાખ ઓછા પડશે. ગણપતભાઇએ તેમના દાનની રકમ વધારીને તે જ ક્ષણે એકવીસ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી. પછી તો આ કોલેજનું શાનદાર ઉદ્ઘાટન થયું અને ગણપતભાઇએ ઉદ્ઘાટન વિધિમાં ભાગ લઇને પાછા અમેરિકા જવા એરપોર્ટ તરફ જતા હતા ત્યારે તેમને એરપોર્ટ સુધી વળાવવા અનિલભાઇ પણ ગયા હતા. શિક્ષાદાનને જ મહાદાન ગણતાં ગણપતભાઇને રસ્તામાં જ એક વિચાર આવ્યો. તેમણે અનિલભાઇને પૂછ્યું કે એક કરોડનું દાન આપવામાં આવે તો શિક્ષણક્ષેત્રે શું કરી શકાય?

અનિલભાઇએ ત્યાં જ ડ્રાઇવરને ગાડી થોભાવવાનું કહ્યું અને એવી જમીન બતાવી જ્યાં આખું યુનિવર્સિટી કોમ્પ્લેક્સ ઊભું કરી શકાય. એ સમયે ગણપતભાઇનો બિઝનેસ સારો ચાલતો હતો અને સારા કામની શરૂઆત થાય તો સહકાર પણ મળતો જાય. ગણપતભાઇને તેમના પત્ની અને દીકરીઓનો તો ખૂબ સહકાર હતો જ, પણ સાથે સાથે તેમના સ્થાનિક મિત્રોનો પણ ખૂબ સપોર્ટ મળ્યો અને જોતજોતામાં આખું શિક્ષણ સંકુલ ઊભું થઇ ગયું જે ગણપત યુનિવર્સિટી તરીકે સુવિખ્યાત છે. સાલ 2015માં જેમને ગુજરાત રત્નથી નવાજવામાં આવ્યા હતા એવા ગણપતભાઇ આ યુનિવર્સિટીના પેટ્રન ઇન ચીફ છે.

ગણપતભાઇ ગણપત વોલન્ટરી ટીચિંગ મુવમેન્ટ (જીવીએમ) નામક એક અભિયાન પણ ચલાવી રહ્યા છે, જેના અંતર્ગત ઉત્તર ગુજરાતમાં આવેલા આ મહેસાણા જિલ્લાના આઠ ગામોને દત્તક લઇને ત્યાંના સેંકડો વિદ્યાર્થીઓના ઉત્થાન માટે કાર્ય થઇ રહ્યું છે.

ગણપતભાઇ કહે છે કે, ‘જ્ઞાન તમને એ જગ્યાએ લઇ જઇ શકશે જ્યાં પહોંચવાની ઇચ્છા તમે ધરાવો છો. તમારા જીવનમાં શિક્ષણ અને જ્ઞાનને અચૂક મહત્ત્વ આપો. જેમ માછલીની જિંદગી માટે પાણી ખૂબ જરૂરી છે તેમ માણસની જિંદગીમાં શિક્ષણનું અત્યંત મહત્ત્વ છે.’

તેમની યુનિવર્સિટીમાં નવી પેઢીને શિક્ષણ આપવાની પદ્ધતિ વિશે પણ તેઓ અતિ ઉત્સાહથી કહે છે કે,‘ અમે દરેક વિદ્યાર્થી સર્વગુણ સંપન્ન થાય એવી વિચારધારા અપનાવી છે. માત્ર કોરું ભણતર નહીં, વિદ્યાર્થીમાં દયાભાવ અને કરુણાના સંસ્કાર પણ હોવા જોઇએ. ક્લેવરનેસ વીથ કાઇન્ડનેસ, એ હેતુને ધ્યાનમાં રાખીને શિક્ષણ અપાય છે. ’

વાહ, યુનિવર્સિટીને માત્ર પ્રોફેશનલો તૈયાર કરવાનું મશીન ન સમજતા એક ઉમદા માનવ તૈયાર કરવાનું સાધન સમજતાં ગણપતભાઇ પટેલ દાયકાઓથી આ ભગીરથ કાર્ય કરી રહ્યા છે અને માત્ર ધન જ નહીં, પણ પૂરા તન-મનથી સહકાર આપી રહ્યા છે ત્યારે ભારત સરકારે તેમને પદ્મશ્રી આપીને સન્માન આપ્યું છે તે ખરેખર આવકારદાયક અને અન્ય લોકો માટે પ્રેરણાદાયી પણ બની રહેશે.

ઉલ્લેખનીય છે કે 300 એકરની જમીનમાં 50,000થી પણ વધુ વૃક્ષો ધરાવતા યુનિવર્સિટીના આ કેમ્પસમાં વિવિધ શાખાઓમાં 10,000થી પણ વધુ વિદ્યાર્થીઓ એન્જિનિયરીંગ અને એમ.બી.એનું શિક્ષણ લઇ રહ્યા છે. વિશ્ર્વ કક્ષાની સગવડો ધરાવતી અને અનેક કોલેજો તેમ જ હોસ્ટેલ,જિમનેશિયમ સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડતી પશ્ર્ચિમ ભારતની ‘બેસ્ટ ખાનગી યુનિવર્સિટી’ તરીકેનો એસોચેમ (એસોસિયેટેડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી) એવૉર્ડ પ્રાપ્ત કરનાર આ શિક્ષણ સંકુલને તેની સ્થાપના (2005)થી લઇને અત્યાર સુધીમાં કેટલાય ક્ષેત્રોમાં અનેક એવોર્ડ

મળી ચૂક્યા છે કે અહીં તેની યાદી લખવા બેસીએ તો આ એક પાનું

ઓછું પડે.

તમે કોઇને સો રૂપિયા આપો એ ધનદાન કહેવાય અને આ સો રૂપિયા તો એક જ દિવસમાં ખર્ચાઇ જાય, પણ જો તેને જ્ઞાનનું દાન આપવામાં આવે તો એ ખુદ જ આખી જિંદગી લાખો રૂપિયા કમાઇ શકે તેવો કુશળ બની જાય.

સાચે જ વિદ્યાદાન શ્રેષ્ઠ દાન છે એવું માનતા તોંતેર વર્ષીય એન્જિનિયર કમ શિક્ષણશાસ્ત્રી ગણપતભાઇ પટેલને દેશનું સર્વોચ્ચ માન મળ્યું છે તે જાણીને એક ગુજરાતી કરીકે આપણને સહુને ગર્વ થવો જોઇએ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

e881Go
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com